કચ્છના લોકો, કચ્છની સંસ્કૃતિ
ચાલો ફરવા અને મળવા આજે કચ્છની એક બીજી જોરાવર જાતિ એટલે કે, રબારીઓને. મનિષાબેન રાજપૂતનાં કચ્છના ગામડામાં ઘણા સારા કોન્ટેક્ટસ હોવાને કારણે કોઈ પણ જગ્યાએ અમને લઈ જતાં ત્યાં ખૂબ જ ઉમળકાભેર સત્કાર મળતો. આ સફર સિવાય આ વિસ્તારના લોકોને આટલી નજીકથી અને આટલી સારી રીતે અમે એકલા નહીં જ જાણી શક્યા હોત. તેઓ અમને લઈ ગયા વાંઢ ગામની નજીક એક નાનકડા ગામે. ગામનું નામ રસાજી ગધઢાં. ત્યાં ખૂબ જ ઓછા ઘરો. બધા રબારી જ્ઞાતિની પેટા જાતિના લોકો. વાઘડીયા રબારીઓનું ગામ. ગામમાં અમારી કાર પ્રવેશી તેવી રસ્તામાં સ્ત્રીઓ એમના માથે પાણીનાં મોટાં ઘડાં લઈને જતી દેખાઈ. કચ્છનો પાણીનો પેચીદો પ્રશ્ન આપણી શહેરી સુખ સાહ્યબીની સમજથી એકદમ અજાણ અને સાચે કહું તો આપણને એમની પડી પણ નથી. આપણે પાણીની તકલીફ બે દિવસ અનુભવીએ ત્યારે આપણને થોડો ઘણો અણસાર આવે કે, આ લોકો રોજની કેટલી તકલીફો વેઠતા હશે. ત્યારે કચ્છ સાયન્સ ફાઉનડેશન દ્વારા પ્રકાશિત થયેલ એક રિસર્ચ રિપોર્ટ વાંચેલ એ યાદ આવ્યો. ગયે મહિને આપણે પાંચ હજાર વર્ષ પહેલાના ધોળાવીરાનાં હડપ્પા સંસ્કૃતિના પાણીના નેટવર્ક વિશે વાતો કરી હતી. તો એ પાણી ત્યાં આવ્યું કઈ રીતે? એનો તલસ્પર્શી ચિતાર આમાં આપ્યો હતો. કઈ રીતે સદીઓ પહેલાં કચ્છ અને આ વાંઢ, બાલાસર રસાજી વિસ્તારોમાં હડપ્પાના લોકોએ પાણી માટે નદીઓમાંથી લાંબી નહેરો બનાવી હતી? સેટેલાઈટ ફોટોગ્રાફ્સ દ્વારા એ સમયમાં અન્ડરગ્રાઉન્ડ કેનાલોનું પણ પુષ્ટિકરણ કરવામાં આવ્યું છે. બસ કચ્છનો આ ગર્વિલો ઈતિહાસ વાગોળતા વાગોળતા કચ્છનાં લોકો ને નર્મદાનાં નીર એમનાં જીવતે જીવ મળશે એવી આશા છે.
મનિષાબેને એક નાનકડા પણ સરસ ઘર પાસે અમારી કાર થોભાવી. ભૂરા દરવાજાઓ અને લાલ લાકડાંનાં થાંભલા પર સફેદ હાથે રંગેલી પેટર્ન વાળું, ત્રણ નહીં પણ બે ગાળાનું ઘર. રસોડું અને બાથરૂમ અલગ. બહાર ખાટલા પર એક પ્રૌઢ પણ જાજરમાન દાદીમા બિરાજમાન. ખૂબ જ પ્રેમથી એમણે અમને આવકાર્યા. શાંતિથી અમે અને ગોરા સાહેબ સ્ટીવ ગુલ્ડ શા માટે અહીં આવ્યા એ સાંભળ્યું. અમારી અટક દેસાઈ સાંભળીને ખૂબ હરખાઈને તેઓ બોલ્યા: 'કેવું હારું... લો અમે પણ દેહાઈ!' આંખે એમને ખૂબ જ ઓછું દેખાય પણ ફોટોગ્રાફ્સ પડાવવાનો એમને ઘણો શોખ છે એમ કહીને એમના જૂના ફોટોગ્રાફ્સ બતાવ્યા અને અંદર લઈ જઈને ઘર બતાવ્યું.
તેઓ પછી અમને એમના ભત્રીજાને ઘરે લઈ ગયા, કે જ્યાં અમને ચ્હા અને કચ્છી ફરસાણનો નાસ્તો કરાવ્યો. મનિષાબેન જબરદસ્ત આઇસ્બ્રેક્રર! અજાણ્યા પ્રદેશથી આ અમેરિકન અને આ સુરતીઓ શાને માટે તેમના ઘરે આવ્યાં તેની જાણકારી આપી. ત્યાંના જુવાનિયા પહેલાં શરમાયા પણ પછી સંકોચ ઓછો થયો એટલે ફોટોગ્રાફ પડાવવા માટે એમણે પડાપડી કરી મૂકી.
વાગડીયા રબારીઓનો યુનિફોર્મ જેવો બધાનો એક સરખો પહેરવેશ. પરણીત અને મોટી ઉંમરની સ્ત્રીઓ કાળા રંગનાં ભરતકામ વગરના કપડા પહેરે. જુવાન છોકરીઓ ખાસ્સા બ્રાઈટ રંગીન ચણીયા-ચોળી પહેરે. પુરુષો સફેદ ધોતી, સફેદ લાંબી બાંયનો છાતીએ ફૂમતા બાંધેલ ઝબ્બો અને સફેદ મોટી પાઘડીઓ પહેરે. કાનમાં બધાને મોટા સોનેરી બુટ્ટાઓ! આપણા કાન એક દિવસમાં છૂટા થઈ જાય એટલા મોટા! આપણે ત્યાં ટેટુ આજકાલ ખાસ્સું ઇનથિંગ… એટલું ઇન કે લોકો શરીરના ઘણા 'ઇન થિંગ' પર પણ બોલો ટેટુ ચીતરાવે! આ ગામોમાં પણ ટેટુ એટલેકે છૂંદણા ખાસ્સું 'ઇન!' વૃદ્ધ હોય કે જુવાન અહીં, બધાના જ હાથ, મોં પર છૂંદણા જોવા મળે!
રબારી છોકરીઓનાં લગ્ન ખૂબ નાની ઉંમરમાં જ કરી દેવામાં આવે પણ પછી રહે એના પીયરમાં જ. સત્તર વર્ષ પછી એને સાસરે મોકલવામાં આવે. વાઘડીયા રબારી કમ્યુનિટી પણ ભરતકામમાં ખાસ્સી નિપુણ. છોકરી એને સાસરે ભરતકામ કરેલા કપડાં, બેગ્સ અને ઘરવખરી લઈ જાય. પુરુષો પણ લગ્ન પ્રસંગોમાં ખાસ્સા રંગબેરંગી કપડા પહેરે.
જોકે વખત ખૂબ ઝડપથી બદલાઈ રહ્યો છે. આ આધુનિક યુગમાં જુવાનિયાઓ સદીઓ જૂનાં રીતરિવાજો મને-કમને પાળી રહ્યા છે. રિવાજ પાળનારી કદાચ આ છેલ્લી પેઢી હશે…
તો આવો આ જાતિની લુપ્ત થતી સંસ્કૃતિના ફોટોગ્રાફ્સ જોઈએ.
કાળા કપડામાં સજ્જ રસાજી ગધઢાંના જાજરમાન દાદીમાં
વાઘડીયાનો રબારી
છૂંદણાંવાળી સ્ત્રી
આવા બૂટ્ટા આપણે પહેરીએ આપણા કાન જ છૂટ્ટા થઈ જાય!
રંગીન કપડાંમાં સજ્જ વાઘડીયાની રબારી સ્ત્રી
કચ્છીઓનું તેજ એમની આંખોમાં હોય!
રબારી છોકરીઓનાં લગ્ન ખૂબ નાની ઉમરમાં જ કરી દેવામાં આવે પણ પછી તેઓ રહે પિયરમાં જ
… અને સત્તર વર્ષની ઉંમર પછી એને સાસરે મોકલે.
પાણી માટે માથાકૂટ
વાઘડીયાના રબારીઓનાં ટ્રેડિશનલ પહેરવેશમાં મનમીત દેસાઈ
… અને ચિતરંજન દેસાઈ વાઘડીયા શાલમાં!
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર