વર્તમાનમાં ધરબાયેલો ભૂતકાળ

03 Jun, 2016
12:00 AM

નેહા ચિત્તરંજન દેસાઈ

PC:

આ લેખ લખ્યો અને બે દિવસ પછી વાંચ્યું કે ધોળાવીરા અને ઈન્ડસ વેલી 5000 વર્ષ નહીં પણ લગભગ 8000 વર્ષ જૂની હોય શકે છે! જેમ જેમ સમય વીતતો જાય એમ નવી વિશ્વસનીય કાર્બન ડેટિંગ પદ્ધતિઓ શોધાતી જાય અને પૃથ્વી અને માનવ જાતિના ઈતિહાસનું કેલેન્ડર બદલાતું રહે અને એટલે જ આપણું અચરજ પણ વધતું રહે.

હવે ફરી ધોળાવીરા પર આવીએ. ધોળાવીરા બરાબર માણવું હોય તો અડધો દિવસ પૂરતો થઈ રહે. આ લેખમાં તે સમયનાં લોકો, આ શહેર અને એ વખતના અદભુત વિકાસ વિશેની વાતો કરીએ.

ધોળાવીરાના મ્યુઝિયમમાં સાઈટની માહિતી અને ખોદકામ દરમિયાન જે પણ વસ્તુઓ મળી હતી એ પ્રદર્શન માટે મૂકી છે. 5000 વર્ષ પહેલાં ત્યાં વ્યાપાર થતો અને એ વેપાર માટે એમની પાસે સ્ટાન્ડર્ડ વજનનાનાં ઘન આકારનાં વજનિયા પણ હતા! જુદી જુદી સાઈટો પરથી લગભગ 550 જેટલાં વજનના માપ મળ્યાં છે! આ ઉપરાંત તેઓ વ્યાપાર અને ચલણ માટે "Seals" નો ઉપયોગ કરતા! તે સમયમાં પણ તેઓ ખૂબ જ વિકસિત સિરામિક પોટરી અને રંગેલા માટલાનો ઉપયોગ કરતા, જેના અવશેષો તમને મ્યુઝિયમમાં જોવા મળશે. ટેરાકોટા પથ્થરોના દાગીનાં જેવા કે નેકલેસ, બુટ્ટીઓ, બંગડીઓ બિડ્ઝ તો એટલા સરસ કે નેહાને એ ખરીદી લેવાનું મન થયું. અમસ્તો જ અમે એનો ભાવ પૂછી જોયો તો ત્યાંના ક્યુરેટરે જે ભાવ કહ્યો એ સાંભળીને સુરતના જ્વેલર્સ જ અમને સસ્તા લાગ્યા!

એમની હરપ્પન લિપીનાં લગભગ 2000 જેટલાં સેમ્પલો એકત્ર કરવામાં આવ્યા છે. આશરે 450 સિમ્બોલોથી બનેલી લિપી સાથે તેઓ જમણેથી ડાબે લખતા. એ લિપી હજુ સુધી ઉકેલાઈ નથી. ઈવન ત્યારે પણ ઘણા ઓછા લોકો એ લિપીને સમજી શકતા અને એનો ઉપયોગ કરી શકતા!

હજારો વર્ષ પહેલા તેઓ ખેતી પણ કરતા! શિયાળાના રવિ પાકમાં ઘઉં, બાજરી, શાકભાજી, કઠોળ ઉગાડતા અને ચોમાસામાં ચોખા અને જુવાર સાથે તરબૂચ જેવા ફળોનાં પાક લેતા. સાથે તેઓ માછલી અને માંસ પણ આરોગતા અને એના માટે ખાસ્સા પ્રમાણમાં ઢોરઢાંખર કે પ્રાણીઓ પણ રાખતા.

દિવસની રખડપટ્ટી બાદ રાત્રે ફરી અમે ધોળાવીરાના ખંડેરોમાં એક ચક્કર માર્યો. મળસકે ત્રણ વાગ્યે અમે ત્યાં પહોંચેલા અને ખંડેરોની મુલાકાત લીધેલી, અલબત્ત ભૂતપ્રેતને જોવા નહીં, પણ હજારો વર્ષ પહેલા જીવી ગયેલા લોકોના જીવનની અનુભૂતિ કરવા અને નાઈટ ફોટોગ્રાફી કરવા. ફેબ્રુઆરી મહિનો હોવાથી 'મિલ્કી વે' એટલે કે આકાશગંગા ગેલેક્સી દેખાતી ન હતી. એટલે એના માટે ફરી કોઈવાર એપ્રિલથી સપ્ટેમ્બરમાં ત્યાં જઈશું.

સિક્યોરીટી ગાર્ડસ સાથે હોવાના કારણે અમે અંધારી રાતમાં પાછળના ખેતરો અને ટેકરા ચઢીને ગયા. ત્યાં ટોર્ચના પ્રકાશે બધું સરખું જ દેખાય એટલે અમે ત્યાં અટવાયા. નસીબજોગે રસ્તો જડ્યો અને અમે પહોંચ્યા ખંડેરો વચ્ચે. જોકે ત્યાં પહોંચતા પણ અમને અડધો કલાક તો થયો! પવનના સુસવાટા, કાળી ડિબાંગ રાત અને થોડા કુતૂહલ સાથે ભસતા કૂતરા વચ્ચે અમે બે હાથ થોડા વધુ જોરથી ભીડીને એક હરપ્પન ઘરના ખંડેર સામે બેઠા. અમારી બીક થોડી ઓછી થઈ પછી આ અદભુત જગ્યાનો એક અનેરો લહાવો માણ્યો. પાંચ હજાર વર્ષ પહેલા આપણા પૂર્વજોને પણ આ જ તારલાઓ દેખાયા હશે એની વાતો કરતા અમે ફોટોગ્રાફ્સ લીધા. વહેલી સવારે પાછા ફરતી વખતે કોઇ ટાઈમ મશીનમાં બેસીને દૂરના સમયની સફર કરીને આવ્યા હોય એવી અનુભૂતિ થઈ અને એક ન સમજાય એવા સ્મિત સાથે અમે અમારા ગેસ્ટ હાઉસમાં પરત ફર્યા.

તો આવો થોડાં ફોટોગ્રાફ્સ જોઈએ....

ધોળાવીરાના કિલ્લાની અંદર જઈને ઊભા રહો અને ચારે ઓર નિરીક્ષણ કરો ત્યારે ખ્યાલ આવશે કે પાંચ હજાર વર્ષ પહેલાના ટાઉન પ્લાનરોએ કેટલી કાળજીઓ લીધી હશે.

chalo farva 48 1

ધોળાવીરાનું સૌથી મોટું અચરજ એટલે એમનું જળ વિતરણનું તંત્ર અને વ્યવસ્થા

ch-02

રમત ગમતનું મોટું મેદાન અને રમત માણવા માટે બેસવાની વ્યવસ્થા

ch-03

મ્યુઝિયમમાં રસોડાની સામગ્રીઓ

ch-04

પાંચ હજાર વર્ષ જૂના પ્રાણીઓનાં રમકડાં

ch-05

નાનકડાં પૈંડા, સીલ અને વજનનાં માપિયા

ch-06

આઠમાં ધોરણનાં ઇતિહાસમાં હરપ્પન સંસ્કૃતિના પ્રકરણમાં આ સીલનો ફોટોગ્રાફ જોયેલો અને ભૂલાઈ ગયેલો. પણ આ યુનિકોર્નના સિલને ધોળાવીરામાં જોઇને ફરી હેરત થઈ.

ch-07

ધોળાવીરાના કિલ્લામાંના ઘરો

ch-08

 

પથ્થર અને ઈંટોનું ચણતર આજેય અકબંધ!

ch-09

પાણીની જરૂરિયાત તો રણનો રહેવાસી જ જાણે! છૂટી છવાઈ ટાંકીઓમાં પણ પાછાં નાના સિંક બનાવેલા કે, જેથી કરીને પાણીના છેલ્લા ટીપાંનો પણ ઉપયોગ કરી શકાય.

ch-10

મળસકે ત્રણ વાગ્યે લેવાયેલી તસવીર

ch-11

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.