નમિબિયાના રમણીય રણની સહેલ
આ વાર્તા જાણી લો. જિંદગી ટૂંકી છે. અચાનક જે પાડા પર બિરાજમાન, એક પડછંદ શ્યામ ગદાધારી બાજુમાં સ્મીત વેરતા ઉભા હશે. આંખ આંજી નાખતો સફેદ જ્યોતી પ્રકાશ. ડૉક્ટર સ્નેહીઓના ખભે હાથ થપથપાવીને કહેશે ‘આઈ એમ સૉરી’. છોકરાઓ પૂછશે ‘એલઆઈસી પોલિસી ક્યાં મૂકી ગયા?’ ઓળખીતાઓ માથે હાથ દઈ કહેશે ‘આજે તહેવારના દિવસે ક્યાં ગયા?’ સમજી ગયાને શું કહેવા માગીએ છીએ? પણ તમે રૂમ તાપમાન ધારણ કરો, એ પહેલા આ દુનિયાની અમુક અદ્દભુત જગ્યાઓ જોવી અને ફોટોગ્રાફ કરવી જ રહી... ભલે સંબંધીઓને વાસણ નાનુ મળે!
આ ‘ટ્રાવેલ ડાયરી’ દ્વારા અમે દર અઠવાડિયે અહીં અમારી ફોટોગ્રાફીની સફરની કેટલીક રોમાંચક વાર્તાઓ અને અમારા અનુભવો આલેખીશું. દુનિયાના અનેક અકલ્પ્ય સ્થળોની જાતજાતની માહિતી સાથે અમારા ફોટોગ્રાફસ, અનુભવો અને પ્રવાસ અને ફોટોગ્રાફીને લગતું માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરીશું.
ગુજરાતી માણસ આજે દુનિયાભરમાં ઘૂમી વળ્યો છે. તેણે અનેક ધરાઓ ખૂંદી છે અને ઘાટ ઘાટના જળ પીધા છે. ગુજરાતી પ્રજા ફરવાની શોખીન છે. હવે આ પ્રજા 'રસ્તામાં કંઈક જમવાનું નહીં મળ્યું તો'ની મીઠી અવઢવથી આગળ વધી છે અને સ્માર્ટ ફોન કે ડિજિટલ SLR ખભે લટકાવીને કોઈપણ ચિંતા કે પૂર્વ આયોજન વિનાની અલગારી રખડપટ્ટી કરવા નીકળી પડે છે. આ જ તો મજા છે ફરવાની! આ કૉલમમાં અમે પ્રવાસ અને ફોટોગ્રાફીનો શ્રેષ્ઠ સમન્વય કરીને પ્રવાસનો લૂફ્ત કઈ રીતે ઉઠાવી શકાય કે જે તે પ્રદેશના અવનવા માહોલની વિશેષતાઓ કઈ રીતે પામી શકાય એ વિશેની માહિતી આપવાનો પ્રયત્ન કરીશું
આ ‘ટ્રાવેલ ડાયરી’ના પહેલા હપતામાં આપણે દક્ષિણ આફ્રિકાના દેશ નમિબિયાથી શરૂઆત કરીએ. આફ્રિકા ખંડમાં સાઉથ આફ્રિકા, બોત્સવાના, ઝાંબિયા અને એંગોલાના પાડોશી દેશ નમિબિયાનું ક્ષેત્રફળ 8 લાખ સ્ક્વેર કિલોમીટર, એટલે આપણા દેશના કુલ વિસ્તારના બરાબર ચોથા ભાગ જેટલો પ્રદેશ અને વસ્તી માત્ર 21 લાખ! લાંબી પળોજણમાં નહીં પડીએ તો પણ આપણને ખ્યાલ આવશે કે નમિબિયાની વસ્તીની ગીચતા ગઈ લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના વોટર્સ હતા એના કરતાં પણ ઓછી છે!
સિરિયસલી, વિશ્વમાં સૌથી ઓછી ગીચતા ધરાવતા દેશોમાંનો એક એટલે નમિબિયા. આ મનોહર દેશનો 4500 કિલોમીટરનો પ્રવાસ અમે બે અઠવાડિયામાં એક 4x4 ટોયોટા હાઈલક્ષ કાર જાતે ડ્રાઈવ કરીને કર્યો. આફ્રિકાના રણમાં કશું જ નિશ્ચિત નથી હોતું, એટલે કેટલોક ખોરાક અને જીવન જરૂરિયાતની કેટલીક વસ્તુ અમે સાથે જ રાખતા. કારની ઉપર ફોલ્ડ થાય એવી સ્લિપિંગ ટેન્ટ પણ સાથે જ લઈને ફરવાનું અને રાત્રે કોઈ કેમ્પિંગ સાઈટ પર જઈને સૂઈ જવાનું. નમિબિયાની રાત પણ ઘણી રંગીન હોય છે! ટેન્ટમાં સૂતા સૂતા ઉપર પથરાયેલા અગાધ આકાશ જોવાનું અને જાણે આપણા માટે જ વિશેષ મહાલવા નિકળેલા રંગીન તારા મંડળોનો અભ્યાસ કરતા કરતા ઉંઘી જવાનું!
આ પ્રવાસ દરમિયાન અમે કોઈવાર દુનિયાના સૌથી જૂના નમિબ રણના સર્પાકાર રેતાળ રસ્તાઓ વચ્ચેથી, તો કોઈ વાર વાન ગોગના પ્રિય યલો ઓકર પિગમેન્ટથી રંગાયેલા પહાડોની ગોદમાંથી પસાર થયાં. કોઈ વાર રસ્તો ભૂલ્યા, દુનિયાની બીજી ઊંડામાં ઊંડી કેન્યન(ખીણ), એટલે કે ફીશ રિવર કેન્યનના દંગ કરી દેતા દૃશ્યો જોયા. તો કોઈ વાર ‘ટાઈમ મશીન’માં પહોંચી ગયા. પ્રકૃતિના વિવિધ રંગો જોઈને તેના સ્વરૂપમાં ડૂબકી માર્યા બાદ અમે બે સદી પહેલા જર્મનોએ સ્થાપેલું નગર સ્વાકોપમુંડ પણ જોયું! નમિબિયાના રણની મધ્યમાં વિકસેલું આ શહેર વસ્તીની દૃષ્ટીએ નમિબિયાનું ચોથું મોટું કેન્દ્ર છે.
વિશાળ એટલાન્ટીક મહાસાગરને પણ ઓગાળતું નમિબનું રણ, અને છતાં સમૃદ્ધ બંદર વાલ્વીસ બે, ત્યાં કેપ સિલ્સની કોલોની જોઈ. તો ફ્લેમિંગો અને પેલિકન્સ જોડે દરિયામાં સહેલ કરવાનો એક અનોખો આનંદ પણ માણ્યો! આ ઉપરાંત આ પ્રવાસ દરમિયાન અમે પગના ગોટલા ચઢી જાય એવા સોસુસ્વ્લીના લાલ રણડુંગરો ચઢ્યા, જેની સાથે જ અમે જોયો એક ગુલાબી આફ્રિકન સૂર્યાસ્ત. અદભુત ડેડવ્લીના મૃતપ્રાય વૃક્ષોના ઉજ્જડ રણભૂમિમાં આવો જોઈએ આ અલૌકિક દેશની થોડી તસવીરો...
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર