હું તો ગઈ'તી મેળે...
ઘેર શબ્દ કાને પડે એટલે અવશ્ય કાળી બિલ્લી અને ગ્રુપમાં ડાન્સ કરતાં ઘેરૈયાનું સ્મરણ થાય. અને કાળી બિલ્લી સાથે ઘંટા ચોરના સાદ જાણે ક્યાંકથી ગુંજી ઊઠે. વળી, નાનપણમાં ખૂબ તોફાને ચઢતાં ત્યારે મમ્મી કંટાળીને આ કાળી બિલ્લીની બીક પણ યાદ કરાવી દેતી. હવે શહેરોમાંથી આ બધા લોકનૃત્યો લુપ્ત થતાં જાય છે પણ ગામડાઓમાં આ સંસ્કૃતિ હજીય જળવાઈ રહી છે. આપણાં ગામોમાં હોળીનો તહેવાર હજીય ભારે ઉત્સાહ અને ઉમંગથી ઉજવાય છે.
આજે આવા જ એક ગામની વાત કરીએ. વડોદરા જિલ્લાના કવાંટ તાલુકા અને છોટા ઉદેપુર પાસે આવેલા ગામનું નામ રૂમડિયા. અંદાજે દસ હજાર જેટલી વસ્તી ધરાવતું આ ગામ. અહીં મોટા ભાગે રાઠવા જાતિના લોકો રહે. રાઠવા જાતિના લોકો પહેલાં મધ્યપ્રદેશના સીમાડે રહેતા અને પછી કંવાટની આજુબાજુ સ્થાયી થયા. ગામમાં આઠમા ધોરણ સુધીની શાળા છે તેથી ઘણાં બધાં બાળકો અહીં ભણીને પછી બહાર ભણવા નીકળી ગયેલા. પરંતુ આ પર્વ માટે સહુની મીટ ગામ તરફ મંડાય અને આજુબાજુનાં શહેરોમાં નોકરી કરતાં સહુ બે-ત્રણ દિવસ પૂરતા ગામ આવે.
ખૂબ જ ખંતીલી અને મહેનતુ આ પ્રજા મુખ્યત્વે ખેતીવાડીમાં જોતરાયેલી હોય છે. અને ભણેલા ગણેલા યુવક યુવતીઓ હવે સરકારી નોકરીમાં જોડાય છે. હોળીના પર્વે અહી યોજતો 'ચૂલનો મેળો' ખૂબ જ પ્રખ્યાત છે. આજુબાજુના જિલ્લાઓમાંથી ઘણા બધા લોકો અહીં મેળામાં ભાગ લેવા આવે છે. ગયા વર્ષની હોળીમાં અમારા એક મિત્ર, વડોદરાના ભૌતિક દેસાઈએ અમને આ મેળા વિશે કહ્યું. વળી, ભૌતિકનો મિત્ર અમરજિત રાઠવા, મૂળ રૂમડિયાનો રહેવાસી હતો. તેથી અમે બે દિવસ માટે ઉપાડ્યા રૂમડિયા અને કવાંટ.
રાજપીપળા થઈને અમે ત્યાં પહોંચ્યા. રાજપીપળા પછી રસ્તામાં ગામો આવતાં જાય અને ગામવાસીઓ ગાડી ઊભી રખાવે અને હોળીનો ફગવો ઉઘરાવે. વીસ રૂપિયા આપતા જવાનું અને એ લોકો આપણી ગાડી આગળ જવા દે. આખે રસ્તે સૂરજદાદા વધુ પડતાં મહેરબાન રહ્યા પણ કેસૂડાના અસંખ્ય વૃક્ષનો નજારો અલૌકિક હતો.
આખરે બપોરે બારના સુમારે અમે રૂમડિયા પહોંચ્યા. અમરજિતના દાદા દાદીના ઘરે અમે ગયા. ચોખાના રોટલા અને કાંદા બટેટાનું શાકનું જમણ જમીને અમે મેળામાં જવા ઉત્સુક હતા. જે તે ગામના લોકો, પોતાના ગામના ગ્રુપ બનાવીને નાચતા નાચતા આવે. રૂમડિયાના લોકોનું ગ્રુપ, મેળો બરાબર જામી જાય પછી અહીં સૌથી છેલ્લે પહોંચે. તે એક વાગ્યાની આસપાસથી ગામમાં કોલાહલ ચાલુ થઈ ગયો હતો. પહેલાં તો એક ગૌશાળામાં ઢોલની પૂજા થઈ અને પછી વાજતેગાજતે સરઘસ નીકળ્યું. હાથમાં ડાંગ, ઢોલ-નગારાં અને માથે લાલ રંગના સાફા બાંધીને ગામના યુવકો જોડાયા. યુવતીઓ બધી જ સાડીમાં અને રાણી વિક્ટોરિયાના સિક્કાથી બનેલો ચાંદીના સેટ પહેરીને આવી હતી. આ સહુ યુવક-યુવતીઓ ઢોલના બીટ પર ડાન્સ કરતાં આગળ જતાં હતાં.
અહીં સરોજ ખાન કોરિયોગ્રાફી કરવા નહોતાં આવ્યાં પણ તે છતાં સૌના પગ એક સાથે ઊપડે અને ઠેસ મારે. એમની સાથે અમે પણ ટ્રાઈ મારી જોઈ એમના સ્ટેપ્સ કોપી કરવા માટે, પણ કેમેરામાં ક્લિક કરવાની સાથે બહુ મેળ નહીં પડ્યો. લગભગ સૂકાઈ ગયેલી નદીના પટમાં થઈ ચાલતા ચાલતા અમે ગામના પાદરે જ્યાં મેળો લાગ્યો હતો ત્યાં પહોંચ્યા. મેળો હોય એટલે ચકડોળ તો હોય જ પણ અહીં કંઈ અજીબ ચકડોળ જોઈ. અહીં હ્યુમન ચકડોળ હતી. એક માંચડો હતો. એની મધ્યમાં એક ઝાડનું 4 ફૂટ ઊંચું થડ હતું અને એની સાથે એક બીજું આડું બાંધ્યું હતું. આડું થડ લગભગ દસ ફૂટ લાંબું હશે. એ આડા થડના છેડે જાડું દોરડું અને એના પર બે માણસ લટકેલા અને એ આડા થડને માંચડા પર ઊભેલા ચાર-પાંચ યુવકો ફેરવે. જેટલું જોર લગાવે એટલા જોરથી આ ચકડોળ ફરે અને લોકો જેમ કિકિયારીઓ પાડે તેમ એની સ્પીડ વધે. લગભગ બે-ત્રણ મિનીટ સુધી ચકડોળ ફેરવે અને પછી બંધ થાય અને લટકવાનો કોઈ બીજાનો વારો આવે.
આ પ્રકારની ચકડોળ ફક્ત એક જ કુળના લોકો ફેરવી શકે એવી માન્યતા અહીં પ્રવર્તે છે. આ ઉપરાંત થોડા ફેરિયા ખાવા-પીવાની વસ્તુઓ વેચે સાથે ચકરડી, પ્લાસ્ટિકનાં રમકડાં વગેરે લઈને ઊભેલા ફેરિયા પણ દેખાય. પણ સૌથી વધારે કુતૂહલ જાગ્યું હારબંધ શેરડીના સાંઠા જોઈને. તેની જાણે આખી વાડ બનાવી હતી. લોકો આવતા જાય, દસ રૂપિયાનો સાંઠો લેતા જાય અને વિકો વજ્રદંતીની ઍડમાં કામ કરતાં હોય એમ સલૂકાઈથી શેરડીની છાલ કાઢીને મજા માણતા જાય. ગરમી ખાસ્સી હતી એટલે શેરડી જોઈને અમને પણ ખાવાની તાલાવેલી થઈ પણ ક્યાંય શહેરમાં દેખાય એવો શેરડી છોલીને કટકા કરી આપનાર દેખાયો નહીં. રખેને આપણાં રૂટ કૅનાલ કરેલા દાંતને કંઈ નુકસાન પહોંચે એ વિચારે, બેગમાંથી ગરમ મિનરલ વોટરની બોટલ કાઢીને પાણી પીને સંતોષ માણ્યો પણ પછી પછી ભલે ચોકઠું થતું એમ કરીને શેરડીનો સાંઠો ગાંઠ પરથી છોલીને જ ખાઈને સ્કૂલની યાદો તાજી કરી.
મેળામાં જ્યાં ત્યાં ગોગલ્સ પહેરીને છોકરાઓનાં ટોળાં ઊભાં હતાં અને ત્યાંથી છોકરીઓ પસાર થાય એટલે તેમનું ધ્યાન દોરવવા ચેનચાળા થતાં રહેતા હતા. કોલાહલ, ધૂળની ડમરીની વચ્ચે હસીમજાક અને ધમાલ કરતાં યુવક યુવતીઓને જોવાની અને ફોટા પાડવાની મજા પડી ગઈ. તો ચાલો જોઈએ રૂમડિયાના ચૂલના મેળાની થોડી તસવીરો!
રૂમડિયાનાં અલગ અલગ ફળિયા અને નજીકનાં ગામોમાંથી આ રીતે ઢોલ ત્રાંસા વગાડતા નાચતા ગાતા સરઘસો નીકળે. અમુકનાં હાથમાં તીક્ષ્ણ ધારીયા પણ હોય!
તો અમુકના હાથમાં તીર કામઠા પણ...
અને અમુક શૂરવીરો તો બે નાળી ધાંય ધાંય પણ લયીને મ્હાલતા હોય!
આખું ગામ ઢોલના ધબકારે નાચતું હોય
અને ઢોલી બસ એના ધુમાડામાં અને તાલમાં તલ્લીન!
વંસળી વાદકો પણ પાછા સ્ટાઈલિસ્ટ!
દર ગામની સ્ત્રીઓનો સમૂહ એમના સરખા રંગો અને પહેરવેશથી અલગ તરી આવે!
સંસ્કૃતિનો કૉલાજ
રૂમડિયાની હ્યુમન ચકડોળ! કોઈ વાર એક સવાર....
તો કોઈ વાર ડબલ સવાર...
રૂમડિયા ચકડોળનાં ડિઝાઈનર અને મુખ્ય સૂત્રધાર!
[caption id="attachment_64850" align="alignnone" width="1920"] khabarchhe.com[/caption]અમરજીત રાઠવા એક અવ્વલ ઘોડેસવાર અને હોર્સ ટ્રેનર, જેને ઘરે અમે જમ્યા અને રહ્યા હતા
[caption id="attachment_64851" align="alignnone" width="1920"] khabarchhe.com[/caption]તમે પણ જરૂર જજો આવતી હોળી પછી રૂમડિયાના મેળે. આ રૂઆબદાર જાતિના મેળે!
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર