ચાલો કંવાટના મેળે
ગયા હપતે રૂમડિયાની હ્યુમન ચગડોળ અને મેળાની વાતો જાણી. આજે હવે કરીએ કવાંટની વાતો. રૂમડિયાથી કવાંટનું અંતર ફક્ત નવ કિમીનું છે. રૂમડિયાના મેળામાં ફરીને અમને કવાંટ પહોંચતા સાંજ પડી ગઈ. અમારા મિત્ર અમરજીતના મામા કવાંટ ગામના સરપંચ. ગામને પાદરે એમનું ઘર અને ઘરની પાછળ એમના ખેતર પણ ઘર અને ખેતર વચ્ચે એક ખુલ્લા મેદાન જેવી જગ્યા અને ત્યાં થોડી ગાય, ભેંસ, ઘોડા અને કૂતરા માટેની કોઢ અને તબેલા. અમરજીત અને એના મામાની દીકરી બંને ખૂબ અચ્છા ઘોડેસવાર. ઘણી બધી રેસમાં બંને ભાગ લે અને જીતે પણ ખરા. ગામનું પગપાળા નિરીક્ષણ કરીને અમે રાત માટે એક નાનકડી હોટેલમાં રાતવાસો કર્યો. ગામની આ પહેલી જ હોટેલ હતી અને એ જ સપ્તાહે એ ખૂલી હતી. આમ તો રાજપીપળા, છોટા ઉદેપુર અને જાંબુઘોડામાં હોટલમાં કન્વર્ટ થયેલા પેલેસ છે, જ્યાં રહી શકાય છે અને તે ખૂબ સુંદર હેરિટેજ પ્રોપર્ટીઝ છે.
સવારે અમે પહોંચ્યા સરપંચના ઘરે. ત્યાંથી એક ખુલ્લી જીપમાં બેસીને અમે ગામમાં લટાર મારી આવ્યા. ઘેર અમુક ચોક્કસ ગલીઓની પ્રદક્ષિણા કરે. લગભગ દસના સુમારે આ મેળો ચાલું થાય તે સાંજે પાંચ સુધી ચાલે. તેમનો નિર્ધારિત રૂટ અમને અમરજીતે બતાવ્યો. રૂમડિયા કરતાં આ ગામ ઘણું મોટું હતું અને અહીં ભિન્ન ભિન્ન ચકડોળો ખાવાપીવાની લારીઓ વગેરે હતું. એ દિવસ પૂરતી ખાણીપીણી સિવાયની બધી દુકાન અહીં બંધ હતી. લોકો જલદી પરવારીને કંવાટની ગલીઓ પર ઊતરી પડ્યા હતા. એકાદ બે જગ્યા પર જુદાં જુદાં ગામોના ઘેરના ગ્રુપ્સ પણ દેખાયા. પોલીસ બંદોબસ્ત જબરદસ્ત હતો. થોડાં ગામના ગ્રુપ પ્રથમ સરપંચના ઘરે આવ્યા. ત્યાં તેમણે સૌને પ્રેમથી ચા-પાણી નાસ્તો કરાવ્યો. સરપંચ સામે દરેક ગ્રુપ ઘેર નૃત્યનો એકાદ ફેરો ફરે અને પછી તે ગામમાં જઈને મેળામાં સામેલ થાય.
રાઠવાઓની ખેતીપ્રધાન જાતિમાં પાક લણાય એટલે ઉત્સવનો સમય ગણાય તેથી હોળી પછીનો ત્રીજો દિવસ એ ત્યાંનો ઉત્સવનો દિવસ અને એ જ કવાંટનો પ્રખ્યાત મેળો. આ મેળા માટે રાજસ્થાન અને મધ્ય પ્રદેશથી પણ રાઠવા જ્ઞાતિના લોકો સામેલ થવા આવે છે.
સદીઓથી આ જ્ઞાતિના લોકોનો મુખ્ય વ્યવસાય શિકાર હતો. જોકે, સમય બદલાતા આ પ્રજા ખેતી કરતી થઈ અને એમની લાઇફસ્ટાઇલ પહેલાં કરતાં ઘણી બદલાઈ છે પણ તે છતાં, તેઓ પોતાની જૂની સંસ્કૃતિ અને રીતિરિવાજને ભૂલ્યા નથી અને ખૂબ ગર્વથી આ ઉત્સવમાં ભાગ લે છે. આ ઉપરાંત સંગીત તેમના જીવનમાં બહુ મોટો ભાગ ભજવે છે એવું આપણને એમની વાંસળી અને ઢોલ વગાડવાની કુનેહથી જણાઈ આવે છે. લગભગ બધા યુવકો પોતાની શણગારેલી વાંસળીનું જીવની જેમ જતન કરે. એમની વાંસળી પાવો, પિહો, પિહોટો જેવા અનેક નામે ઓળખાય. એમના ઘરોમાં આજે પણ સદીઓ પુરાણાં ભીંતચિત્રો જોવા મળે છે. આ ચિત્રોને પિઠોરા પેઇન્ટિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. વન્ય પ્રાણીઓ પ્રત્યેનો એમનો લગાવ અને એમની જીવનશૈલી આ ચિત્રો દ્વારા પ્રદર્શિત થાય છે.
તેમના નૃત્યમાં જંગલનો લય વાંસળી અને ઢોલના તાલ જોડે એકરસ થઈ ગયેલો હોય એવું લાગે. મોટા ગ્રુપમાં ડાંસ કરતાં યુવકો સૌ એક રિધમમાં નાચી રહ્યા હતા, ઢોલની બીટ વધતી ઓછી થતી રહેતી અને તેજ ગતિએ તેમના પગ પડતાં રહેતા હતા. યુવકોએ કમ્મરે બેલ્ટ બાંધ્યા હતા. કોઈકના બેલ્ટમાં નાના પથરા ભરેલી સૂકવેલી દૂધી હતી તો કોઈકના બેલ્ટમાં પિત્તળના મોટા ઘૂઘરા હતા પણ જોવાની મજા એ હતી કે સંગીતની ધૂનો સાથે જેમ એમના પગ થિરકતા એ જ તાલમાં એમની કમ્મર પણ થિરકતી. જ્યારે તેઓ કમ્મરને મચકો આપે ત્યારે સૌની કમ્મરમાં એક સરખો મચકો દેખાય અને અમેનો લય જુઓ તો તમે સાવ બેભાનપણે 'અદભુત… વાહ… જોરદાર…' જેવા શબ્દો બોલી ઊઠો. દુબઈના રણમાં થિરકતા બેલે ડાંસરો કરતાં પણ તેઓ વધુ સારી રીતે કમ્મર હલાવતા હતા. અચરજ પમાડનારી એ વાત હતી કે વગર ડાંસ ક્લાસે આ લોકો આટલું પરફેક્ટ નૃત્ય કઈ રીતે કરી શકે?
પાકની ઉજવણી હતી એટલે ઘણાના હાથમાં શેરડીના સાંઠા પણ હતા પણ સૌથી રસપ્રદ હતું એમનું હેડ ગિયર. મોરપીંછયુક્ત મોટી ટોપી જેવું કંઈક હતું એમના માથે. એમાં કોઈએ દેવી દેવતાઓના ફોટોગ્રાફ્સ ફ્રેમ કર્યા હતા તો કોઈએ અરીસા તો વળી કોઈએ પોતાની સેલ્ફી પણ એમાં મૂકી હતી. વિવિધ રંગોના ટીકલીઓથી આ મુગટ શણગારાયા હતા. વળી, મોટા ભાગના યુવકોએ આંખ પર સરસ મજાના ગોગલ્સ પણ ચઢાવ્યા હતા. કેટલાકના હાથમાં રંગીન ચકરડીઓ નજરે પડતી હતી અને આજના મોડર્ન સમયમાં મોબાઇલ કઈ રીતે ભૂલાય?
પહેલાના સમયમાં જ્યારે આ પ્રજા શિકારી હતી ત્યારે તેઓ જંગલમાં દીપડા, સિંહ કે વાઘનો શિકાર કરતાં. એમના એ સમયને યાદ રાખીને એ પ્રજાતિના યુવાનોએ એ સમયને અનુરૂપ એમના ચહેરા અને શરીર પર બિંદુઓ પાડ્યા હતા. ચોખાનો લોટ અને રાખોડી ભેળવીને બનાવેલી પેસ્ટથી એમના શરીર પર ચિત્રકામ કરાવતા કદાચ એમણે કલાકો કાઢ્યા હશે. બાળપણમાંથી યુવાનીમાં પ્રવેશનાર સૌ કોઈ યુવાનો આમાં હોંશભેર સામેલ થાય છે.
દરેક ગામના વૃંદમાં તેમના ડાન્સરો, ગાયકો, મોરપીંછના મુગટવાળા યુવકો અને યુવતીઓ સામેલ હતા. કવાંટની ગલીઓમાં પોતાની મસ્તીમાં અને તાનમાં ઢોલના તાલ પર નાચતા ફરતા હતા. એમાં વચ્ચે કાળી બિલાડી બનેલા બે-ચાર યુવકો પણ સામેલ હતા. દરેક ગામની એકરૂપતા એ ગામના યુવકોની એક સરખી પાઘડી અને યુવતીઓના એક સરખા દુપટ્ટા વડે જણાતી હતી.
આ સરઘસ પતે પછી સૌ પોતપોતાના પરિવારો સાથે શેરડી ખરીદીને તેનો આનંદ માણતા હતા. દરેક મેળામાં હોય એમ અહીં પણ પિન, બક્ક્લ, બંગડી, વીંટલા જેવી અનેક નાની નાની આકર્ષક ચીજોની રેંકડીઓ હતી, જ્યાં બધી યુવતીઓની લાઇન લાગતી અને એ યુવતીઓ પર ફિદા થઈ જતાં યુવકો પણ ત્યાં અચૂક જોવા મળતા. પણ એક સ્ટોલ એવો હતો જ્યાં સૌથી વધુ લાઈન અમે જોઈ અને એ હતો છૂંદણાં પડાવવાનો સ્ટોલ. શહેરની માફક અહીંના નવયુવાનોને પણ તેનું ગજબ ઘેલું હતું. ઉત્સાહમાં અમને પણ થયું કે ચાલ ચીતરાવીએ કંઈક કાબરચીતરું! જોકે, અમારા હાથ પર છૂંદણાંના મશીનની અણી પડે એ પહેલાં જ અણીના સમયે અમને સદ્દબુદ્ધિ સૂઝી અને અમે છૂંદણાં પડાવવાનું માંડવાળ કર્યું. બપોર થતાં સુધીમાં ગરમીનો પારો વધ્યો અને એ સાથે ઠંડાં પીણાંની લારીઓ અમને ઠેર ઠેર દેખાવા માંડી. ખૂબ બધા ફોટોગ્રાફ્સ લીધા અને સાંજે સાડા ચારના સુમારે અમેય ત્યાંથી પાછા ફરવાની નેમ લઈને સુરત તરફ વળ્યા.
તમે પણ આ મેળો આધુનિક યુગમાં લુપ્ત થઈ જાય એ પહેલાં ત્યાં જઈ આવજો અને ત્યાં સુધી આ તસવીરોમાં મહાલો કંવાટનો મેળો.
એ હેંડો કંવાટના મેળે...
કંવાટના ઘેર અને એમનાં અવનવા ગેટઅપ
એક બીજો ઘેરીયો
યુવાન લબરમૂછિયા ઘેરીયાઓ
દીપડાનાં ચાઠાં અને દીપડા જેવી જ આંખો
ઘોડા, મોર, દીપડા બની ઘેર ઢોલ, ઘૂઘરા અને વાંસળીના સૂરે એમના પારંપારિક નૃત્ય કરતા શેરીઓમાં નીકળે
થોડા ઘેર તમને સ્ત્રીનાં કપડાં પહેરેલા પણ દેખાય!
કાળી બિલ્લી ખૂલ્લી તલવાર લઈને...
...તો કોઈવાર તીર કામઠા લઈને!
ચહેરો કરડાકીવાળો પણ, વાંસળી અત્યંત મૃદુ સ્વરોમાં વગાડે!
એક બીજા ફોટોજિનિક વાંસળી વાદક
પાછા ફરતા ઘેરો
કંવાટના મેળામાં પાઈડ પાઈપર અને એના ફેન્સ!
આવતા વર્ષે જરૂર જજો ગુજરાતના આ અદભુતમેળામાં
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર