અમીરોનું દુબઈ, ગરીબોનું દુબઈ
દુબઈની સૌથી મોટી વિશેષતા કઈ? ત્યાંની સાત તારક હોટેલો કે ત્યાંની આંખ આંજી દેતી મસમોટી ઈમારતો? કે પછી ત્યાંના રસ્તા પર રખડતી ગાડીઓ? અમારા મતે તો દુબઈની સૌથી મોટી વિશેષતા છે અહીંના લોકોની બેસુમાર પૈસો કમાવાની અને એ જ પૈસાને બાદશાહીથી ખર્ચવાની આવડત! દુબઈના લોકોએ પોતાની ભૂમિ અને એમના દેશને દુનિયા સમક્ષ એવી અદભુત રીતે પ્રોજેક્ટ કર્યા કે, દુનિયાના લોકો એ ભૂલી જ ગયા કે આ વિસ્તારની આજુબાજુ સાઉદી, ઈરાક અને ઈરાન જેવા વિચિત્ર અને અશાંત દેશો આવેલા છે. આ ઉપરાંત આ દેશની આજુબાજુ જોર્ડન જેવા હજારો વર્ષની સંસ્કૃતિ ધરાવતા દેશો તેમજ અનેક જોવાલાયક સ્થળો આવેલા હોવા છતાં લોકો દુબઈ તરફ આકર્ષાઈ રહ્યા છે.
આ શહેર છે અત્યંત અમીરો અને અત્યંત ગરીબોનું! ત્યાંના સ્થાનિક અમીરાતીઓ, જેઓ દેશની કુલ વસતીમાં માત્ર બાર ટકા વસતી ધરાવે છે તેઓ, અઢળક સંપતિ ધરાવે છે. તો બીજી તરફ જેમની કાળી મજૂરીથી આજનું દુબઈ બન્યું છે એવા ભારતીય ઉપખંડના મજૂરોની સ્થિતિ અત્યંત સામાન્ય છે. આ બે વર્ગની વચ્ચે એક વ્હાઈટ કોલર અને વધતો જતો સમૃદ્ધ ઍક્સપેટ્રીએટ્સનો પણ અલગ વર્ચસ્વ ધરાવતો વર્ગ છે. આ તો થઈ થોડી ટીકા ટિપ્પણીઓ, હવે આપણે દુબઈના જાણીતા અને માનીતા સ્થળો વિશેની થોડી વાત કરીએ, જે સ્થળો પ્રવાસીઓના પસંદીદા છે.
દુનિયાભરના પર્યટકોને દુબઈની શૉપિંગનું ભારે ખેંચાણ છે. પેરીસનું શેન્ઝીલિઝ અને ન્યુયોર્કની ફિફ્થ એવન્યુ જો શૉપિંગના કેપિટલ કહેવાતા હોય તો દુબઈના મોલ્સ પણ શૉપિંગની બાબતે કંઈ ઉતરે એવા નથી. અહીં સસ્તુ શોધવું અત્યંત મુશ્કેલ છે, પણ તોય ખરીદી નહીં કરીને અહીંના મોલ્સના ઝળહળાટમાં ફરવાનો આનંદ પણ અનેરો છે. મોલ ઑફ અમીરાતમાં શૉપિંગ કરતા કંટાળો આવે એટલે મોલમાં જ સાચા બરફ સાથે સ્કીઈંગની મજા માણવા મળે. તો વળી દુબઈ મોલમાં પચાસ મીટર લાંબુ એક્વેરિયમ હોય, જેમાં શાર્ક જોડે તમે સ્કૂબા ડૂબકી મારી શકો!
દુનિયાનાં બધા જ ડિઝાઈનર લેબલ તમને અહીંના મોલ્સમાં તેમજ બુરખા નીચે સંતાયેલા જોવા મળે. જોકે તમે એ લેબલની તપાસ જાતે કરવા નહીં જાઓ એવી અમારી વિનમ્ર સલાહ છે. ક્રેડિટ કાર્ડ ઘસાતો જોવાની પીડાકારક પ્રવૃત્તિથી બચવા માટે એને હોટેલ રૂમમાં છોડીને જવું એ અમારી બીજી ખૂબ જ શાણપણભરી સલાહ!
દુબઈનું ભિન્ન વર્ગીકરણ જો ખરી રીતે અનુભવવું હોય તો એને તમારી જીભથી અનુભવો. ટોપ એન્ડની પંચ તારક હોટેલોની રેસ્તોરાંમાં તમે માગો એ વાનગી મળે, જ્યાં અત્યંત શોફેસ્ટિકેટેડ આરબોની વચ્ચે બેસીને તમારે અમસ્તા જ દોઢસો બસો ડૉલર ઢીલા કરવા પડે. પરંતુ અહીંના ધીયાફાહ રોડની ફૂટપાટ પર આપણે ત્યાંની ખાઉધરા ગલી જેવો જ માહોલ હોય, જ્યાં અત્યંત ટેસ્ટી લેબાનિઝ, ઈરાનિયન કે ઈન્ડિયન ફૂડ મળી રહે. આ રોડ પર આવેલી રવિ નામની રેસ્ટોરાં આમ તો પાકિસ્તાની છે પરંતુ આપણા દેશીભાઈની એ અત્યંત ફેવરિટ છે. અહીં માત્ર વીસ ડોલરમાં બે જણા પેટ ભરીને ખાઈ શકે.
દુબઈ એક મુસ્લિમ દેશ હોવા છતાં અહીં પાડોશી દેશો જેવી સ્થિતિ નથી. શરાબની બાબતે પણ અહીં ઘણી છૂટછાટ છે અને હોટેલ અને બારમાં તો શરાબની રેલમછેલ જોવા મળે. જુમ્માના દિવસે પણ અહીં કેટલીક રેસ્ટોરાંની બહાર શેમ્પેઈન બ્રંચના પાટિયા ઝૂલતા જોવા મળે.
આપણી દેશી બહેનોને જો એમના પતિઓથી કંઈક વધુ વહાલું હોય તો એ છે સોનું અને દુબઈ તો એવી સોનપરીઓ માટેનું સ્વર્ગ છે. અહીંના ‘ગોલ્ડ સુક’માં અસંખ્ય ભારતીય નારીઓ ધોમધખતા ઉનાળામાં હોંશથી સોનાની ખરીદી કરતી નજરે ચઢે. સાથે જ એમની પાછળ ઊભેલા અને કંઈક અંશે કંટાળેલા પતિદેવો પણ નજરે ચઢે! અહીં વેચાતા સોના- પ્લેટિનમના ઘરેણાંથી આપણી આંખો અંજાઈ જાય અને અહીંની સરકારની સોનાની ક્વોલિટી બાબતે ઘણી દેખરેખ હોવાથી અહીંનું સોનું ખરીદવામાં બહુ ગભરાવા જેવું પણ નથી.
હા, જોકે ગોલ્ડ સુકની આજુબાજુ ફેરિયાઓ જે ઓરિજનલ ગુચ્ચીના પર્સ અને ઘડિયાળો વેચતા હોય એમાં ખાસ ધ્યાન રાખવું. ત્યાં ઊભા રહીને ભાવની રકઝક કરો, વસ્તુની મૂળ કિંમત કરતા અડધા ભાવે વસ્તુ માગો અને જો એ ફેરિયો રાજી નહીં થાય તો ત્યાંથી ચાલતી પકડો. તરત જ જો એ ફેરિયો તમને ફરી બોલાવીને તમારા હાથમાં ઘડિયાળ નહીં પહેરાવે તો શરત છે અમારી.
આજે તો હવે મોટાભાગનું જૂનું દુબઈ નષ્ટ કરીને મોડર્ન શહેર વિકસાવવામાં આવ્યું છે. જોકે બર દુબઈ અને ખાડી વચ્ચે અડિખમ ઊભેલા બસ્તાકિયા અને એના હવાઈ ટાવરો અને કિલ્લાની માયાવી દુનિયામાં એકવાર જરૂર લટાર મારજો. અહીં તમને આર્ટગેલેરી, નાના કાફે અને દુબઈ મ્યુઝિયમ જોવા મળશે, જેમાં તમને એક નાનકડું ગામડું દુનિયાનું ટ્રેડિંગ હબ કઈ રીતે બન્યું એ વિશેની રસપ્રદ જાણકારી મળશે. અને જો ત્યાં સાંજના સમયે જાઓ તો ‘બસ્તાકિયા નાઈટ્સ’માં લેબાનિઝ ક્યુઝીન જરૂર માણજો.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર