ચાલો મહેમાનોની મહેમાનગતિ માણવા

18 Sep, 2015
12:00 AM

mamta ashok

PC:

અમારા મિત્ર અને જાણીતા વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર સૌરભ દેસાઈ ઘણા વખતથી અમને જામનગર જવા માટે આગ્રહ કરતા હતા. એમણે જામનગરના એટલા વખાણ કર્યા કે અમે એમનાથી પ્રોત્સાહિત થઈને ત્રણ દિવસની જામનગરની ટ્રીપ નક્કી કરી નાખી. અહીં રિલાયન્સ અને એસ્સારની મોટી ધમધમતી રિફાઈનરીઓ હોવા છતાં, જામનગર એક નાનું, લેઈડ બેક, સુસ્ત કોસ્ટલ ટાઉન છે. જામનગરને સ્વચ્છ અને સુંદર રાખવા વાઈબ્રન્ટ ગુજરાતના સૂત્રધારોએ પ્રમાણમાં વધુ મથામણ કરવી પડશે. અહીં ઠેર ઠેર ખુલ્લામાં હાજત થતી જોવા મળતી હતી. વળી ઠેર ઠેર સડતા કચરાના ઢગલા જોવા મળતા હતા. તો ખુલ્લી, વહેતી ગટરો બિગ બીના ફેમસ વાક્ય ‘ખુશ્બુ ગુજરાત કી’ ને નવો જ વળાંક આપતી હતી!

આ બધું હોવા છતાં, વિદેશી પંખીઓને હજારો માઈલ ઉડીને દર વર્ષની એમની જામનગરની યાત્રા ખેડવામાં કોઈ જ વાંધો આવતો નથી. દર સાલ અહીં ચારસોથી વધુ પંખીઓ દેશ-વિદેશથી આવે છે. નજીકમાં આવેલા કોરલ આઈલેન્ડ અને અહીંના અભ્યારણ્યોના લઈને આ સ્થળ ફોટોગ્રાફર્સ અને કુદરત પ્રેમીઓ માટે આકર્ષણનું સ્થળ બની રહે છે. અમારા ત્રણ દિવસના એ પ્રવાસમાં અમે 65થી વધુ પ્રજાતિના પક્ષીઓ જોઈ શકેલા. જોકે એ પક્ષીઓ અને અહીંની કુદરત જોઈને તમને ‘કુછ દિન તો બીતાઈએ ગુજરાત મેં’ અહીં સાર્થક થતું લાગે.

ગયા અઠવાડિયે આપણે અમારા જામનગરના પ્રવાસના પહેલા દિવસની વાત કરેલી. હવે બીજા દિવસની વાત કરીએ. બીજા દિવસે સવારે અમે ગયા નરારા મરીન પાર્ક. જામનગરથી બે કલાકને રસ્તે આ બીચ છે. અહીં અમને ક્રેબ પ્લોવર નામનું એક રેર પક્ષી જોવા મળ્યું. ઓટના સમયે તમે આ બીચ પર નિરાંતે ચાલી શકો છો. અહીં અમને જેલી ફિશ, સી અનેમોન, સ્ટાર ફિશ જેવા ઘણા દરિયાઈ જીવો જોવાનો લહાવો પ્રાપ્ત થયો. આ વિસ્તાર તમને નવાઈ પમાડે એટલો સ્વચ્છ છે. આ બીચ જતાં રસ્તામાં રિલાયન્સની ફેક્ટરી પણ આવે છે. અહીં દૂરથી જ હરિયાળી દેખાય એટલે તમારે સમજવું કે રિલાયન્સની રિફાઈનરી નજીક આવી રહી છે.

રસ્તામાં જ ક્યાંક જમીને અમે ગયા દ્વારકાના મંદિરે. એ જ રસ્તા પર મીઠાના મોટાં મોટાં અગર પણ આવે. ત્યાં અમને ગ્રેટ વ્હાઇટ પેલિકન્સ અને પેઈન્ટેડ સ્ટોર્ક પણ જોવા મળ્યાં. થોડા આગળ ગયા તો રસ્તાની જમણી બાજુ એક નાનું તળાવ દેખાયું. ત્યાં આજુબાજુની લાલ માટી અને વચ્ચે કંઈક ગ્રે કલરનો મોટો પેચ હોય એવો અમને આભાસ થયો. ગાડી થોભાવીને નીચે ઉતર્યા અને થોડાં નજીક ગયા અને જોયું તો ડેમોઝલ ક્રેન્સનું એક બહું મોટું ટોળું ત્યાં ફરતું હતું. એમને જોઈને અમે બિલ્લી પગે આગળ વધ્યા અને એક મોટા ખડકની પાછળ સંતાઈને અમે એમના ફોટોગ્રાફ્સ લીધા.

થોડી વાર પછી ત્યાંથી પસાર થતી બીજી એક કારમાં બેઠેલા લોકોએ પણ આ સુંદર પક્ષીઓને જોયાં અને તેઓ તરત જ કાર થોભાવીને રસ્તા પર ઉતરી આવ્યા. જ્યારે પણ તમે બર્ડ વોચિંગ માટે જાઓ ત્યારે એક નિયમનું ચુસ્તપણે પાલન કરવું. પક્ષીઓની આસપાસ હો ત્યારે તમારે જરા સરખો પણ અવાજ ન કરવો. પરંતુ પેલી કારમાંથી ઉતરેલા લોકો ક્રેન્સ જોઈને એટલા ઉત્સાહમાં આવી ગયા કે તેમણે, ‘વાઉ… બ્યુટીફુલ… આ તો જુઓ…’નો કોલાહલ મચાવ્યો. આ કારણે બધા પક્ષીઓ માત્ર બે સેકન્ડમાં ઊડી ગયા. અને પેલી પ્રજા ‘હાઉ સેડ’ એમ કહીને ફરી કારમાં ભરાઈને પોતાને રસ્તે પડી.

જોકે અમે તો ઉડતા ક્રેન્સને કચકડે કંડારવાનો લહાવો પણ ન છોડ્યો અને ક્રેન્સ જેવા ઉડ્યા કે અમે એમનો અદ્દભુત શૉટ લઈ લીધો. દ્વારકા જતાં રસ્તામાં મસમોટી પવનચક્કીઓ લેન્ડસ્કેપમાં ભળી જતી દેખાય. બીજા દિવસની ફોટોગ્રાફી પતાવીને ફરી જામનગર જતાં અમને રાત થઈ ગઈ એટલે ત્રીજા દિવસે સવારે અમે થોડાં મોડા ઉઠ્યાં. ત્રીજા દિવસે અમે લખોટા તળાવ ગયા, જ્યાં અમને આર્કટિક ટર્ન, શોવ્લેલર, ગ્રેબ વગેરે અનેક પક્ષીઓ જોવાની તક સાંપડી.

બપોરે લંચ પછી અમે ગાંધીનગર અને વલસુરા રોડ પર ગયા. ફોટોગ્રાફીમાં જેમને રસ નહીં હોય એમણે તો અહીં જવું જ નહીં. આખા ગામનો કચરો અહીં ઠલવાય છે. અમે તો નાક પર રૂમાલ બાંધીને અંદર ગયેલા. પણ અહીં ઘણા પક્ષી જોવા મળ્યા અને અમે તસવીરો ખેંચવામાં એટલા મશગૂલ થઈ ગયા કે ગંધ તરફ ધ્યાન જ ન ગયું!

સૂર્યાસ્તનો સમય નજીક આવ્યો એટલે અમે પાછા પહોંચ્યા લખોટા તળાવ પર. સાંજના સમયે રોસી સ્ટર્લિંગના ટોળે ટોળાં ઉડતા જોવાની મજા પડી. એક સાથે ઉડતા આ પક્ષીઓ દૂરથી કાળા વાદળ જેવા લાગે. અને જ્યારે તેઓ નજીક હોય ત્યારે એમના કલરવથી આખુ આકાશ ગુંજી ઉઠે.

આ ઉપરાંત આ પ્રવાસમાં અમે બેડી બંદર પણ ગયેલા. ગલ્લ્સ, વેગટેલ્સ, લેપવિંગ્સ, લાર્ક, હર્રિએર, શેંક્સ, સ્ટિંટ્સ એવા અનેક પક્ષીઓના દર્શન થયા. લગભગ ચારસોથી વધુ પક્ષીઓ અહીં શિયાળામાં આવે છે. જામનગરની શ્રેષ્ઠ વાત એ છે કે, અહીં માત્ર શહેરની આસપાસ જ નહીં પરંતુ તમને શહેરમાં પણ અવનવા પક્ષીઓ જોવા મળે. પક્ષી નિહાળવા તમારે બહુ દૂર જવું પડતું નથી.

અહીંના રહેવાસીઓને પણ આ પક્ષીઓ માટે ખૂબ પ્રેમ હોય છે. ઘણા રહીશો લખોટા લેક પર પક્ષીઓને ગાંઠિયા ખવડાવતા નજરે ચઢે. એ જોઈને તમને વિચાર આવે કે માછલી ખાતા આ પંખીઓ વેજીટેરિયન ક્યારે થઈ ગયા?

એ ત્રણ દિવસોમાં અમે અસંખ્ય ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા. પણ નસીબજોગે થોડાં સમય પહેલા અમારા કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક ક્રેશ થઈ ગઈ. એટલે ફ્લિકર પર અમે જેટલા ફોટોગ્રાફ્સ અપલોડ કરેલા એટલા ફોટોગ્રાફ્સ તમારી સાથે અહીં શેર કરીએ છીએ.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.