હિંદુ મંદિરો અને બૌદ્ધ ધર્મની ભૂમિઃ કંબોડિયા
કંબોડિયા અનેક વિરોધાભાષોથી ભરેલો દેશ છે. અહીં એક બાજુ ઍંગ્કોરવેટનો ભવ્ય અને ધર્મપ્રિય પ્રજાનો હજાર વર્ષ પુરાણો જાજરમાન ઈતિહાસ તો બીજી તરફ ખમેર રૂઝનો કિલિંગ ફિલ્ડ્સનો રક્ત રંજિત તાજો ભૂતકાળ છે. તો ત્રીજો છે ગરીબીથી પીડાતા પછાત દેશનો વર્તમાન. તમે ઍંગ્કોરવેટના ભવ્ય મંદિરો અને લોકોની આધ્યાત્મિકતા તેમજ બૌદ્ધ ધર્મમાં એમની ગાઢ શ્રદ્ધા જુઓ તો તમને નવાઈ લાગશે કે પોલ પોટે કઈ રીતે એના જ વીસ લાખ દેશવાસીઓનો ઘાતકી સંહાર કર્યો હશે!
આજે પણ અસંખ્ય હાડપિંજરો જાળવી રખાયા છે એવા ખમેર રૂઝના એ કિલિંગ ફિલ્ડ્સની મુલાકાતે અમે નહીં ગયા. પરંતુ ભારતીય રાજાઓ દ્વારા ત્યાં બનાવવામાં આવેલા હિંદુ અને પછી ધર્માંતર પામીને બૌદ્ધ બની ગયેલા ઍંગ્કોરવેટ અને અંકોર થોમના જીર્ણ થઈ રહેલા ખંડેરોમાં જ ફર્યા.
કંબોડિયાની રાજધાની નોમ પેંહ પણ આ દેશ જેટલી જ વિરોધાભાષી છે. અહીં એક તરફ ચાંદી તેમજ સોનેરી ગુંજબોથી ચળકતો રાજાનો મહેલ છે તો બીજી તરફ શહેરમાં જ્યાં જુઓ ત્યાં ગંદવાડ છે. આ તો ઠીક કંબોડિયામાં લૂંટફાટનું પ્રમાણ વધુ છે. આ દેશના ઘણા ગામડામાં વીજળી તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સદંતર અભાવ છે. કંબોડિયામાં ભ્રમણ કરતી વખતે તમને એક પ્રશ્ન સતત થયાં કરશે કે, એક તરફ આ દેશ સદીઓનો ઉજ્જવળ ઈતિહાસ ધરાવે છે તોય આ દેશ આજના સમય સાથે તાલમેલ મિલાવી શક્યો નથી, જ્યારે બીજી તરફ પાછલી સદીઓમાં કંઈક અંશે પછાત એવા કંબોડિયાની આજુબાજુના દેશો ઘણો વિકાસ કરી ગયા છે!
જોકે આજના સમયના સંદર્ભે આ દેશ કંઈક અંશે પછાત હોવા છતાં અમે તમને અહીં જવા માટેની સલાહ આપીએ છીએ કારણ કે, અહીંનો વર્તમાન ભલે ધુમ્મસભર્યો હોય પરંતુ અહીંનો ઈતિહાસ અત્યંત ઉજળો હતો, જે ઈતિહાસની પગલીઓ હજુ પણ આ દેશની ભૂમિ પર સચવાઈને પડી છે. એ ભવ્ય સંસ્કૃતિને માણવા-પીછાણવા પણ એક વાર તો કંબોડિયા જવું જ જવું! ઍંગ્કોર મંદિર, જે શહેરમાં આવ્યું છે એ સીએમ રીપ શહેર પહોંચવા માટે કોઈ સીધી ફ્લાઈટ નથી એટલે તમારે વાયા બેંગ્કોકથી ફ્લાઈટ લેવી પડે અથવા ત્યાંથી ટ્રેન કે જળમાર્ગે પણ કંબોડિયા પહોંચી શકાય છે.
યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરાયેલા ઍંગ્કોરવેટના મંદિરોને જોવા માટે તમને ચાર દિવસ તો અમસ્તા જોઈએ. આ ઉપરાંત રાજધાની નોમ પેંહ જોવા માટે પણ તમને બે દિવસ જોઈએ. વચ્ચેનો એક દિવસ સિલકમાં રાખવો, જેથી તમારે વધુ દોડાદોડી નહીં કરવી પડે. આ દેશમાં હોટેલ, ફુડ અને ટેક્સી જેવી અનેક બાબતો ભારે સોંઘી છે. આ કારણે કંબોડિયામાં ફરતા હો ત્યારે તમારી 'વિદેશ પ્રવાસો તો મોંઘા જ હોય!'ની ભ્રમણા પણ તૂટી જાય છે. તો ચાલો આજે માણીએ કંબોડિયાના અદ્દભુત ઍંગ્કોરવેટના ફોટોગ્રાફ્સ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર