ભૂરા સપનાં, ભૂરી વાસ્તવિકતા!
જોધપુરનો બર્ડ્સ આઈ વ્યૂ જુઓ તો બસ અદ્દલ ચોમાસામાં દેખાતું મુંબઈનું ધારાવી અને ભૂરા પ્લાસ્ટિકથી ઢંકાયેલું મુકેશ અંબાણીનું એન્ટિલા જેવું જ દેખાય! વિશ્વાસ નહીં બેસતો હોય તો જજો ત્યાં વરસાદની ઋતુમાં અને પછી અમને યાદ કરજો. ચાલો, એન્ટિલા તો માની લઈએ કે, કદાચ માર્કેટમાં મંદીના કારણે બ્લ્યુ પ્લાસ્ટિક બાંધીને ખેંચી કાઢે પણ આ જોધપુર શહેર બ્લ્યુ કેમ? કદાવર મહેરાનગઢ કિલ્લાની છાયામાં આવેલું આ પુરાણું શહેર, ભૂરા રંગે રંગાવાનાં ઘણાં કારણો સાંભળવા મળે. એમાંની એક માન્યતા એવી કે, પહેલાંના સમયમાં વર્ણજાતિના ભેદભાવને કારણે બ્રાહ્મણો પોતાનાં ઘરો ભૂરા રંગે રંગતા અને સિદ્ધાંતવાદી લૂંટારુઓ એ ભૂરા રંગનાં ઘરોમાં ચોરી કરવાનું ટાળતા! જોકે, આ તો ભારત દેશ. આઈડિયાઝની બાબતે આ દેશના લોકોનો જોટો નહીં જડે! બ્રાહ્મણોને જોઈને બધા જ લોકો પોતાનાં ઘરો ભૂરા રંગે રંગવા માંડ્યા અને કદાચ આ રીતે તેઓ લૂંટથી બચી શક્યા અને આખું જોધપુર ભૂરા રંગમાં રંગાયું. બિચારા ચોરોને પણ કેટલી તકલીફ પડી હશે? વળી, એક વર્ઝન એવું પણ કે, મચ્છરોનો ત્રાસ ઓછો રહે એ માટે અહીંનાં ઘરો આ રીતે રંગાયાં છે. લોજિકલી એવું લાગે કે કદાચ અસહ્ય ગરમીમાં ઠંડક રહે એ માટે કરતાં હશે.
અમે જૂના શહેરની પાતળી ગલીઓમાં રખડતા હતા ત્યારે એક ભૂરા ઘરના ફોટોગ્રાફ્સ લઈ રહ્યા હતા. ત્યાં જ ઘરમાંથી એક યુગલ બહાર આવ્યું. તેઓ પૂજા કરવા જઈ રહ્યા હતા. એમ જ ઉત્સુકતા ખાતર અમે એમનું નામ પૂછ્યું તો કહે શર્મા. ઓહ માઈ ગોડ, શર્મા એટલે બ્રાહ્મણ! બ્લુ સિટી થીયરમ? Q.E.D. Theorem Solved!
જોધપુરનું બીજું ફરવાલાયક સ્થળ એટલે મહેરાનગઢથી નજીક જ આવેલું જસવંત થડા. 114 વર્ષ પહેલાં જોધપુરના રાજા જસવંતસિંહની યાદમાં એમના સુપુત્ર રાજા સરદારસિંહે એ બનાવેલું. ચકચકતા આરસપહાણથી તૈયાર કરાવાયેલી આ સુંદર સમાધિને મારવાડના તાજમહેલ તરીકે ઓળખવામાં આવે છે, છતાં અહીં ખૂબ ઓછા લોકો દેખાય. બાજુમાં એક સરસ તળાવ છે, જેમાં શિયાળામાં તમને ઘણાં વિદેશી પક્ષીઓ જોવા મળે.
રાજા જસવંતસિંહ અને બીજા રાજવીઓની સ્મૃતિમાં બનાવેલ કળાત્મક આરસની છત્રીઓમાંથી મહેરાનગઢ કિલ્લાને કેમેરામાં ફ્રેમ કરતાં અચાનક યાદ આવ્યું કે, એ કિલ્લો ચણતાં પહેલાં રાજા જોધાના અદના સેવક રાજારામ મેઘવાળને એક ચીડિયાબાબાના સ્ટ્યુપિડ શાપને તોડવા જીવતો જ દફનાવી દીધેલો! એ યાદ આવતાં જ કેમેરા અને હાથ બંને કંપ્યા અને ફોટોગ્રાફ પણ હાલેલો આવ્યો. મન એવું કચવાયું કે, તે સ્પોટ પરથી સુંદર ફોટોગ્રાફ્સ આવતા હોવા છતાં બીજી ફ્રેમ નહીં લીધી. જીવતા માણસને કબરમાં ધરબીને એક લાલ પથ્થરની ખાંભી ખૂંટી દેવી અને એની સામે મૃત રાજાઓના ચમકતા મોટા સ્મૃતિસ્મારકો ચણવા પર, સાચું કહું તો ગુસ્સો તો આવ્યો. પણ એનો કોઈ ઉપાય નહોતો અમારી પાસે. કારણ કે, ઇતિહાસને આપણે વાંચી શકીએ, અનુભવી શકીએ, પણ બદલી તો નહીં જ શકીએ ને?
સાંજને ટાણે રડ્યાખડ્યા ટુરિસ્ટો પણ ચાલી જાય પછી આ જગ્યાની આવાવરું શાન માણવા બેસવું. આમ તો સાંજના પાંચ વાગ્યે જસવંત થડા બંધ થઈ જાય, પણ ત્યાર પછી જાણે મારબલની પાછળ હજારો મીણબત્તીઓ મૂકી હોય એમ આ ભવન પીળા સૂર્યપ્રકાશમાં ઝળહળી ઊઠે. તમે અંદર આવ્યા ત્યારે જો ત્યાનાં કેરટેકર જોડે એમના કુટુંબ અને એમના વિશે થોડી વાતચીત એમના વિશે કરો તો એ જરૂર તમને બંધ થવાના સમય પછી પણ બેસ્ટ લાઇટ હોય ત્યારે ફોટોગ્રાફી કરવા દેશે. અરે તમને વાંસળીવાદન કરતાં જસવંત થડા સામે સરસ પોઝ પણ આપશે!
આ લેખનો કવર પીક ગમ્યો હોય તો મેસેજ કરજો. એ ક્યાંથી શૂટ કરવો તેનો એક છૂપો રસ્તો બતાવીશું. પણ હમણાં તમને ઓફિશિયલ રસ્તો બતાવીએ - મહેરાનગઢ પાછળ જ રાવ જોધા નેચર પાર્ક છે. ત્યાંથી ટિકિટ અને જો સચિન નામનો ખૂબ જ જાણકાર નેચર ગાઇડ મળે તો એને લઈને જસવંત થડા પાછળ જવું. ત્યાં એક ઊંચી ટેકરી છે, જેની ઉપરથી તમને નયનરમ્ય જોધપુરનો બર્ડ આઈ વ્યૂ જોવા મળે. સૂર્યોદય અને સૂર્યાસ્ત બંને સમયે આ સ્પોટ પર જવું. દક્ષિણ દિશામાં તમને જૂનું બ્લ્યુ જોધપુર, પૂર્વમાં નવું શહેર અને પશ્ચિમમાં મહેરાનગઢ કિલ્લો અને જૂના જોધપુરની સરહદ બનાવતી ઊંચી દીવાલ અને એની પાછળ ખુલ્લી વિશાળ જગ્યા વેરાન દેખાશે. સચિન નેચર ગાઇડ તમને ત્યાંનાં પક્ષીઓ અને ઝાડપાન વિશે ખૂબ માહિતી પીરસશે. 100 વર્ષ પહેલાં રાજાને થયું કે, મારું રાજ્ય હર્યુંભર્યું કરી નાખું. એટલે એમણે ઠેઠ મધ્ય અમેરિકાથી Prosopsis juliflora એટલે કે બાવળીયાનાં બીજ મંગાવ્યાં અને એને ડુંગરાઓ અને રાજ્યમાં રોપ્યાં. પત્યું! બાવળ એવું જડ ઝાડ, જે બીજા કોઈ છોડ-ઝાડ ને ઊગવા જ ન દે અને પછી તો એ ભારતમાં ઠેરઠેર પ્રસરી ગયો. જોકે, હવે લોકો આ બાબતે ઘણા જાગૃત થયા છે એટલે આજે આ નેચર પાર્કના લોકો બાવળીયો કાઢી રાજસ્થાનના જે દેશી ઝાડ છે તેને ફરી રોપી રહ્યા છે.
ચાલો તો હવે કંઈક નવી વાત કરીએ. રાજાઓ જીવતાને દાટે અને ઝાડ રોપીને પણ કેવો દાટ વાળી શકે તે વિચાર કરતાં તમે થોડાં ફોટોગ્રાફ્સ પણ જોશો કે પછી જોધપુરનો ઇતિહાસ મમળાવ્યા કરશો?
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર