પૂર્વ આઈસલેન્ડની એક સફર
ગયા બે અંકમાં આપણે આઈસલેન્ડ, રેક્યાવિક અને એની નજીકના ગોલ્ડન સર્કલના માણવા લાયક સ્થળો તેમજ શિયાળામાં આઈસલેન્ડમાં જવા માટેની અમુક માહિતી આપી. આ વખતે રેક્યાવિકથી લગભગ 500 કિલોમીટર દૂર પૂર્વ આઈસલેન્ડની સફર કરીએ. પૂર્વ આઈસલેન્ડ એટલે રળિયામણા 'Fjords'નો પ્રદેશ. હિમાચ્છાદિત ભવ્ય પહાડો વચ્ચેથી વહેતા કે અડધા થીજી ગયેલા ઝરણાં અને 'Fjords'થી ભરપૂર એવો ખૂબ જ સુંદર વેરાન વિસ્તાર. આઈસલેન્ડની ધરતી પર ખાસ વન્ય પ્રાણીઓ નહીં, પણ પૂર્વ આઈસલેન્ડમાં રેન્ડિઅર્સના ટોળાના ટોળા જોવા મળે.
અમે યોકુલસારલોનના અદભુત ગ્લેસિયર પાર્ક પાસે એક ફાર્મસ્ટેમાં રહ્યા હતા. જેમના ઘરે રોકાયેલા એ આખું કુટુંબ ખેતી પણ કરે અને એક નાનકડી હોટેલ પણ ચલાવે. હોટેલ અને ફાર્મની માલકણ રોજ સવારે અમને પેટ ભરીને યુરોપિયન બ્રેકફાસ્ટ કરાવે. સાથે એ ભારતના વસતી વધારાના કારણો પણ પૂછે અને એની નાની વહુને આઈસલેન્ડિક ભાષામાં કોણી મારતી જાય અને ધીમેથી મેણા પણ મારતી જાય. જરૂર ત્યાં આપણી સાસ-બહુની સિરિયલો પ્રસારિત થતી હશે જ!
ખૈર, આ સુંદર ખેતર, ઘર અને ખૂબ જ મળતાવડા લોકોને છોડીને અમે વહેલી સવારે રૂટ 62 પકડીને પૂર્વ દિશા તરફ ગાડી હંકારી મૂકી. બહાર તાપમાન -13 ડિગ્રી સેલ્સિયસ અને હિમથી છવાયેલા રસ્તા, એક તરફ ઉંચા પહાડો અને બીજી તરફ એટલાન્ટીક મહાસાગર! આ દૃશ્ય પણ જોવા જેવું છે.
યોકુલસારલોનથી એકાદ કલાક દૂર હોફન કરીને માછીમારોનું ગામડું છે. અહીંના લોબસ્ટર (કરચલા) ખૂબ પ્રખ્યાત. જૂનનાં છેલ્લા અઠવાડિયામાં અહીં લોબસ્ટર ફેસ્ટિવલ યોજાય. એક સ્વાદિષ્ટ લોબસ્ટર ઓહિયાં કરી અમે આગળ નીકળ્યા અને અમે પહોંચ્યા પૂર્વનો સૌથી સુંદર પહાડ ઈસ્ત્રાહોર્ન જોવા. એટલાન્ટીક મહાસાગરને કિનારે ઊભો ઈસ્ત્રાહોર્ન પહાડ એના લીલા-પીળા રંગ અને અનેરા લોકેશનના કારણે ખૂબ જ પ્રખ્યાત છે.
આ વિસ્તારની બીજી માણવા જેવી જગ્યા હોય તો હોફનથી ત્રણેક કલાક દૂર આવેલા જંગલો. આખા આઈસલેન્ડમાં ભાગ્યે જ તમને વૃક્ષો દેખાય, પણ અહીં તમને દેશનું એકમાત્ર જંગલ જોવા મળે. આખા આઈસ્લેન્ડમાં જોખમી કહેવાય એવા પ્રાણીઓ નથી એટલે તમે આ જંગલોમાં નિરાંતે ટહેલી શકો.
આ જંગલોથી અડધો કલાક દૂર કાર હાંકીને અમે પહોચ્યાં પૂર્વ આઈસલેન્ડના સૌથી વધુ વસતી ધરાવતા શહેર ઈગ્લાસ્તાડિર. જોકે તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, સૌથી વધુ વસતી ધરાવતા આ દેશમાં અધધધ કહી શકાય એટલી 15,000ની વસતી છે.
લાગરફ્લોત નદી અને દરિયા પાસે આવેલા આ નાનકડા શહેરમાં રાતવાસો પણ કરી શકાય. શિયાળામાં અહીં તમને હોટેલ્સ પણ સસ્તી મળી જાય અને એપાર્ટમેન્ટ્સ પણ રાહતદરે મળે. જોકે અહીં મદિરાપાન ઘણું ખર્ચાળ છે. આ દેશ આપણા ગુજરાતની જેમ ડ્રાય દેશ હતો! અને હજુ એકાદ દાયકા પહેલા જ અહીંથી દારૂબંધી હટી. જોકે હજુ પણ અહીં માદક પીણાઓ પર સરકાર 50% ટકા જેટલો ટેક્સ ઝીંકે છે. એટલે જો ગજવું ગરમ હોય તો જ ગળું ગરમ કરવું નહીંતર માંડવાળ કરવું.
અહીંનું અન્ય એક સુંદર ગામડું એટલે યુપિફોગુર, જે આ વિસ્તારનું સૌથી જૂનું માછીમારોનું બંદર છે. પેપે ટાપુનાં પક્ષીઓ જોવા તમારે અહીંથી પસાર થવું પડે. ગામમાંથી પસાર થતી વખતે અમે અહીંના માછીમારોને પૂછ્યું કે, 'આ ગામમાં કોઈ પોલીસ ચોકી ખરી કે?' તો એમણે અમને જાણકારી આપી કે, અહીં 1627માં ચાંચિયા આ ગામ લૂંટી ગયેલા ત્યાર પછી અહીં સામાન્ય મારામારીની ઘટના પણ નથી બની એટલે આ ગામમાં પોલીસ રાખવાનું કોઈ જરૂર નથી ઊભી થઈ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર