પાનખરની વસંત
ગયે અઠવાડિયે ગ્રાન્ડ ટીટોન વિશે થોડી મુખ્ય વાતો કરી. આજે એનાં સૌથી રમણીય બે સ્થળો એટલે કે 'ઓક્સ બો બેન્ડ' અને શવાબાખર લેન્ડિંગ વિશે વાતો કરીએ. આ સ્થળો કોઈ પણ ટુરિસ્ટ કે ટ્રાવેલરને કોઈ પણ ઋતુમાં અને કોઈ પણ સમયે પસંદ પડે એટલા રમણીય છે પણ જો તમે એક હાર્ડકોર ફોટોગ્રાફર હો તો તમને કહેવાની જરૂર ખરી કે સવારના સૂર્યોદય થાય તે પહેલાં આ સ્થળો પર પહોંચી જવું? અમે પાનખરના સૌથી સુંદર રંગો કેમેરામાં કંડારવા સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ગયેલા. ત્યારે સૂર્યોદય તો સવારના 7.00 વાગ્યે થતો પણ ફોટોગ્રાફીનો ટ્વિલાઇટનો બ્લ્યૂ અવરનો સમય 6.00 વાગ્યાનો અને ત્યાંનો પ્રાઇમ સ્પોટ લેવા માટે તમારે કલાક પહેલાં ત્યાં પહોંચવું પડે. વળી, કાર ડ્રાઇવ કરીને ત્યાં પહોંચતાં અડધો કલાક થાય. માટે તમને પણ અમારી એ જ સલાહ કે, અલાર્મ રોજ સવારે 4.00 વાગ્યાનો જ મૂકવો!
તમારે ગ્રાન્ડ ટીટોનની પાનખર માણવી હોય તો તમારે અહીં ચારથી પાંચ દિવસ વીતાવવા. પહેલું સુંદર સ્થળ એટલે ઓક્સ્બો બેન્ડ. ગ્રાન્ડ ટીટોન નેશનલ પાર્કનું આ સૌથી રમણીય સ્થળ. અમે તો સવારના 5.00 વાગ્યે ત્યાં સૌથી પહેલાં હોઈશું, એમ હરખાતા હરખાતા ત્યાં પહોંચ્યા પણ પાર્કિંગ લોટમાં જોયું તો અમારી આગળ કારનો ઢગલો! હેડ લેમ્પ અને ટોર્ચના સહારે ઓક્સ્બો બેન્ડ પર નજર ફેરવી તો અંધારામાં અમારા જેવા બીજા 100થી વધારે ટ્રાયપોડ ખભે ઝુલાવતા ઉત્સાહી ફોટોગ્રાફર્સ નજરે પડ્યા. આખરે કોણ વધુ સરસ ફોટોગ્રાફ ક્લિક કરશે એની શરત મારીને એક લોકેશન શોધી સ્નેક નદીને કિનારે, પ્હો ફૂટવાની રાહ જોતાં, કોફી મગ ખોલીને ગોઠવાયા.
જેમ જેમ રાત્રીનો કાળોડિબાંગ અંધકાર, ટ્વિલાઇટના ભૂરા રંગમાં ખૂલતો ગયો તેમ તેમ ઓક્સ્બો બેન્ડ આંખો સામે તાદૃશ્ય થતો ગયો અને આ સ્થળનો મહિમા અમને સમજાતો ગયો. પુરાણા યુરોપિયન ઓક્સબો એટલે બાણ જેવો અર્ધ ગોળાકાર વળાંક લેતી સ્નેક નદી. એના એક કિનારે ફોલ સિઝનનાં પીળાં પાનથી ઢંકાયેલાં એસ્પ્નનાં વૃક્ષો, તો સામે છેડે બારેમાસ લીલાંછમ અડીખમ કોનિફર વૃક્ષો અને સામે ટોટોન પર્વતમાળાની વચ્ચે શિયાળાને આવકારતો પહેલો સ્નો મુગટધારી સ્મિત વેરતો ઊભેલ માઉન્ટ મોરાન. સાચે જ અમેરિકાનો ખંડ કોલંબસની જગ્યાએ કોઈ આપણા દેશી ભાઈએ શોધી ખોળ્યો હોત તો આ પર્વતનું નામ માઉન્ટ મોરાનની જગ્યાએ જરૂર માઉન્ટ મુરારિ આપ્યું હોત! :
સ્નેક નદીની આસપાસની વનરાજીમાં વાઇલ્ડ લાઇફ પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે. અમે અહીં એલ્ક, મ્યુલ ડિયર, ઓટર, બિવર, સ્વાન, અમેરિકન બાલ્ડ ઈગલ અને ગીઝ (હંસોનાં ટોળાં) જોયાં. બ્લેક બેર અને ગ્રિઝલીઓનો પણ આ માનીતો વિસ્તાર. વળી, શિયાળામાં તેઓ શીતતંદ્રામાં જાય એ પહેલાં દરરોજ 32,000 કિલો-કેલરી ઝાપટવા માટે અહીં જ રખડતાં હોય. અને હા, આ પ્રદેશમાં તમે ફરો ત્યારે એ આ ભાલુઓની બહુ નજીક નહીં જવું નહિતર રખેને એનું મગજ ગયું તો એ તમને પણ એનો બ્રેકફાસ્ટ બનાવી શકે છે.
અહીંનું બીજું સુંદર સ્થળ એટલે જેક્સનથી સોળ માઇલ દૂર આવેલ શવાબાખર લેન્ડિંગ. અહીં બીજા દિવસે તમે સૂર્યોદયના સમયે અને સૂર્યાસ્તના સમયે પણ જઈ શકો. સ્નેક નદીમાં જવાં માટેનો આ એક જૂનો રસ્તો કદાચ આ શવાબાખર ભાઈએ શોધ્યો હશે. આ માટે જ આ નામ રાખ્યું. અહીં બિવર કરીને જળચર પ્રાણીઓએ આજુબાજુનાં આખાં ને આખાં ઝાડ ખાઈને પાણીમાં ગોઠવીને રીતસરના ડેમ અને ઘર બનાવ્યાં છે. અહીં તમને મૂઝ કરીને એક બીજું એનટલર ફેમિલીનું પ્રાણી પણ જોવા મળે. આ બધા પ્રાણીઓ લાગે ખૂબ જ શાંત, પણ ભૂલેચૂકે પણ એમની નજીક જઈને તમારી સેલ્ફી એમની જોડે નહીં ખેચવા વિનંતી. આવું કરશો તો પછી એવું બને કે આ જગ્યાનું નામ શવાબાખર લેન્ડિંગનું નામ બદલીને એ જગ્યાનું નામ તમારે નામે રાખવું પડે અને સાથે તમારી યાદમાં ખાંભી મૂકાશે એ વધારાની! અમને અહીં જ મૂઝના દર્શન થયાં અને એના થોડા ફોટોગ્રાફ્સ પણ મળ્યા. શવાબાખર લેન્ડિંગથી ગ્રાન્ડ ટીટોનનો અદ્દભુત વ્યૂ મળે. તમારા અહીંના પ્રવાસ વખતે જ્યારે પણ તમને સમય મળે, ત્યારે આ જગ્યાની અનેક વાર મુલાકાત ગોઠવવી. તો આવો આ જગ્યાઓનાં થોડા ફોટોગ્રાફ્સ માણીએ.
ઓક્સ બો બેન્ડ સૂર્યોદય પહેલાં
સૂર્યોદયનાં સમયે ઓક્સ બો બેન્ડ
પાનખરના રંગો
ઓક્સ બો બેન્ડના બેક વોટરની નિરવ શાંતિ
ઓક્સ બો બેન્ડના બેક વોટર
એસ્પન વૃક્ષો અને પાનખરના રંગોનો મોશન બ્લર
શવાબાખર લેન્ડિંગ સવારનાં ટવાઇલાઈટના સમયે ટોર્ચથી વૃક્ષોનું લાઈટ પેઈન્ટિંગ કરીને લીધેલ ફોટોગ્રાફ
શવાબાખર લેન્ડિંથી દેખાતી ગ્રાન્ડ ટીટોન પર્વતમાળા
એન્સ્લ એડમ્સ કરીને એક ખૂબ જ ખ્યાતનામ લેન્ડસ્કેપ ફોટોગ્રાફર થઈ ગયાં. તેમણે અહીંથી લીધેલા સ્નેક નદીના અને ગ્રાન્ડ ટીટોનના મોનોક્રોમ ફોટોગ્રાફે આ નેશનલ પાર્કને અને આ સ્પોટને આખી દુનિયામાં પ્રચલિત કરી દીધો. તેમણે ફોટોગ્રાફ લીધો ત્યારે આ વૃક્ષો નાના હોવાથી એક ખૂલ્લો વ્યૂ મળતો હતો અને નદી એના નામ પ્રમાણે સર્પાકારમાં વળાંક લેતી ચોખ્ખી દેખાતી.
ફોલ સિઝનનાં પીળાં પાનથી ઢંકાયેલા એસ્પનનાં વૃક્ષો, તો સામે છેડે બારેમાસ લીલાછમ અડીખમ કોનિફર વૃક્ષો અને સામે ટોટોન પર્વતમાળાની વચ્ચે શિયાળાને આવકારતો પહેલો સ્નો ઝીલી સ્મિત વેરતો ઉભેલો માઉન્ટ મોરાન.
ગ્રાન્ડ ટીટોનનો ગ્રાન્ડ ફોલ!
શવાબાખર લેન્ડિંગ પરનું એનટલર ફેમિલીનું મૂઝ પ્રાણી.
શવાબાખર લેન્ડિંગ
શવાબાખર લેન્ડિંગ પર એક ફોટો…. પેલા મૂઝ વગર જ તો! તો ગુડ બાય ટીલ નેક્સ્ટ વીક, દોસ્તો!
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર