ચાલો ડેઝલિંગ દુબઈની સફરે
ગયા વર્ષના છેલ્લા દિવસે એટલે કે, 31મી ડિસેમ્બરની રાત્રે દુબઈની એડ્રેસ હોટેલમાં લાગેલી મોટી આગના સમાચાર વિશે સૌએ જાણ્યું હશે. અને આ હોટેલનું એડ્રેસ બિલકુલ બુર્જ ખલિફાની સામે જ છે. અમે પણ આ દુ:ખદ સમાચાર વાંચ્યા, જેની સાથે જ અમને જાન્યુઆરી 2012માં અમે કરેલી ચાર દિવસની દુબઈની ટ્રીપ યાદ આવી. દુનિયાની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલિફાની સરસ મજાની તસવીર ક્લિક કરવી હોય તો તમારે આ એડ્રેસ હોટેલનાં ગેલેરી બારમાં જવું પડે. અને અમે પણ એ હેતુથી જ એડ્રેસ હોટેલની મુલાકાત લીધી હતી.
દુબઈ એટલે લાસ વેગસ અને સિંગાપોરનું લાજવાબ કોકટેઈલ! લાસ વેગસનો ચકાચૌંધ કરી દે એવા ઝળહળાહટ અને સિંગાપોર જેવા જ ત્યાંના કલ્ચરને કારણે આપણે આવુ કહેવું પડે. નવેમ્બરથી માર્ચ સુધીના મહિના દરમિયાન અહીં શિયાળો હોવાથી તમને ત્યાંના રણના ધગધગતા તાપમાનનો અહેસાસ થતો નથી. પરંતુ બાકીના મહિનામાં તમને ત્યાં ભયંકર ગરમીનો અનુભવ થાય. અહીં વર્ષ દરમિયાન ભાગ્યે જ થોડોઘણો વરસાદ પડે, પરંતુ દરિયાઈ પાણીના ગંજાવર ડિસ્ટીલેશન પ્લાન્ટ્સની કૃપાથી અહીં પાણીની જરાયે અછત નહીં વર્તાય.
સાત અમિરાત મળીને બનેલું યુ.એ.ઈ. અને એમાનું એક અમિરાત એટલે દુબઈ. ફક્ત ચાળીસ વર્ષ પેહલા જ બનેલો આ દેશ પહેલા મોતી ખનન માટે જાણીતું એક નાનકડું ગામ હતું. શરૂઆતમાં ઓઈલની ટંકશાળ તરીકે ઓળખાતું આ શહેર પછી તો દુનિયાનું અગ્રગણ્ય ટ્રેડિંગ હબ બન્યું. જોકે ટ્રેડિંગ ઉપરાંત આ શહેરની બીજી કોઈ ઓળખાણ હોય તો એ ઓળખાણ છે, અહીંની અપરંપાર જાહોજલાલી! જ્યાં નજર પડે ત્યાં બસ મોંઘી ગાડીઓ, ઊંચા સ્કાયસ્ક્રેપર્સ, ભવ્ય શોપિંગ મોલ્સ અને હોટેલો જ હોટેલો.
દુબઈમાં માત્ર વીસ ટકા જેટલી વસતી દુબઈના મૂળ આરબ વતનીઓની છે. બાકીના બધા દુનિયાના જુદા જુદા ખૂણેથી આવીને દુબઈમાં વસેલા લોકો છે. ભારત, પાકિસ્તાન, યુકે, યુએસથી આવીને અહીં વસેલા લોકો તમને ભરપૂર જોવા મળે. અને તે ઉપરાંત મારા-તમારા જેવા ટુરિસ્ટ્સ! એમાંય આજકાલ ચાલતા દુબઈ ફેસ્ટિવલમાં તો દુનિયાભરમાંથી લોકોના ધાડેધાડા દુબઈમાં ઉમટી પડે છે.
જોકે અન્ય દેશોની આટલી બધી વસતી અહીં હોવા છતાં કોઈ દુબઈના સિટિઝન બની શકે નહીં. તમે ગમે એટલા વર્ષોથી દુબઈમાં સ્થાયી થયા હો, કે તમારું બાળક પણ દુબઈમાં જન્મ્યું હોય તે છતાં તે દુબઈની સિટીઝનશિપ મેળવી શકતું નથી. ફક્ત અને ફક્ત દુબઈમાં નોકરી અથવા બિઝનેસ કરતી વ્યક્તિ અને તેનો પરિવાર ત્યાં રહી શકે છે. અન્ય દેશોની આટલી બધી વસતી અહી હોવા છતાં, અહીં ગુનાખોરી ખૂબ ઓછી છે. પણ હા, અહીં આડા ધંધા દુનિયાભરના ચાલે છે.
દુબઈમાં બાંધકામનું કામ હરહંમેશ ચાલુ જ હોય અને ક્યાંક ને ક્યાંક તમને ક્રેન અને મજૂરો પણ નજરે પડે જ. ટુરિસ્ટ અને બિઝનેસ ફ્રેંડલી આ શહેરમાં દુનિયાભરની બધી જ કંપનીઓની ઓફિસો આવેલી છે.
ડાઉન ટાઉન દુબઈમાં દુનિયાની સૌથી ઉંચી ઈમારત બુર્જ ખલિફા પરથી દુબઈના સૌથી શ્રેષ્ઠ દર્શન કરવા સાંજ પછી જવું. રાત્રિના સમયે સોનાની મુરતસમું દુબઈ કંઈક અનોખા ઝળહળાટથી ઝળહળી ઊઠે છે. એ ઉપરાંત અહીં દુનિયાનો સૌથી મોટો શોપિંગ મોલ દુબઈ મોલ પણ છે. તેમજ રણમાં આવેલો દુનિયાનો સૌથી મોટો ફુવારો- ધ દુબઈ ફાઉન્ટેન પણ અહીં છે. સ્ત્રીઓને અહીં બુરખો પહેરવાની ફરજ પડાતી નથી. પણ હા, તમે દારૂ તો હોટેલમાં જ પી શકો. અને જો તમે દારૂ પીને ડ્રાઈવ કરતા પકડાયા તો તમને સીધા તમારા દેશમાં જ પાર્સલ કરી દેવામાં આવે.
દરિયા કિનારે વસેલું આ શહેર, ડેરા – જૂનું દુબઈ, ડાઉન ટાઉન દુબઈ, પામ જુમેરાહ બીચ અને મરીના- એમ ચાર ભાગમાં વહેંચાયેલું છે. ડેરા-જૂના દુબઈમાં મીના બજાર, સ્પાઈસ સૌક, ગોલ્ડ સૌક એવા આકર્ષણો છે. મીના બજારમાં પરફ્યુમ, ફર્સ્ટ કોપી પર્સ, સન ગ્લાસિસ, પાકિસ્તાની સલવાર ખમીસ વગેરેની દુકાનોની લાઈનો છે તમારામાં રકઝક કરીને અડધી કિંમતે ખરીદી કરવાની કુનેહ હોય તો તમને મીના બજારમાં ચોક્કસ ફાવી જશે.
ડાઉન ટાઉન દુબઈ એટલે, જ્યાં મારા તમારા જેવા ટુરિસ્ટ્સ શોપિંગ કરવામાં સમય ગાળે. અહીંના દરેક મોલમાં શોપિંગ ઉપરાંત એન્ટરટેઈનમેન્ટ એરિયા હોય, જ્યાં શોપિંગ કરતાં વધારે મજા આવે છે. મોલના રૂફ ટોપ ગાર્ડનમાં રાત્રે ફ્રી મૂવીઝ હોય છે. મોલ ઓફ અમિરાતમાં સ્કી દુબઈ છે, જ્યાં તમે રણમાં પણ પેગવિનને હાથ ફેરવી શકો, સ્નોમાં ઝોરબિંગ કરી શકો, અને બરફ પર સ્કીઈંગ કરી શકો. બોલો છે ને અનેરું?
એક વાર તમને આ શોપિંગમાંથી મોકળાશ મળે પછી તમે અહીંના બીચ માણી શકો. જુમેરાહ બીચ પાર્કમાં બાર હેક્ટર જેટલો એરિયા બાળકોને રમવા લાયક બનાવાયો છે. બીજું આકર્ષણ છે એટલાન્ટીસ હોટેલ અને તેનો વોટર પાર્ક. મોટા ભાગના ટુરિસ્ટ્સ આ હોટેલના વિશાળ ગેટની બહાર પોતાનો ફોટો ખેંચાવવાનું ભૂલતા નથી.
આ બધા એરિયાને કનેક્ટ કરે છે દુબઈ મેટ્રો. એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ટેક્સી ઉપરાંત એ મેટ્રોની સુવિધા ખૂબ જ સરસ છે. તો ચાલો જોઈએ આ રણમાં વસેલી માયાવી નગરીની થોડી તસવીરો.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર