ચાલો પંખીઓને મેળે
આપણા ગુજરાતમાં શિયાળાની ઋતુને એનઆરઆઈ સિઝન કહીએ તો પણ ચાલે. કારણ કે નવેમ્બર - ડિસેમ્બરનો મહિનો શરૂ થતાં જ વિદેશમાં વસતા આપણાં ગુજરાતી ભાઈ-બહેનોને વતનની યાદ આવે અને એ બધા પ્રવાસી ગુજરાતીઓ ગુજરાતની વાટ પકડે. બીજી તરફ વિદેશી પક્ષીઓનું પણ એવું જ છે, જ્યાં તેઓ ગુજરાતની આ ભૂમિ સાથે કોઈક લેણું હોય એમ બે-ત્રણ મહિના માટે ગુજરાતના પ્રવાસે આવીને જાણે વેકેશન માણતા હોય એમ નિરાંતે રહે!
પોતાના દેશમાં જ્યારે હિમવર્ષા અને અસહ્ય ઠંડી ચાલુ થાય ત્યારે ત્યાં રેહતા આ પક્ષીઓ ગુજરાતની હૂંફ માણવા પધારે છે. એમના દેશો કરતા આપણે ત્યાં શિયાળો પ્રમાણમાં નબળો હોવાને કારણે આપણો શિયાળો એમના ઉનાળા કરતાં વધુ હૂંફાળો હોય છે. આ મહેમાનો દર વર્ષે ચોક્કસ સમયે અહીં આવી પહોંચે છે. એક સંશોધન તો એવું પણ કહે છે કે, આ પક્ષીઓ દર વર્ષે એક જ સ્થળે પાછા ફરે છે. એવું એક સ્થળ આપણા ગુજરાતમાં હોય તો તે સ્થળ જામનગર છે. જોકે ગુજરાત અને રાજસ્થાનમાં આવા ઘણા સ્થળો છે. પણ કાઠિયાવાડના રત્ન તરીકે ઓળખાતા આ શહેરમાં વિદેશી પક્ષીઓને અનુકૂળ બધું જ છે. ટાપુઓ, દરિયા કાંઠા, નાના નાના ડુંગરો, મહેલો, જંગલ, દરિયાઈ અભ્યારણ્ય અને દરિયા કાંઠે સુંદર પરવાળા.
તમે જામનગર સ્ટેશન પર ઊતરો એટલે ત્યાંથી જ તમને પક્ષીઓ દેખાવાના ચાલું થઈ જાય. અમે જ્યારે જામનગર ગયા ત્યારે અમારી ટ્રેન મોડી હોવાને કારણે અમે રાત્રે અઢી વાગ્યે જામનગર પહોંચ્યાં. અમારી હોટેલ શહેરની મધ્યમાં આવેલી હોવાને કારણે હોટેલ પહોંચવામાં ઝાઝી વાર ન લાગી. અડધી રાત્રે જ્યારે રિસેપ્શન પર પહોંચ્યાં ત્યારે રિસેપ્શનિસ્ટને ઉઠાડવા અમારે 'જાગને જાદવા…' ગાવું પડ્યું! એણે પણ ઉંઘમાં ને ઉંઘમાં અમારા હાથમાં રૂમની ચાવી પકડાવી દીધી. પણ અચાનક જાણે એને જ્ઞાન લાધ્યું હોય એમ એ ઝબકીને જાગ્યો અને એણે અમારું આઈડી આઈડી પ્રૂફ માગ્યું.
હરહંમેશ અમારા વોલેટમાં રેહતું ડ્રાઈવિંગ લાઈસન્સ કાઢવા અમે ખિસ્સામાં હાથ નાંખ્યો તો અમને ખ્યાલ આવ્યો કે, લાઈસન્સ તો અમે એડ્રેસ ચેન્જ કરવા માટે મોકલેલું છે! અને અમારી પાસે બીજું કોઈ આઈડી પ્રૂફ છે જ નહીં. તો હવે કરવું કેમ? રાતના એ સમયમાં ઠંડી તો કહે મારું કામ. જોકે અચાનક અમને એક સુરતી આઈડિયા સૂઝયો. અમારી પાસેના લેપટોપમાં અમારા લાઈસન્સની સ્કેન કરેલી કોપી હતી એટલે મેં લેપટોપ ચાલું કરીને રિસેપ્શનિસ્ટને એ બતાવ્યું. ભગવાનની મહેરબાનીથી રિસેપ્શનિસ્ટ એ પ્રૂફ જોઈને રાજી થયો અને એણે અમને અમારા રૂમ તરફ જવાની પરવાનગી આપી.
આ બધી વિધિમાં ત્રણ-સવા ત્રણ થઈ ગયા. રૂમમાં જઈને અમે સીધા સૂઈ જ ગયા. એવામાં કલાકેકની ઉંઘ અમે લીધી નહીં કે મળસકે પાંચ વાગ્યે અમે નાહીધોઈને તૈયાર પણ થઈ ગયા! થોડાં જ સમયમાં અમને લેવા માટે એક ટેક્સી અને લોકલ ગાઈડ તૈયાર હતા. એમની સાથે શહેરથી બાર કિમી દૂર ડ્રાઈવ કરીને અમે ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં પહોંચ્યાં. અમે ત્યાં પહોંચ્યાં ત્યારે ચોમેર ઠંડી અને અંધકારનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. અમારી સાથે જે ભાઈ આવ્યા હતા એમને પક્ષીઓ વિશેની ચોક્કસ માહિતી હતી એટલે એમણે અમને કહ્યું ત્યાં અજવાળાની રાહ જોતાં અમે અમારા કેમેરા ગોઠવીને સજ્જ થઈ ગયા. જેમ જેમ પૂર્વ દિશામાં લાલાશ પથરાતી ગઈ એમ એમ અમારા ઉત્સાહમાં વધારો થતો જતો હતો, કારણ કે થોડા જ સમયમાં અમે ભાતભાતના પક્ષીઓ સાથે રૂબરૂ થવાના હતા!
થોડા જ સમયમાં સૂર્યના સોનેરી કિરણો જેવા પાણી પર પડ્યાં કે અમને અનેક પક્ષીઓ દેખાયા. શરૂઆતથી જ અમે મનમોહક સીન શૂટ કરવા મળ્યાં. ખીજડીયામાં પૂર્વ અને પશ્ચિમ બંને દિશામાં ભીની જમીન છે. ભીની જમીન હોવાને કારણે અહીં ખોરાક વધુ માત્રામાં મળી રહે છે એટલે અહીં પક્ષીઓની સંખ્યા પણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. ખીજડીયામાં શૂટિંગ કરતી વખતે એટલું ધ્યાનમાં રાખવું કે, સવારના સમયે રોડની જમણી બાજુ શૂટ કરવું તો સાંજને ટાણે ડાબી તરફ શૂટ કરવું.
સવારની ફોટોગ્રાફી પતાવીને અમે લગભગ સવારે દસ વાગ્યે અમારી હોટેલમાં પરત ફર્યા. બાજુમાં જ સુંદર ગુજરાતી થાળી મળતી હતી એટલે પેટ પૂજા કરીને અમે થોડો આરામ કર્યો અને બપોરના બે વાગતામાં તો અમે અમારી બેગ ઉંચકીને ફરી ખીજડીયા જવા તૈયાર થઈ ગયા. આ વખતે અમે રોડની ડાબી બાજુનો ટર્ન લીધો. સવારે અમને પેલિક્ન્સ, નોર્ધન શોવેલેર્સ, એગરેટ વગેરે પક્ષીઓ દેખાયા હતા. અમારા માટે બર્ડ ફોટોગ્રાફીનો આ પ્રથમ અનુભવ હતો, એટલે અમે ખૂબ જ ઉત્સાહિત હતા.
અમારી ફોટોગ્રાફી દરમિયાન અમને સ્પૂનબીલ, ડ્રોંગો, બ્લેક ઈબીસ, વૂલી નેક સ્ટોર્ક અને સૌથી સુંદર ડેમોઝલ ક્રેન્સ વધુ પ્રમાણમાં જોવા મળ્યા. પર્પલ હેરોન પણ જોવા મળ્યું. તો શ્રાઈક, બ્લેક શોલ્ડર કાઈટ જેવા તો ઘણા પક્ષી અમને કેમેરામાં કંડારવા મળ્યાં. આટલા બધા પક્ષીઓ અને મોટા ભાગનાને તો પહલી વાર જોવાનો લહવો મળ્યો હતો! અમારા માટે એ દિવસ સાર્થક નીવડયો. સૂર્ય આથમી ગયા પછી અમે હોટેલ પાછા ફર્યા ત્યારે અમે ત્યાં મળ્યાં હોટેલના માલિક મુસ્તાકભાઈ મેપાણીને. તેમને પણ બર્ડ વોચિંગનો ભારે શોખ અને વળી એમની પાસે જાણકારી પણ ઘણી. એમની સાથે બેસીને જામનગર વિશેની અન્ય કેટલીક મજાની વાતો પણ ખૂબ જાણવા મળી.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર