ટ્રેકિંગ અને ફોટોગ્રાફીનું સ્વર્ગ એટલે ડાંગ

10 Jul, 2015
12:00 AM

mamta ashok

PC:

ગયા અઠવાડિયે આપણે ડાંગની વાતો કરતા હતા. ત્યાંથી જ વાતો આગળ ધપાવીએ અને થોડી ખાસ જોવા જેવી જગ્યાઓ, ત્યાંના લોકો અને તેમના ખોરાક વિશે પણ વાતો કરીએ. અમારા દૃષ્ટિકોણના મિત્ર ભરતભાઈ પટેલ સાથે ઘણીવાર અમે ડાંગની ખૂબ સુંદર જગ્યાઓએ ગયા છીએ. તેઓ ડાંગના જમલાપાડા ગામના વતની. તેમના માતુશ્રી ગામના સરપંચ. જમલાપાડા ગામ અને દિવાન ટેમ્બરુન બે નાના ગામડાઓ, જે મહાલથી 11 કિલોમીટર ભીતર જાઓ ત્યારે આવે. મોટેભાગે પર્યટકો અહીં જાય નહીં, પણ ભરતભાઈ સાથે વર્ષે બે વાર ત્યાંની સ્કૂલના વિદ્યાર્થીઓ માટે એમને જોઈતી ચીજવસ્તુઓની સહાય કરવા અમે દૃષ્ટિકોણ ક્લબ જોડે અચૂક જઈએ. ત્યાંના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ અમને મળવા આવે. અમે એમને સાવ નાની મદદ કરતા હોઈએ તોય તેઓ ગળગળા થઈ જાય. અમે ત્યાં પહોંચીએ ત્યારે વિદ્યાર્થીઓ ત્યાંના ગીતો, ડાંગી નૃત્ય અને નાની સ્કીટ ભજવે.

આ દરમિયાન સ્કૂલમાં જ અમે પ્રેમથી ડાંગી લોકોનું સ્વાદિષ્ટ લંચ લઈએ, જેમાં તેઓ અમને નાગલીનાં રોટલા, વાંસનું શાક અને લસણનું અથાણું ખૂબ જ પ્રેમથી જમાડે.

ગીરા ધોધ 

ડાંગમાં ચોમાસુ માણવું હોય તો એક વાર ગીરા ધોધ જરૂર જવું. શિંગાળાથી 8 કિ.મી. દૂર. ગીરીમાળ ગામ પાસે ગીરાનો 75 ફૂટનો ધોધ આવ્યો છે. વરસાદી ઋતુમાં ઘણી વાર અહીં ધુમ્મસ અને મેઘધનુષ્ય પણ જોવા મળતા હોય. ત્યારે અહીં ખૂબ જ રમણીય દૃશ્ય જોવા મળે છે. ગુજરાત સરકાર આ સ્થળને એક ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે ડેવલપ કરી રહી છે.

વઘઈ બોટનિકલ ગાર્ડન  

વઘઈથી 2 કિ.મી. દૂર એક મોટો અને ખૂબ સુંદર બોટનિકલ ગાર્ડન છે. અહીં તમને ઘણી જાતના ફૂલો અને ઔષધિક વનસ્પતીઓ અને ઝાડપાન જોવા મળે.

શબરી માતાનું મંદિર 

એવી માન્યતા છે કે રામાયણ કાળમાં શબરી માતા અહીં બોરડીનું જંગલ ધરાવતા બોરડીપાડામાં રહેતા અને અહીં એમણે ભગવાન રામને એમના ચાખેલા બોર ખવડાવ્યા હતા. શુબીરમાં ચમક ડુંગર નામની એક ટેકરી પર શબરી માતાનું મંદિર એક સુંદર મંદિર બનાવાયેલું છે.

રૂપગઢનો કિલ્લો, કાલીબેલ 

ચોમાસામાં માણવા જેવો એક બીજો સરસ ટ્રેક. 17મી સદીમાં ગાયકવાડ રાજવંશના પહેલા રાજા પિલાજીરાવે વર્ષ 1721માં આ કિલ્લો કાલીબેલ પાસે બનાવેલો અને સોનગઢને એમની રાજધાની બનાવેલી. પાછળથી એમના કુંવર દમાજીરાવે તેમની રાજધાની વડોદરા સિફ્ટ કરી. આ કિલ્લો સામાન્યરીતે ડાંગમાં જોવા મળતા ગીરીદુર્ગ આર્કિટ્રેક્ચરનો નમૂનો છે. આજે હવે જીર્ણ થઈ ગયેલા ખંડેરોમાં તમને એકાદ તોપ, એક વખાર અને પાણીની ટાંકી અહીં જોવા મળશે. કાલીબેલની નજીક પોપટબારી પાસે તમારું વેહીકલ પાર્ક કરીને, ટ્રેકિંગ કરીને ડુંગર પરના રૂપગઢ કિલ્લા પર પહોંચાય. ત્યાં સુધી પહોંચતા એક કલાક લાગે થોડા પગ પણ દુખે. પરંતુ ઉપર પહોંચો એટલે તમે ડાંગનો જંગલ આચ્છાદિત સુંદર નજારો જોઈને મોહી પડો.

માયાદેવી 

દક્ષિણ ડાંગમાં પૂર્ણા નદિના કિનારે ભેંસકાતરી પાસે કકરાડા કરીને એક નાનકડું ગામ આવેલું છે. માટીને કારણે ચોમાસામાં કથ્થઈ રંગની બની જતી પૂર્ણા નદી ધસમસતી માયાદેવીની કાળમિંઢ ખડકાળ કેનાલમાં દાખલ થતી જોવાનો એક લહાવો છે (ગયા અઠવાડિયાનો એક ફોટોગ્રાફ જોવો). અહીં અમે રાત્રે આકાશગંગાની ફોટોગ્રાફી કરવા પણ ઘણીવાર જઈએ છીએ અને રાતના આકાશગંગાનો નજારો સાચે જ જોવા લાયક હોય અને ફોટોગ્રાફર્સ માટે તો આ સ્થળ સ્વર્ગ સમાન બની જાય છે.

ડોન 

બહુ મોડે મોડેથી લોકોના ધ્યાનમાં આવેલું ડાંગનું અત્યંત સુંદર ડેસ્ટીનેશન એટલે ડોન. આહવાથી 30 કિ.મી. દૂર અને ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલું ડોન હવે માઉથ ટુ માઉથ પબ્લિસિટીથી પર્યટકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. ગુજરાત સરકાર પણ આને સાપુતારા જેવું ટુરિઝમ ડેસ્ટીનેશન બનાવવાનું વિચારી રહી છે. એ કમર્શિયલ કોલાહલ ડોનને અભડાવે એ પહેલા આ વર્ષે જ એક વાર ડોન જઈ આવો.

તો આવો આ વખતે આપણે ઘણા બધા ફોટોગ્રાફ્સ માણવાના છે. ચાલો માણીએ ડાંગના અદભુત નજારા.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.