જાદુઈ ગ્રાન્ડ પ્રિઝમેટિક સ્પ્રીંગ
ગયે અઠવાડિયે આપણે યેલોસ્ટોન નેશનલ પાર્કના અમારા પહેલા દિવસના ભ્રમણના ઓલ્ડ ફેઈથફૂલ ગાઈઝર અને એની ફરતેના અપર ગાઈઝર બેઝિન વિશેની વાતો કરી. બીજા દિવસે સૂર્યોદયના સમયે ઓલ ફેઈથફૂલ પર થોડી ફોટોગ્રાફી કરીને અમે નીકળ્યા મેપમાં દર્શાવેલા ગ્રાન્ડલૂપ પર શેર કરવા. યેલોસ્ટોન પાર્કની રચના અંગ્રેજી ફીગર 8ના આકારમાં બનાવવામાં આવી છે. એ વિશે આપણે ગયા અઠવાડિયે વાત કરી.
બીજા દિવસે અમે 8ના નીચલા સર્કલ એટલે કે ઓલ ફેઈથફૂલથી નોરીશ અને ત્યાંથી મેડિશન. કેન્યન વિલેજ અને હેડન વેલી પાર કરતા વેસ્ટથમ્બ પર સૂર્યાસ્ત કરી ફરી ઓલ્ડફેઈથફૂલ ઈન પર પહોંચ્યા. આ વખતે માત્ર બિસ્કીટ બેઝિન અને મિડવે ગાઈઝર બેઝિન અને ત્યાંના સુંદર ગ્રાન્ડ પ્રિઝમેટીક સ્પ્રીંગની વાતો કરીશું.
અપર અને લોઅર ગાઈઝર બેઝિન વચ્ચે આવેલું મિડ વે ગાઈઝર બેઝિન આમ તો ઘણા નાના વિસ્તારમાં પથરાયેલું છે. પરંતુ લોકપ્રિયતામાં કદાચ ઓલ્ડ ફેઈથફૂલ પછી બીજા ક્રમે આવતું હશે. અમે જ્યાં રહ્યા હતા તે ઓલ્ડ ફેઈથફૂલ હોટેલથી લગભગ 10 કિ.મી. દૂર આવેલ યેલોસ્ટોન પાર્ક અને અમેરિકા ખંડનું સૌથી મોટું (દુનિયાનું ત્રીજું સૌથી મોટું) થર્મલ ઝરણું એટલે ગ્રાન્ડ પ્રિઝમેટીક સ્પ્રીંગ એનું સ્ટાર એટ્રેકશન.
કવર પિક્ચરમાં દર્શાવ્યો છે એવો વ્યૂહ તમારે લેવો હોય તો એને તમે ગ્રાન્ડ પ્રિઝમેટીક સ્પ્રીંગના ઓફિસિયલ વ્યૂઈંગ એરિયામાંથી તમે નહીં લઈ શકો. એના માટે તમારે નજીકમાં જ આવેલા ફેરીફોલ હાઈકીંગ ટ્રેલના પાર્કિંગ લોટમાં ગાડી પાર્ક કરી ફેરીફોલ ટ્રેલ પકડવી. ત્યાં ઠેરઠેર પાટીયા લગાવ્યા હશે કે આ ટ્રેલ પરથી સ્પ્રીંગ જોવા આ ટેકરી પર નહીં ચઢવું. અહીં કાળા રીંછો હોય છે. પણ ગભરાશો નહીં. વાઈલ્ડ લાઈફ રિસર્ચર્સ માનવું છે કે, રીંછોને હિન્દી ગીતો પસંદ નથી. અને એનો નક્કર પુરાવો એ છે કે હીન્દી ગણગણતા હાઈકરને એકપણ રીંછે એમનો શિકાર બનાવ્યો નથી. તો બસ તમતમારે જોરથી રાગડા તાણજો.
આ ટ્રેલ ઉપર એકાદ કિલોમીટર ચાલશો એટલે સાઈન બોર્ડ નહીં આવે પણ ડાબી બાજુ એક ઉંચી ટેકરી દેખાશે. જેની ઉપર ખાસ્સી વપરાયેલી કેડી દેખાશે. બસ એની ઉપર ચઢવા માંડજો. હા, વચ્ચે સરકતી ભેખડો, તૂટેલા ઝાડો અને રીંછોના ઝાડાથી બચતા રહેજો. થોડું ઉપર જઈ તમે પોરો ખાવા બેસશો ત્યાં જ તમને અત્યંત સુંદર ગ્રાન્ડ પ્રિઝમેટીક સ્પ્રીંગ દેખાશે. પગમાં જોર અને જીગરમાં હામ હોય તો ટેકરી ટોચે જજો. બની શકે તમને પણ આવો કવર ફોટો ક્લિક કરવાની તક મળે.
આ ટ્રેલ કરીને નીચે ઉતરીને કારમાં પહોંચો મિડ વે ગાઈઝર બેઝિનના પાર્કિંગ લોટમાં. અહીંથી દોઢ કિલોમીટર લાંબો એક બોર્ડવોક તમને મિડવે બેઝિનના ત્રણ મોટા સ્ટાર, ટર્કોઈલ પૂલ, એક્સેલસીયર ગાઈઝર અને ગ્રાન્ડ પ્રિઝમેટીક સ્પ્રીંગને નજીકથી જોવાનો લ્હાવો આપે. ભૂલેચૂકે ય અહીં જરાસરખી ગંદકી નહીં કરતાં નહીં તો 500 ડૉલરનો ફરજીયાત ફાઈન્ડ ભરવો પડશે. હા, આ ગરમ પાણીના કુંડોમાં ડૂબકી મારવાનો કોઈ દંડ નથી. પણ એ માટે તમારું શરીર અને ચામડી સાથ નહીં જ આપે.
ગ્રાન્ડ પ્રિઝમેટીક સ્પ્રીંગ અને અન્ય ગરમ પાણીના કુંડોની એક ખાસિયત જે ઉડીને આંખે વળગે એ છે એના રંગો. અહીં તમને ઘેરા ભુરા અને નીલથી લઈને લીલા રંગની ઝાંય જોવા મળે. એને ફરતે પીળા, સફેદ, બ્રાઉન કે લાલ રંગોના ભવ્ય વલયો જોવા મળે. બહારના પીળા કે ગેરુ રંગના વલયો યેલોસ્ટોનમાં સૌથી મોટું આશ્ચર્ય છે. એ પ્રવાહીનો પણ બેક્ટેરિયા અને માઈક્રોબ્સની વસાહતો છે. જે તમે પીળી રંગની બેન્ડ જુઓ છો તે synechococcus bacteria છે. જે 72 ડિગ્રી સુધીના ગરમ પાણીમાં પણ હયાત રહી શકે છે. જ્યારે calothrix cyanobacteria જે 30 ડિગ્રીથી વધારે ગરમ પાણીમાં જીવીત રહે છે અને ગેરુ રંગના પટ્ટા રચે છે. માદક પીણાના શોખીનોને એ જાણીને આશ્ચર્ય થશે કે યેલોસ્ટોનના આ બેક્ટેરિયા બિયર બ્રુવરીઝમાં બિયરની ગુણવત્તા માપવા બહોળા પ્રમાણમાં વપરાય છે. તો આવો આ અદ્દભુત અને માદક ગ્રાન્ડ પ્રિઝમેટીક સ્પ્રીંગના ફોટોગ્રાફ્સ જોઈએ અને આવતા અઠવાડિયા સુધી ટેલી હો.
અમેરિકા ખંડનું સૌથી મોટું ગરમ પાણીનું ઝરણું
ગ્રાન્ડ પ્રિઝમેટીક સ્પ્રીંગ અને યેલોસ્ટોન નેશનલ પાર્ક
આખી જિંદગી યાદ રહે એવું રંગીન સપનું એટલે ગ્રાન્ડ પ્રિઝમેટીક સ્પ્રીંગ.
ગ્રાન્ડ પ્રિઝમેટીક સ્પ્રીંગ પાસે ફાયરહોલ નદીમાં શીખાઉ માછીમાર!
ગ્રાન્ડ પ્રિઝમેટીક સ્પ્રીંગના સાયેનો બેક્ટીરીયા અને માઈક્રોબ્સની મેટ્સ
બેક્ટેરિયાની નદી
માદક પીણાની ગુણવત્તાની ચકાસણીમાં વપરાતા બેક્ટેરિયા
મિડવે ગાઈઝર બેઝિનમાં મસ્તીથી મહાલતા અમેરિકન બાઇસન
ટોપાઝ પુલની એક ઝલક
મિડવે ગાઈઝર બેઝીન સૂર્યાસ્ત સમયે
યેલોસ્ટોન નેશનલ પાર્કનો નકશો
ગ્રાન્ડ પ્રિઝમેટીક સ્પ્રીંગથી નેહા દેસાઈના આવતા અઠવાડિયા સુધી 'ટેલી હો!'
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર