કંબોડિયાનો હિંદુ ભૂતકાળ

04 Dec, 2015
12:00 AM

mamta ashok

PC:

આગલા બે લેખોમાં આપણે કંબોડિયામાં ઍંગ્કોરવેટ, કોમપોંગ ફલુક અને એની રાજધાની નેમ પેંહ વિશે જોયું. આ વખતે કંબોડિયાના હિંદુ ઈતિહાસની ચાડી ખાતી બીજી બે અદભુત જગ્યાઓએ ફરીયે. આ દેશનું સૌથી માયાવી અને જાદુઈ સ્થળ છે ત્યાંનું એક તા પ્રોમ નામનું મંદિર. રાજા જયવર્મન સાતમા અને ઈન્દ્રવર્મન બીજાએ બારમી સદીના અંતમાં 'તા પ્રોમ' નામના એક મંદિર-મઠની સ્થાપના કરેલી, જેનું નામ રાખેલું રાજ વિહાર. જોકે પંદરમી સદીની આસપાસ એ આખું રાજ્ય લુપ્ત થઈ ગયું અને આ અદભુત મંદિરો અને સ્મારકો ગીચ જંગલો વચ્ચે વિલિન થઈ ગયા. ત્યારબાદ લગભગ ઓગણીસમી સદીની શરૂઆતમાં ફ્રેંચ સાહસિકોએ જંગલોમાં સંપૂર્ણ રીતે ખોવાઈ ગયેલી આ જાદુઈ નગરીને શોધી કાઢી.

પાછળથી એ બધા પ્રાચીન સ્થળોનો જીણોદ્ધાર કરાયો, પણ 'તા પ્રોમ' કે જેમની આસપાસ વૃક્ષોએ અજગરની જેમ ભરડો લીધો છે એને એમનું એમ જ રહેવા દીધું. જેમણે એન્જેલિના જોલીની 'ટોમ્બ રાઈડર' ફિલ્મ જોઈ હોય અથવા જેઓ આ નામની કમ્પ્યુટર ગેમ પણ રમ્યાં હોય તેઓ આ જગ્યાથી અચૂક માહિતગાર હોવાના. અરે મજાની વાત તો એ છે કે, ફિલ્મમાં ન્જેલિનાથી પ્રભાવિત થયેલા કેટલાક સેમ્પલો ત્યાંના ખંડેરોના છાપરા પર કે ઝાડની વડવાઈઓ પર એન્જેલિના જેવા લટકતા દેખાય છે. એમને પાછળના ભાગમાં એક લાત મારીને તમારે આગળ વધવું.

UNESCO World Heritage Siteમાંની એક એવી તા પ્રોમ માટે તમારે બે કે ત્રણ કલાક ફાળવવા. લીલ, મંદિરની દિવાલોમાંથી ફૂટી નીકળેલા કોટન સિલ્ક, અંજીર અને વડના મહાકાય ઝાડોના થડ, મૂળિયાંના બાહુપાશમાં લપેટાયેલું આવું ધાર્મિક સ્થળ તમને બીજે ક્યાંય જોવા નહીં મળે.

આ ઉપરાંત સીમ રીપથી બે કલાક દૂર હિંદુ સંસ્કૃતિની ઝાંખી કરાવતી અન્ય એક જગ્યા એટલે નોમ કુલેન પહાડ. કંબોડિયામાં નોમ કુલેન પહાડનું આપણા અમરનાથ જેવું ખાસ્સું ધાર્મિક મહત્ત્વ છે. ગીચ વૃક્ષોથી આચ્છાદિત પહાડ પર બે કિલોમીટર જેટલું ઉપર ચઢીને જાઓ એટલે કબાલ સ્પીન કરીને નાનું નદી ઓછી અને ઝરણુ વધારે કહેવાય એવું ઝરણ મળશે. આ ઉપરાંત એક સુંદર ધોધ પણ પહાડ પરથી ધસમસે છે. જો તમે થાક્યા હો તો આ ધોધમાં ડૂબકી જરૂર મારવી.

પહાડની ટોચ પર પહોંચો ત્યારે તમને આ સ્થળનું મહત્ત્વ સમજાય. ઝરણાના પટમાં જુઓ તો ત્યાં તમને શિવલિંગ દેખાશે! એક નહીં, અનેક! એકદમ નવરાં હો અને જો તમે ગણવા બેસો તો એક હજાર જેટલા શિવલિંગ છે ત્યાં! વળી, નજર ફેરવો તો એક મોટી પ્રતિમા પણ દેખાશે, જ્યાં ભગવાન વિષ્ણુ એમના અનંત સર્પ પર બિરાજમાન છે.

લગભગ બારમી સદી દરમિયાન અહીં રહેતા સાધુઓએ આ નદીના પથ્થરો ઉપર કંડારેલી આ પ્રતિમાઓ હજુ વર્ષ 1969માં જ એક ફ્રેંચ નૃવંશશાસ્ત્રીએ શોધી કાઢેલી. જોકે વચ્ચે સિવિલ વોરને કારણે આ સ્થળ પર ચહલપહલ બંધ થઈ ગયેલી પણ વર્ષ 1989થી આ સ્થળ પાછું પ્રચલિત થયું છે. તો ચાલો આવો થોડાં બીજા ફોટોગ્રાફ્સ જોઈ.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.