આઈસલેન્ડની શીતળ ગરમીમાં

28 Aug, 2015
12:00 AM

mamta ashok

PC:

ગયા અઠવાડિયે આપણે આઈસલેન્ડ વિશે થોડી જનરલ વાતો કરી અને ફોટોગ્રાફ્સ જોયા. આ અઠવાડિયે જોઈએ ત્યાંના જીવન, જોવાલાયક સ્થળો અને ત્યાં જવાની પૂર્વતૈયારીઓ વિશે. આઈસલેન્ડના વિઝા એમ્બેસી ઑફ ડેન્માર્કમાંથી મળે છે. ત્યાં જવા માટે મુંબઈથી સીધી ફ્લાઈટ નહીં હોવાને કારણે આપણે યુરોપના કોઈ મુખ્ય શહેરથી રેક્યાવિકનું કનેક્શન લેવાનું હોય છે. લંડન, પેરિસ, બ્રુસેલ્સ વગેરે એરપોર્ટ્સથી કનેક્ટિંગ ફ્લાઈટ્સ મળે છે. પણ ધ્યાન રાખવું કે જો લંડનથી તમારી ફ્લાઈટ હોય તો તમારી પાસે બ્રિટિશ ટ્રાન્ઝિટ વિઝા હોવા અત્યંત જરૂરી છે, જ્યારે બીજા દેશોમાં આવી કોઈ જરૂરિયાત હોતી નથી. લંડનથી રેક્યાવિકની લગભગ 3 કલાકની ફ્લાઈટ હોય છે.

અમે ત્યાં રાત્રિના 12 વાગ્યે પહોંચ્યા હતા પણ ત્યાં ઉનાળો હોવાને કારણે ઘણું અજવાળું હતું. તમે આગળથી ઓનલાઈન બુકિંગ કરાવી રાખો તો એરપોર્ટથી તમે કાર રેન્ટલ કંપનીઓ પાસે ગાડી હાયર કરી શકો છો. અને કાર બુક નહીં કરાવી હોય તો એરપોર્ટથી રેક્યાવિક શહેરમાં જતી ઘણી શટલ સર્વિસ ઉપલબ્ધ હોય છે. આઈસલેન્ડમાં રેક્યાવિક એક માત્ર શહેર છે, જ્યાં તમને ઈન્ડિયન રેસ્ટોરાં મળે છે. બાકી આખા આઈસલેન્ડમાં તમે મથીને મરી જાઓ પણ તમને ભારતીય ખોરાક ન મળે એ ન જ મળે.

હા, પણ કિચનની સુવિધાવાળા બેડ એન્ડ બ્રેકફાસ્ટ હોય છે ખરા. આ ઉપરાંત કોન્ટિનેન્ટલ સ્ટાઈલનો વેજીટેરીયન આહાર પણ ઘણા સ્થળે મળી રહે છે. એટલે અહીંથી લઈ ગયેલા રેડીમિક્સ ફૂડ પેકેટ તમને ચોક્કસ કામમાં આવે. આપણી સાથે આમેય થોડા ખાખરા, થેપલાં, જીરાળું, છૂંદો તો હોય જ. ને એમાંય ઠંડીને કારણે અહીંથી લઈ જવાયેલો એ ખોરાક બગડ્યા વિના લાંબા સમય સુધી રહે છે.

હવે આવીએ ઠંડી પર. ત્યાંનો ઉનાળો એટલે આપણા શિયાળા કરતા પણ અસહ્ય. એટલે કે, ત્યાં ઉનાળા દરમિયાન પણ કકળાવીને ઠંડી પડે! વળી ત્યાં વરસાદનું પણ કોઈ ઠેકાણું નહીં. ત્યાં થોડા થોડા સમયના અંતરે વરસાદ પડે. આ કારણે તમને ફેબ્રિકનું જેકેટ અને ટ્રાઉઝર્સ જોઈએ. આ ઉપરાંત ત્યાં લાવાયુક્ત ઉબડખાબડ જમીન હોવાથી વોટરપ્રૂફ હાઈકિંગ શૂઝની પણ જરૂર પડે. વહેલી સવારે ફરતા હો તો ગ્લોવ્સ અને ટોપી પણ ફરજિયાત.

રેક્યાવિક શહેરમાં સાઈટ સીઈંગ માટે એક કે બે દિવસ જોઈએ. ત્યાં ટ્યોરનિન લેક, ટાઉન હોલ, હોલગ્રીમ્સકર્જીયા ચર્ચ, મ્યુઝિયમ્સ અને સાંજને ટાણે વ્હેલ જોવા દરિયામાં એક સફર માણવા જરૂર જવું. રેક્યાવિકમાં રહીને એક ડે ટ્રીપમાં ગોલ્ડન સર્કલ એટલે ગુલફોસ, ગાયઝર અને થિંગવેલિરની સફર કરી શકાય છે. ત્યાંથી અમે ગયા સેલ્યાલેન્ડફોસ્સ અને સ્કોગાફોસ્સ નામના વોટરફોલ પર. કુદરત આઈસલેન્ડ પર કેટલું મહેરબાન છે એ સેલ્યાલેન્ડફોસ્સ જઈને જ ખબર પડે. આ ફોલ પર એક નાની કેડી છે, જેના પર ચાલીને તમે ફોલની પાછળ જઈ ધોધને નિહાળી શકો. ત્યાંથી દરિયા કિનારે ડાયરોહલે અને વીક નામના સુંદર ગામડાંમાં ખાસ જવું. સમુદ્રની અંદર બેસાલ્ટીક ખડકોથી બનેલી ભેખડો છે અને મોજા તેના પર સતત અફ્ળાયા કરે છે.

આ ઉપરાંત વીકના બીચ પર પણ બેસાલ્ટ રોક ફોર્મેશન છે. આ ફોર્મેશનથી એક ગુફા પણ બની છે. ત્યાંથી અમે ગયા યોકુલ્સાર્લોન. આઈસલેન્ડમાં દરેક સ્થળનું નામ બોલવા માટે જીભે ભારે પ્રેક્ટિસ કરવી પડે. કેટલાક સ્થળોના નામ તો એવા છે કે, એને બોલતા જીભને રીતસરના લોચા પડે. એ નામો કંઠસ્થ થતાં દિવસો નીકળી જાય. યોકુલ્સાર્લોન એટલે આ દેશનો સૌથી નયનરમ્ય ગ્લેસિયરથી ભરપૂર દરિયા પાસે બનેલો લગૂન પ્રદેશ. કલ્પી તો જુઓ જ્વાળામુખીની કાળી રેતીવાળો દરિયા કિનારો અને એની ઉપર પડ્યા હોય આ ગ્લેસિયરમાંથી છૂટા પડેલા બરફના અસંખ્ય અને ગંજાવર મોટા હીરા જેવા ચમકતા ચોસલા!

અહીં અમે એક ફાર્મ પર રહ્યા હતા. ફાર્મ સ્ટેમાં ખેડૂતના ઘરે એકાદ બે રૂમ એકસ્ટ્રા હોય તો ઘરની બહાર જ સૂચના મૂકેલી હોય. એટલે અંદર જઈને પૂછતાછ કરતા રૂમ પસંદ આવે તો ત્યાં જ રહી જવાનું. આવી નાની જગ્યાઓ ખૂબ નયનરમ્ય હોય છે. અમારા ફાર્મની બરાબર સામે એક સુંદર ગ્લેસિયર હતું. તમે ફરીને આવો અને થોડાં થાક્યા હો તો ગ્લેસિયરની સામે તમારું મનગમતું પીણું લઈને બેસો… અને હા, પીણા માટેનો બરફ તો ગ્લેસિયર માંથી જ તોડીને પીણાંમાં નાખવાનો!

અહીં બે દિવસ રહીને તમારે યોકુલ્સાર્લોન ઉપરાંત નજીકમાં ઈંગોલ્ફ્સહોફ્ડી નામના બર્ડ આઈલેન્ડ, સ્વાઈનાફેલ્લ ગ્લેસિયર ખાસ જવું. ઈંગોલ્ફ્સહોફ્ડી એટલે હજાર વર્ષ પહેલાં પ્રથમ નોર્વેજીયન્સ અહીં આઈસલેન્ડ દેશમાં વસેલા એ સ્થળ. ઈંગોલ્ફ્સહોફ્ડીની વિરાટ જમીન કોઈ એક વ્યક્તિની જ માલિકીની છે. એના પૂર્વજ આ સ્થળે સર્વપ્રથમ નોર્વેથી આવ્યા હતા.

ઈંગોલ્ફ્સહોફ્ડી બર્ડ આઈલેન્ડ પહોંચવાનો રસ્તો પણ રસપ્રદ છે. કાર દૂર પાર્ક કરીને ત્યાંથી એક ટ્રેક્ટરમાં ચઢવાનું. આ ટ્રેક્ટર દ્વારા નદી પાર કરીને તમે બર્ડ આઈલેન્ડ પહોંચી શકો. અહીં પાછા એક 700 ફીટ ઊંચો ડુંગર ચઢો એટલે તમે એક વિશાળ ટેબલ લેન્ડ પર આવો અને અહીં તમને હજારોની સંખ્યામાં સુંદર એટલાન્ટીક પફિન બર્ડ્સ જોવા મળે. આ ટેબલ લેન્ડની ધાર પર જઈને ઊભા રહો એટલે નીચે સાતસો ફૂટ નીચે અને દૂર ક્ષિતિજે વિશાળ ઘૂઘવતો એટલાન્ટીક મહાસાગર દેખાય!

પફિન બર્ડ્સ તેનો માળો ઊંચી ભેખડો પર એમાંય ખાસ કરીને દરિયા તરફની દીવાલો પર બાંધે છે. એ સમુદ્રમાંથી માછલી પકડીને લાવે અને સીધા પોતાના બચ્ચા અથવા માદાનાં મોઢામાં મૂકે. પફિન પંખી જબરું હોશિયાર હોય છે, જે આપણા સારસ પંખીઓની જેમ આખી જિંદગી એક જ જોડામાં રહે છે. એકબીજાની નજીક હજારોની સંખ્યામાં માળો બાંધીને રહેતા આ પક્ષીઓ માછલી પકડીને આવે પછી જરાય ચૂક વિના ચોક્ક્સ પોતાના માળામાં જ જાય છે.

ત્યાંથી અમે એક દિવસ હોફ્ન અને એની નજીક આવેલ લોન્સોરેફી પર્વતમાળામાં ગયા. આ સ્થળે જવા માટે નદીમાંથી ગાડી હંકારવી પડે છે. સવારે પાણીનો પ્રવાહ ઓછો હોય ત્યારે બહુ વાંધો નથી આવતો પણ સાંજે પાછા વળતાં પાણી વધી જાય અને આપણે સાંભાળીને ગાડી કાઢવી પડે. વળી અહીંના અંદરના વિસ્તારોમાં ખાસ રોડ સાઈન નથી એટલે જો તમે ભૂલા પડ્યા તો અટવાઈ જવાની સંભાવનાઓ વધુ છે. લોન્સોરેફીમાં તળેટી છે અને આજુબાજુ મોટા પર્વતો છે. તળેટીમાં એક નાનકડું ઘર છે. ઉપરથી જુઓ તો એ ટચૂકડું ઘર લાલ રંગનું દેખાય.

અહીંના પર્વતો પાછા મૉસથી આચ્છાદિત. અહીં લોકો હાઈકિંગ કરવા આવે. નીચે ઉતરીને હું થોડો આગળ નીકળી ગયો અને અહીં કુદરતનો કરિશ્મા એટલો તો જબરદસ્ત છે કે, સમયનો કોઈ અણસાર રહેતો નથી. વળી હોલી ડે પર હોઈએ એટલે ઘડિયાળ પેહરે જ કોણ? પણ ત્યાંથી હું પાછો ઉપર જવા ગયો તો મને રસ્તો ભૂલાઈ ગયો.

એક પર્વત ચઢ્યો પણ કોઈ બસ દેખાઈ નહીં. પાછો ઝડપથી નીચે ઉતર્યો. બાજુનો પર્વત ચઢ્યો. ત્યાં પણ બસ નજરે પડી નહીં. હવે મનમાં ધ્રાસ્કો પડ્યો. આજુબાજુ કશું જ હતું નહીં. મૉસ પરથી લસરીને પાછો તળેટીએ પહોંચ્યો. ત્રીજો પર્વત ચડ્યો. હાથમાં કેમેરા અને ટ્રાઈપોડ પણ હતા. પારાવાર થાક લાગતો હતો. અડધે સુધી ગયો અને બીજી તરફના પર્વત પર બસ દેખાઈ. પાછો મૉસને લસરપટ્ટી બનાવીને નીચે આવ્યો. ત્યાં અમારા ટુર કંડક્ટર મને શોધતા નીચે આવ્યા. અને તેની પાછળ હું બસ સુધી પહોંચ્યો. બસમાં બાકીના મુસાફરો રાહ જોતાં ગિન્નાયેલા હતા. પણ એ બધાની પરવા કર્યા વિના હું ટાંટિયા લાંબા કરી આજુબાજુ વાળાના તીખા નેણ અને વેણની અવગણના કરીને હાશ કહી ને ઊંઘી ગયો!

ત્યાંથી અમે ગયા લેન્ડમનલૌગર. આ સલ્ફરયુક્ત પહાડોની રંગીન હારમાળા છે અને અહીં આઈસલેન્ડનો અત્યંત ઈન્ટ્રેસ્ટિંગ હાઈકિંગ ટ્રેલ છે. થોર્સમોર્ક ટ્રેલ. દરેક પર્વતમાં તમને જુદા જ રંગની આભા દેખાય. પાછી ઉનાળાની ઋતુ હોય એટલે આખી ધરતી ઝીણા સફેદ ફૂલોથી આચ્છાદિત થઈ જાય. વચ્ચેવચ્ચે ધરતીમાંથી ગરમ પાણીનાં ઝરણા અને સલ્ફર ડાઈઓક્સાઇડયુક્ત ધુમાડા નીકળ્યા કરે.

પક્ષીના કલકલ અને ધરતીનાં પેટાળની ઘરઘરાટી સિવાય સવર્ત્ર નીરવ શાંતિ. શિયાળામાં આ હાઈલેન્ડ વિસ્તાર બંધ થઈ જાય છે. શિયાળામાં અહીં -40 ડિગ્રી પારો નીચે સરકે અને સ્નો સ્ટ્રોમ્સ અને વિષમ હવામાનનાં કારણે શિયાળામાં આ ટ્રેલ પર તમારું અંતિમ વિલ બનાવ્યા વગર જવું હિતાવહ નથી.

નીચે ઉનાળામાં આઈસલેન્ડ જવાની એક માર્ગદર્શિકા આપી છે, જે કદાચ તમને ત્યાં જતી વખતે કામમાં આવે. તો આવો આ બધી જીભે લોચા વાળતી જગ્યાઓના ફોટોગ્રાફ્સ જોઈએ.

Day

Destination

Places of Interest

1

રેક્યાવિક

લેક, સન વોએજર, ટાઉન હોલ, હારપા, વ્હેલ સહેલગાહ

2

રેક્યાવિક

હૉલગ્રીમ્સકર્જીયા દેવળ, પેર્લાન બિલ્ડીંગ, મ્યુઝિયમ્સ

3

ફાર્મ સ્ટે

સેલયાલેન્ડફોસ્સ ધોધ, સ્કોગાફોસ્સ ધોધ, ડાયરોહલે અને વીકના દરિયા કિનારે

4

ફાર્મ સ્ટે

યોકુલ્સાર્લોન

5

ફાર્મ સ્ટે

ઈંગોલ્ફ્સહોફ્ડી બર્ડ આઈલેન્ડ, સ્વાઈનાફેલ ગ્લેસિયર, સનસેટ @ યોકુલ્સાર્લોન

6

હોફ્ન

લોન્સોરેફીમાં હાયકિંગ અને ટ્રેકિંગ

7

લેન્ડમનલૌગર

લેન્ડમનલૌગરમાં ટ્રેકિંગ

8

લેન્ડમનલૌગર

લેન્ડમનલૌગરમાં ટ્રેકિંગ

9

રેક્યાવિક

હેનગીલ પાવર સ્ટેશન, થિંગવેલીર, ગુલફોસ્સ ધોધ, રેક્યાવિક દરિયા કિનારે

10

અકુરેરી ફ્લાઈટ, હૂસવિક રહેવું

ગોડાફોસ ધોધ, એસબિરગી, દેટીફોસ ધોધ

11

અકુરેરી ફ્લાઈટ, હૂસવિક રહેવું

ગોડાફોસ ધોધ, એસબિરગી, દેટીફોસ ધોધ

12

રેક્યાવિક

વ્હેલ સહેલગાહ, મિવાટન

13

અકુરેરી

અકુરેરીની ડે ટ્રીપ, સાંજની ફ્લાઇટ દ્વારા રેક્યાવિક

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.