કચ્છજે રણજી હેકડી ઝલક
ચાલો આજે આપણે એક ગેસિંગ ગેમ રમીએ. તમારે કહેવાનું છે કે આ સ્થળ ગુજરાતમાં ક્યાં આવ્યું છે. થોડી હિન્ટ આપીએ, નજર પડે ત્યાં સુધી ખારપાટ જમીન અને એમાં મીઠાંના અસંખ્ય અગર. વળી એમાં ભેજવાળી જમીન પણ ખરી. આ ઉપરાંત ત્યાં વાઈલ્ડ લાઈફ પણ ખાસી સમૃદ્ધ! ધ્યાનમાં આવ્યું કોઈ સ્થળ? અરે આ સ્થળ બીજું કોઈ નહીં પણ આપણા કચ્છનું નાનું રણ, જેને આપણે LRK અથવા ‘રણ ઓફ કચ્છ’ તરીકે ઓળખીએ છે. અબજો વર્ષ પેહલા ગુજરાતનો આ ભાગ અરબી સમુદ્રની નીચે હતો એવું માનવામાં છે. પણ સદીઓનો કાંપ ભેગો થવાથી હવે એ સ્થળે ખારપાટ અને રણ છે. એવું કેહવાય છે કે એલેક્ઝાન્ડર ધ ગ્રેટના સમયે અહીં એક તળાવ હતું. પરંતુ હવે સુકી ભટ તિરાડવાળી જમીન છે, જ્યાં તમે ઉનાળા અને શિયાળા દરમિયાન પૂરપાટ ગાડી ભગાવી શકો છો. અને આ જ રણમાં ચોમાસામાં ઢીંચણસમા પાણી ભરાય છે. આ પાણી રણમાંની કેટલીક નદી જોડે ભેગું થઈને કચ્છના અખાતમાં ભળી જાય છે.
અહીં એક અનન્ય ઈકો સિસ્ટમ પ્રવર્તમાન છે. આ સ્થળને ‘વર્લ્ડ હેરિટેજ સાઈટ’ તરીકે જાહેર કરવા માટે UNESCOમાં પણ અરજી કરવામાં આવી છે. પ્રવાસીઓના જોવાલાયક સ્થળોની યાદીમાં આ સ્થળને બહુ મહત્ત્વ મળ્યું નથી. ઉપરાંત ત્યાંની આકરી ગરમી અને ઠંડી પણ પર્યટન માટે સાનુકૂળ નથી. પરંતુ જ્યારથી મિસ્ટર બચ્ચન ‘કુછ દિન તો બીતાઈએ ગુજરાત મૈં’ એમ કહેતા ટીવી પર દેખાવા માંડ્યા છે ત્યારથી પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
તમને થશે કે અહીં એવું શું જોવા લાયક છે? તો પૃથ્વી પર એલઆરકે એકમાત્ર સ્થળ છે, જ્યાં ઘુડખર જોવા મળે છે. આ પ્રાણીની ગણના લુપ્ત થતી પ્રજાતીમાં થાય છે. વર્ષ 1960ના અરસામાં એમની સંખ્યા માત્ર 300 જેટલી થઈ ગયેલી. પણ આપણા અભ્યારણની દેખરેખ હેઠળ આજે આ આંકડો 5000ની પાર પહોંચી ગયો છે. આ ઉપરાંત એલઆરકેમાં અન્ય 32 જાતના સ્તન્ય પ્રાણીઓ પણ વસે છે, જેમાં ચિંકારા, બે પ્રકાર ના ડેસર્ટ ફોક્સ(ઇંડિયન અને વ્હાઇટ ફૂટેડ), જેકલ, કારકલ્સ (આફ્રિકન લિંક્સ), નિલગાય, વરુ, બ્લેક બક અને સ્ટ્રીપડ હાયેના જેવા પ્રાણીઓ આકર્ષણનું કેન્દ્ર છે. ગલ્ફ ઓફ કચ્છની નજીક હોવાના કારણે ઘણા માયગ્રેટરી પક્ષીઓ અહીં પ્રજનન માટે આવતા હોય છે. ખારા પાણીમાં રહેલી માછલીના આહારનો તેમને લાભ મળે છે. દર વર્ષે લગભગ 75000 પક્ષી અહીં આવે છે અને થોડા મહિના માટે એલઆરકેને પોતાનું ઘર બનાવે છે.
ઈજિપ્તથી કેરનેઔસ વલચર, સાયબિરીયાથી ડેમોઝલ ક્રેન, યુરોપથી બ્લૂ ટેલ બી ઈટર અને ઈરાન-ઈરાકથી હુબરા બસ્ટર્ડ પણ અહીં પડાવ નાખે છે. આ ઉપરાંત સેન્ડગ્રાઉસ, ડેસર્ટ વ્હીટયર, લાર્કની લગભગ દસ જેટલી પ્રજાતિ, વ્હાઈટચીક બુલબુલ , ઈન્ડિયન કોરસર્સ, સ્ટોન પ્લાવર્સ, શ્રાઈકસ, ડક, ગીઝ, ઈબિસના ત્રણ પ્રકાર, સ્પૂનબીલ, ગોડવિટ, સેન્ડ પાઈપર, મૂરહેન, સારસ ક્રેન, લેસર અને ગ્રેટર ઈન્ડિયન ફ્લેમિંગો અને ત્રણ પ્રકારના પેલિકન. આટલા બધા પક્ષીઓ અહીં થોડા મહિના પૂરતું ઘર બનાવે છે. હા અને પેલા ભવ્ય ઈગલને અહીં કઈ રીતે ભૂલાય? શિયાળામાં તો આકાશ ઉપર તેમનું જ રાજ હોય છે.
બોલો છેને અદ્દભુત? હવે ત્યાંના લોકોની થોડી વાત કરીએ. મીઠાના અગરમાંથી તેઓ તેમની રોજી રોટી રળે છે. રણમાં તમને નાના બે ચાર ઘરો દૂર દૂર દેખાઈ આવે. એક કે બે પરિવારો સાથે રહીને અહીં મીઠાંની ખેતી કરે. અમે અહીં એકાદ-બે આવા પરિવારને મળ્યા હતા. કેરોસીનથી ચાલતા પ્રાઈમસ પર ચા મૂકીને તેમણે અમને પીવડાવી હતી. ખૂબ આગ્રહ કર્યા પછી તેમણે ચાના પૈસા લીધા હતા. દર વર્ષે લગભગ 10,000 જેટલા માણસો અહીં મીઠાંની ખેતી માટે આવે છે. દંતકથા એવું કહે છે જ્યારે કોઈ અગરખો મૃત્યુ પામે અને જ્યારે તેના મૃત દેહને આગ ચાંપવામાં આવે ત્યારે તેના પગની પાની આગ પકડતી નથી. કારણ કે, વર્ષો સુધી અગરમાં કામ કરીને ત્યાંની ગરમીથી તે અનહદ શેકાઈ ગઈ હોય છે. વળી, ચોમાસુ બેસતાની સાથે અહીં જિંગાની ખેતી થાય છે.
વર્ષ 2012ની 31મી ડિસેમ્બર મનાવવા અમે થોડા મિત્રો ઉપડ્યા એલઆરકે. નજીકનું રેલ્વે સ્ટેશન અમદાવાદ અને ત્યાંથી ઝાઈનાબાદ જવાય. આ ગામ રણના સીમાડે આવ્યું છે. ઝાઈનાબાદમાં અમે એક રિસોર્ટના તંબુમાં રહ્યા હતા. ઝાઈનાબાદથી બજાણાં થઈને રણમાં પ્રવેશી શકાય છે. આ તંબુમાં બહુ ઓછી સુવિધાઓ હોય છે. કેનવાસના તંબુ અને તેને દરવાજા જેવું કશું નહીં. ફક્ત કેનવાસના પડદા એટલે બારણું. ગરમ પાણીની સગવડ નહીં અને શિયાળાના દિવસો. વળી, રણમાં જઈને આવો એટલે શરીર પર જાણે ધૂળનું એક આવરણ થઈ જાય. એટલે નહાવું તો પડે જ. અને ઠંડી તો કહે મારું કામ! એટલે અમે દિવસ દરમિયાન પાણી ભરેલી ડોલ તડકામાં મૂકી રાખતા. સાંજે સહેજ હૂંફાળા થયેલા પાણીથી જલદી જલદી હર ગંગે કરી મૂકીએ! પાછી તંબુમાં એક જ નાની લાઈટ, જેનું ખાસ અજવાળું પ્રસરતું નહીં. એટલે અહીં ટોર્ચ સાથે રાખવી અત્યંત આવશ્યક.
એ દિવસે અમે મોડી રાત સુધી તાપણું કરેલું અને જોરજોરથી ગીતો લલકારેલા. પણ પછી થાક્યા એટલે તંબુ ભેગા થયાં અને ઠૂંઠવાતા રાત ઠંડીમાં કાઢી. ઘરેથી લઈ ગયેલા ધાબળાની એ ઠંડીમાં કોઈ વિસાત નહીં. વહેલી સવારે પાછા પાંચ વાગ્યે ઊઠીને કેમેરા લઈને રણમાં. કારણ કે વહેલી સવારે ખોરાકની શોધમાં નીકળેલા પક્ષીઓ તમને ચોક્કસ મળી આવે.
રણમાં જવા માટે બહારથી પરમિટ લેવી પડે. ગાડી દીઠ અઢીસો રૂપિયા અને કેમેરાના અલગ. અંદર જાઓ ત્યારે પરમિટ પર ટાઈમ નોંધવાનું ભૂલવું નહીં કારણ કે આ પરમિટ માત્ર ચાર કલાક માટેની જ હોય છે. એટલે વહેલી સવારની પરમિટ અમે આગલે દિવસે સાંજે લીધી હતી. પાછું આ રણ ખૂબ જ મોટું હોવાથી ગાઈડ વિના અંદર જવું બહુ હિતાવહ નથી. ભૂલા પડ્યાં તો આખા રણમાં ગોળ-ગોળ ચક્કર મારો પણ બહાર નીકળવાનો રસ્તો નહીં જડે. અમે જીપીએસ ઑન કરીને અંદર ગયા હતા. તોય ડર તો લાગે જ. કુદરતની આગળ ભલા કઈ ટેક્નોલોજી કામ આવી છે કે, આ જીપીએસ કુદરત સામે ટકવાના?
શૂટિંગ પતાવીને અમે પાછા ટેન્ટ પરત આવ્યા, ચા નાસ્તો કરીને ફરી રણમાં. થોડા વાઈલ્ડ ઘુડખરોની તસવીર ખેંચી અને અગરીયાઓને મળ્યા અને રણમાં આવેલા એક બેટ તરફ ગાડી હંકારી. આ બેટ પર વડછા દાદાનું મંદિર તથા ગૌશાળા છે. લોકોના દાનથી ચાલતું આ મંદિર અને તેની ગૌશાળા એક એવી જગ્યાએ છે, જ્યાં ચોમાસામાં આખુ રણ પાણીએ તરબોળ થઈ જાય તોય અહીં બિલકુલ પાણી ભરાતું નથી. તેથી બધી ગાયો અહી નિશ્ચિંત થઈને રહે છે. વળી, આ મંદિરની બીજી એક ખાસ વાત છે. અહીં ભંડારો ચાલે છે. રણમાં આવતા જતાં લોકો અહીં વિસામો લે, બપોરનું વાળું કરે અને પછી આગળનું અંતર કાપે. અમે પણ બપોરના સમયે અહીં પોહચ્યાં હોવાથી અહીં જ જમ્યાં રોટલો-શાક અને દાળ-ભાત. બહાર એક મોટું બેસિન, જેમાં તમારે તમારા વાસણ જાતે માંજી ને મૂકી દેવાના. દાન પેટી પણ હતી. ત્યાં યથાશક્તિ ધર્માદા કરીને સૌ જાય. તો ચાલો આજે જોઈએ એલઆરકેમાં અમે પાડેલી તસવીરો.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર