ડાંગ, ચોમાસુ અને લીલોતરી
ભારતના પૌરાણિક ગ્રંથોમાં ડાંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને એને ડાંગ આરણ્યક, એટલે કે વાંસનું જંગલ કહેવામાં આવ્યું છે. ભારતને આઝાદી મળી એ પહેલા ડાંગના આદિજાતીના જૂથના પાંચ રાજાઓ અને અંગ્રેજો વચ્ચે ઘણા યુદ્ધો ખેલાયા હતા. આ પાંચ પ્રદેશ હતા : ડાહેર, લિંગા, ગઢવી, વાસુર્ણ અને પીંપરી. ઈતિહાસ મુજબ સૌથી મોટું યુદ્ધ લશ્કરી આંબા નામની જગ્યાએ લડાયું હતું. આ યુદ્ધ વખતે ડાંગના પાંચેય રાજા એક થઈને આ યુદ્ધ લડ્યા હતા અને એને પરિણામે તેમણે અંગ્રેજોને હરાવ્યા હતા. તે સમયે હારેલા અંગ્રેજો જોડે એક સમજૂતી થઈ હતી. સને 1842મા થયેલી એ સમજૂતી મુજબ અંગ્રેજોને ડાંગ જંગલની પૂંજી અને તેમાંથી પેદા થયેલો માલ વાપરવાની પૂરેપૂરી પરવાનગી હતી અને એના બદલે અંગ્રેજોએ આ પાંચ રાજાઓને 3000 ચાંદીના સિક્કા આપવાના હતા. હાલ પણ આ રાજાઓને ભારત સરકાર તરફથી શાલીયાણું મળે છે. ભારતના અન્ય રાજાઓને આ સહાય 1970થી આપવાની બંધ કરવામાં આવી હતી. પણ ડાંગના રાજાઓને આ સહાય હજુ સુધી મળે છે. અલબત્ત રાજાઓને મળતું આ શાલીયાણું અત્યંત નજીવું હોય છે. દર વર્ષે હોળી દરમિયાન આહવામાં યોજાતા ‘ડાંગ દરબાર’ વખતે ગુજરાતના રાજ્યપાલ દ્વારા રાજાઓને આ શાલીયાણા અપાય છે.
ઘટાટોપ જંગલથી ઘેરાયેલો ડાંગ પ્રદેશ અત્યંત વૈવિધ્યસભર વિસ્તાર છે. ગુજરાતની સૌથી ઓછી ગીચતા ધરાવતો પ્રદશ એટલે ડાંગ. જે રીતે તમે કાશ્મીરમાં જમીન ખરીદી નહીં શકો એવી જ રીતે આદિવાસીઓના ડાંગમાં પણ તમે જમીન નહીં ખરીદી શકો. આ સારું જ છે, નહીંતર અહીંના આટલા સુંદર વનવગડાનો આપણે ખાત્મો બોલાવી દઈએ. અહીં બે મોટા અભ્યારણો આવેલા છે – ‘વાંસદા નેશનલ પાર્ક’ અને ‘પૂર્ણા વાઈલ્ડ લાઈફ સેન્ચુરી’. ચોમાસામાં લીલાછમ વૃક્ષો, ધસમસતા પાણીના ધોધ, અને પક્ષીઓના કલરવથી ગુંજતુ ડાંગ ટ્રેકિંગ માટે સુંદર સ્થળ છે અને છતાં અમે વર્ષ 2011 પહેલા કોઈ દિવસ આ પ્રદેશમાં ગયા નહોતા!
હા, કોલેજમાં હતા ત્યારે વઘઈના બોટનિકલ ગાર્ડનનો પ્રવાસ કરેલો અને એક વાર થોડા મિત્રો જોડે ગીરા ધોધ પણ ગયા હતા. પરંતુ, ડાંગના આ અતિરમણિય જંગલમાં ટ્રેકિંગ માટે ક્યારેય નહોતા ગયા. વર્ષ 2011મા દૃષ્ટિકોણ ફોટોગ્રાફી ક્લબમાં જોડાયા પછી, દૃષ્ટિકોણના મિત્રો સાથે મળીને આ જંગલમાં જ્યારે પહેલીવાર ટ્રેકિંગ પર ગયા અને ડાંગની સુંદરતા જોઈ તો અમે સૌ દંગ રહી ગયા! અને ત્યારે જ અમે નક્કી કર્યું કે દર વર્ષે એક વાર તો ડાંગ જવું જ.
તમારે ડાંગ જવું હોય તો વહેલી સવારેના પાંચેક વાગ્યે નીકળી સુરતથી લગભગ 65 કિ.મી. દૂર વ્યારા જવું. વ્યારા પહોંચીને ત્યાંના ‘જિલ્લા સેવા સદન’ની એક લટાર જરૂર મારવી. આ ગુજરાતનું કદાચ સૌથી મોડર્ન અને નયનરમ્ય ગવર્નમેન્ટ બિલ્ડીંગ હશે. ત્યાંથી બીજા 50 કિ.મી. ડ્રાઈવ કરીને મહાલ પહોંચાય. રસ્તામાં છૂટ્ટા છવાયા ડાંગી લોકોના ઘરો આવતા જાય.
આ વિસ્તારમાં મેઘદેવની ઘણી કૃપા હોય છે. તેથી અહીંના ઘરો માટી અને સાગના લાકડાના બનેલા હોય અને ઘાસના છાપરા પર પ્લાસ્ટીક નાંખ્યા હોય. હા બિલકુલ એવા જ જેવા દુનિયાના સૌથી મોઘાં ઘર, એટેલે કે મુકેશ અંબાણીના ‘એન્ટીલા’ પર ચોમાસામાં નાંખ્યા હોય! અહીંના દરેક ઘરના બારણા અને દીવાલ પર નકશીકામના ભાતભાતના નમૂના જોવા મળે. જાણે દરેક બારણું અને દીવાલ એક આર્ટનો નમૂનો! આ ઘરોને બારી ન હોય. પૃચ્છા કરતા એનું કારણ જાણવા મળ્યું કે ઘરની આવી સંરચનાથી ઉનાળામાં ગરમી ઓછી લાગે અને શિયાળામાં ઠંડી પણ ઓછી લાગે. ગામલોકો ગાડી ઊભી રહેતાની સાથે હસતાં હસતાં તમારી સાથે વાત કરવા આવે. ફોટા પણ પડાવે. રંગ-બેરંગી કાણાવાળી છત્રીઓ સાથે એ લોકો વરસાદમાં પોતાનું રોજિંદુ કામ આટોપતા હોય. આપણા જેવા આગંતુકોને કુતૂહલથી જોયા કરે. કોઈ ધોધ જોવાનો રસ્તો પૂછે તો હસતાં હસતાં આપણી સાથે છેક સુધી આવે અને આપણે ફોટા પડી રહીએ ત્યાં સુધી શાંતિથી ત્યાં ઊભા રહે. એવામાં આપણી સાથે લાવેલો નાસ્તો એમની સાથે વહેંચીને ખાઓ એટલે તેઓ ખુશખુશાલ!
ચોમાસામાં ટ્રેકિંગ માટે જાઓ એટલે ત્યાં ધોધમાર વરસાદ તો રહેવાનો જ. એટલે રેઈનકોટ, છત્રી અને પ્લાસ્ટીકના પાઉચ ખાસ સાથે રાખવા. અને આખો દિવસ કાદવ-કીચડમાં લપસતા, પડતા જંગલમાંથી ટ્રેકિંગની મજા લેવા આવ્યા છો એ યાદ રાખીને કપડાં કે તમારા મેકઅપની ચિંતા કર્યા વગર રખડવાનું. આજુબાજુ બધું લીલુછમ્મ!
વરસાદી માટીથી ભરપૂર કથ્થઈ રંગની મિંઢોળા નદી પર ધુલડા કરીને એક ખૂબ જ સુંદર સ્થળ આવે છે. ત્યાં ખાસ ઊભા રહેવું. અહીં એક નદીના પટ જેટલો પહોળો એક સ્પોટ છે. આગળ જતાં એક નાનો ધોધ આવશે. પ્રવાસીઓનો નહાવાનો અને પછી નાસ્તો કરીને કચરો ત્યાં જ ફેંકી ફેવરિટ સ્પોટ! ધુલડાથી મહાલ બીજા 7 મી. દૂર. મહાલ પહોંચીને ગાડી ત્યાં જ મૂકી દેવી. અન્નપૂર્ણા નદી પરનો બ્રિજ ક્રોસ કરી ડાબી બાજુ મહાલ કેમ્પિંગ સાઈટ જતી કેડી પકડવી. કેમ્પિંગ સાઈટ તરફ ચાલતા નીકળવું. બાજુમાં પૂર્ણા નદી સડસડાટ વહેતી હોય. આજુબાજુ સહ્યાદ્રીની પર્વતમાળાની નાની ટેકરીઓ દેખાતી હોય. વરસાદમાંય પરસેવે રેબઝેબ કરતા આ ટ્રેક પર ચડતા આપણને ખ્યાલ આવે કે દૂરથી ટચૂકડી દેખાતી આ ટેકરીઓ એટલી નાનીય નથી જેવી આપણને લાગતી હતી! ચોમાસાના કાળા ડિબાંગ વાદળો ચોતરફ ફેલાયા હોય અને દૂર ધૂમ્મસની વચ્ચે તમને આદિવાસીઓ એમના ઢોર-ઢાંખર ચરાવતા દેખાય. કોઈ વળી માછલી પકડવા બેઠું હોય. અને આ સમયે વાતાવરણ એવું હોય કે ઠંડક ચારેકોર પ્રસરેલી હોય.
મહાલ ઈકો કેમ્પ સાઈટ કે, જે પૂર્ણા વાઈલ્ડ-લાઈફ સેન્ચુરીનો એક ભાગ છે ત્યાં ઘણા નાના મોટા ટ્રેક્સ કરી શકાય. જો પગમાં જોર હોય અને વરસાદ અને એકલ-દોકલ દિપડા વચ્ચે ચાલવાની થોડી હિંમત હોય તો એક રસ્તો બહુ જાણીતા નહીં એવા કરંજવાના ધોધ તરફ જાય. ઉપર વરસાદ, નીચે કાદવ અને સાથે ત્યાંનો એક આદિવાસી રહીશ અમારો ગાઈડ બનીને અમારી સાથે આવ્યો હતો. બસ જંગલમાં ચાલ્યા જ કરવાનું! થાકો એટલે ગાઈડને પૂછો કે કેટલું દૂર છે. તો એનો એક જ જવાબ, બસ એ સામે દેખાય! બસ ચાલ્યા જ કરો...
અમે લગભગ 8 કિ.મી. સુધી ડુંગરા ચઢી-ઉતરીને નાની કેડીઓ પર ચાલીને, લપસીને કરંજવા ધોધ પહોંચ્યા. પણ જેવા પહોંચ્યા કે થાક દૂર. આ ધોધમાં નાહવાની ખૂબ જ મજા પડી. કેમેરા બેગ નેહાને પકડાવી હું અને બીજા દોસ્તો ધોધમાં નહાવા ગયા. એવામાં નેહા ત્યાં પથ્થર પર લસરીને ધડામ્મ કરીને નીચે પડી. પણ એની બૂમ એક જ: ‘ઓ મારી કેમેરા બેગ બચાવો!’
ફરી એટલો જ 8 કિ.મી.નો ટ્રેક કરીને મહાલ ગામ પહોંચતા સાંજ થઈ જાય. આ ટ્રેક તમને બરાબર થકવી નાખે. મહાલમાં એક ગેસ્ટ હાઉસ અને નાની દુકાનો ખરી પણ ત્યાં ખાસ કંઈ ખાવાનું મળે નહીં. માટે ઘરેથી જ નાસ્તો લઈ જવો. જોકે પાછા ફરતી વખતે પ્લાસ્ટીક અને બધો કચરો એક બેગમાં ભરીને ફરી ઘરે લઈ આવવાનું યાદ રાખજો મારા ગુજરાતી ભાઈ-બહેનો!
સુરતથી વ્યારા થઈને સોનગઢથી ડાંગ જવાય છે. આહવા, વઘઈ, જમલાપાડા, મહાલ, ડોન, ભેંસકાતરી, વાંસદા નેશનલ પાર્ક, પૂર્ણા વાઈલ્ડલાઈફ સેન્ચુરી, સલેર, મલહેર, પદમડુંગરી આ બધા સ્થળો અહીંના ફરવાલાયક સ્થળો છે. એ બધા સ્થળોની વાત કરીશું આવતે અઠવાડિયે. તો આવો ડાંગના થોડા ફોટોગ્રાફ્સ માણીએ અને ડાંગને લગતી બીજી કેટલીક રસપ્રદ વાતો કરીએ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર