એક નજર નમિબિયાના વન્ય પ્રાણીઓ પર
નમિબિયાનો લેન્ડસ્કેપ જેટલો વિવિધતાસભર, એટલી જ ભિન્ન એની વન્ય પ્રાણી પ્રજાતિઓ. આમ તો નમિબિયાનો મોટાભાગનો પ્રદેશ ખાસ્સો શુષ્ક, જ્યાં દૂર દૂર સુધી રણ પ્રદેશ. છતાં આફ્રિકામાં સૌથી આગવું વન્ય અભ્યારણ ધરાવતો દેશ એટલે નમિબિયા. 22,00૦ કિ.મી. વર્ગમાં છવાયેલું નમિબિયાનું વિશાળ ઈટોશા નેશનલ પાર્ક, આફ્રિકાનું સૌથી મોટું અભ્યારણ. એમાં વચ્ચે સફેદ માટી અને મીઠાથી બનેલું કોરુંકટ સૂક્કું તળાવનું 4800 કિ.મી.માં પથરાયેલું મસમોટું Etosha Pan, જેને આપણે ગુજરાતીમાં અગરખો પણ કહી શકીએ.
આ અદ્દભુત અભ્યારણમાં આફ્રિકાની 100થી વધુ વન્ય-પ્રાણીઓની પ્રજાતિઓ અને 400થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ વસવાટ કરે છે. તો અહીંની પશ્ચિમી સીમા પર એટલાન્ટીક મહાસાગર પથરાયેલો છે, જેમાં જળચર પ્રાણીઓનો અલગ નજારો જોવા મળે એ વધારાનો! અહીં તમને હજારોની સંખ્યામાં સીલ ડોલફિન અને વહેલ જોવા મળે છે. અહીંની સૌથી મોટી અજાયબી તો કુનીનીના અફાટ રણમાં વસતા 150 સિંહો છે! જે અનેક ભૌગોલિક વિષમતાઓ હોવા છતાં આ ભૂમિ પર ગર્વભેર ટકી રહેલા છે. આમ તો આ મરુ ભૂમિમાં ચોમાસા સિવાય પાણીનો સદંતર અભાવ હોય. પરંતુ અહીં જેમ્સબોક્સ ઓરેક્સ અને હરણ જેવા પ્રાણીઓ પણ આ વિસ્તારમાં રહેતા હોવાથી આ સિંહોને નિર્વાહ મળી રહે છે અને આ કારણે જ તેમની વસ્તી હજુ પણ ટકી છે. જો કે અમને એવી ભીતિ છે કે, કુનીનીની આજુબાજુ વસેલી માનવ વસ્તી જોડેના સંઘર્ષના કારણે કદાચ આ દુર્લભ રણમાંથી સિંહો થોડા સમયમાં જ લુપ્ત ન થઈ જાય. આમેય આપણે કહેવાતા બુદ્ધિશાળી જીવો એટલે કે માણસોએ ક્યાં આ પ્રાણીઓને શાંતિથી જીવવા દીધા છે? પ્રાણીઓના જ વિસ્તારમાં પગપેસારો કરીને માણસોએ પ્રાણીઓની કેટલીય પ્રજાતિઓને મોટાપાયે નુકશાન કર્યાંના તો કેટલાય ઉદાહરણો પ્રાપ્ત છે.
ખેર, આજે આપણે એ વાતોમાં નથી પડવું. ઈટોશામાં આ ઉપરાંત તમને દીપડા, ચિત્તા, શિયાળ જેવા પ્રાણીઓ પણ જોવા મળશે. આફ્રિકામાં ચિત્તાની સૌથી વધારે વસ્તી અહીં જોવા મળે છે. આ ઉપરાંત બ્લેક અને વ્હાઈટ ગેંડા, જે આખી દુનિયામાં નષ્ટ પામી રહ્યા છે એ તમને નમિબિયામાં વધુ પ્રમાણમાં જોવા મળશે. હા, જો કે ચાઈનીસ પર્યટકો નમિબિયા આવતા થયા છે તો તેઓ કદાચ અહીં પણ ગેંડાનો કચ્ચરઘાણ કાઢી દે તો નવાઈ નહીં!
આ ઉપરાંત નમિબિયામાં જિરાફ, જાતજાતના હરણ, ઝેબ્રા અને વિલ્ડબિસ્ટ જેવા પ્રાણીઓ પણ વસવાટ કરે છે. આ પ્રાણીઓની વસતીને કારણે જ નમિબિયાનું રણ વધુ સમૃદ્ધ લાગે છે. તેની આ સમૃદ્ધિ હંમેશને માટે ટકી રહે એ માટે અહીંની સરકાર અને સ્થાનિક લોકો સાથે પ્રવાસીઓએ પણ અત્યંત કાળજી અને સતર્કતા રાખવી પડશે.
Game Viewing
નમિબિયામાં Game એટલે કે જંગલી પ્રાણીઓની શિકારની પ્રવૃત્તિ જોવા માટેનો ઉત્તમ સમયગાળો મે થી ઓક્ટોબરના મહિનાઓનો છે. તો જેને પક્ષીઓ જોવામાં રસ હોય એમના માટે નવેમ્બરથી એપ્રિલનો સમયગાળો શ્રેષ્ઠ ગણાય છે. નમિબિયામાં ઘણા વોટરહોલ આવેલા છે, જેમાંના કેટલાક કુદરતી છે તો કેટલાક માનવસર્જિત છે. આને કારણે પ્રાણીઓને આખું વર્ષ પાણી મળી રહે છે અને પાણી માટે વલખા મરવા નહીં પડતા હોવાને કારણે એમની વસ્તી પણ એ વિસ્તારોમાં વધતી જોવા મળે છે. નમિબિયન નેશનલ પાર્કમાં રસ્તાઓ ઘણા જ સરસ હોય છે અને આફ્રિકાના બીજા દેશોથી વિપરીત અહીં તમે જાતે ડ્રાઈવ કરીને પણ આ પ્રાણીઓને નજીકથી જોઈ શકો છો.
હા, જો કે સૂર્યાસ્ત થાય એટલે તમારે ફરજિયાત તમારા રિસોર્ટ પર પહોંચી જવું પડે. નહીંતર... અમે તમને ગભરાવવા નથી માગતા પણ અજાણી ભૂમિમાં સેંકડો માંસાહારી જીવો વચ્ચે રહેવું તમારા બહુ હિતવહ નહીં ગણાય. શું કહ્યું? હા, અહીં તમને પાર્કની ગાઈડેડ સફારી ટ્રીપનો જરૂર લાભ મળી રહેશે. ઈટોશાના ત્રણ મોટા કેમ્પ્સ છે ઓકાઉક્યુએઓ, હલાલી અને નામુટોની કેમ્પ. આ ત્રણ કેમ્પની મદદથી અહીં તમે નાઈટ સફર પણ કરી શકો. અલબત્ત એમના જ વ્હિકલ અને ગાઈડ જોડે.
આફ્રિકન જંગલમાં નાઈટ સફારી દરમિયાન અમને એક રોમાંચક અનુભવ થયો હતો, પણ એ રાતનું અવિસ્મરણીય સંભારણું તમને ફોટોગ્રાફ્સ સાથે કહીશું. ઈટોશાના આ ત્રણ બેઝ કેમ્પ્સની એક બીજી અદ્દભુત વિશેષતા એ છે કે, કેમ્પ્સને લગોલગ જ એક મોટું તળાવ છે, કે જેમાં 24 કલાક વિવિધ પ્રાણીઓની અવિરત અવર-જવર રહે છે. ઈટોશામાં ઘણી લૉજ અને હૉટલ છે, પણ આ ત્રણ કેમ્પ્સ નમિબિયન ગવર્નમેન્ટ સંચાલિત હોવાને કારણે આવો લાભ પેલી હૉટેલ્સમાં નહીં મળે. આથી ઈટોશા રહેવું હોય તો આ ત્રણ બેઝ કેમ્પ્સમં જ રહેવું. રાતની ફ્લડલાઈટ હોય, વચ્ચે દીવાલ હોય અને ચોતરફ બાંકડાઓ, જ્યાં તમે કોફી કે તમારું મનગમતું માદક પીણું લઈને આખી રાત બેસીને લહાવો લઈ શકો.
હજું ગુજરાતીઓ ત્યાં પહોંચ્યા નથી, જેના કારણે ત્યાં બેસતા દર્શકગણમાં અમને નવાઈ પમાડનાર શાંતિ જોવા મળી. ત્યાં ભાગ્યે જ કોઈ વાત કરે છે, અને જે કોઈ વાત કરે તો તેઓ કાનમાં હળવેથી ગુસપુસ કરે! આપણા ગુજરાતીઓનું જો ઝૂંડ ત્યાં ગયું હોય તો 100 મીટર દૂર બેઠેલાને સંભળાય એવી બૂમ પાડે. ‘એય, જો પેલી કોરથી બાપુ (સિંહ) આવ્યો!
ચાલો તો, આવો જોઈએ નમિબિયાના થોડા વન્યજીવનનાં ફોટોગ્રાફ્સ…
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર