માંગી તુંગી અને હરણબારી ટ્રેક

22 Jan, 2016
12:00 AM

mamta ashok

PC:

જગદીશ જાદવ અને સંજય મોદી ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, અણુંમાલા, વ્યારા ખાતે પ્લાનિંગ મેનેજર તરીકે સંકળાયેલા છે, પણ બંને મિત્રોને પ્રકૃતિ અને ફોટોગ્રાફી પ્રત્યે પણ જોરદાર આકર્ષણ. ફેસબુક પરની મિત્રતા અને સરખા શોખને કારણે સુરત અને અણુંમાલા વચ્ચેના ભૌગોલિક અંતર છતાયે અમને એમની સાથે ઘણી દોસ્તી. અમારી આ દોસ્તીને કદાચ પ્રકૃતિની શ્રેષ્ઠ ભેટ કહી શકાય. કારણ કે, પ્રકૃતિ હંમેશાં મિત્રોને જોડવાનું જ કામ કરે છે! આ બંને મિત્રો ગ્રીન અણુંમાલા નેચર એન્ડ ટ્રેકિંગ કલ્બ પણ ચલાવે અને દર અઠવાડિયે ગ્રુપને લગતો કોઈ ને કોઈ પ્રોગ્રામ ગોઠવી કાઢે. ડિસેમ્બર 2014માં એમણે મહારાષ્ટ્રમાં નાસિક જિલ્લામાં આવેલા માંગી તુંગી અને હરણબારી પહાડોના ટ્રેકનું આયોજન કરેલું અને અમે પણ એમાં જોડાયેલા.

ઉત્તર ગુજરાત અને સુરત તરફના મિત્રોએ જો આ ટ્રેક પર જવું હોય તો સુરત-બારડોલી - વ્યારા - આહવા - ડોન - હરણબારી ડેમ અને મુલ્હેર થઈ માંગી તુંગી રૂટ પકડાય. અને દક્ષિણ ગુજરાત તરફથી કોઈ આવવાનું હોય તો એમણે એમને ફાવે એવા રૂટથી વઘઈ પહોંચવું અને ત્યાંથી ઉપર જણાવેલો આહવાનો રૂટ પકડવો. ડાંગનો રસ્તો ખાસ્સો સિનિક હોય, એટલે આ રસ્તે તમે ચ્હા પીવા ભલે એક જ વાર ઊભા રહો, પણ વારંવાર કાર થોભાવીને ફોટોગ્રાફ્સ પાડવા તો અસંખ્ય વાર ઊભા રહેવાના. 185 કિલોમીટરના આ ડ્રાઈવ દરમિયાન, જેણે ફોટોગ્રાફીની બાધા લીધી હોય એવા વીરલાઓ જ સાડા ત્રણ-ચાર કલાકમાં ગંતવ્ય સ્થળે પહોંચી શકે, બાકી અમારા-તમારા જેવાઓને તો છ કલાક પણ ઓછાં પડે!

નેચર લવર્સ અને ફોટોગ્રાફર્સ બીચારા આ રૂટ પર એવા મૂંઝાય કે, દર વળાંક પર એમણે સ્ટોપ લેવું જ પડે. જોકે આ સાથે એમ પણ કહેવું રહ્યું કે, ડાંગના જંગલની ગીચતા હવે ઉડીને આંખે ચઢે એ પ્રમાણે ઘટી રહી છે. આપણે પ્રત્યક્ષ રીતે ભલે હાથમાં કુહાડી લઈને એ વૃક્ષો કાપવા નથી ગયા, પરંતુ એ વાત પણ એટલી જ સાચી કે, પરોક્ષ રીતે આપણે જંગલના લાકડાનો કોઈને કોઈ રીતે ઉપયોગ કરતા જ હોઈએ છીએ. તો પછી જંગલની આ બરબાદી પાછળ આપણે પણ થોડેઘણે અંશે જવાબદાર છીએ કે નહીં?

આહવા પછી ડોન ખાતે એક સુંદર ચર્ચ પર ખાસ ઊભા રહેવું. સો વર્ષ પહેલા જ્યારે આ વિસ્તાર હાલ કરતા પણ પછાત હતો ત્યારે અહીં ખ્રિસ્તી ધર્મના ફેલાવા માટે યુરોપિયન પાદરીઓ આવેલા. આને આશ્ચર્ય કહી શકાય કે નહીં? એમાંય વર્ષા ઋતુમાં તો ડોન ખાસ જવું. જોકે ચોમાસામાં ડોનની આહ્લાદકતાની વાત ફરી ક્યારેક કરીશું. હમણા તો આ મસ્ત મજાના ટ્રેકિંગની વાતો જ!

સનસેટના સમયે અચૂક હરણબારી ડેમનાં જળાશય પર ઊભા રહેવું. નસીબજોગ અમારી સંગાથે રૂનાં ગોટા જેવા વાદળા હતાં, જેમણે સૂર્ય આથમતાની સાથે જ સિંદુરી ઝાંયથી આકાશ રંગી નાખ્યું હતું.

આખરે સાંજનાં સાત વાગ્યાની આજુબાજુ અમે માંગી તુંગી પહોચ્યાં. માંગી તુંગી જૈનોનું અગત્યનું તીર્થ સ્થળ ગણાય અને ત્યાં ખૂબ જ સરસ ધર્મશાળામાં અમે રહ્યા. ત્યાં જમવાની વ્યવસ્થા હતી, પણ અમારી પંદર મેમ્બર્સને ટ્રેક ટીમ ઘરેથી ખાસ્સું વૈવિધ્યસભર ભાથું લાવી હોવાથી અમે એ જ પેટ ભરી ખાધું.

રાત્રે અમે ઘુવડની શોધમાં નીકળ્યા. નસીબજોગે અમને એક મોટું ઘુવડ મળ્યું પણ ખરું. પરંતુ અમે ફોટો લઈએ એ પહેલા એ ચંચળ પક્ષી ઊડી ગયું. આ વિસ્તારમાં માનવ વસતી ખૂબ જ ઓછી અને પ્રકાશનું પ્રદુષણ જરા પણ નહીં. એટલે રાત તો ત્યાંની કાળી ડિબાંગ! તારલાઓની ફોટોગ્રાફી માટે એ સ્થળ એકદમ યોગ્ય લેખી શકાય.

પહેલી રાત્રે મિત્રો સાથેના ગપ્પા બે વાગ્યા સુધી ચાલ્યા અને ચાર પાંચ કલાકની ઉંઘ લઈ સવારે હરણબારી પહાડ પર ટ્રેક કરવા નીકળ્યાં. પહાડની તળેટી સુધી કાર જઈ શકે અને તમે પહોંચો એટલે ગામડાના છોકરાઓ ગાઈડ બનીને આવી જ પહોંચે અને તમને થોડા રૂપિયા અને બિસ્કીટમાં સંગાથ આપે. હરણબારી, માંગી તુંગી લગભગ 4300 ફીટનું ચઢાણ છે. આ ચઢાણ તમારી ફિટનેસ જરૂર માપે, પણ દોસ્તો સાથે જાઓ તો ત્યાં કશુંય અઘરું નથી.

હા, સારા ટ્રેકિંગ શુઝ, પાણી અને થોડો નાસ્તો જરૂર જોડે રાખવો. અડધે પહોંચો એટલે એક વિશાળ ટેબલ લેન્ડ આવે. ત્યાં જરા પોરો ખાવો અને ફરી ચઢાણ શરૂ કરવું. અહીંનો રસ્તો ખાસ્સો પથરાળ અને અટપટો, પણ ગામનાં ચબરાક અને ચપળ છોકરાઓનાં ચીંધ્યે માર્ગે અમે ઉપર પહોંચ્યા. ત્યાં એક નાનું મંદિર હતું અને બસ ચારો તરફ હતા ઊંચા પહાડો. ટેકરીનાં છેડે જઈને જરા સરખી નીચે નજર કરો તો સમડીની જેમ તમને મુક્ત ગગનમાં વિહરવાનું મન થાય. જોકે તમે Vertigo હોય તો ઉડવાનું તો શું, ટેકરીને છેડે જવાનું પણ મન નહીં થાય!

ચારેક કલાકનો ટ્રેક પતાવીને નીચે આવો તો ગામડામાં જ કોઈના ઘરે જમવાનો લહાવો જરૂર માણજો. અને હા, મરચું જરા ઓછું નાંખવા ખાસ કહેજો, નહીંતર ટ્રેક પતાવ્યા પછી મેરેથોનમાં દોડવા જેવો ઘાટ થશે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.