ભર શિયાળામાં માણીએ આઈસલેન્ડની સફર

11 Dec, 2015
12:00 AM

mamta ashok

PC:

શાહરૂખ-કાજોલની અપકમિંગ ફિલ્મ 'દિલવાલે'નું 'ગેરુઆ' ગીત ટેલિવિઝન પર જોયું? નથી જોયું? તો હમણાં જ યુટ્યુબ પર જઈને આ ગીત તેમજ 'મેંકિંગ ઑફ ગેરુઆ'ના વીડિયોઝ જુઓ. વીડિયોમાં શાહરૂખ ખાન થોડો નમીને જ્યારે એના હાથ પહોળા કરે છે ત્યારે જ તમે આઈસલેન્ડની સુંદરતા માપી લેશો. જોકે તમે તો આઈસલેન્ડની સુંદરતા અને ત્યાંના જોવા લાયક સ્થળોથી અમસ્તાય માહિતગાર હોવાના. કારણ કે, ઓગસ્ટ મહિનામાં 'ચાલો ફરવા જઈએ' આપણે કૉલમમાં 'આઈસલેન્ડ ઈન સમર' નામની આપણી ત્રણ ભાગની સીરિઝ માણેલી (Link - http://www.khabarchhe.com/magazine/chalo-farva-jaiye/27187/summer-in-iceland/)

' khabarchhe.com' પર આ સીરિઝ પ્રકાશિત થયાં પછી મુકેશ વખારિયા નામના મિત્રએ આઈસલેન્ડ વિશે વધુ માહિતી આપવાની અમને ખાસ ફરમાઇશ કરેલી કે, જો શિયાળામાં આઈસલેન્ડ જવું હોય તો કયા પ્રકારની તૈયારીઓ કરવી અને ક્યાં ક્યાં ફરવું જવું એ વિશેની જાણકારી આપો. આખરે અમારા વાચકો અમારા માટે સર્વોપરી છે. તો ચાલો ફરી એકવાર આઈસલેન્ડની સફરે જઈએ. અલબત્ત, એક નવી ઋતુમાં, નવા વાતાવરણમાં.

જુલાઈ-ઓગસ્ટ 2012માં ત્યાંનાં ઉનાળાનો પ્રવાસ કરીને થોડા જ મહિનાઓમાં દિવાળીની રજાઓ દરમિયાન એટલે નવેમ્બર 2012માં અમે ફરી ત્યાં જ પહોંચી ગયા. આ વખતે અમારો મુખ્ય ઉદ્દેશ 'Northern Lights' એટલે 'Aurora Borealis' જોવાનો હતો. આમ તો આર્કટિક સર્કલની આજુબાજુના ઘણા વિસ્તારોમાં કુદરતનો આ કરિશ્મા જોવા મળે છે, પરંતુ આઈસલેન્ડમાં આંટો મારી આવ્યા પછી એ દેશનું અમને એક અજબ ચુંબકીય આકર્ષણ.

ત્રણ મહિના પહેલા અમે કરેલા પ્રવાસ દરમિયાન અમે જે વિસ્તારોમાં ફર્યાં હતા તે જ વિસ્તારોમાં અમે ફરીથી રખડપટ્ટી કરેલી. એ વિસ્તારો અમારે ફરી જોવા હતા અને ત્યાંની ફોટોગ્રાફી કરવી હતી, પણ આ વખતે અમારે હિમ નીચે ધરબાયેલી ધરતી પર અને ગાત્રો થીજાવી દેનારી ઠંડીમાં ફોટોગ્રાફી કરવી હતી.

આઈસલેન્ડ ખૂબ જ 'Surreal' પ્રદેશ. પાંચ અબજ વર્ષ પહેલા પૃથ્વી પર જીવનની શરૂઆત થઈ એ પેહલા પૃથ્વી કેવી લાગતી હશે એનું આપણે અનુમાન કરવા હોય તો આઈસલેન્ડ જવું. આઈસલેન્ડમાં એ અનુમાનો હૂબહૂ જોઈ શકીએ! ત્યાં પર્વતમાળા છે, પણ તેના પર એક પણ વૃક્ષ નથી. શેવાળ કે લીલ સિવાય ભાગ્યે જ ત્યાં તમને કોઈ બીજી વનસ્પતિ નજરે ચઢે. થોડા સુપ્ત અને થોડા જીવંત જ્વાળામુખીઓ, ધગધગતા લાવાથી દાઝેલી અને કાળી થયેલી જમીન, જ્યાં તમને જવલ્લે જ કંઈક ઉગેલું દેખાય. જ્યાં જુઓ ત્યાં બર્ફિલા ગ્લેસિયર દેખાય, જે હવે ગ્લોબલ વોર્મિંગના શિકાર બની રહ્યા છે. પ્રચંડ પાણીના ધોધ, નાના ઝરણા અને બરફ આચ્છાદિત પર્વતો. માણસો કે અન્ય કોઈ જીવોની પણ અત્યંત પાંખી હાજરી.

હા, એટલું ખરું કે, આકર્ટિક સકર્લના બીજા પ્રદેશો કરતાં અહીંનો શિયાળો થોડો ઓછો વિકરાળ હોય છે. જોકે એનો અર્થ એ પણ નહીં થાય કે, ઠંડીની બાબતે ત્યાં શાંતિ હશે, કે ત્યાંના વાતાવરણમાં આપણને ગોઠી જશે. આપણે તો દાંત કચકચાવતા રહેવાનું અને ધ્રુજતા રહેવાનું . આ કકડતી ઠંડીમાં કપડાનું લેયરિંગ કરવું ખૂબ જરૂરી છે. દિવસે તમે બેગ લઈને ટ્રેક કરતા હો તો તમે 2થી 3 લેયર કપડા પહેર્યા હોય તો ચાલે, પણ સાંજ પડતાં પાંચ લેયરની જરૂર પડે. આઈસલેન્ડ જાઓ ત્યારે બીજું કંઈ લઈ જવાય કે નહીં લઈ જવાય પણ આટલા કપડાં જરૂર જોડે લઈ જવા-

+ વુલન ફુલ સ્લીવના ટોપ એન્ડ બોટમ ઈનર થર્મલ્સ (કોટનના નહીં)
+ ફુલ સ્લીવ ટી-શર્ટસ
+ ટ્રેક પેન્ટસ
+ થિક વુલન સ્વેટર અને ફ્લિસ જેકેટ
+ ડાઉન્સ જેકેટ
+ હેન્ડ ગ્લવ્સ. અંદર પહેરવા માટે વુલનના પાતળા અને એની ઉપર સ્નો અને વોટર પ્રુફ ગ્લવ્સ
+ વુલન સોક્સ (2 પહેરવા)
+ સારા ટ્રેકિંગ શૂઝ
+ યુવી પ્રોટેકશન વાળા સન ગ્લાસીસ
+ મન્કી કેપ/ મફલર

રેક્યાવિક રાજધાનીમાં બે ભારતીય રેસ્ટોરાં છે, પણ બાકીના વિસ્તારોમાં શાકાહારી લોકો માટે થોડી તકલીફ તો રહેવાની જ બકા! કંઈ નહીં, તમતમારે ખાખરા, સુખડી પર રહેજો. આમ પણ તમારે વજન તો ઘટાડવાનું જ છેને!

આ વખતે ત્યાંના ગોલ્ડન સર્કલની વાત કરીએ. ત્રણસો કિમીની આ ટુરમાં મોટા ભાગે ટુરિસ્ટ્સ બધું જ ફરી લે છે. દક્ષિણ આઈસલેન્ડના હોટ સ્પોટ્સ ભેગા કરીને આ ટુરિસ્ટ રુટ બન્યો છે, જેમાં ત્રણ મેઈન સ્પોટ્સ છે, થિંગવેલીર નેશનલ પાર્ક, ગુલફોસ નામનો ધોધ, અને હૌકાદાલુર નામનો જીઓથર્મલ પ્રદેશ. તો ચાલો ફરીએ આઈસલેન્ડ નામના જાદુઈ દેશમાં.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.