ચાલો ઠંડા પ્રદેશની ઠંડી માણવા

18 Dec, 2015
12:00 AM

mamta ashok

PC:

ગયા અઠવાડિયે આપણે આઈસલેન્ડ તેમજ ત્યાંની રાજધાની રેક્યાવિક અને એની નજીક ગોલ્ડન સર્કલ તરીકે ઓળખાતા થિન્ગવેલીર અને ગુલ્ફોસ ધોધ વિશે વાતો કરી. આ વખતે આઈસલેન્ડ જવા માટેની અન્ય કેટલીક માહિતી તેમજ ગોલ્ડન સર્કલના અન્ય કેટલાક સુંદર સ્થળો વિશે વાતો કરીએ.

આઈસલેન્ડ જવા માટે શેનઝેન વિઝા લેવા પડતા હોય છે. એની વિઝા ફી આશરે 4500 રૂપિયા જેટલી થાય. સામાન્ય રીતે ત્યાં શિયાળો માણવા જનારા હિંમતવાન લોકોની સંખ્યા ઓછી હોય છે. આથી કુશળતા વાપરીને જો તમે છએક મહિના પહેલા ટિકિટ્સ બુક કરો તો તમને કિફાયતી ડિલ મળી શકે. હાલમાં તમને આ ડિલ 65000ની આસપાસ પડી શકે છે. વળી, જો તમે લંડન એરપોર્ટ પર થોડા કલાકોનો પડાવ નાંખવાના હો તો ટ્રાન્ઝિટ વિઝાના નામે રાણી સાહેબા તમારી પાસે ત્રીસ પાઉન્ડ ખંખેરશે એ વધારાના. કેમ નહીં? એમના ટોઈલેટ વાપર્યા કે નહીં તમે?

આઈસલેન્ડમાં તમને 70 થી 120 યુરોમાં હોટેલ મળી જાય, જેમાં બ્રેકફાસ્ટનો પણ સમાવેશ હોય છે. શિયાળામાં તમને એક ફોર વ્હિલર કાર5,000 રૂપિયા પ્રતિ દિવસમાં મળે. આઈસલેન્ડના ઉનાળાનાં સંદર્ભમાં આ ઘણું સસ્તુ કહી શકાય. કારણ કે, ઉનાળાની પીક સિઝનમાં અહીં કારના ત્રણ ગણા ભાવ હોય છે. અને પેટ્રોલ તો અહીં મોદી સરકારથી પણ મોઘું છે. ખબર છે કેટલા રૂપિયા લિટર? તો કે, 110 રૂપિયા લિટર! બરફ પડેલો હોય ત્યારે વ્હિલમાં ખાસ એલ્યુમિનિયમના નાના સ્ટડ નખાવવા. શિયાળામાં અહીંના રસ્તાઓ સુનસામ અને બરફઆચ્છાદિત હોય, ઘણા રસ્તાઓ ગ્રેવલ હોય માટે સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. અલબત્ત અહીંના રસ્તાઓ પર રોમાંચ પૂરેપૂરો મળે છે!

નાનકડા આ દેશમાં ગુનાખોરીનું પ્રમાણ ઘણું ઓછું છે. ત્યાં લગભગ નહીંવત ગુનાખોરી છે એમ કહી શકાય, પરંતુ અમારા કમનસિબે અમારી ટ્રીપના છેલ્લે દિવસે મારી બેગ ચોરાયેલી! એટલે અમારા અનુભવ પરથી એટલું તો કહી જ શકાય કે, આઈસલેન્ડમાં પણ જરા ચેતેલા રહેજો. આફ્ટર ઑલ ચેતેલો નર સદા સુખી!

તમારે જો આ દેશ બરાબર ભમવો હોય અને ખાસ કરીને 'Northern Lights' જોવી હોય તો દિવાળીની રજાઓના બે અઠવાડિયા ફાળવવા. જોકે 'Northern Lights' એ નૈસર્ગિક પ્રક્રિયા છે એટલે આ પ્રક્રિયા રોજ નહીં દેખાય પરંતુ તમે બે અઠવાડિયા સુધી ત્યાં રહો તો એ લાઈટ્સ જોવા મળવાની સંભાવનાઓ વધી જાય છે.

આ ઉપરાંત પણ આઈસલેન્ડમાં અનેક જોવાલાયક સ્થળો છે. તમે જો બે અઠવાડિયાની લાંબી સફરે ગયા હો તો આઈસલેન્ડમાં આટલી જગ્યાઓએ ખાસ જવું.

  1. રેક્યાવિક અને આસપાસ- ત્રણ દિવસ

  2. થિન્ગવેલીર - એક દિવસ

  3. વિક - એક દિવસ

  4. યોકુલ્સારલોન – બે-ત્રણ દિવસ

  5. ઈસ્ત્રાહોરન - એક દિવસ

  6. ઉપીફોગુર - એક દિવસ

  7. મિવાતન - ત્રણ દિવસ

  8. અકુર્યેરી - એક દિવસ

  9. પાછા રેક્યાવિક - એક દિવસ

તો ચાલો, રેક્યાવિક અને આસપાસના અને યોકુલ્સારલોનની માયાવી ધરતીના થોડા ફોટોગ્રાફ્સ જોઈએ.

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.