વન ડે ટ્રીપ @ વાઘેચા
બે દિવસ પહેલા એક દોસ્તનો કોલ આવ્યો અને કહ્યું, ‘khabarchhe.com’ પર તમારી કૉલમ ‘ચાલો ફરવા જઈએ’ નિયમિત વાંચુ છું. મઝા આવે છે, પણ હું સુરત રહું છું તો અમને વગર ખર્ચે નજીકમાં કોઈક સ્થળ સ્જેસ્ટ કરોને યાર!’ આમ તો આપણે પાછલા બે અઠવાડિયા ડાંગની વાત કરી. એ પણ સુરતની નજીક જ હતું પરંતુ તોય એ મિત્રની ફરમાઈશ છે તો ચાલો, આ અઠવાડિયે તમને સુરતથી નજીક, પણ એક અલગારી જગ્યાએ લઈ જઈએ, જે જગ્યા ઘણાએ નહીં માણી હોય.
વાઘેચા આમ તો તમારા GPS પર જલદી નહીં જડે એવું નકશા પરનું એક નાનુ ટપકું, પણ GPS કરતા પણ વધુ જાણકાર એવા ભોમિયા જેવા અમારા દોસ્ત નિકી ક્રિસ્ટીસે આ જગ્યા અમને વર્ષ 2011માં સજેસ્ટ કરેલી. થેંક્સ નિકી! સુરતથી 18 કિ.મી. દૂર કામરેજ ચાર રસ્તા આવ્યું. ત્યાંથી બીજા 28 કિ.મી. ડ્રાઈવ કરો એટલે વાઘેચા આવે. જેવું કામરેજ પસાર કરો એટલે તરત જ સુરત અને એની આસપાસના વિસ્તારમાં લોકોના જે અથડાતા કૂટાતા ટોળા દેખાય એ સદંતર ગાયબ! વાહનો અને ઈન્ડસ્ટ્રીઝનો કોલાહલ પણ શમી જાય!
એવામાં થોડા કિલોમિટરનું ડ્રાઈવ કરો એટલે તમે વૃક્ષોના ચંદરવા નીચે ઢંકાયેલ સર્પાકાર રસ્તા પરથી લીલાછમ ખેતરો વિંધતા મંદ ગતિએ વહેવા માંડો! યાદ રહે આવા સમયે તમારે કાર એફવન રેસના ડ્રાઈવરની જેમ હંકારવાની નથી. કાર થોડી ધીમી ગતિએ હંકારજો, જેથી આસપાસની લીલોતરી અને ત્યાંનું વાતાવરણ તમે હ્રદયસ્થ કરી શકો.
વચ્ચે જ્યારે તમે તમારી કારનો કાચ નીચે ઉતારો અને રસ્તે આવતા નાના ગામડાના નામ વાંચો ત્યારે તમને વિચાર આવે કે, આ નામ કઈ રીતે પાડ્યા હશે? - નેત્રંગ, દિગસ, સામપુરા, વિહણ, નાગોડ! આમ તો આ બધા ગામડાં પણ એમના નામ કેટલા સમૃદ્ધ!
સામપુરા ગામ પહોંચો અને ત્યાંથી ડાબી બાજુ જાઓ તો ગળતેશ્વર કરીને તાપીને કિનારે મહાદેવનું સુંદર મંદિર આવે. અહીં પણ એક સાંજે જવાય. સામપુરાની ડાબી બાજુએ વિહણ કરીને એક નાનું ફળિયા જેટલું ગામ આવે. અહીં ખેતી કરતા સમૃદ્ધ ખેડૂતોના બાર ઘર જોવા જજો. ગારમાટીના આ ઘરો એકબીજાને લગોલગ છે. અહીંના લોકો એટલા મળતાવડા છે કે તમે એમના થોડા ફોટોગ્રાફ્સ લો એટલે તેઓ તમને ચા-પાણી વગર જવા ન દે!
વિહણથી આગળ નિકળો એટલે 8 કિ.મી. પર વાઘેચા આવ્યું. અહીં પણ તાપી તટે મહાદેવનું એક મંદિર છે. રવિવારે દર્શનાર્થીઓની થોડી ભીડ રહે. પણ અહીં તાપીનો તટ આ નાના ગામડાની હાઈ-લાઈટ છે!
સુરતના લોકોએ તાપીને કથ્થઈ રંગની જોઈ છે. શહેરમાં કેટલીક જગ્યાએ તો ગટર અને પ્રદૂષિત પાણીથી તે અત્યંત મલિન બને છે. પરંતુ અહીં તમે સુર્યપુત્રીને ઓળખી પણ ન શકો એટલી ચોખ્ખી અને કાચ જેવી પારદર્શક! તમે અહીં નદીને આકાશનું નીલરંગી પ્રતિબિંબ ઝીલતી જોઈ શકો એટલી ચોખ્ખી છે તાપી!
અહીં નદી આટલી ચોખ્ખી હોવાના થોડા કારણો છે. એક તો અહીંથી થોડે આગળ કાકરાપાર જળાશય અને ડેમ છે. એટલે નદીનો કાંપ ત્યાં ખાસ્સો ચળાઈને આવે. બીજું કારણ અહીંનો પટ જ્વાળામુખીના બેલાસ્ટીક ખડકોથી બનેલો છે. ઘણા ઊંચા અને પહોળા ખડકોની ચારણી વચ્ચેથી ખળખળ વહેતું પાણી જાણે કુદરતી રીતે જ ફિલ્ટર થઈને આવે. ઘણી જગ્યાએ અહીં પાણીમાં 6 ફૂટથી પણ વધારે ઊંડે જોઈ શકો એવી સુંદર જગ્યા છે આ.
અહીં તમારે સુંદર ફોટોગ્રાફ્સ લેવા હોય તો સૂર્યાસ્ત કરતા બે કલાક પહેલા પહોંચવું અને સૂર્યાસ્ત પછી પણ એક કલાક રહેવું. તાપીનો તટ જરા ભયાનક છે અને અહીં અવારનવાર અકસ્માતો થતાં હોય છે. માટે ધ્યાન રાખવું. પણ એક વાત તો છે કે, જો તમારે સારા ફોટોગ્રાફ્સ લેવા હોય તો તમારે નદીના પટમાં બરાબર વચ્ચે જવું પડે!
તો તમે પણ ગભરાઓ નહીં અને પહેલી તકે વાઘેચા પહોંચો. હા, એટલું ધ્યાન રાખજો કે હાલમાં ચોમાસુ હોવાથી તાપી માતા બંને કાંઠે વહેતી હશે એટલે પાણી સાથે બને એટલા ઓછા ચેડાં કરજો.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર