(ઉપર) જવાની તૈયારી થઈ ગઈ?
વર્ષોથી મેં પિયરથી સાસરાના ને સાસરેથી પિયરના અગણિત પ્રવાસો કર્યા છે. એમાં ગમતા કે અણગમતા બધા પ્રવાસો આવી જાય. પણ આજ સુધી એક પ્રશ્ને મારો પીછો નથી છોડ્યો. ‘જવાની તૈયારી થઈ ગઈ છે?’ કેમ જાણે જવાની તૈયારીમાં બહુ મોટી ધાડ મારવાની હોય એમ લોકોનું કુતૂહલ આજેય અકબંધ છે. જોકે, એક તરફ જવાનું હોય ત્યારની તૈયારીની મનોદશા હોય ને બીજી તરફ જવાનું હોય ત્યારની હાલત વર્ણવવા જેવી ન હોવાથી જ કદાચ સ્ત્રીઓને આ પ્રશ્ન વધુ પુછાતો હશે.
સમય એવો બદલાઈ ગયો છે કે, આજકાલ મારું સાસરે કે પિયર જવાનું ઓછું થતું ચાલ્યું. એ લોકો જ બીજે જતાં થઈ ગયા! એટલે આ વેકેશનમાં મેં તો ઉપર જવાની તૈયારી કરી લીધી. ઘણા, અમુક ચોક્કસ ઉંમરે જ ઉપર જવાની તૈયારી કરવા માંડે છે. ઘણા, ઉંમરના અડધા મુકામે પહોંચે એટલે ભજન-કીર્તન ને દાન-દક્ષિણા તરફ વળી જાય. તો ઘણા, ઉપરવાળાથી ગભરાઈને બારે માસ સત્ય, અહિંસા ને આત્મા-પરમાત્માની વાતો કરીને બીજાને ય ગભરાવતા રહે. મારી તો વર્ષોથી એક જ ઉંમર હોવાથી ઉપર જવાની મારે એવી કોઈ ઉતાવળ નહોતી. પણ જ્યારે તેડું આવી જ ગયું તો ના કેમ કહેવાય?
એવું નથી કે અમરપટો લખાવીને આવી છું ને મારે કોઈ દિવસ ઉપર નહીં જવું પડે. પણ દરેક કામ પાછળ ઠેલવાની આદતને કારણે ‘જવાય છે હવે, શું ઉતાવળ છે?’ એ જ વિચારે નિરાંતે બેઠેલી. કોઈ જાતની તૈયારી જ નહીં. અરે! વિચાર સુદ્ધાં નથી કર્યો કે મારે કોઈ દિવસ આમ જ અચાનક જ ઉપર જવાનું તેડું આવશે ત્યારે ઉપરવાળાને હું શો જવાબ આપીશ? એમ તો ઉપરવાળાને ગમે ત્યારે એટલે કે જ્યારે મળે ત્યારે વ્યવસ્થિત જવાબ આપી શકાય એટલા માટે પણ મેં મારી સાસુને કોઈ દિવસ ત્રાસ નથી આપ્યો કે વહુ સાથે પણ ક્યારેય મગજમારી નથી કરી, પૂછી જુઓ કોઈને પણ! પતિ ને બાળકોનું કંઈ કહેવાય નહીં, પણ મારા ગયા પછી એ લોકો મારી બૂરાઈ નથી કરવાના એની મને સો ટકા ખાતરી છે. એટલે હવે તૈયારીમાં મારે શું કરવાનું?
ઘણીબધી વાર ભજનમાં કે કથાઓમાં મેં સાંભળ્યું છે કે, માણસ ખાલી હાથે આવે ને ખાલી હાથે જાય. આ વાક્યને બ્રહ્મવાક્ય માનીને મેં પુસ્તકો સિવાય કંઈ ભેગું નથી કર્યું. મૂકીને જવું પડે તો કોઈનો જીવ ન બળે ને એમને નિરાંત થાય. ક્રોધને મેં મારી નજીક ભટકવા નથી દીધો. મોહને માયાથી આંખો ફેરવી લીધી છે એટલે ખાલી હાથે જવું હોય તોય વાંધો નહીં. પણ લોકોનું શું છે? ખબર પડી કે, ઉપર જવાના એટલે પૂછવા માંડ્યું. ‘જવાની તૈયારી થઈ ગઈ?’ મનમાં બીજા જ વિચારો ચાલે એટલે બોલાઈ ગયું, ‘ના રે....! હજી તો દીકરાનાં લગ્ન બાકી છે. વહુનું સુખ માણવાનું છે. જાત્રા કરવાની છે ને ઘડપણમાં હેરાન થઈને કે બધાને હેરાન કરીને ભગવાનનું નામ લેતાં લેતાં ઉપરવાળો બોલાવે ત્યારે જવાનું છે. હજી તો બૌ વાર છે. અત્યારે તેની ક્યાં માંડી બેઠાં?’
‘તમે પણ શું ઉપર જવાની વાત કરો છો? ભઈ, સો વર્ષના થાઓ ને.(આવી શુભેચ્છા આપવાની?) આ તો તમારા દીકરાને ત્યાં જવાના તેનું પૂછું છું કે, જવાની તૈયારી થઈ ગઈ? શું-શું લઈ જવાના?’ પરદેશ જવાનું નામ પડે કે દરેકના મનમાં મોટી મોટી બેગો ને ઢગલાબંધ ખરીદીઓનાં ચિત્રો દોરાવા માંડે. એટલે જવાનું નક્કી થાય કે તેની સાથે ખરીદી ને તૈયારી શરૂ કરી દેવાની? હું તો મૂંઝાઈ ગઈ, પરદેશ જવાની તૈયારીમાં શું કરવું?
અવારનવાર હવામાં ઊડતાં રહેતાં લોકોને મેં તો પૂછવા માંડ્યું. ‘ભઈ, તમે લોકો આટલી મોટી બેગો ભરી ભરીને શું લઈ જાઓ છો?’ એમનું લિસ્ટ જાણીને મેં મારી જાતને ગબડતાં બચાવી. ચા, કૉફી, ઘી, તેલ, પાપડ ને અથાણાં ને જાતજાતના લોટ, મસાલા ને નાસ્તા ને ગણી ગણાય નહીં ને ભેજામાં જાય નહીં એવી વસ્તુઓનાં નામ સાંભળીને થયું કે આ લોકો પ્લેનમાં જાય છે કે ટેમ્પો ભાડે કરીને જાય છે? વધારે વજન લઈ જઈને તેના પૈસા ચૂકવશે ને સરવાળે તો ત્યાંના ભાવે જ પડી રહેતી વસ્તુઓ વાપરશે! યે બાત કુછ હજમ નહીં હુઈ!
છતાં બધાના આગ્રહને વશ થઈને મેં દીકરા-વહુને પૂછી લીધું, ‘અહીંથી કંઈ જોઈએ છે કે પછી બૅગડા ભરી લાવું?’
‘મમ્મી, પ્લીઝ! કંઈ લાવતી નહીં. એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓની સામે બધી બૅગો ખાલી કરતી ને જેમ તેમ ભરતી કે પછી આંખમાં આંસુ સાથે એ લોકોને કાકલૂદી કરતી મમ્મીની અમે કલ્પના કરી શકતાં નથી. તું નિરાંતે તને જોઈતી વસ્તુઓ લાવજે ને તાણમુક્ત પ્રવાસ કરજે.’
જોકે ભારતીયો જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં સંપેતરા પ્રથાને જીવંત રાખવાના યથાયોગ્ય પ્રવાસો ચાલુ રાખે છે. પરિણામે જમાના જૂની આ પ્રથા આજે પણ એટલો જ માન-મરતબો ધરાવે છે. જેમ દસમા-બારમાના રિઝલ્ટની જાહેરાત થતાં જ કોઈક નિર્દોષને, તેના ઉજ્જવળ ભવિષ્યની ટિપ્સ આપનારા ફૂટી નીકળે, તેમ જ પરદેશ જવાની જાહેરાત થતાં જ નિર્દોષ પ્રવાસીનાં સગાંઓ અને પાડોશીઓ ઊંચાંનીચાં થવા માંડે છે.
મારા સિંગાપોર જવાના એક દિવસ અગાઉ અમે મુંબઈ પહોંચવાનાં હતાં. એટલે ઉચ્છલ છોડવાના એક દિવસ અગાઉ છેલ્લી છેલ્લી તૈયારીના ભાગરૂપે ઘરનાં સૌએ મને બાનમાં લીધી. મારા માથા પર સવાર થઈને મારી ઊલટતપાસ ચાલુ કરી, ‘પાસપોર્ટ બરાબર મૂક્યો કે? ટિકિટ ને વિઝા ક્યાં મૂક્યા, જરા જોવા દો તો! બધો સામાન હજી એક વાર ચેક કરી લે. કંઈ બાકી નથી ને? જરા સ્માર્ટ બનવાનું... શું? સાચું ખોટું જેવું આવડે એવું ઈંગ્લિશ બોલ્યા કરવાનું. એ લોકો પણ એવું જ બોલે. આપણું કામ થઈ જવું જોઈએ, શું?’
મને આ જ કાર્યક્રમની બીક હતી એટલે મેં તો બાબાનું નામ લઈને ઊંડા ઊંડા શ્વાસ લેવા ચાલુ કરી દીધા હતા. એવામાં બારણે બેલ વાગી. જોયું તો પાડોશીઓ ને સગાંઓ મને છેલ્લી વારનું મળવા આવેલા. એમને બીક હશે કે, વિમાન પ્રવાસનું ઠેકાણું નહીં, ઉપર ગમી ગયું તો પાછાં ન પણ આવે! મેં તો બધાનાં હાથમાં પાર્સલ જોઈને ઊંડા શ્વાસ લેવાની સ્પીડ વધારી દીધી.
મને થયું, આ લોકોએ સિંગાપોરમાં પણ પોતાનાં સગાં શોધી કાઢ્યાં? સૌને આવકારી મેં પાણીથી સ્વાગત કર્યું. સામાન વધવાની બીકે મેં ચાનો વિચાર માંડી વાળ્યો. અંદરખાને મને ગભરાટ શરૂ થઈ ગયો કે, બધો સામાન પેક થઈ ગયો છે ને વજન પણ બરાબર થઈ રહ્યું છે ત્યારે આ બધું ક્યાં મૂકીશ? ને વધારાના પૈસા ભરવા પડશે તે અલગ! મારી ચિંતાના જવાબ રૂપે સૌએ વારાફરતી પોતપોતાના પાર્સલ મને આપતાં કહ્યું, ‘લ્યો, તમારા દીકરાને મારા હાથના નાસ્તા ખવડાવજો. મારે ત્યાં જ્યારે આવતો ત્યારે ખાઈ જતો.’ આજે ખબર પડી કે, દીકરો ઘરમાં કેમ વરણાગી કરતો? એકે તો ઘરનું ચોખ્ખું ઘી અને દેશી ગોળનું પેકેટ આપ્યું. ‘તમારા દીકરાને ગરમ-ગરમ ભાખરી બનાવીને ખવડાવો ત્યારે આ ઘી ખાસ ચોપડજો. ત્યાં ક્યાં આવું ઘી મળવાનું? ને કોઈ વાર ગરમ ગરમ ગોળપાપડી બનાવીને ખવડાવજો. મને યાદ તો કરશે.’ આવી લસલસતી ને મીઠીમીઠી લાગણીઓની અવગણના કેવી રીતે થાય? જે વસ્તુઓ લેવાની મેં ટાળેલી તે જ મારે લેવી પડી. આખરે મેં બધાંને આઈસ્ક્રીમ ખવડાવીને જ વિદાય કરવાનું નક્કી કર્યું.
એટલું સારું કે, જમાનાઓથી ગુજરાતીઓ ઈંગ્લેન્ડ, અમેરિકા ને દુબઈ કે કેનેડા જઈને વસેલા એટલે સિંગાપોર વિશે ખાસ કોઈને માહિતી ન હતી. અઠવાડિયાની ટૂર કરી આવેલાંઓને પણ ગુજરાતી ભોજનને શૉપિંગ સિવાય વિશેષ જાણકારી નહોતી. છતાંય, એક સલાહપ્રેમીથી બોલાઈ ગયું, ‘ત્યાં ગરમ પહેરવા-ઓઢવાનું સરખું લઈ જજો. નકામું હેરાન થવાનું.’ મેં મનમાં હસતાં કહ્યું, ‘સિંગાપોરમાં તો વાદળ ને વરસાદ ને તડકો ને એવું બધું એટલે ધાબળા કે શાલ ઓઢીએ તો સારું ન દેખાય. છત્રી જ ઓઢવી પડે. ને છત્રી તો ફૉરેનની જ સારી એટલે... ત્યાંથી જ લઈ લઈશ.’
બધાંની વિદાય બાદ અમે નાસ્તાની અલગ બેગ બનાવી વજન કર્યું. દસ કિલો વજન વધી ગયું. હવે શું કરવું? નક્કી થયું કે બેગ લઈ લેવી. એરપોર્ટ પર વહેલા પહોંચી જવું. કસ્ટમના અધિકારીઓ શરૂઆતના પેસેન્જરોને ખાસ હેરાન નથી કરતા. જેમ ભીડ વધતી જાય તેમ એમનું મગજ ગરમ થતું જાય. એટલે પછી પેસેન્જરોને હેરાન કરવા માંડે એવી લોકવાયકા હોવાથી અમે સૌ નિરાંતે ઊંઘ્યાં ને બીજે દિવસે મુંબઈ જવા રવાના થયાં.
પહેલાં તો એવો રિવાજ હતો કે, પરદેશ જનારનો વટ પડતો, એને દહીં, જીરું, કંકુ-ચોખા, નાળિયેર ને હારતોરાનાં દર્શન કરાવાતાં. શુકનના રૂપિયા પણ અપાતા. અહીં તો કોઈને કંઈ યાદ જ નહોતું. મેં પણ મનમાં બધું માંડી વાળ્યું. બધી ઘડી શુભ ઘડી જ છે. આટલી બધી શુભેચ્છાઓથી તો હેમખેમ જ પહોંચી જઈશ ને? આખરે એરપોર્ટ પર જવાનો સમય આવી ગયો ને મેં હસતાં હસતાં સૌની વિદાય લીધી. એ સૌ પણ ખુશ દેખાયાં! સામાન ટ્રોલી પર ગોઠવી હું કસ્ટમની વિધિઓ પતાવવા ચાલતી થઈ.
એક પછી એક કોઠા પાર કરવાના હોવાથી મેં અધિકારીને ચોકસાઈથી સામાન બતાવી કહ્યું, ‘જોઈ લો, બધું બરાબર જ છે. હું તો મારા દીકરાને ત્યાં જાઉં છું. એટલે મારી પાસે એવો કોઈ સામાન છે જ નહીં.’ પણ એમણે તો એમની ફરજના ભાગ રૂપે બેગ ખોલાવી ને તપાસવા માંડી. આ બધા કાર્યક્રમ દરમિયાન મારા મોબાઈલ પર પાંચથી છ ફોન આવી ગયા, ‘પેલી બેગ ગઈ?’ સૌને મારા કરતાં ‘પેલી’ બેગની ચિંતા વધારે હતી! ઘડી ઘડી ફોન લેવામાં, ઘડીકમાં મારું પર્સ લસરી જતું ને ઘડીકમાં પાસપોર્ટ લસરી જતો. કંટાળીને મેં બેગ તરફ જોયું. કસ્ટમ અધિકારી ઘીનું પેકેટ નાક પાસે ધરીને ઊંડા શ્વાસ લેતાં મારી સામે જોઈ બોલ્યો, ‘જુઓ મેડમ! આ અસલી દેશી ઘીનું પેકેટ તમે અહીં મૂકી જાઓ. બહુ વર્ષો થઈ ગયાં આવું ઘી જોયાને. તમારો બધો સામાન હું એમ જ જવા દઉં છું. પણ આ ઘી તમે ભૂલી જાઓ.’
અને મેં તો દેશી ઘીની ગોળપાપડીનું સપનું પેલા અધિકારીની આંખમાં જોઈ બેગ લગેજમાં જવા દઈ ત્યાંથી ચાલતી પકડી. ઘીના ટીપાં પર પણ ચાટવાવાળાનું નામ લખ્યું હશે? ચાલો હવે, મોટું મન રાખી પ્લેનમાં પ્રવેશો. બીજું શું?
(કલ્પના દેસાઈ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર