ગ્રાન્ડ ટિટોનની પાનખર
છેલ્લા એક વર્ષથી અમે અમેરિકાના ભવ્ય નેશનલ પાર્કસનું રિસર્ચ કરતા હતા. જેટલું મટિરિયલ ડાઉનલોડ થયું એટલું કર્યું. એમેઝોન પરથી બુક્સ ઓર્ડર કરી અને થોડી કિંડલમાં ડાઉનલોડ કરી. કેટલાયના બ્લૉગ્સ વાંચ્યા અને જેમ જેમ વાંચતાં ગયા, તેમ તેમ ત્યાં ક્યારે જઈએ એની તાલાવેલી વધતી ગઈ અને એમાંય ફોલ સીઝનનું વર્ણન વાંચીને ઉત્કંઠા આઉટ પણ વધી. અમેરિકામાં ફોલ કલરનું ખૂબ મહત્ત્વ છે પણ એટલો વિશાળ દેશ હોવાથી અલગ અલગ સ્થળે જુદા જુદા સમયે ફોલ કલરની શરૂઆત થાય છે. એટલે લગભગ દોઢ મહિના જેટલા સમયમાં આખા દેશમાં ફોલ કલર દેખાય. પાનખર પહેલાંના થોડા દિવસો એટલે ફોલ. લીલાં પાંદડાંનો રંગ બદલાય અને ઓરેંજ, યેલો, રેડ, મરૂન વગેરે રંગ પકડી લે છે. આખા ને આખા જંગલ આ રંગોથી રંગાઈ જાય છે અને એક અદ્દભુત વાતાવરણ બને છે.
આ જાદુઈ વાતાવરણ બહુ થોડા દિવસ માટે હોય છે પણ એ માણવાની ખૂબ જ મજા આવે છે. બોલ્ડ સાઇપ્રસ, સુગર મેપલ,રેડ મેપલ, બ્લેક ટુપેલો, એસ્પેન, સૌરવૂડ, સાસ્સાફ્રાસ, સ્વીટ ગમ, અને જાપાનીસ મેપલ મુખ્યત્વે કલર બદલતા હોય છે. લીફ પીપિંગ નામની એક્ટિવિટીમાં ઘણાય લોકો જોડાય. લીફ પીપિંગ એટલે જ્યાં વૃક્ષોના કલર બદલાય ત્યાં લોકો જાય અને તેની તસવીરો લે, વર્ણન કરે અને બ્લૉગ્સ પણ લખે. અમે એના માટે સૌ પ્રથમ વાઈઓમીંગ સ્ટેટમાં આવેલ ગ્રાન્ડ ટિટોન્સ નેશનલ પાર્ક જવાનું નક્કી કર્યું, કારણકે અહીં ફોલની શરૂઆત ખૂબ વહેલી થાય છે અને તે ફક્ત 4-6 દિવસ માટે જ હોય છે. પછી પાનખર બેસી જાય અને ઠંડીની શરૂઆત થવા માંડે. સપ્ટેમ્બર મહિનાના છેલ્લા વીકમાં ફોલ હોય.
ગ્રાન્ડ ટિટોન્સ અદ્દભુત પહાડોની શૃંખલા છે. વર્ષના મોટા ભાગના સમયે તે બરફ આચ્છાદિત હોય છે અને 13775 ફીટની ઊંચાઈ ધરાવે છે. 1870માં તે માઉન્ટ હેડન તરીકે જાણીતું હતું પણ 1931થી ગ્રાન્ડ ટિટોન તરીકે જાણીતું થયું. નોર્થ વેસ્ટ કંપનીના ફ્રેંચમેન ડોનાલ્ડ મેકકેંઝી એક એક્સપિડિશન લઈને અહી આરોહણ કર્યું હતું અને તેણે મોટા સ્તનની સાથે આ પર્વતની સરખામણી કરીને ગ્રાન્ડ ટિટોન નામ આપ્યું હતું, પણ નેટિવ અમેરિકન્સ મુજબ Teton Sioux નામની લોકોની એક પ્રજાતિ પરથી આ શૃંખલાનું નામ ટિટોન્સ રખાયું છે. જેક્સન હોલ નામના એક અતિસુંદર ગામની બહાર આ પહાડોની હારમાળા છે.
જેકસન હોલનું એક રળિયામણું એરપોર્ટ છે. બરફ આચ્છાદિત પહાડોની વચ્ચે રનવે. એરપોર્ટનું ઇન્ટિરિયર પણ બહુ જ સુંદર. કોઈ મોટી સાઇઝની લૉગ કૅબિન હોય એવુ જ લાગે. સામાન માટેના કન્વેયર બેલ્ટ જ એરપોર્ટ હોવાની ચાડી ખાય. જોકે, અમેરિકામાં લોકોને લાંબા ડિસ્ટન્સ ડ્રાઇવ કરવાની આદત હોય છે એટલે 2 દિવસનું ડ્રાઇવિંગ કરીને પણ જેક્સન હોલ પહોંચનારા લોકોની પણ સંખ્યા મોટી હોય છે. એરપોર્ટ પરથી અમે એક પહેલેથી બુક કરાવેલી કાર હાયર કરી હતી એ લીધી. ભારતથી વિપરીત દિશામાં ગાડી ચાલવાની હતી એટલે મનમાં થોડો ફફડાટ તો હતો જ, પણ નાનું ગામ હોવાથી ટ્રાફિક ઘણો ઓછો હતો અને તેથી થોડી શાંતિ લાગી. ધીરી ગતિએ જતી અમારી કારની પાછળ બીજી ગાડીઓની લાઇન લાગી ગઈ પણ આપણા દેશની જેમ કોઈએ હોર્ન માર્યો નહીં. પણ ચોક્કસ કોઈએ તો મનમાં ને મનમાં સુરતી ઉચ્ચારી જ હશે.
ધીમી ગતિની ગાડીની સવારી આખરે પહોંચી એન્ટલર ઇન નામની નાનકડી હોટેલ પર. ટાઉન સેન્ટરમાં જ હોવાથી, અમે બેગો મૂકીને કૅમેરા લઈને ભાગ્યા ગામમાં ફરવા. એકપણ હાઈ રાઇઝ બિલ્ડિંગ અહીં હતું નહીં. નાની નાની દુકાનો, આર્ટ ગેલરી, ક્યુરીઓ શોપ્સ અને રેસ્ટોરન્ટ્સ અને એની વચ્ચે ગાર્ડન. ગાર્ડનનો ગેટ અનોખો હતો. એલ્ક નામનું પ્રાણી અહીં ખૂબ મોટી સંખ્યામાં જોવા મળે છે. આ એલ્કના શિંગડાંને એન્ટલર કહેવાય. શિયાળાની ઋતુ પાટે અને સ્પ્રિંગ સિઝન આવે એટલે શિંગડાં જાતે જ ખરી પડે. દર વર્ષે આ પ્રક્રિયાનું પુનરાવર્તન થયા અને દર વર્ષે ખરતા આ શિંગડાંથી આ ગાર્ડનનો ગેટ બનાવ્યો છે.
તો ચાલો આજે આ મનમોહક જેક્સન હોલની થોડી તસવીરો જોઈએ.
ગ્રાન્ડ ટિટોન પર્વતમાળા અને હણહણાટી બોલાવતા ત્યાંના સ્થાનિકો
ગ્રાન્ડ ટિટોનની પાનખરના રંગો
ગ્રાન્ડ ટિટોનની પાનખરના રંગો એટલે પેઈન્ટર અને ફોટોગ્રાફરની સૌથી માનીતી સિઝન
નેશનલ પાર્કનું એક ખાસ માણવા જેવું સ્થળ- જેનિ'ઝ લેક
ઓક્સ બો બેન્ડ પર વળાંક લેતી સ્નેક નદી, પાછળ પડછંદ માઉન્ટ મોરાન અને પીળા એસપ્ન વૃક્ષોની હારમાળા
જેક્સન હોલ એટલે ગ્રાન્ડ ટિટોનનું હબ અને એક નાનકડું રમણીય ગામડું. અમેરિકન cowboy BBની જૂની શૈલી માણવી હોય તો આ Cowboy Bar માં ખાસ જવું.
તમારી હોટેલની લોબીમાંથી જ જો આવો સુંદર નજારો દેખાતો હોય તો ભાઈ તમે પણ કેળા ખાતા અહીં જ બેસી રહો કે નહીં?
ગ્રાન્ડ ટિટોન સૌથી પહેલા રહેવાસીઓ મોલટન ભાઈઓ અને એમના હજુ પણ જાળવી રાખેલ ઘર અને એમના તબેલાઓ વિશેની બીજી વાતો અને ફોટોગ્રાફ્સ આવતે અઠવાડિયે કરીશું.
પાનખર પછી પણ અડીખમ એવરગ્રીન કોનિફર વૃક્ષો
સ્નેક નદીનું નૈસર્ગિક સૌંદર્ય
ગ્રાન્ડ ટિટોન સાચે જ ગ્રાન્ડ છે
શવાબાખર લેન્ડિંગથી ટાટા- બાયબાય. આવતા અઠવાડિયા સુધી!
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર