કચ્છના ખમીરવંતા લોકો
આગલા બે સપ્તાહમાં વાત કરી એમ અમે ગીર ગયેલા ત્યારે કચ્છની સફર અમારા એજેન્ડામાં હતી જ નહીં. અમે તો બસ અમારા અમેરિકી દોસ્ત સ્ટીવ અને મનિષાબેન રાજપૂત જેવા ટ્રાવેલ અને કલ્ચર તજજ્ઞનો લાભ ખાટવા અમારા ગાંસડા-પોટલાં લઈ એમનાં ગાડામાં સંગાથે ગોઠવાઈ ગયેલા. અમારે કચ્છના બહુ ગવાયેલા અને ચવાયેલા 'વ્હાઈટ રણ ફેસ્ટીવલ ઑફ ધોરડો' નહીં કરવો હતો, પણ ધોળાવીરાની સફર કરી અમારે કચ્છનાં કેટલાક નાનકડાં ગામો ગોતવા હતા, જ્યાં ઈન્ટરનેટ, મૂવિઝ અને મીડિયા દ્વારા દુનિયાની લેટેસ્ટ ફેશન, નવી જીવન શૈલી અને બદલાતા સામાજિક ઢાંચાઓ ભલે રોજ રીલે થતા હોય, પણ કદાચ એક છેલ્લી પેઢી હજુ પણ એમની જૂની પુરાણી સંસ્કૃતિને વળગીને અફર રહી હોય. અને તમે માનશો.… એવી જગ્યા અમને જડી પણ ખરી!
ભુજથી સિત્તેર કિલોમીટર દૂર આવેલું ખાવડા પહેલાં એક નાનકડું ગામ લુડિયા, ધરતીકંપ પછી ગાંધીનું ગામ તરીકે પણ ઓળખાય. મનિષાબેન અને ગુજરાતનાં ખ્યાતનામ ફોટોગ્રાફર વિવેક દેસાઈનો આ ગામ અને એના લોકો જોડે વર્ષો જૂનો અને આત્મીય સંબંધ. ગામના સીમાડે મેઘવાળ જ્ઞાતિનાં સફેદ અને સુંદર રંગીન ગોળાકાર ભૂંગા ઘરો અન્ય ગામોથી નોખા તરી આવે. મનિષાબેન અમને માનાબેન સવાભાઈ મારવાડા (મેઘવાળ)ના ઘરે લઈ ગયા. સવાભાઈ થોડાં વર્ષો પર કેન્સરગ્રસ્ત હતા ત્યારે વિવેકભાઈ અને મનિષાબેને એમને ખૂબ મદદ કરેલી. સવાભાઈના મૃત્યુ પછી નાના છોકરાઓની દેખભાળ અને ઘરના ગુજરાનની જવાબદારી માનાબેન પર આવી પડેલી. જોકે ખૂબ જ વિષમ પરિસ્થિતિમાંથી પસાર થઈને તેઓ જાતમહેનતે અને એમની મેઘવાળ કમ્યુનિટીની હેન્ડિક્રાફ્ટની કુનેહથી તેઓ આગળ આવ્યા.
આજે એમનો દીકરો હીરા સવા બધું સંભાળે છે અને હેન્ડિક્રાફ્ટની એક નાનકડી ફેક્ટરી પણ ચલાવે છે. બપોરનું ભોજન અમે એમને ત્યાં જ લીધું. આતિથ્ય સત્કાર કોને કહેવાય એ તમને અહીં જ જોવા મળે! માનાબેને એમનાં નાનકડાં રસોડામાં રસોઈ બનાવી અને ખૂબ જ પ્રેમથી અમને જમાડ્યા. અમેરિકન સ્ટીવ ભાઈએ પણ પલાંઠી વાળી ટેસ્ટથી સ્વાદિષ્ટ કચ્છી જમણ આરોગ્યું.
માનાબેનની બે દીકરીઓ ગામમાં કોઇના લગ્નમાં ગઈ હતી. પાછી આવી ત્યારે એમને જોઈને અમારા તો મોઢાં જાણે સીવાઈ ગયા! મેઘવાળ જાતિના પરંપરાગત આભલા અને ભરતકામ કરેલ રંગીન પહેરવેશમાં, દાગીનાઓથી લદાયેલી એ બંને દીકરીઓ ખૂબ જ સુંદર લાગતી હતી. એમના થોડાક ફોટોગ્રાફ્સ લીધા અને થોડું શોપિંગ કરીને અમે ગામમાં એક-બે બીજા ઘરોમાં પણ ગયા. દરેક ઘરમાં એક માસ્ટર ક્રાફ્ટસમેન હોય, જે બાપદાદાઓથી ચાલી આવેલી એમની કળામાં પારંગત હોય. આ બધા કલાકારોને ઘણા એનજીઓ તરફથી સારો સહકાર મળી રહે છે.
અહીંથી અમે ભીરંડીયારા અને રસાજી ગઢડા નામના અન્ય બે ગામોમાં પણ ફર્યા. ખાવડા પાસે આવેલ ભીરંડીયારા પણ મેઘવાળોનું ગામ. તેઓ પણ નાનાં હેન્ડિક્રાફટ અને કાપડ પર સરસ કચ્છી ભરતકામ અને આભલાંથી સજાવેલ પ્રોડક્ટ્સ બનાવીને વેચે. સ્ટીવભાઈએ તો ભારેખમ ડોલરમાં આખી દુકાન ખરીદી લીધી! અહીનાં પુરુષો પણ 'પઠાણી' પહેરવેશ જ પહેરે અને તમે પાકિસ્તાનથી ભૌગોલિક અને સાંસ્કૃતિક રીતે કેટલા નજીક છો એની યાદ અપાવે.
કચ્છના રસ્તા હવે ખૂબ જ સરસ થઈ ગયા છે. એકપણ જગ્યાએ તમને ખાડા નહીં મળે, પણ અહીંના ગામડાં એક બીજાથી ખાસ્સાં દૂર એટલે ટ્રાવેલિંગમાં તમને સમય ખાસો જાય. એરકંડિશ્ડ કારની બંધ બારીમાંથી ધૂળની ડમરીઓ તમને ઊજ્જડ રણનો આછો ભાસ આપે પણ તમે જ્યારે અહીંનાં લોકોના ઘરે જાઓ તો ત્યાંની કઠણ પરિસ્થિતિનો બરાબર ખ્યાલ આવે. પાંખી વસ્તીના આ ગામોના યુવાનો બહારનાં શહેરોમાં કામ કરતા હોય અને સ્ત્રીઓ અને વૃદ્ધો જ રહ્યા હોય! એક ઘરે પાણીની કાયમની તકલીફની વાત સાંભળતા જ મનિષાબેને તરત ગાંધીનગરના એક અધિકારીને ફોન જોડ્યો અને ઉપરી સાહેબે ઘટતું કરવાની ચૂંટણી યોજના રિપિટ કરીને ફોન મૂકી દીધો.
કચ્છ આમ ઉજ્જડ ખરું પણ તમને કચ્છી લોકોની સુરમા આંજેલી આંખોમાં એક અનેરું ખમીર ચોક્કસપણે દેખાય. સંજોગો જોડે લડી લેવાની હામ એમના અવાજમાં જરૂર વરતાય. ઘર આવેલા મેહમાનને પાણી ઓછું અને દૂધ વધારે વાળી ચ્હા પીવડાવીને જ મોકલવાની હૂંફ અનુભવાય.
આવતે અઠવાડિયે કચ્છના બીજા એક ગામની સફર ખેડીશું, ત્યાં સુધી 'અચીજા' એટલે કે, આવજો...
કચ્છનો નકશો
માનાબેન સવાભાઈ મારવાડા (મેઘવાળ)નાં ઘરે
અમારા માટે સ્વાદિષ્ટ ભોજન બનાવતા માનાબેન
કેમેરાથી જરા સરખીય નહીં શરમાતી લુડિયા ગામની ગૌરવવંતી મહિલા
કલાકારોના ગામનું મંદિર પણ કલાત્મક
ધારા સવા મારવાડા
ભીરંડીયારા ગામની મેઘવાળ કમ્યુનિટીના ભૂંગા ઘરો
પઠાણીમાં સજ્જ ભીરંડીયારાનો પુરુષ. એના કપડાં જરૂર કચ્છી સ્ત્રીઓ જેવા રંગીન નહીં હોય, પણ આપણે પાકિસ્તાનથી કેટલા નજીક છીએ એની યાદ તો આ પુરુષ અપાવે જ છે!
ભીરંડીયારાના કાપડનાં સુંદર હેન્ડિક્રાફ્ટ
કચ્છના ઘરેણાં
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર