વારાણસીનાં ચહેરા અને વ્યંજનો

19 Feb, 2016
12:05 AM

mamta ashok

PC:

ભારતના સૌથી સ્વચ્છ શહેરોની યાદી હમણા જ બહાર પડી. આપણા ગુજરાતના સુરત અને રાજકોટ છઠ્ઠા અને સાતમાં ક્રમે જોઈને આનંદ થયો. એ યાદીમાં વારાણસીને સૌથી ગંદા શહેરનું બિરુદ એનાયત થયું, જેની અમને જરા પણ નવાઈ નહીં લાગી. ‘Khabarchhe.com’ મેગેઝિન પરની અમારી ‘ચાલો ફરવા જઈએ કૉલમ’નાં આગલા બે લેખો તમે વાંચ્યા હોય તો તમે પણ આ રેટિંગ જોડે સમંત થશો. ખેર, આ લેખમાં વારાણસી વિશેની બીજી થોડી વાતો કરીએ.

કોઈ પણ શહેરને એના સાચા રંગમાં માણવું હોય તો, ત્યાં જઈને બે વસ્તુ ખાસ કરવી. પહેલા તો ત્યાંનાં લોકોને ધ્યાનથી નીરખો અને બીજું ત્યાંની વાનગીઓને માણો. આજે વારાણસી દુનિયાનું ‘oldest living city’ તરીકે ઓળખવામાં આવે છે અને આ શહેર તમને ત્યાંના લોકોને જાણવા અને ત્યાંનો ખોરાક ખાવાનો ખૂબ જ અવકાશ આપે છે. જે શહેરે રામચરિત માનસ લખનાર શ્રી તુલસી દાસ, સંત કબિર, શ્રી લાલબહાદુર શાસ્ત્રી, ભારતરત્ન પંડિત રવિશંકર, ભારતરત્ન ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન, કવિ પ્રેમચંદ અને બીજા અનેક ભારતરત્ન દેશને અર્પણ કર્યા હોય, એ માટી એના બીજા રહેવાસીઓને પણ ચોક્કસપણે પ્રેરણા આપે. આ શહેરમાં તમે જ્યાં પણ જાઓ ત્યાં લોકોમાં તમને સંગીત, સાહિત્ય, કળા અને અધ્યાત્મિકતાની છાંટ જરૂર જોવા મળે. લોકો તમને ધાર્મિક, રૂઢીચુસ્ત અને એને લીધે દેશનાં બીજા પ્રદેશો કરતાં કદાચ થોડા પછાત પણ લાગે. પણ હા, એક વાત જરૂર આંખે ઉડીને વળગી... ગંગા ઘાટ પરના શ્રદ્ધાળુઓનાં ચહેરા પર મારા જેવો નાસ્તિક પણ અનુભવી શકે એવી સ્વસ્થતા અને સૌમ્યતા!

વારાણસીની પાતળી વાકીચૂકી ગલીઓમાં પણ એક લાંબો ચક્કર જરૂર મારવો. ગાડીમાં નહીં! એ ગલીઓ તો સાયકલો પણ અથડાય જાય એટલી સાંકડી હોય! એટલે ત્યાં પગપાળા જ રખડવાનું. રસ્તા વચ્ચે આરામ ફરમાવતી, વારાણસીની જૂની યાદો વાગોળતી ગાયોની વાતો અને એના શીંગડાથી બચતા, ઘણા લોકો માટે એમના પવિત્ર પોદડા કૂદતા કોઈ ગલીમાં ભૂલા પડવાનું! વળી, ત્યાં કોઈને પણ રસ્તો પૂછો એટલે એ શ્રીમાન પહેલાં તમારા પગથી જરાક જ છેટી પાનની પિચકારી મારે પછી તેઓ તમારા કેમેરા વિશે માહિતી માગે, તમે ક્યાંનાં રહેવાસી છો એ જાણે અને અંતે મોદી સરકારનાં ગુણગાન ગાઈને તમને પરફેક્ટ માઈલસ્ટોન જોડે રાહ ચીંધે, ‘આગે એક બડી પાન કી દુકાન આયેગી, વહા સે બાંયે કી પતલી ગલી મેં મૂડ જાના!’

ચાલો આજે એક ભ્રમ તોડીએ. આપણે ત્યાં ‘સુરતનું જમણ અને કાશીનું મરણ’ કહેવત છે. પણ અમે કહીએ છીએ કે એ કહેવત સાવ ખોટી છે. કારણ કે, બનારસી બાબુઓ ખાવામાં સુરતીઓને પણ પાછળ પાડે એવા છે. એક તો કાશી શહેર નાનું અને અહીં ખાઉધરાઓ ઝાઝા. વળી, ધાર્મિકતા અને સાંસ્કૃતિકતાની જોડે લોકોને ચટપટા ખોરાકનો પણ જબ્બર ટેસડો!
બનારસી જંક ફૂડની યાદી આ રહી.

1. દશાશ્વમેઘ ઘાટ પાસે એક ‘દીના ચાટ ભંડાર’ આવ્યું છે, ત્યાં દહીં ભલ્લા, પાલક ચાટ કે ટમાટર ચાટ ખાવી. માટીની નાની કુલડીમાં ટિશ્યુ પેપર અને ડિસ્પોસેબલ ચમચી જોઈને ઘણું હેલ્ધી અને હાઈજેનિક લાગે. પણ એમના રસોડાની લટાર મારશો તો ખબર પડશે કે, ત્યાં કેટલીક ચોખ્ખાઈ છે. એટલે અમારી સલાહ માનો તો અંદર ચકાસવા જવું જ નહીં.

2. વિશ્વનાથ ગલી પાસે ‘બ્લુ લસ્સી’ ખાસ જવું. પંચોતેર જાતની લસ્સીનું લિસ્ટ જોઈને, હેબતાઈને પાંડેજી તુમ કન્ફ્યુજ હો જાઓગે! આખરે તમે સાદી લસ્સી મગાવશો, એ પણ ડબલ મલાઈ મારકે. તમારી કમરના વધતા ઘેરાવાની ઐસી કી તૈસી!

3. જોડે કોઈ ફિરંગી અથવા NRG(નોન રેસિડેન્ટ ગુજ્જુ) હોય તો એને બ્રાઉન બ્રેડ બેકરી લઈ જવો. ઘાસ-ફૂસથી કંટાળો આવે અને નોનવેજ ખાવું હોય તો દશાશ્વમેઘ ઘાટ પરની આ જગ્યાએ જઈ શકાય. આ બાબતે પણ એક સલાહ આપીએ છીએ કે, ત્યાં આ નામની ચાર રેસ્ટોરાં આવેલી છે, જેમાં ચોથા માળે એક નાનકડી રેસ્ટોરાં આવેલી છે. અહીં વાંદરાઓને દૂર રાખવામાં આવે છે અને આપણે ત્યાં હોઈએ ત્યારે આપણને એમ જ લાગે કે, અહીં આપણને લોખંડના પાંજરામાં પૂરવામાં આવ્યા છે.

4. કાશી વિશ્વનાથ મંદિર પાછળ એક ગંદી કચોરી ગલી પણ આવેલી છે. ત્યાં પણ ખાસ જવું. ગરમ કચોરીઓ અને ચટપટી ચટણી આરોગીને હું સીધો રૂમ પર પહોંચી ગયો અને મારા ડૉક્ટર દીકરાએ આપેલી બે દવા સૌથી પહેલા ગળી ગયો.

5. બનારસ તો શહેર જ પાનના શોખીનોનું છે. અમારા ત્યાંનાં એજન્ટ મને ત્યાંના ‘દીપક તાંબુલ ભંડાર’ પર લઈ ગયાં. બોલો પાનનો પણ ભંડાર! મેં એક સોપારી, તંબાકુ અને ચૂના વગરનું મીઠું પાન બનાવવા કહ્યું ત્યારે મારા એજન્ટે ફરમાવ્યું કે, ‘વોહ સબ મેરે પાન મેં ડબલ કરદો!

તો ચાલો કાશીના લોકોના બીજા કેટલાક ફોટોગ્રાફ્સ જોઈએ...

આવતે અઠવાડિયે કોઈ બીજી અલગારી જગ્યાએ મળીશું ત્યાં સુધી હર હર ગંગે!

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.