ચાલો સાવજ જોવા જઈએ

18 Mar, 2016
12:05 AM

mamta ashok

PC:

વનરાવનનો રાજા ગરજે
ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોદ્ધો ગરજે
મોં ફાડી માતેલો ગરજે

આપણા ગુજરાતી સાહિત્યની હીરસમી ઝવેરચંદ મેઘાણીની ‘ચારણ કન્યા’ તમે પણ સ્કૂલમાં ભણ્યા જ હશો. મેઘાણીની આ કવિતામાં ગીરના જંગલમાં ભેળા જીવતા સિંહો અને માણસોના સખ્યની ગજબની વાત કરી છે, જેમાં શરૂઆતના તબક્કામાં ગીરના રાજા સિંહનું વિકરાળ સૌંદર્ય અને એના ધાક વિશેની વાતો કરાઈ છે તો પછીના ભાગમાં ગીરમાં વસતા રબારીઓ અને ચારણોની બહાદૂરીની વાત થઈ છે. આ કવિતા વાંચતી વખતે આપણને સૌને સિંહના રૂઆબ અને એની વિકરાળતા વિશે કૌતુક થતું, પરંતુ એક સમયે આ ચોપગા વીર, બે પગા પ્રાણીઓ સામે હારી ગયેલા, જેના કારણે તેઓ નામશેષ થવાની તૈયારીમાં હતા.

આઝાદી પેહલાના સમયમાં જૂનાગઢનાં નવાબો માટે સિંહનો શિકાર કરવો એ એમનો મનગમતો પાસટાઈમ હતો. તેઓ પોતાના મૌજ-શોખ માટે શિકાર કરતાં, જેના લીધે વર્ષ 1900ની સાલમાં આ વનરાજની સંખ્યામાં બેહદ ઘટાડો થયો હતો. એ સમયમાં આખા ગીરમાં માત્ર 20 જેટલા જ સિંહો બચેલા ત્યારે તે સમયના નવાબ મુહમ્મદ રસૂલ ખાનજી બાબી – જે કદાચ બોલિવુડની એક્ટ્રેસ પરવીન બાબીના કોઈ સગામાં જ હશે – એમણે ગીરને પ્રોટેક્ટેડ એરિયા જાહેર કર્યો. તેમના પછી તેમના પુત્ર નવાબ મુહમ્મદ મહાબત ખાન ત્રીજાએ પણ સવાજના સંરક્ષણ માટે પ્રયત્નો કર્યા. એ પછી તો ગુજરાત સરકારના અથાગ પ્રયત્નોથી, 2015ની વસ્તી ગણતરી મુજબ આપણા સિંહની વસ્તી 523 પર પહોંચી ગઈ છે.

હવે તો અમરેલી, ભાવનગર, જુનાગઢ, સોમનાથ એમ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં સિંહોની વસ્તી ફેલાયેલી છે. ગીર ફોરેસ્ટ નેશનલ પાર્ક અને વાઈલ્ડલાઈફ અભ્યારણ્ય 1412 ચોરસ કી.મી ના ક્ષેત્રફળમાં ફેલાયેલું છે અને સાસણ ગીર તરીકે ઓળખાય છે. આ અભ્યારણ્ય સોમનાથથી 43 કી.મી.ની દૂરી પર સ્થિત છે અને જુનાગઢથી લગભગ 60 કી.મી દૂર છે. ભારતમાં સૌથી મોટું ડેસિડિયસ જંગલ હોય તો એ ગીર છે. ગીરની ઈકોસિસ્ટમ સેલ્ફ સપોર્ટિંગ અને સેલ્ફ સસ્ટેનિંગ છે.

અહીં 606 પ્રકારની જુદી જુદી પ્રજાતિના વૃક્ષો, 39 જુદી જુદી પ્રજાતિના પ્રાણીઓ, 37 પ્રકારના રેપ્ટાઇલ્સ, 300થી વધુ પ્રજાતિના પક્ષીઓ અને 2000થી વધુ જંતુઓ ગીરને પોતાનું ઘર કહેવડાવે છે. લેસર ફ્લોરિકન, ઓસ્પ્રે, ઈંડિયન પિટા, રેડ હેડેડ વલચર વગેરેનું તો આ બ્રીડિંગ ગ્રાઉંડ છે. આ ઉપરાંત ભારતની સૌથી મોટી દીપડાની વસ્તી પણ અહીં જ છે. ઈંડિયન પાઈથન અને માર્શ ક્રોકોડાઈલ પણ અહીં લહેરથી વસે છે. જોકે આ બધા વનેચરો અહીં વસતા હોવા છતાં અહીંનું સ્ટાર એટ્રેક્શન તો એશિયાટિક લાયન જ. ગીરના જંગલમાં તમે ભલભલું જોઈને ભલે આનંદ માણો, પણ વનરાજ પર એકાદ નજર પડે તો એના ઠાઠને જોઈને તમારું મોઢું અમસ્તા જ ખૂલી જાય!

તો ગુજરાતની શાન જેવા આ કેસરીને જોવાની ઈચ્છા તો આપણને સૌને થાય જ. તો એ ઈચ્છા પૂરી કરવા શું કરવું? આ માટે સૌ પ્રથમ તો http://girlion.in/ વેબસાઈટ પર જઈને આપણે સફારી બૂક કરવી પડે. યાદ રહે કે, ઓનલાઈન સફારી બૂક કર્યા વગર જો તમે ગયા તો વીલે મોઢે તમારે પાછું આવવું પડશે. અહીં ભારતીયો માટે 800 રૂપિયાની ફી છે અને ફોરેનર્સ માટે 4800 રૂપિયાની સફારી હોય છે. છતાં પરમિટ વગર જો તમે ગીર પહોંચી જાઓ તો સાસણ ગીરથી 13 કી.મી. દૂર દેવલિયા સફારી પાર્ક, જે ગીર ઈન્ટરપ્રિટેશન ઝોન તરીકે પણ ઓળખાય છે ત્યાં તમે જઈ શકો. એ પણ યાદ રાખજો કે, બુધવારે આ પાર્ક બંધ રહે છે.

અહીં સિંહ ઉપરાંત દીપડા, નીલ ગાય, સાંભર, ચીતલ, શિયાળ, બ્લેક બક, વાઇલ્ડ બોર વગેરે પણ ઘણા પ્રાણીઓ છે. એટલે તમારી સફારી આશ્ચર્યજનક તો બની જ રહેશે. મુંબઈ, સુરત કે અમદાવાદથી તમે ટ્રેન મારફતે જુનાગઢ પહોંચી શકો. ત્યાંથી ટૅક્સી કે બસ મારફતે સાસણ પહોંચી શકાય. સુરત-અમદાવાદથી બસમાં જાઓ તો તમને સીધા સાસણ પણ મૂકે. સાસણમાં દરેક બજેટને સૂટ થાય એવી અનેક હોટેલો ઉપ્લબ્ધ છે. એ ઉપરાંત 'સિંહ સદન'માં ગુજરાત સરકાર ટુરિઝમ બોર્ડ દ્વારા ચલાવાતું ગેસ્ટ હાઉસ પણ છે. આ ઉપરાંત નદીના તટ પર જંગલને અડીને અન્ય મોટી પ્રાઈવેટ હોટેલ્સ પણ આવેલી છે.

હવે સરકારે ત્યાંનાં ખેડૂતોને પણ પોતાના ફાર્મ પર 4 રૂમ સુધીનું બાંધકામ કરવાની પરવાનગી આપી છે, જેથી તમે હોમસ્ટેનો પણ આનંદ લઈ શકો છો. સાથે કાઠિયાવાડી ભોજનની મજા તો ખરી જ. 'સિંહ સદન'ની બહાર નાના નાના ભોજનાલયો છે, જ્યાં સ્વાદિષ્ટ લોકલ ફૂડની મજા માણી શકો. રસ્તા પર આવેલા ઘરોની બહાર પણ 'અહીં કાઠિયાવાડી જમવાનું મળશે'ના બોર્ડ માર્યા હોય. અમે તો ક્લબ મહિન્દ્રાની બાજુમાં જ આવું એક પાટિયું જોયું અને સાંજે ત્યાં જમવા જવાનું નક્કી કર્યું. સાંજે ત્યાં જવા નીકળ્યા ત્યારે જોયું કે એ ભાઈ ટિફિનો લઈને ક્લબ મહિન્દ્રાની બહાર ઊભા હતા. મજાની વાત એ છે કે, હોટેલમાં રહેલા ઘણા બધા લોકો એ ટિફિન લેવા બહાર આવે અને પાછા રૂમમાં બેસીને શુદ્ધ કાઠિયાવાડી ભોજનની મજા લે! જમીને પાછા ફરતા અંધારું થઈ ગયું હતું અને અંધારામાં રસ્તામાં કોઈ દીપડો આવી જાય એવી દેહશત તો ખરી જ!

સવારની અને બપોરની સફારી વચ્ચેના સમયમાં કરવું શું? એને માટે 'સિંહ સદન'ની બહાર આવેલા ભોજનાલયોમાં શોપિંગની સુવિધા ખરી, જ્યાં તમને સફારીને અનુરૂપ ટોપીઓનું મોટું ક્લેકશન જોવા મળે. ત્યાંથી તમારે ખરીદી કરવી હોય તો કરવી નહીંતર, તમારા ગજવા તો સફારીમાં ખાલી થવાના જ છે! તો આવો સાસણ ગીરનાં થોડા ફોટોગ્રાફ્સ જોઈએ.

'સિંહ સદન' સાસણ ગીર

week-38--01

સાસણ ગીરનું ડેસિડિયસ જંગલ

week-38--02

જંગલમાં કોઈ પણ જગ્યાએ ઉતરવાની સખત મનાઈ, સિવાયકે ડ્રાયવરો અને ગાઈડસને!

week-38--03

ગીરમાં તમને 300થી વધારે પ્રજાતિનાં પક્ષીઓ જોવા મળે. આ સ્કોપ આઉલ છે.

week-38--04

પેરાકિટ

week-38--05

પેરેડાઈઝ ફ્લાય કેચર

week-38--06

શિકરા

week-38--07

ગ્રીન બી ઈટર

week-38--08

ગીરમાં તમને હજારો મોરલાઓ જોવા મળે

 

 

week-38--09

ગીરનો સ્ટાર તો એશિયાટીક લાયન જ! એની વાતો આવતે અઠવાડિયે. ત્યાં સુધી રામ રામ, બાપુ, રામ રામ!

week-38--11

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.