ટ્રાવેલ ફોટોગ્રાફી કરવી છે? તો આટલું ધ્યાનમાં રાખો...
અચ્છા... આખરે તમે આ દિવાળી વેકેશનમાં તમારા ડ્રીમ ડેસ્ટિનેશન જઈ રહ્યા છો. વર્ષોથી તમારા ‘બકેટ લિસ્ટ’માં પડી રહ્યા પછી હવે તમે આ અદ્દભૂત સ્થળે જઈ રહ્યા છો. તમે આ જગ્યાના ઘણા ફોટોગ્રાફ્સ અને ડૉક્યુમેન્ટ્રીસ જોઈ છે અને તમારે પણ એવા જ ફોટોગ્રાફ્સ લેવા છે. ટ્રાવેલિંગની સાથે હાલમાં તમને ફોટોગ્રાફીનું ભૂત પણ વળગ્યું છે અને મનના કોઈક ખૂણે એવી ઈચ્છા પણ ખરી કે, એક દિવસ તમારા ટ્રાવેલ ફોટોગ્રાફ નેશનલ જિયોગ્રાફી જેવા કોઈ મેગેઝિનમાં છપાય. તો આવો આ વખતે આપણે 'ટ્રાવેલ ફોટોગ્રાફી' વિશે વાતો કરીએ.
ફર્સ્ટ થિંગ્સ ફર્સ્ટ, જો તમારે એક સાદા સ્નેપને એક અવિસ્મરણીય ઈમેજમાં રૂપાંતર કરવું હોય તો પછી આ મુદ્દા પર પહેલા ધ્યાન આપો.
-કેમેરા શીખો: આજે તમારો મોબાઈલ, પોઈન્ટ એન્ડ શૂટ અથવા DSLR અદ્દભૂત ટેકનોલોજીકલ માર્વેલ્સ છે, જે સારા ફોટોગ્રાફ્સ લેવા અત્યંત સક્ષમ છે. તમારે માત્ર એમના મેન્યુઅલ્સ જ વાંચવા રહ્યા. જો તમે સાદા ઓટો અને પ્રોગ્રામ મોડમાં જ તસવીર ક્લિક કરતા રહેશો તો એ ફોટોગ્રાફ્સ આપણે ગુજ્જુઓ કહીએ એમ સાદા ‘ફોટા’ જ રહેશે. એ ફોટોગ્રાફ્સ ‘ઈમેજ’ કદી નહીં બને.
- સબ્જેક્ટ : ફોટોગ્રાફી માટે કોઈ દિલચસ્પ સબ્જેક્ટ હોવો ખૂબ જરૂરી છે.
- સ્ટોરી : ફોટોગ્રાફમાં એ જગ્યાની અનુભૂતિ થાય એવી વાર્તા પણ હોવી જોઈએ.
- સંરચના અથવા કૉમ્પઝિશન: ફોટોગ્રાફીના ઘણા કૉમ્પઝિશનના નિયમો છે. એ વિશે આવતા અઠવાડિયે વિસ્તૃત ચર્ચા કરીશું.
- ઈન્ટ્રેસ્ટિંગ લાઈટ: સૌથી વધુ ફોટોગ્રાફ્સ સૂર્યોદય અને સૂર્યાસ્તના એક કલાક પહેલા અને પછીના સમયગાળામાં લો. આ સમયે તમને સૌથી સુંદર પ્રકાશ અને લાંબા પડછાયા પ્રેરતી સુંવાળી અને રંગીન નેચરલ લાઈટ મળશે.
- ડિજીટલ ઈમેજનું પોસ્ટ પ્રોસેસિંગ: આજે જમાનો ડિજીટલ છે. તો તમેય તમારા ડિજીટલ કેમેરાના ફોટોગ્રાફ્સનું પોસ્ટ પ્રોસેસિંગ એડોબ-લાઈટરૂમ અથવા એડોબ-ફોટોશૉપમાં કરતા શીખો.
તમે રજા ગાળવા જાઓ તો નેચરલી તમે આરામ કરવા કે ખાણી-પીણીની મજા માણવા જાઓ. પણ જો તમે આ વખતે ગાંઠ વાળી હોય કે, 'મારે સૌથી સુંદર ફોટોગ્રાફ્સ લેવા જ જવું છે. મારે કોઈક એવી ઈમેજ ક્લિક કરવી છે કે, જે મારા ઘરની દીવાલો પર સુંદર ફ્રેમ્સ બનીને આખી જિંદગી યાદગીરી તરીકે રહે.' તો તમારે થોડી વસ્તુઓનો ત્યાગ કરવો પડશે.
- વહેલા ઊઠો અને મોડે સુધી શૂટ કરો : મોટા ભાગના ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સ પર દિવસ દરમિયાન લોકો કિડીયારાંની જેમ ઊભરતા હોય. માટે વહેલા ઊઠવાનું રાખો. ખૂબ વહેલા!
- બ્રેકફાસ્ટ અને ડિનર કદાચ અટવાય : કદાચ નહીં પણ મળે! જો તમારે સુંદર ફોટોગ્રાફ્સ લેવા હોય તો સાથે 2-3 કિ.ગ્રા. વજન ઘટાડવાની તૈયારી પણ રાખજો. આ અમે સ્વાનુભવે કહીએ છીએ! કારણ કે, ઉપર જણાવ્યું તેમ બેસ્ટ લાઈટ જ્યારે હોય ત્યારે તમારે બહાર શૂટ કરવું જ રહ્યું આથી ખાવા-પીવાની સગવડ ન પણ સચવાય. જેથી સાવ ભૂખે ન મરવું પડે એટલે પેક્ડ બ્રેકફાસ્ટ લઈ લો. જો બાળકો નાના હોય, કે પત્નીને ઓછો રસ હોય તો એમને આરામ કરવા દો. પણ તમે કેમેરા બેગ લઈને નીકળી પડો!
- વર્ક ધ સીન: એક ઉમદા સ્થળ કે સબ્જેક્ટ મળે ત્યારે એક જ એંગલથી નહીં, બલ્કે વિવિધ એન્ગલ્સથી તસવીર લો.
ટ્રાવેલ ફોટોગ્રાફીના બીજા કેટલાક મુદ્દાઃ
- જાણકારી એકઠી કરો: આજે માહિતી એકત્રીત કરવું સરળ અને હાથવગુ બની ગયું છે. વેબ પર જાઓ અને સર્ફ કરો! તમારા સ્થળ વિશે બને એટલી માહિતી એકઠી કરો. પ્લેનેટ, નેશનલ જિયોગ્રાફી જેવી સાઈટ્સ તેમજ flickr.com, 500px.com જેવી ફોટોગ્રાફી સાઈટ્સ પર નજર મારો. કોઈ મિત્રો એ જગ્યાએ ગયા હોય એમની પાસેથી પણ ઈન્ફોર્મેશન લો.
- સ્થળની વિશિષ્ટતાઓ: તમે જે સ્થળે ફરવા જવાના હો ત્યાંની હાઈ-લાઈટ્સ, જેવી કે સૌથી પહેલા જોવા જેવી જગ્યાઓ, વાઈલ્ડ લાઈફ, નેચર, અથવા લોકો તથા તેમના તહેવારો વિશે જાણી લો. અને તમે ફરવા જવાના હો એ સમયગાળામાં જો ત્યાં કંઈક વિશેષ હોય તો તેનું એક લીસ્ટ તૈયાર કરો.
- હવામાન અને સ્થળ વિશેનું માર્ગદર્શન: તમારા પ્રવાસના સમયે જે-તે સ્થળનું વાતાવરણ અને ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિને હિસાબે જ તમારા કપડા અને અન્ય સામગ્રી પેક કરો. ઈટીનરરી ચેકઆઉટ કરવામાં મેક્સિમમ સમય ફાળવો. બે સ્થળ વચ્ચેની સફરનો સમય ગણીને દરેક સ્થળ માટે દિવસોની ફાળવણી કરો.
- કેમેરા-કીટ: ઘણા લોકો પૂછે છે કે બેસ્ટ કમેરા કયો? તો જવાબ છે કે, ‘તમારી પાસે જે હોય તે!’ આમ છતાં જો તમે પોઈન્ટ એન્ડ શૂટ, પ્રોસ્યુમર અથવા કોઈ DSLR કેમેરા યુઝ કરતા હો તો અમે આટલી એસેસરીઝ ખરીદો અથવા દોસ્તો પાસે ઉધાર લઈ લો!
ટ્રાઈપોડ: જો તમને સુંદર લેન્ડસ્કેપ્સની ફોટોગ્રાફી કરવી ગમતી હોય અને તમારા લેન્ડસ્કેપ્સને 2-3 લેવલ ઉપર લઈ જવા માગતા હો તો એક 'Tripod is a MUST!' ટ્રાઈપોડની પ્રાઈઝ રેન્જ રૂા. 2000થી લઈ રૂા. 20,000 અને એની ઉપરની હોય છે. હા, જોકે ટ્રાઈપોડની બીજી એક પળોજણ એ છે કે, એને ઊંચકીને ચાલવું પણ પડશે. જોકે લેન્ડસ્કેપ્સ માટે બીજો કોઈ વિકલ્પ નથી.
સરક્યુલર પૉલરાઈઝર (CPL) અને નેચરલ ડેન્સિટી (ND) ફિલ્ટર્સ: જો તમારે નીલ આકાશ, લીલાછમ વૃક્ષો જોઈતા હોય તો CPL ખૂબ જ ઉપયોગી. જો દૂધીયા વૉટર-ફોલ અને નદીના લોંગ એક્સ્પોસર્સ લેવા હોય તો ND8 ફિલ્ટર વસાવવું. હોયાનો એક 3 ફિલ્ટરનો સેટ તમને 2000 રૂપિયામાં મળી શકશે.
મેમરી કાર્ડસ, કેમેરા બેટરીઝ, ચાર્જર્સ: બે-ત્રણ 16GBના મેમરી કાર્ડસ, 2 વધારાની બેટરી, ચાર્જર અને વિદેશમાં હો તો ત્યાંના પાવર એડપ્ટર્સ રાખવા. એક નોટબુક અને બે પોર્ટેબલ હાર્ડ ડ્રાઈવ્સ પણ બેકઅપ માટે રાખવી અને અલગ બેગમાં રાખવી.
લેન્સ અને કેમેરા ક્લિનિંગ કિટ: કેમેરા અને લેન્સ ક્લિનિંગની એક સાદી કિટ મળે છે એ રાખવી અને રોજ વાપરવી! એક સોફ્ટ નેપકિન પણ ખાસ રાખવો.
વૉટરપ્રૂફ કેમેરા બેગ: આમ તો આ વધારનો ખર્ચો છે. પરંતુ તમારા મોંઘા કેમેરા અને એનાથીય મોંઘી યાદોનું જતન કરવા માટે વોટપ્રૂફ કેમેરા બેગ અત્યંત જરૂરી.
- લોકેશનનું ડિટેઈલ્ડ શૂટિંગ લિસ્ટ બનાવો: આ ફક્ત હાર્ડકોર ફોટોગ્રાફીના રસિયાઓ માટે જ છે. તમે ફરવા જવાના હો તે સ્થળના કેટલાક ફોટોગ્રાફ્સનું એક ચેક લિસ્ટ બનાવો, જેમાં તમારે એ જગ્યા અને લોકોના અનોખા અને સ્થળના સિગ્નેચર ફોટોગ્રાફ્સ લેવા હોય.
- થોડી હળવી બેગ તૈયાર કરો પણ... : હા તમારા કપડા અને બીજી વસ્તુઓની બેગ ભલે હળવી હોય પણ તમારી કેમેરા બેગ નહીં. તમે તમારા ડ્રીમ ડેસ્ટિનેશન પર હો અને તમારા બેસ્ટ લેન્સિસ અને DSLR કેમેરા ફક્ત વજન અને કંટાળાને કારણે ઘરે ધૂળ ખાતા પડી રહે તો એનો શો અર્થ? તો ઊંચકો વજન.... એ ઘટી તમારી ફાંદ બીજી બે ઈંચ!
- ગાઈડ કરો: ઘણી જગ્યાએ તમારે એક લોકલ ગાઈડ કરવો, જે તમને અમુક જાણીતા કે અજાણ્યા સ્પોટ્સનો અનોખો વ્યૂ બતાવી શકે
- લોકલ્સ જોડે કનેક્ટ થાઓ: આમ કરવાથી એ જગ્યા જોડે પણ તમે આસાનીથી કનેક્ટ થઈ શકશો. ત્યાંની સંસ્કૃતિ, રીતભાત, રિવાજો અને પ્રણાલીઓ વિશેની સૌથી સારી માહિતી ત્યાંના લોકોના સંપર્કથી જ મળે. આમ કરવાથી ત્યાંના લોકોના ફોટોગ્રાફ્સ લેવામાં પણ ખૂબ જ સરળતા રહેશે.
- સ્થાનિક આહાર, વાનગીઓ અને વ્યંજનોના પણ ફોટોગ્રાફ્સ લો.
- રોજ બેક-અપ લો: ટ્રાવેલિંગ દરમિયાન ચોરીની શક્યતાઓ નકારી શકાતી નથી. આ લખનારની જ બે કેમેરા કિટ ચોરાઈ છે! માટે રોજ કાર્ડ પરથી તમારા નોટબુકમાં અને બે અલગ હાર્ડ ડિસ્કમાં તમારા ફોટોગ્રાફ્સ કોપી કરો અને તેને અન્ય જગ્યાએ સાચવીને રાખો. પ્રવાસ દરમિયાન ખૂબ જ સાવચેત રહો ગઠિયા તમારી જરા અમસ્તી લાપરવાહીની રાહ જોઈને બેઠા હોય છે!
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર