ગ્રાન્ડ ટીટોનના પહેલાં વસાહતીઓ
USA અને ગ્રાન્ડ ટીટોનના પણ પહેલાં વસાહતીઓ તો બેશક નેટીવ અમેરિકન્સ જ. હજારો વર્ષથી તેઓ અહીંના રહેવાસીઓ છે. એક જમાનામાં તેઓ નેવાહો કે રેડ ઈન્ડિયન્સ તરીકે ઓળખાતા. આજે તમે એમને એ નામે બોલાવો તો એમને જરૂર ખોટું લાગે. એટલે ત્યાં જાઓ તો થોડું સંભાળજો!
ઈ.સ. 1492માં અમેરિકન ખંડ પર ક્રિસ્ટોફર કોલંબસે પર પહેલ વહેલો પગ મૂક્યો અને પછી તો પોર્ટુગીઝ, બીજા યુરોપિયનો અને બ્રિટીશ કોલોનીઓનાં ટોળેટોળા ત્યાં ઉમટવા માંડ્યા. લાખો અને કદાચ કરોડો નેટીવ અમેરિકન્સનો પહેલા ખ્રિસ્તી ધર્મનો ફેલાવો કરવા અને પછી એમની માતૃભૂમિ હડપ કરવા રીતસરનો સફાયો બોલાવવામાં આવ્યો. 1760ની આજુબાજુ બ્રિટીશરોનું વર્ચસ્વ વધી જતાં એમણે બધી કોલોનીઓ પર આડેધડ ટેક્સ લાદયા અને પછી થઈ વર્ષ 1774ની બોસ્ટન ટી પાર્ટી. અહીં બ્રિટીશ દાદાગીરી જલદી પતી અને વર્ષ 1776માં આઝાદ યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા બન્યું.
આ થઈ અમેરિકાના ઈતિહાસની થોડી વાતો. હવે ફરી આવીએ ગ્રાન્ડ ટીટોન પ્રદેશમાં. તો નેટીવ અમેરિકન્સના આ વિસ્તારમાં 12,000 વર્ષના ઈતિહાસ પછી 1807મા એક કોકોસોઈડ (ગોરો) અમેરિકન, નામે જ્હોન કોલ્ટર એક્સ્પીડિશન મિશન લઈને આવ્યો અને આ પ્રદેશ અને એને અડોઅડ યેલોસ્ટોન પ્રદેશ શોધી કાઢ્યો. તરત જ અમેરિકન ફર ટ્રેપરો આ પ્રદેશમાં અહીં આવીને વસવા માંડ્યા, જેમાંના સૌથી પહેલા હતા ડેવી જેક્સન. જેમના નામ પરથી આ જગ્યાનું નામ જેક્સન હોલ પડ્યું. 1872માં જીયોલોજીસ્ટ હેયડને USAનો અને દુનિયાનો સૌથી પહેલો નેશનલ પાર્ક યેલોસ્ટોન નેશનલ પાર્ક, દેશને સમર્પિત કર્યો.
1883માં આ વિસ્તારમાં પહેલવહેલા હોમસ્ટેડ કરનારાઓની વસાહત શરૂ થઈ. હોમસ્ટેડ એટલે ખેડૂત + ઢોર ચરાવનાર. ખૂબ જ વિષમ વાતાવરણમાં મુખ્યત્વે મોરમોન જાતિનાં લોકો અહીં હોમસ્ટેડ કરવા લાગ્યા. પોલ કનિન્ગહામે 1885મા બનાવેલી લાકડાંની લોગ કેબીન આજે પણ અહીં મોજૂદ છે. ઘણી જર્જરિત થઈ ગયેલી એ કેબીનમાં કાચ કે લાકડાં વગરની મોટી ખુલ્લી બારીઓ છે, જેમાંથી તમને ગ્રાન્ડ ટીટોન પર્વતમાળા એકદમ નજીકથી દેખાય છે. તમે કેબીનની અંદર જઈને શાંતિથી આંખો બંધ કરીને થોડી મિનિટો બેસો તો તમે જરૂર ટાઇમ મશીનમાં સફર કરીને ઓગણીસમી સદીમાં પહોંચી જશો. અને તમને ખ્યાલ આવશે કે, કઈ રીતે એ સમયમાં વિજળી વગર કેટલી કઠણાઈઓ વેઠીને પણ આ અદભુત લોકેશન પર લોકો જીવ્યા હશે.
જેક્સન હોલ આસપાસ ફોટોગ્રાફરોનો અગર કોઈ સૌથી પ્રિય સ્પોટ હોય તો એ છે 1912મા બે ભાઈઓ થોમસ મોલટન અને જ્હોન મોલટને બનાવેલ સુંદર બાર્નસ એટલે કે તબેલાઓ. દુનિયાનાં કદાચ કોઈ પણ તબેલાના આટલાં બધા ફોટોગ્રાફ્સ નહીં પડ્યા હોય! 1961 સુધી અહીં રહીને એમના કુટુંબો બીજે રહેવા ચાલી ગયા અને આ તબેલા નેશનલ પાર્ક સર્વિસને અને દુનિયાના ફોટોગ્રાફરોને ભેટ ધરતા ગયા. લાકડાંનાં આ સુંદર તબેલાઓ અને એમના છાપરાં પણ પાછળનાં વિશાળ ગ્રાન્ડ ટીટોનની પર્વતમાળા જેવા જ બનાવવામાં આવ્યા છે. સૂર્યોદયના સમયે તમે ત્યાં પહોંચો તો ત્યાં ટ્રાયપોડ લઈને 40 થી 50 તસવીરકારો ઊભા હોય! સૂર્યની પહેલી ઝાંય ગ્રાન્ડ ટીટોનને ગુલાબી રંગથી રંગે એ ફોટોગ્રાફ અમારા મનમાં હતો અને એ લાઈટ બસ થોડી મિનિટોમાં જ જતી રહ્યી. બટ વી હેડ ગોટ ધ શોટ!
અહીં અમે સાંજના અને રાતનાં ફોટોગ્રાફ્સ પણ લેવા ગયાં હતાં. સુંદર પૂનમની રાતમાં ટમટમતા તારલા અને ઝળહળતાં ટીટોનના ફોટોગ્રાફ્સ ક્લિક કરતી વખતે અમારી ખૂબ જ નજીક અને પાછળ ઝાડીઓમાં છૂપાયેલ કોયોટીના (શિયાળ અને વરુ જેવી પ્રજાતિ) રુદન હ્રદય થડકાવનારા હતા. તો આવો આ પહેલવહેલાં ટીટોનવાસીઓના ઘરો જોઈએ...
પોલ કનિન્ગહામે 1885મા બનાવેલી લાકડાંની લોગ કેબીન
લાકડાંની લોગ કેબીનની અંદરથી ગ્રાન્ડ ટીટોનનો વ્યૂ
આખા વિસ્તારમાં તમને દૂરદૂર સુધી આવી જૂની લાકડાની વાડ જોવા મળે, જેથી ઢોર એમનાં સીમાડામાં રહે.
1912મા થોમસ મોલટને બનાવેલા સુંદર તબેલા.
સૂર્યોદય સમયે મોલટનના તબેલા
જ્હોન મોલટનનો દૂરનો બીજો તબેલો
અને એનો ક્લોઝ અપ
મોલટન બાર્ન પાછળ એમના જૂના ઘરો
થોમસ મોલટન બાર્ન સાંજના સમયે
સાંજનો સમય
પોલ કનિન્ગહેમ કેબીન પાસેની વાડનો ફોટોગ્રાફ લેતા નેહા દેસાઈ
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર