ધોળાવીરાના સદીઓ જૂના ખંડેરો

27 May, 2016
12:05 AM

નેહા ચિત્તરંજન દેસાઈ

PC:

અમારા અમેરિકન ફોટોગ્રાફર મિત્ર સ્ટીવ ગૂલ્ડ અમારી જોડે સાસણ ગીરની સફારી કર્યા બાદ એક ખૂબ જ સરસ કલ્ચર અને વાઈલ્ડ લાઈફ ટુર ગાઈડ મનિષાબેન રાજપૂત જોડે ત્રણ દિવસની ગ્રેટર રણ ઑફ કચ્છની ટ્રીપ કરી રહ્યા હતા. અમે મનિષાબેનને ગીરમાં મળ્યા. ગીરમાં લગભગ બધા જ સફારી ડ્રાયવરો, ગાઈડ્સ, હોટેલ સ્ટાફ જોડેનો એમનો અદભુત રેપો જોયો. કચ્છમાં તેઓ શું કવર કરવાના એ વાતો સાંભળી. વાતો એટલી રોમાંચક હતી કે, અમારા જેવા પ્રવાસીઓ લલચાયા વિના નહીં રહે. અને અમે લલચાયા પણ! એટલે અમે પળનોય વિલંબ કર્યા વિના અમારી સુરતની રિટર્ન ટિકિટ્સ કેન્સલ કરાવી દીધી અને અમે પણ એમની સંગાથે કચ્છ ફરવા નીકળી પડ્યા!

સામાન્ય રીતે અમે ઘણી પૂર્વ તૈયારી કરીને જ સફરે નીકળતા હોઈએ છીએ. પણ આ વખતે અમારી સાથે ટ્રાવેલ તજજ્ઞ મનિષાબેન હતા, જેમણે ભૂતકાળમાં સ્ટીવ મેકકરી અને આર્ટ વુલ્ફ જેવા દુનિયાના પ્રથમ શ્રેણીના ફોટોગ્રાફર્સને પણ ગુજરાત દેખાડ્યું હતું એટલે અમે સાવ નચિંત હતા.

વહેલી સવારના ટેક્સીમાં નીકળ્યા ત્યારે સાસણ ગીરમાં એક દીપડો ગામની દીવાલ કૂદીને આ ટ્રીપ પણ સારી જશે એના એંધાણ આપતો ગયો. જેમના માત્ર નામો સાંભળ્યાં હોય એવા સૌરાષ્ટ્રના સુઘડ શહેરો, મનોરમ્ય ગામડાં તેમજ 450 કિલોમીટરમાં એક પણ ખાડા વિનાના ગુજરાતનાં રસ્તા ચીરતાં અમે કચ્છ પહોંચ્યા. રાપર અને ભચાઉ જેવા ગામડા વચ્ચેથી પસાર થયાં ત્યારે આ વિસ્તારના હજારો લોકોનો પ્રાણ હરી લેનાર 2001નો વિકરાળ ધરતીકંપ યાદ આવી ગયો અને હાથ અનાયાસે જ જોડાઈ ગયા!

સાથે જ આ વિસ્તારનાં ચમકીલા નવા ઘરો જોયા અને કચ્છી લોકોની હિંમત અને મહેનતને દાદ આપતા અમે ગ્રેટર રણ ઑફ કચ્છમાં પ્રવેશ્યા. રોડની બંને બાજુ અફાટ સફેદ રણ અને વચ્ચે અમારી ગાડી સડસડાટ દોડે… થોડા સમય માટે ગાડી રસ્તા વચ્ચે ઊભી રાખી અને થોડા ફોટોગ્રાફ્સ પણ લીધા. અરે, થોડી રાહ પણ જોઈ, પણ ક્યાંય ઊંટ લઈને મહાલતા અમિતાભ બચ્ચન સાહેબ નહીં દેખાણા તે નહીં જ દેખાણા! :(

આખરે સાત-આઠ કલાકે અમે ધોળાવીરાનાં ગુજરાત ટુરિઝમ ગેસ્ટ હાઉસ પહોચ્યાં. ત્યાં જોયું તો કચ્છના પ્રણાલીગત ગોળાકાર રૂમો હતા અને એમાં અત્યંત પ્રાથમિક સુવિધાઓ હતી. પણ અમેરિકન સાયબીથી ટેવાયેલા સ્ટીવ, પાંચસો રૂપિયા આપીને અહીં ક્યાં ફસાયા એવું બોલ્યા નહીં. ગેસ્ટ હાઉસનું સાદું, પણ સ્વાદિષ્ટ જમણ એણે અમારાથી, ધરવ સાથે ખાધું.

આ ગેસ્ટ હાઉસથી એક કિલોમીટર દૂર આવેલું છે હડપ્પા સંસ્કૃતિનું પાંચ હજાર વર્ષ જૂનું ખોવાયેલું મહાનગર ધોળાવીરા. સ્કૂલની ઇતિહાસની ચોપડીઓમાં મોહેં-જો-દડો અને હડપ્પા સંસ્કૃતિઓ વિશે વાંચેલું. એ સંસ્કૃતિની મોટા ભાગની સાઈટો આજનાં પાકિસ્તાનમાં જ ઇન્ડસ વેલીની આજુબાજુ આવેલી છે એવો આછો ખ્યાલ પણ ખરો.

અહીં અમારી જોડે એક અત્યંત જાણકાર ગાઈડ જોડાયા. એમનું નામ જયમલ રાણા. 1980ના દાયકામાં જ્યારે આર્કિયોલોજીકલ સોસાયટી ઑફ ઈન્ડિયાએ ડોક્ટર બીસ્તના નિરીક્ષણ હેઠળ ધોળાવીરાના ટેકરા પર કામ શરૂ કર્યું ત્યારથી યુવાન જયમલભાઈ આ ખોદકામના કામમાં ગાઢ રીતે સંકળાયેલા અને ખોદકામનું કામ પત્યું ત્યારથી તેઓ આ સાઈટ પર પર્યટકો માટે ગાઈડ તરીકે સેવા બજાવે છે. એમની સાથે ફરવાની અને રજેરજની માહિતી જાણવાની ખૂબ જ મજા પડી.

સાઈટની બહાર એક નાનકડું સરસ મ્યુઝિયમ છે, જ્યાં સાઈટની માહિતી અને ખોદકામ દરમિયાન જે પણ વસ્તુઓ મળી હતી એને પ્રદર્શનમાં મૂકાઈ છે. એ બધી બાબતો વિશેની માહિતી અમે બીજા લેખમાં આપીશું.

ત્યાંથી તમે આગળ જાઓ એટલે ધોળાવીરાની સાઈટ પર પહોંચો. જયમલભાઈને અમે સવાલો કરતા ગયા અને તેઓ પણ અમને અત્યંત રસપ્રદ અને સંતોષકારક જાણકારી આપતા ગયા. હડપ્પા સંસ્કૃતિએ પાંચ હજાર વર્ષો પહેલા અત્યંત અદભુત મહાનગરો બનાવ્યા. આજના ટાઉન પ્લાનરો પણ હેરત પામે એવા પૂર્વ આયોજીત કિલ્લા વાળા વોલ્ડ શહેરો, કે જેમાં આખા વર્ષનો પાણીનો પુરવઠો અને એનું ઝીણવટથી ડિઝાઈન કરેલું વિતરણ નેટવર્ક હોય!

વળી, ગંદા પાણીનાં ડ્રેનેજની પણ સુવિધા! શહેરની વચ્ચે વેપાર કરવા માટે એક અલાયદો વિસ્તાર ફાળવવામાં આવેલો. તો રમતગમત માટે એક મેદાન અને બેસવા માટે સ્ટેડિયમ પણ! ઘરોની ડિઝાઈન જુઓ તો કચ્છનાં ગોળાકાર ઘરો જેવી, જેમનું ચણતર મોટા પથ્થરો અને માટીથી પકવેલી ઇંટો દ્વારા થયેલું. દરેક ઘરોના દરવાજા ઉત્તર દિશામાં જ અને શહેર વચ્ચેનાં તમામ રસ્તા જમણી બાજુએ જ વળે! આ બધું રણમાં હતું અને એ પણ પાંચ હજાર વર્ષ પહેલા હોં!

ધોળાવીરાનાં ખંડેરો ત્રણ ભાગમાં વહેંચાયેલા છે. એક કિલ્લામાં એટલે કે, ભાગમાં આગેવાનો રહેતા, બીજો કિલ્લો એટલે મધ્ય શહેર અને ત્રીજું નીચાણ વાળું શહેર. આમાં આશરે 20,000 લોકો રહેતા. આર્કિયોલોજિસ્ટોએ આ જગ્યાનાં 700 વર્ષનાં સમયગાળા વચ્ચે સાત અલગ અલગ તબક્કા નોંધ્યા છે. ત્યારબાદ તેઓએ અહીંથી બીજે સ્થળાંતર કર્યું અથવા તો કોઈ દુશ્મનોની ચડાઈ કે રોગચાળામાં લુપ્ત થયાં એવા તારણો નીકળ્યાં છે.

તો ચાલો આપણા રાજ્યનાં ભૂલાયેલા ભવ્ય ઈતિહાસને વાગોળતા થોડા ફોટોગ્રાફ્સ જોઈએ...

5000 વર્ષ પછી પણ અડગ ભી રહેલી ધોળાવીરા કિલ્લાની બહારની દીવાલ

week-48-01

ધોળાવીરાના કિલ્લાની બહાર જતી ગંદા પાણીની ગટર. આજનાં જમાનામાં પણ આપણા ઘણા શહેરો અને ગામડાઓમાં આવી બંધ ગટરો ની વ્યવસ્થા જોવા નથી મળતી.

week-48-02

ઘોળાવીરાના ભોમિયા જયમલ રાણા

week-48-03

તમારા કોઈ ઓળખીતા સિવિલ ઈજનેર કે આર્કિટેક મિત્રને પૂછજો કે મારે 73*30*10 મીટર ઊંડી ટાંકીઓ બનાવવી છે, કે જે 2 કરોડ 11 લાખ લીટર પાણીનો સંગ્રહ બારે માસ કરી શકે. વળી, બીજી શરત એ કરજો કે, એ ટાંકી મારા ગયા પછી 5000 વર્ષ સુધી ટકવી જોઈએ. બસ એ સાહેબ ત્યાં જ ધબ્બ કરીને બેસી જશે! :)

week-48-04

રિઝરવોયરમાં ત્રીસ પગથીયાં ઉતરીને સ્લોપ જુઓ તો ખ્યાલ આવે કે એટલાં વર્ષો પહેલા પાણીનો છેલ્લા બુંદ સુધી વપરાશ કરવા માટે તેઓ કેટલું વિચારતા… આજની આપંઈ પાણીનો વેડફાટની રીતો કરતાં એકદમ જ વિપરીત!

week-48-05

ત્યાંના ઘરોની ડિઝાઈન

week-48-06

શહેરની આંતરિક જળ વિતરણ વ્યવસ્થા

week-48-07

ક્ષિણ દિશામાં પાણીનું રિઝરવોયર

week-48-08

અલગ અલગ પથ્થરોની દીવાલો અને માટીનું ચણતર કામ બારીકાઈથી જુઓ… 5000 વર્ષે પણ અડીખમ! પથ્થરોની ગોઠવણ અને એમની કોતરામણ જોઈને ખ્યાલ આવશે કે, એ જમાનામાં પણ એમની પાસે શ્રેષ્ઠતમ ઓજારો હતા.

week-48-09

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.