ગ્યર અને ન્યાંના લોકો
ગુજરાત સરકાર માટે ઘણા ગર્વની વાત એ છે કે છેલ્લાં વીસ વર્ષમાં સિંહની સંખ્યા ડબલ થઈ ગઈ છે. પર્યાવરણની જાળવણી તેમજ પૂરતા પ્રમાણમાં ખોરાક મળતાં ગીરના સિંહોની સંખ્યામાં વધારો થયો છે. જોકે, બીજી તરફ ગીરના ક્ષેત્રફળમાં કોઈ વધારો થયો નથી તેથી સિંહ હવે ઘણીવાર આજુબાજુનાં ગામોમાં પણ પહોંચી જાય છે. વળી, સિંહ પોતાના જૂથ જોડે એકલો રહેવા ટેવાયેલો છે, જેના કારણે જગ્યાના અભાવે બીજાં જૂથો જોડે અથડામણ થતી રહેતી હોય છે. વૈજ્ઞાનિકોના મત મુજબ ગીરના થોડા સિંહોને બીજું ઘર આપવું જરૂરી છે. 1994માં આફ્રિકાના સેરેનગેટીમાં એક કેનાઈન વાઇરસનો રોગ લાગુ પડતાં, 1000 ઉપર સિંહ મરી ગયા હતા. ખૂબ જ નિકટના સાંનિધ્યમાં રહેતા અનેક પ્રાણીઓમાં આવો રોગચાળો ફાટવાનો પણ ભય રહે છે. આવી કેટલીક બાબતોને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે ગીરના સિંહો માટે મધ્ય પ્રદેશમાં એક અલાયદું અભયારણ્ય પણ તૈયાર કર્યું છે પણ ગીર પ્રદેશના લોકો પણ સાવજો સાથે રહીને સાવજ જેવા થઈ ગયા છે, એટલે તેઓ પણ ગીરના સાવજને એમનાથી અળગા કરવાની વાતનો વિરોધ કરી રહ્યા છે. સિંહો સાથે એમને એવો તો લગાવ થઈ ગયો છે કે, તેઓ ખોંખારીને કહે છે કે, 'આંયાથી એકેય હાવજને ક્યાંય જવા નો દઈએ…!'
ગત સપ્તાહે આપણે ગીરની લાયન સફારીની વાતો કરેલી. આ વખતે અહીંના શૂરા લોકોની થોડી વાતો કરીએ. ગીર નેશનલ પાર્કની બરાબર મધ્યે 1300 જેટલા માલધારીઓના કુટુંબ વસવાટ કરે. આજુબાજુ સાવજ, દીપડા અને જંગલ છે છતાંય આ માલધારીઓ બિનધાસ્તપણે અને વન્ય પ્રાણીઓ સાથેના સુમેળથી એમની વચ્ચે નેસ કે નેસડામાં રહે.
નેસ એટલે માટીનાં બનેલાં ઝૂંપડાં! એક જમાનમાં આ માલધારીઓ જૂનાગઢના રાજમહેલમાં દૂધ પહોચાડતાં. આજે હવે તેઓ એમનું દૂધ લોકલ માર્કેટમાં પોતાનાં વાહનો દ્વારા લઈ જઈને વેચે છે. અહીં વસતા ઘણા માલધારીઓ પાસે 100થી 400 જેટલી ગાય ભેંસો ખરી. એમની ગાયોને જંગલનો ઘાસચારો, નદીનું પાણી અને રહેવાની મોકળી જગ્યા! આ કારણે ગાય-ભેંસો દૂધ પણ સારું આપે છે અને દૂધના ભાવ ઊંચા હોવાના કારણે માલધારીઓને આવક પણ સારી એવી થઈ રહી છે.
દૂધના વ્યવસાયમાં અત્યંત મહેનત પડતી હોય છે એટલે એ મહેનતુ માલધારીઓને પ્રત્યે આપણને અમસ્તુ જ માન થઈ આવે પરંતુ એમને સલામ ઠોકવાનું મન તો ત્યારે થઈ આવે, જ્યારે ગીરમાં રસ્તા વચાળે સિંહ નિરાંતે બેઠો હોય અને માલધારી બાજુમાંથી વગર બીકે ત્યાંથી પગપાળા હેંડી નીકળે! આગળ વાત કરી એમ એક સફારીમાં અમે બે સિંહ જોયા હતા અને ત્યાંથી બે માલધારીઓ ચાલતા જતા હતા. સિંહ ત્યારે આરામથી તડકાની મજા લેતા પડ્યા હતા અને આટલા માણસોની હાજરી હોવા છતાં સિંહો ત્યાંથી ઊઠેલા નહીં.
ગીરના માલધારીઓ ઢોર ચરાવતા હોય ત્યારે એક વિશેષ પ્રકારનો હાકોટો મારે. સિંહના સરવા કાને આ હાકોટો પડે એટલે એમને ખ્યાલ આવી જાય કે આજુબાજુ ઢોર છે અને સજાગ થઈ જાય. અમે સિંહ બરાબર જોઈ શકીએ એ માટે માલધારીઓમાંથી એકે અમથો જ એવો હાકોટો પડેલો, જેના કારણે બંને સિંહ સફાળા ઊભા થઈ ગયા અને એમના કાન સરવા કરી આમતેમ જોવા લાગ્યા. તકનો લાભ લઈને અમે પણ ફટાફટ ફોટા પાડવા લાગ્યા. થોડી વારમાં વનરાજને ખાતરી થઈ કે અહીં કોઈ ઢોર નથી એટલે તેઓ પાછા સૂઈ ગયેલા. જોકે, માલધારીઓ પણ સિંહો સાથે થોડીઘણી મજાક કરી લેતા હોય છે એટલે જતાં જતાં એક માલધારીએ ફરીથી પેલો હાકોટો પાડેલો એટલે સિંહો ફરીથી ઊભા થઈ ગયેલા અને માલધારીઓ હસતાં હસતાં ત્યાંથી નીકળી ગયેલો.
જે જંગલમાં મારા તમારા જેવા ટુરિસ્ટ્સને જીપમાંથી નીચે ઉતારવાની બિલકુલ મનાઈ હોય ત્યાં આવા 5000થી વધારે માલધારીઓ રહે છે અને જલસા કરે છે. ઘણી વાર સિંહ એમના ઢોરોનું મારણ કરે ત્યારે પણ એ લોકો વેરભાવના રાખીને સિંહને રંજાડતા નથી. હા, આવું જ્યારે પણ થાય ત્યારે ગુજરાત સરકાર એમને નજીવી રકમ જરૂર ચૂકવે છે.
માલધારી સિવાય એક બીજી એક રસપ્રદ ટ્રાઇબલ કમ્યુનિટી અહીં નજીકમાં રહે છે અને એ છે સીદી. આ સીદી ઉત્તર આફ્રિકાથી અહીં આવ્યા હતા. લોકવાયકા પ્રમાણે, જૂનાગઢના નવાબ આફ્રિકાથી આ લોકોને સિંહની રખેવાળી માટે લાવ્યા હતા. તો વળી બીજી કથા એવી છે કે, એમને રેલવે ટ્રેક બનાવવા માટે અહીં લાવવામાં આવ્યા હતા પણ જે હોય એ, સીદીઓએ ગુજરાતી ભાષા અને રીતિરિવાજોને પોતાના જીવનમાં વણી લીધા છે. મોટા ભાગના સીદીઓ ખેતરોમાં અથવા છૂટક મજૂરી કરીને પેટીયું રળે છે. તો બાકીના થોડા લોકો બાજુની ફાઇવ સ્ટાર હોટેલોમાં આફ્રિકન ધમાલ ડાંસ અને સંગીતના કાર્યક્રમો કરીને ગુજરાન ચલાવે છે. આફ્રિકાની એ યાદગીરીની બાદબાકી કરો તો તેઓ સંપૂર્ણપણે ગુજરાતી બની ગયા છે. ભાષા પણ આપણા સૌરાષ્ટ્રની જ બોલે છે!
અમે સીદીઓના એક ગામની મુલાકાત લીધી હતી. ગામનું નામ જામબોર. ત્યાં અમે એક ભાઈના ઘરે ગયા હતા, જેમણે અમને પ્રેમથી સરસ ચા પીવડાવી અને એમનું ઘર અને વાડો બતાવ્યા અને ગામમાં પણ ફેરવ્યા. જામબોર ગામમાં સીદીઓનું મુખ્ય તીર્થ સ્થાનોમાંનું એક એટલે નાગરશી પીર. સીદીઓથી ઘણા રાજાઓ અને નવાબો પણ આવ્યા અને દેશમાં લોકશાહી પણ આવી, પરંતુ અહીંના ગામડાંના લોકોની ગરીબી હજુ ફીટી નથી. એ એક અત્યંત મોટું આશ્ચર્ય છે.
તો આવો ગીરના આ લોકોની થોડી તસવીરો જોઈએ...
ગીરના જંગલમાં માલધારી સ્ત્રીઓ
જામબોરનો સિદ્દી ટેણીયો
ઓફ શોલ્ડર ફેશન અને ભારોભાર ક્યુટનેસ
રોટલા અને ચિકનનું નિમંત્રણ અમને હસતા મોઢે મળેલું, પણ અમે ચા પીને જ સંતોષ માનેલો.
આટલી પેઢીઓ પછી પણ આફ્રિકી ફીચર્સ અકબંધ છે, પણ હા દેખાવને બાદ કરતા તેઓ બધી રીતે ગુજરાતી!
ગામનો સલમાન
સાદું પણ સુઘડ રહેઠાણ
બસ બધાનો સવાલ એક જ, 'તમે મારો ફોટો પાડશો?'
અને અમ્મારો જવાબ, 'તમે હસશો તો જરૂર તમારો ફોટો પાડીશું!'
તમે પણ જરૂર જજો ગુજરાતમાં જ આફ્રિકાનો એક અંશ જોવા જામબોર!
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર