નમિબિયા કઈ રીતે જઈશ?
ગયા સપ્તાહે તમારા પત્નીએ Khabarchhe.com મેગેઝિનનમાં અમારો નમિબિયા વિશેનો લેખ વાંચ્યો અને અમારા ફોટોગ્રાફ્સ જોઈને તેઓ અભિભૂત થઈ ગયા. એટલે પત્યું! એમણે ફરમાન છોડ્યું કે, ‘હું આ વખતે રજાઓમાં પિયર નથી જવાની! આ વેકેશનમાં મારે કોઈ પણ ભોગે અદ્દભુત નમિબિયા દેશ જ જવું છે!’ પત્નીનું આ જાહેરનામું સાંભળીને જ તમારા મોતિયા મરી ગયા હશે. કારણ કે પત્ની પિયર જશે એમ માનીને તમે દોસ્તો સાથેની સાંજની મહેફિલોનું આયોજન અને વીકએન્ડમાં દમણનો કાર્યક્રમ ગોઠવી કાઢ્યો હશે. પરંતુ આ શું? આ તો પળવારમાં પત્તાના મહેલની જેમ બધું આયોજન ખોરવાઈ ગયું! હવે, પત્નીએ નમિબિયાના પ્રવાસની સત્તાવાર જાહેરાત કરી હોય એટલે સ્વાભાવિક છે કે તેમને ત્યાં લઈ તો જવા જ પડે. પણ કઈ રીતે? નમિબિયા કંઈ આબુ-અંબાજી કે શિમલા-મનાલી થોડું છે કે ચાલો ભાઈ એકાદ વીકેન્ડમાં કાર હંકારી મૂકી એટલે અંબાજી કે શહેરના ટ્રાવેલ એજન્ટનો કોન્ટેક્ટ કરીને મનાલી પહોંચી જવાય? નમિબિયા માટે તો વ્યવસ્થિત આયોજન કરવું પડે. પણ કંઈ નહીં, તમે માથું ખંજવાળો નહીં. અહીં વાંચો અમારી આ નમિબિયાની સફર માર્ગદર્શિકા અને તમે પણ આયોજન કરો એક રોમાંચક નમિબિયા સફરનું.
નમિબિયા કોઈપણ ફોટોગ્રાફર કે ઉત્સુક સફારીનું એક ડ્રીમ ડેસ્ટિનેશન હોય છે. જો કે અહીં તકલીફ એક જ છે કે, કોઈપણ ઈન્ડિયન ટ્રાવેલ્સ કંપની નમિબિયામાં ગ્રુપ ટૂર્સ લઈ જતી. આ કારણે આપણે જાતે જ ત્યાંનું આયોજન કરવું પડે છે. હા, નમિબિયામાં ઘણા ટૂર્સ ઓપરેટર્સ છે, જેઓ તમને અન્ય મુસાફરો સાથે એક બસમાં શંભુમેળા જેવી ટૂર કરાવે છે. પણ અમે તમને સલાહ આપીએ કે, જો તમે થોડા સાહસિક હો અને આ દેશનું આગવું સૌંદર્ય જો માણવું હોય તો એક કાર ભાડે રાખી જાતે જ ડ્રાઈવ કરીને આ દેશનો વિહાર કરો. આ જાતઅનુભવ તમારા માટે ખરેખર લાભદાયી સાબિત થશે અને આ પ્રવાસ દરમિયાન ડગલે ને પગલે તમે એક નવા જ અનુભવ અને લાગણીનો અહેસાસ કરશો.
નમિબિયા એક વિશાળ દેશ છે અને ત્યાં જોવા-માણવાની ઘણી જગ્યાઓ છે. આ માટે તમારે ઓછામાં ઓછા બે અઠવાડીયાની ટ્રીપ કરવી પડે. અહીં અમે તમને ઘણા સ્થળોમાંથી આ જગ્યાઓ સૂચવીએ છીએ, જે જગ્યાઓ જોવી કે માણવી તમારા માટે લાઈફ એક્સપિરિયન્સ સાબિત થશે.
-વિન્ડહુક - (એક રાત) નમિબિયાની રાજધાની
- ક્વિવર ટ્રી ફોરેસ્ટ, કિટમનસૂપ - (એક રાત) અરગનગસ ફાર્મની કેમ્પસાઈટમાં ક્વિવરના અદ્દભુત વૃક્ષો અને પાલતું ચિત્તા વચ્ચે રાત ગાળવાની મજા જ કંઈક ઓર છે.
- ફીશ રિવર કેન્યોન - (એક રાત) દુનિયાની બીજા ક્રમની કેન્યોન(ખીણ).
- લ્યૂડરિટ્સ - (એક રાત) કોલમનસ્કોપ ઘોસ્ટ ટાઉન એટલે દરિયા કિનારે રણની રેતીથી ધરબાયેલા ખાલી ઘરોનું ભૂતીયું શહેર.
- સોસુસ્વ્લી - (બે રાત) નામ્બી રણની લાલ રેતીના ઢૂવા અને ડેડવલીના મૃતપ્રાય વૃક્ષોવાળું નમિબિયા અને કદાચ પૃથ્વીનો સૌથી અલૌકિક વિસ્તાર.
- સ્વાકોપમુંડ - (બે રાત) આ વિસ્તારને આપણે નમિબિયાનું એડવેન્ચર અને મસ્તી કેપિટલ કહી શકીએ. એટલાન્ટીક મહાસાગરને ય આંટી જાય એવું નમ્બી રણ, શીલ, ડોલ્ફિન અને સૂરખાબ (ફ્લેમિંગો)થી ભરપૂર. સ્કેલેટોન કોસ્ટ જે આખી દુનિયાથી અલગ જ તરી આવતો પ્રદેશ.
- સ્પિટ્સકોપ પહાડ - (એક રાત) નમિબિયાનો બીજો સૌથી ઊંચો પહાડ. એક અદ્દભુત કેમ્પિંગ સાઈટ અને સુંદર લેન્ડસ્કેપ અને રાત્રે ફોટોગ્રાફીનું માટેનું ઉત્તમ સ્થળ.
- ત્વાઈફેલફોન્ટિન, ડમારાલેન્ડ - (બે રાત) રણમાં રહેતા આફ્રિકન હાથીઓના ઝૂંડ અને અહીંના ખડકો પર ચાર હજાર વર્ષ જૂના ચિત્રો જોવાનો લહાવો.
- ઈટોશા નેશનલ પાર્ક - (ત્રણથી ચાર રાત) અસંખ્ય વન્ય જીવોથી ભરપૂર, 22,000 સ્કે.કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવતો દુનિયાનો સૌથી મોટો નેશનલ પાર્ક. અહીં 100થી વધુ પ્રાણીની પ્રજાતિઓ વસવાટ કરે છે.
- ફરી વિન્ડહુક – એકાદ રાતનો આરામ કરીને ભારત તરફ પ્રયાણ.
સફરનું પૂર્વે આયોજન :
નમિબિયાની ફ્લાઈટ્સ વાયા જોહનિસબર્ગ જતી હોવાના કારણે સાઉથ આફ્રિકાના ટ્રાન્ઝિટ વિઝા લેવાનું ભૂલતા નહીં. તમને જણાવી દઈએ કે, સાઉથ આફ્રિકાના ટ્રાન્ઝિટ વિઝા ન હોવાને કારણે અમારા બે મિત્રોએ નમિબિયાના વિઝા હોવા છતાં મુંબઈ એરપોર્ટથી ઘરભેગા થવું પડેલું. આથી ટ્રાન્ઝિટ વિઝા લેવાનું ભૂલમાં પણ ભૂલવું! આફ્રિકા જવું હોય એટલે પહેલા યલો ફીવરની રસી લેવી અત્યંત જરૂરી છે. ખ્યાલ રહે કે, આ રસી વિના પણ તમને વિઝા નહીં મળે. આ બંને દેશના વિઝાની પ્રક્રિયા ધીમી હોવાથી પ્રવાસ પહેલા ઓછામાં ઓછા બે મહિના પહેલા વિઝા માટે એપ્લાય કરવું, જેથી છેલ્લી ઘડીએ દોડાદોડ નહીં કરવી પડે.
નમિબિયામાં કાર ભાડે આપનાર કંપનીઓ ઘણી છે. અમે ASCO કાર રેન્ટલની કેમ્પિંગ માટે સુસજ્જ હોય એબી કાર ભાડે રાખી હતી. અમે ભાડે કરેલી 4WD Toyota Hylux કારની ઉપર જ ફોલ્ડિંગ સ્લિપિંગ ટેન્ટ રાખી શકાય એવી વ્યવસ્થા હતી, જેથી રાત્રે કોઈ પણ જગ્યાએ રાતવાસો કરી શકાય. નમિબિયામાં આપણું ઈન્ડિયન ડ્રાવિંગ લાયસન્સ વેલિડ છે. એટલે ઈન્ટરનેશનલ લાયસન્સ કઢાવવાની પળોજણમાં પડવું નહીં. ઉપરાંત ત્યાં પણ આપણી જેમ જ લેફ્ટહેન્ડ ડ્રાઈવિંગ હોવાથી, યુરોપ અને યુએસએ જેવી ડ્રાઈવિંગની પ્રારંભીક તકલીફોનો સામનો નહીં કરવો પડે. આમ તો નમિબિયા વર્ષમાં કોઈપણ સમયે જઈ શકાય, પરંતુ જો વાઈલ્ડ લાઈફ અને સાનુકૂળ હવામાન માણવું હોય તો મેથી સપ્ટેમ્બર સુધીનો સમય શ્રેષ્ઠ છે. આ સમયે દક્ષિણ ગોળાર્ધમાં શિયાળો હોવાને કારણે પ્રવાસ પણ કમ્ફર્ટેબલ રહે છે. હા, પણ જેમને લેન્ડસ્કેપ ફોટોગ્રાફીમાં રુચિ હોય એવા લોકોએ માર્ચથી મે મહિના દરમિયાન નમિબિયા જવું, કે જ્યારે ત્યાં ઉનાળો સમાપ્ત થયાં બાદ શરદ ઋતુ હોય. જો કે ત્યાં પણ આપણે ત્યાં હોય એવી જ ગરમી હોય છે, પણ આ સમયે આફ્રિકન લેન્ડસ્કેપ ઉપર જબરદસ્ત તોફાની વાદળોથી આકાશ ભરાયેલું હોય. આથી લેન્ડસ્કેપ ફોટોગ્રાફી માટે આ સમયે એકદમ આદર્શ પરિસ્થિતિઓ હોય છે.
નમિબિયા વિશે થોડી ટીપ્સ :
નમિબિયા આફ્રિકામાં ખંડમાં સૌથી સલામત દેશ ગણાય છે. સાઉથ આફ્રિકા અને બીજા આફ્રિકન દેશો કરતા ચોરી, લૂંટફાટ, માર-ધાડ અહીં ખાસ્સી ઓછી છે. છતાં અહીં રખડપટ્ટી કરતી વખતે સાવચેતી દાખવવી જરૂરી છે.(ચેતેલો નર સદા સુખી યુ સી?) કારમાં કેમેરા, બેગ કે પર્સ કાચમાંથી દેખાય એવી રીતે મૂક્યો હોય અને જો તમે શહેરોમાં હો તો એની ચોરી થઈ શકે છે. બીજુ એ કે કાર ડ્રાઈવ કરતી વખતે અત્યંત સતર્ક રહેવું કારણ કે, અહીં મોટાભાગના રોડ કાચા હોવાના કારણે અકસ્માતો થવાની સંભાવનાઓ વધી જાય છે. અમારી કાર પણ એક વાર સદંતર કાબૂ ગુમાવીને રોડ પરથી ઉતરીને રસ્તાની ધારે ખાબકી હતી. નસીબજોગે અમને તો કોઈ ઈજા થઈ ન હતી પરંતુ ગાડીમાં થોડી નુકસાની જરૂર થઈ હતી.
અજાણી ધરા પર અચાનક આવી પડેલી મુસિબતને કારણે શરૂઆતમાં તો અમે થોડાં હચમચી ગયેલા પરંતુ પાછળથી અમારા માટે મદદ આવી પહોંચતા અમે રાહરનો શ્વાસ લીધો હતો. ત્યાંથી એક સાઉથ આફ્રિકન સિનિયર સિટિઝન યુગલ પસાર થઈ રહ્યું હતું, જેમણે અમારી ગાડી ખાડામાંથી બહાર કાઢવામાં અમને મદદ કરી. આ દરમિયાન તેમણે અમારી સાથે જે ઉષ્માથી વાતો કરી અને અમારા માટે ચિંતા દાખવી એ જોઈને સાઉથ અમને ગાંધીજી અને નેલસન મંડેલા એકસાથે યાદ આવ્યા અને આફ્રિકાનો રંગભેદનો ઈતિહાસ અત્યંત જૂઠાણો લાગ્યો.
નમિબિયામાં વિન્હોક સિવાય ઈન્ડિયન રેસ્ટોરન્ટ્સ મળવી ઘણી મુશ્કેલ છે. ઘણી વાર તો તમે 200 કિ.મી. સુધી પણ ડ્રાઈવ કરો તો કોઈ ગામડું કે રેસ્ટોરન્ટ નહીં જડે! આવા સમયે રેડીમેઈડ ફૂડ પેકેટ્સ અને આપણા ડાયેટ ખાખરા અને થેપલાં કામ લાગે! આ કારણે કાર ભાડે આપતી કંપનીઓ કેમ્પિંગના સામાનમાં રસોઈ કરવાની બધી જ સાધન સામગ્રી, ગેસના બાટલા અને ફોલ્ડિંગ ટેબલ-ખુરશી સાથે આપતા હોય છે. આ ઉપરાંત કારમાં એક નાનું ફ્રિઝ પણ હોય છે. એટલે તમારી સફર શરૂ કરો એ પહેલા દુકાન ઉપરથી જોઈતી ખાદ્ય સામગ્રી અને 10 લિટર પીવાનું પાણીના કારબો પણ ભરાવી લેવા.
તો આવો હવે માણીએ નમિબિયાના કેટલાક ફોટોગ્રાફ્સ
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર