ઘણી ખમ્મા ગ્યરને
સવારના 5.30ના સુમારે ‘સિંહ સદન’ની બહાર પર્યટકોની ચહલપહલ ચાલુ થઈ ગઈ. અમેરિકાથી આવેલા અમારા ફોટોગ્રાફર મિત્ર સ્ટીવ ગોલ્ડ જોડે અમે પણ કતારમાં જોડાયા. ઓનલાઇન મેળવેલી પરમિટ પર ફોરેસ્ટ ડિપાર્ટમેંટના ઓફિસર પાસે સ્ટેમ્પ મરાવી અને તેમના દ્વારા અપાયેલા ગાઇડ અને નેચરાલિસ્ટ સાથે અમે જિપ્સીમાં ગોઠવાયા. જાન્યુઆરી મહિનાના અંતમાં ઠંડી સારી હતી. ફોરેસ્ટના પ્રવેશદ્વાર પર ફરી પરમિટ ચેક કરાવીને ખૂબ જ ઉત્કંઠાપૂર્વક અમે વનમાં પ્રવેશ્યા. અમને 2 નંબરનો રૂટ મળ્યો હતો. 20 વર્ષ પહેલાં અમે જ્યારે આ સફારી કરી હતી ત્યારે સિંહ કે દીપડો કશું જોવા મળ્યું નહોતું. અમારા ગાઇડ લલિતને આ વાત જણાવી તો કહે કોઈ ટેન્શન નથી. આજકાલ સિંહના ફેમિલીનું સાઈટિંગ થાય છે, એટલે તમને પણ ચોક્કસ થશે જ. હજુ અજવાળું થયું નહોતું પણ તોય કોઈ સિંહ કે દીપડો નજરે ચઢી જાય એ આશાથી કાનિયા ટોપી અને મફલરમાંથી અમે આમતેમ ડોકા કરતાં આગળ વધ્યા. જેમ અજવાળું થવા માંડ્યું તેમ આજુબાજુ પક્ષીઓ નજરે પાડવા માંડ્યાં. ગ્રીન બી ઈટર, કોર્મોરાંટ અને સંખ્યાબંધ મોર દેખાવા માંડ્યા. હરણના ઝૂંડ અને નીલગાય પણ વચ્ચે વચ્ચે આવતા રહ્યા. ક્યાંક વળી આપણા પૂર્વજો પણ દેખાયા પણ અમને ના દીઠો જંગલનો રાજા.
અમારી સાથે આવેલા સ્ટીવ બે દિવસ આગળ તડોબા ટાઈગર રિઝર્વમાં 4 સફારી કરીને આવ્યા હતા અને ત્યાં એમને એક પણ વાઘ જોવા મળ્યો ન હતો તેથી અહીં સમય જતાંની સાથે સ્ટીવને ખાતરી થવા માંડી કે તડોબાની જેમ ગીરમાં પણ મને કોઈ લહાવો મળવાનો નથી. સિંહ નહીં દેખાવાને કારણે સવારની સફારી તો કેસુડાં પર બેઠેલા મોરની ફોટોગ્રાફી કરવામાં ગઈ. પણ બપોરની સફારીમાં સાવજ અમારા પર મહેરબાન થાય એ આશા સાથે અમે વીલા મોઢે હોટેલભેગા થયા.
બપોરની સફારીમાં બીજો રૂટ મળ્યો. આ વખતે પણ સાંજના 5.30 થયા પણ કંઈ દેખાયું નહીં. બીજું કંઈ ખાસ હતું નહીં એટલે અમે થોડાં હરણોના ફોટા પાડ્યા. અમારો ગાઇડ પણ રસ્તામાં મળતી બીજી જિપ્સીના ગાઇડને પૂછવા માંડ્યો, ‘હાવજ દેખાણો?’ સાવજ નહીં દેખાવાને કારણે સ્ટીવને તો હતાશા થતી જ હતી. એણે ચાર વાર ગાઇડને કહ્યું, ‘સવારે પણ અમને કંઈ દેખાયું નહીં.’ સ્ટીવની અવઢવથી ગાઇડ સાઈડ પર જીપ ઊભી રાખીને માવો મોઢામાં મૂકતો સ્ટીવને ભાંગ્યા-તૂટ્યા અંગ્રેજીમાં અને ગુજરાતીમાં સમજાવતો હતો કે, ‘મામા હતાશ ના થાવ. સાવજ મળી જ જશે.’ એવામાં અચાનક ઝાડીમાં બેઠેલા સાવજ પર ગાઇડની નજર પડી. થોડે દૂરથી ટ્રેકર્સ પણ આવતા દેખાયા. ગીરમાં લગભગ 30 જેટલા ટ્રેકર્સ રોજેરોજ આ સિંહોના હલનચલન પર નિગરાની રાખતા હોય છે.
એક લાકડી અને વોકી ટોકી સિવાય મોટરસાઇકલ પર સવાર આ પગીઓ પાસે બીજું કોઈ હથિયાર હોતું નથી. જ્યાં સાવજ દેખાય ત્યાં ટુરિસ્ટના ઉત્સાહથી સિંહને કોઈ કનડગતી નથી થતી તેનું એ લોકો બહુ ચુસ્તપણે ધ્યાન રાખે છે. વળી, સિંહ જંગલની સીમાથી નીકળીને ગામમાં ન જાય તેનું પણ આ લોકો ધ્યાન રાખતા હોય છે. થોડીવારમાં સિંહ ઊઠીને ઝાડીની બહાર આવ્યો અને અમારી પાછળ બીજી દસ જીપની લાઇન લાગી ગઈ.
સિંહ પર આથમતા સૂરજની ખૂબ સુંદર ગોલ્ડન લાઇટ પડતી હતી, જેને કેમેરામાં કંડારવામાં અમને ખૂબ મજા આવી. સિંહ જોઈને સ્ટીવને ખાતરી થઈ ગઈ કે એ જિંક્સડ નથી અને સમય થતાં બધી જીપની હારમાળા જંગલના પ્રવેશદ્વાર તરફ ભાગવા માંડી. બીજા દિવસે સવારે સાવજ ક્યાં દેખાશે એ ઉત્કંઠાથી અમે ફરી જીપમાં બેઠા. જંગલમાં ગાઇડના મિત્રે ટીપ આપી હતી કે આગળ એક સ્થળે રાત્રે માલધારીની ગાયનો શિકાર થયો છે. જીપ ત્યાં ભગાવી અને અને ત્યાં પહોંચ્યા પછી અદભુત દૃશ્ય જોવા મળ્યું. બે સિંહણની સાથે તેમનાં 4 બચ્ચાં અને એક સિંહ મારણની આજુબાજુ ફરતા હતા.
મોટા ભાગનો ખોરાક ઓહિયા થઈ ગયો હતો અને સિંહ અને સિંહણ ભરેલા પેટે આમતેમ આળોટતા હતા. સિંહની પ્રજાતિમાં સામાન્યત: સિંહણો શિકાર કરતી હોય છે અને સિંહો નવાબની જેમ પહેલા થાળીએ બેસતા હોય છે અને ત્યાર પછી સિંહણનો વારો આવતો હોય છે. જોકે, અહીં તો સિંહ, સિંહણ અને તેમનાં બચ્ચાં પછી વારો હતો આપણા કાગડાભાઈનો. જમતી વખતે કાગડાભાઈને એ કોઈ ફિકર ન હતી કે આ જે ભાઈ પાસે બેઠા છે એ જંગલનો રાજા છે અને આ બે એની પટરાણીઓ છે. એ તો મસ્તીથી લાગ મળતા મારણમાં ચાંચ મારતા હતા અને સિંહના માથે કા..કા... કરીને એને પરેશાન કરતાં હતા. અકળાયેલા સિંહે બેથી ત્રણ વખત જગ્યા બદલી, પણ કાગડાનો ત્રાસ ઓછો થયો નહીં. પાછળ જીપોની લાઇન વધી એટલે ટ્રેકર્સ પહેલા પહોંચેલી જીપોને ખસેડવા માંડ્યા. અમે તલ્લીન થઈને ફોટા ખેંચતા હતા એટલે અમને 10 મિનિટ વધુ મળી. આમ બીજા દિવસની શુભ શરૂઆત થઈ એ આનંદથી અમે હોટેલ પાછા ફર્યા.
વળી, સાંજની સફારીમાં અમને ટીપ મળી હતી કે, કમલેશ્વર ડેમ પાસે બે નર છે. એટલે અમે તો પહોંચ્યાં ત્યાં. શિયાળાની બપોરનો કૂણો તડકો હતો અને બે નર – જોકે ફુલ ગ્રૌન ન હતા- મસ્તીમાં આળોટતા હતા. એ રસ્તે ખાસ જીપ આવી નહોતી. એટલે અમને ફોટા ક્લિક કરવાનો ખૂબ જ સુંદર અવસર સાંપડ્યો. એવામાં અમારી નજર પડી પાણીના તટ પર બેઠેલા મગર પર. મગર જરાય હલનચલન વગર સૂર્યદેવની ગરમીની હૂંફ માણતો પડી રહ્યો હતો એટલે થોડી એની પણ ફોટોગ્રાફી કરી. આખરે સફારીનો સમય પૂરો થયો અને એ દિવસમાં જોરદાર સાઇટિંગ થઈ હોવાના આનંદથી અમે હોટેલ તરફ પાછા વળેલા. આખરે ગીર ગયા હોઈએ અને સાવજ દેખાય તો જ આનંદ થાય ને? એમ જ પરત આવવાનું તો કોને ગમે? તો ચાલો અમારી સાઈટિંગના થોડા ફોટોગ્રાફ્સ.
સાંભળો છો? તમને આજે સાવજદાદા દીઠા ક્યાંય?
રાણી સાહેબાને ઘણી ખમ્મા… રાણી સાહેબા ઘણું જીવો!
આફ્રિકી સિંહ અને એશિયાટિક સિંહ કદાચ બે લાખ વર્ષોથી અળગા થયેલા કઝિન્સ છે, જેના કારણે જિનેટિક રીતે એમનામાં ઘણો તફાવત જોવા મળે છે. એશિયાટિક સિંહ કદમાં ઘણા નાનાં અને પેટ પરની વધારેની ચામડી ધરાવતા હોય તેમજ એમની પૂંછડી પણ ગૂચ્છાદાર હોય.
સિંહણને સવારનાં કુમળા તડકામાં વિહરતી જોવી અને એની ફોટોગ્રાફી કરવાની તક મળે તો ગીરનો ફેરો સો ટકા સફળ!
ગીરમાં તળાવો પર મગર પણ હોવાથી સાવચેત રહેવું.
અને હા તળાવ પાસે રાજાધિરાજ હોય તો તો મઝા કંઈક ઓર જ છે! આફ્રિકી સિંહ કરતા એશિયાટિક સિંહની કેશવાળી ખાસ્સી આછી હોય, જેને કારણે પણ એ કદમાં થોડાં નાનાં દેખાય.
ખાવો, પીઓ ને આરામ… છે ને એકદમ પહેલાનાં સાલિયાણા પર નભતા આપણા રાજવીઓ જેવા!
ચિતલ હરણની ગીરમાં સાંઠ હજારથી વધારેની વસતી અને દોડવાની બાબતે એની સિંહને હંફાવે તેવી ઝડપ, પણ છતાં ચિતલ સિંહનો માનીતો ખોરાક!
સાબર હરણ
ચિતલ હરણ
મારણ પાસે જ લેટેલી બે સિંહણો અને એમના ટાબરીયા
મા તે મા બીજા બધા વગડાનાં વા!
અમેરિકન નેચર ફોટોગ્રાફર સાથે નેહા દેસાઈ
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર