આઈસલેન્ડની પ્રજ્વલિત રાતો...
આઈસલેન્ડના મનમોહક લેન્ડસ્કેપ્સની તો વાત જ અલગ છે. કેટલાય સ્થળો અને કેટલાય ફોટોગ્રાફ્સ! આહા! કયા ફોટોગ્રાફ્સ તમારી સાથે શેર કરીએ અને કયાને રેહવા દઈએ? એમ વિચારતા આ થોડી તસવીરો અને ઉત્તર આઈસલેન્ડની થોડી વાતો આ અઠવાડિયે રજૂ કરીએ. ઉત્તર આઈસલેન્ડ જવા માટે અમે સમયના અભાવે રેક્યાવિકથી ફ્લાઈટ લઈને અકુરેયરી ગયા. અકુરેયરી ઉત્તર આઈસલેન્ડનું સૌથી મોટું શહેર છે. જોકે અકુરેયરીની એક વાત સાંભળીને તમને આશ્ચર્ય થશે : આર્કટિક સર્કલથી ફક્ત 100 કિમીની દૂરી પર આવેલુ આ શહેર, આઈસલેન્ડનું સૌથી વોર્મ એટલે કે ત્યાંના સ્થળો કરતા સૌથી હૂંફાળું સ્થળ છે. મત્સ્ય ઉદ્યોગ અહીંનો મુખ્ય ઉદ્યોગ છે. અને ઉત્તર આઈસલેન્ડનું મોટું બંદર પણ આ શહેરમાં જ છે.
અહીંની બીજી આશ્ચર્ય પમાડે એવી વાત એ છે કે, ભરશિયાળામાં પણ અહીંનું પોર્ટ બરફને લીધે બંધ રહેતું નથી. વળી અહીં એક બોટેનિકલ ગાર્ડન પણ છે, જ્યાં ગ્રીનહાઉસ વગર પણ ફૂલ ઝાડનો ઉછેર થાય છે. જે રીતે આપણાં માટે અડીખમ ઊભેલો હિમાલય શિયાળામાં આપણી રક્ષા કરે છે, એ જ રીતે અકુરેયરીની આજુબાજુ સ્થિત પર્વતમાળાને લઈને આ શહેર કપરી ઠંડીથી સુરક્ષિત છે. 17000-20000ની વસતી ધરાવતું આ શહેર, ફક્ત 5 પોલીસથી કાનૂન અને વ્યવસ્થા જાળવે છે!
અહીંની નાની નાની ગલીઓમાં ફરવાની ખૂબ મજા પડે છે. ત્યાંથી અમે હયુસાવિક જતાં રસ્તામાં ગોડાફોસ નામના એક વિશાળ ધોધ પર ગયા. હયુસાવિક વહેલ વોચિંગ ટાઉન છે. વહેલ વોચિંગ અને ટુરિઝમ પર ચાલતું આ નાનું ગામડું પણ ઘણું રમણીય છે. ડેટ્ટીફોસ નામનો યુરોપનો સૌથી મોટો ધોધ પણ અહીંથી નજીક છે. ડેટ્ટી એટલે ડર્ટી એટલે કે મેલું. અન્ય સ્થળોના ધોધની સરખામણીએ તમને આ ધોધનું પાણી ગંદુ લાગે. જોકે એ પાણી માત્ર એના રંગના કારણે જ ગંદુ જણાય છે. અહીં જે પ્રચંડ ગર્જના જોડે પાણી ઠલવાય છે એ ખરેખર બિહામણું છે. ડર લાગે એટલા અવાજ અને ફોર્સથી અહીં પાણી પડે છે. વળી, પાણીની વાછટ પણ અહીં દૂર સુધી ઊડે છે.
ઉત્તર આઈસલેન્ડમાં અમે ત્રણ દિવસ રહેલા. મિવોટ નામનું અહીં એક મોટું તળાવ છે. તેની આજુબાજુ ઘણા જોવા લાયક સ્થળો અને હાઈકિંગ ટ્રેલ્સ છે. એસબિરગી નામનું એક અજબ રોક ફોર્મેશન પણ છે. આ ઉપરાંત હોર્સ રાઈડિંગ, રિવર રાફ્ટિંગ, વ્હેલ વોચિંગ, ગોલ્ફ એવા ઘણા એડવેન્ચર સ્પોર્ટ્સ અહીં છે. અહીં ડ્રાઈવ કરતા હો તો રસ્તામાં માઈલો સુધી તમે ગાડી હંકારો તોય તમને રસ્તે કંઈ ખાસ મળે નહીં. એના કારણે ડ્રાઈવ કરતી વખતે એક વાર તો ચોક્કસ તમને વિચાર આવે કે, તમે કોઈ ખોટે રસ્તે તો નથી ચઢી ગયા ને? કારણ કે માણસો તો ઠીક પણ અહીં ક્યાંય સુધી તમને રોડ સાઈન પણ ન દેખાય!
અનેરી શાંતિવાળા આ વિસ્તારમાં 3 દિવસ અમે ખૂબ રખડ્યા અને પછી પરત ફર્યા રેક્યાવિક. જોકે રેક્યાવિકથી ઘરે પાછા ફરતા પહેલા એક સ્થળ તમારે ખાસ જોવું પડે, નહીંતર આઈસલેન્ડની તમારી ટ્રીપ અધૂરી ગણાય. એ સ્થળ છે, બ્લ્યુ લગૂન. રેક્યાવિકથી એરપોર્ટ જતાં રસ્તામાં અને એરપોર્ટથી માત્ર ૨૦ મિનિટ દૂર બ્લ્યુ લગૂન આવ્યું છે.
તેની બાજુમાં એક સ્વારતસેંગી નામનો જીઓથર્મલ પ્લાન્ટ છે. આ પ્લાન્ટની નજીકની જમીનમાં લાવાની ઉપસ્થિતિને કારણે અહીં ધગધગતું ગરમ પાણી નીકળે છે. આ પાણી ટરબાઈનમાંથી પસાર થઈને પ્રથમ ઉર્જા ઉત્પાદન માટે કામ લાગે છે. એ પછી હિટ એક્સચેન્જરમાંથી પસાર થઈને મ્યુનિસિપલ વોટર હિટિંગ સિસ્ટમના પાણીને ગરમી આપે છે અને પછી બ્લ્યુ લગૂનમાં આવે છે. દુધિયા આસમાની રંગનો હોજ અને એમાં ગરમ વરાળ નીકળતું પાણી! બહારનું ટેમ્પરેચર જ્યારે -10 ડિગ્રી હોય ત્યારે પણ અહીં પાણીનું ટેમ્પરેચર 37-39 ડિગ્રી સેલ્સિયસ હોય છે. આ પાણીમાં સિલિકા અને સુલ્ફરનું પ્રમાણ વધુ હોવાથી, સોરાયસિસ વાળા લોકોને ફાયદો થતો હોવાનું મનાય છે. અહીં નહાવા પહેલા સ્વચ્છતાનો નિયમ અત્યંત કડક છે. અહીં શાવર લેવું કમ્પલસરી છે. પાછું બરાબર શાવર ન લીધું હોય તો ઉપર રહેલી સેન્સર સિસ્ટમમાંથી જોરમાં રિંગ વાગે છે એવું પણ કેહવાય છે! દર બે દિવસે અહીં નવું પાણી ઠાલવવામાં આવે છે. અહીંનો હોજ પણ ખાસ્સો મોટો છે. ગરમ પાણીમાં બેસીને તમારે બસ આજુબાજુના અતિ સુંદર વાતાવરણની મજા લેવાની. વળી, ઓર્ડર કરો તો તમને અંદર ડ્રિંક્સ પણ સર્વ કરવામાં આવે છે! અલૌકિક છે આ જગ્યા.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર