ડાંગ જતી ટ્રેન પર 'છૈયા છૈયા' કરવાનો આનંદ
વરસાદની મોસમ શરૂ થઈ ગઈ છે અને સાથે શરૂ થઈ છે વઘઈ અને ડાંગના પ્રવાસની મોસમ. આજકાલ રવિવારે સુરતથી ઘણા સાયક્લિસ્ટ ગ્રુપ્સ ડાંગની મજા માણવા સુરતથી કારમાં સાયકલ લઈને ડાંગ સુધી જાય છે અને ત્યાં લગભગ 35-40 કિ.મી. જેટલું સાયકલિંગ કરીને સાંજ સુધીમાં સુરત પાછા આવે છે.
તો વળી કેટલાક ગાડી લઈને પણ મિત્રો સાથે નીકળી પડે ડાંગની સહેલગાહે! પરંતુ જો તમારે સાયકલ ચલાવવી ન હોય અને ગાડી પણ ન હંકારવી હોય અને ફક્ત બારીમાંથી બહાર ડોકીયું કરીને, ચહેરા પર ઠંડા પવનની લહેરકી માણવી હોય અથવા 'આરાધના' ફિલ્મની શર્મિલા ટાગોરની જેમ ‘મેરે સપનો કી રાની’નું ગીત મોબાઈલમાં સાંભળતા લીલીછમ ધરતી નિહાળવી હોય તો શું કરવું?
તો તમારે બીલીમોરા જંકશન રેલવે સ્ટેશનથી વઘઈની નેરોગેજ ટ્રેન પકડવી. અસલ જમાનાની આ નાનકડી ટ્રેનમાં સફર કરવાની ખૂબ જ મજા આવે છે. લાકડાના પાટિયાવાળી આ ટ્રેન રસ્તે આવતા દરેક નાના સ્ટેશન પર ઊભી રહે છે અને તે સ્ટેશન્સ પણ કેવા સુંદર હોય છે. દરેક સ્ટેશન પર એક વડનું ઝાડ હોય છે, જેની ઘટાટોપ લીલોતરી જોઈને દિલને અદમ્ય આનંદ મળે છે.
ટ્રેનની સફર ચાલુ થાય અને ટ્રેન જેવું ચીખલીનું સ્ટેશન છોડે કે, ચોતરફ તમને હરિયાળી દેખાય. આ શુદ્ધ હવાથી તમારા ફેફસાં ભરી લેવાનું ભૂલતા નહીં. ટ્ર્રેન ચાલતી હોય ત્યારે ગામના લોકો રસ્તા ઉપર જતા-આવતાં નજરે પડે. આ ટ્રેન મારફતે ડાંગના લોકોના ઘરમાં તેમના જીવન જરૂરિયાતની સામગ્રી આવતી રહેતી છે. એટલે દરેક સ્ટેશન પર માલ સામાન ઉતરતો રહે છે. કેટલાક લોકો ઉતરે અને કેટલાક ચઢે, આપણી સામે સ્મિત પણ કરે. એમને ફોટા પડાવવાનું કહીએ તો કોઈક શરમાઈ જાય અને કોઈ ખુશીખુશી ફોટોગ્રાફ્સ પડાવે.
આ ટ્રેઈનના પ્રવાસમાં અમે ઘણા મિત્રો સાથે ગયા હતા. ચીખલી સ્ટેશન છોડ્યા પછી જોયું તો ઘણા લોકો છાપરે બેસી ગયા હતા. કોલેજ કાળમાં એક વાર અમે થોડા મિત્રો દમણ ગયા હતા. ત્યારે બસના છાપરે મુસાફરી કરેલી અને પોલીસે અમને ધમકાવીને નીચે ઉતારેલા. જોકે ટ્રેન પર ચઢીને મુસાફરી કરવાના એ વખતના અમારા અભરખા પૂરા કરવા અમે પણ ટ્રેન પર આસન જમાવ્યું. ચાલતી ટ્રેનની ઉપરથી નીચે ધસમસતી નદીના અને એકબીજાના ફોટોગ્રાફ્સ ક્લિક કરવાની અમને અત્યંત મજા આવી. એમાંય જ્યારે ટ્રેન બ્રીજ પરથી પસાર થાય ત્યારે જે મજા આવે એની તો વાત જ શું કરવી? ઘણી વાર સ્ટેશન આવે એટલે નીચે ઉતરીને અમે થોડા ફોટોગ્રાફ્સ ક્લિક કરીએ અને ટ્રેન જેવી શરૂ થાય કે દોડતાક ટ્રેનને પકડી લઈએ.
લગભગ બપોરે 2 વાગ્યે આ ટ્રેન વઘઈ પહોંચે અને પછી ફરી એ ટ્રેન બીલીમોરા તરફ નીકળે. અહીંથી ગીરા ધોધ નજીક છે, જ્યાં જઈને તમે સ્નાન કરી શકો છો. અલબત્ત ધોધમાં સ્નાન કરતી વખતે તમારે અત્યંત સચેત રહેવું. તો આવો બીલીમોરાથી વઘઈની ટ્રેનની મુસાફરી કરીએ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર