આઈસલેન્ડમાં ઉનાળો
વર્ષ 2012ના ઉનાળાની રજાઓ ચાલું થઈ અને પતી પણ ગઈ પરંતુ અમારો ક્યાંય જવાનો પ્લાન નહોતો બન્યો. એવામાં એક દિવસ અચાનક એક અમેરિકી ફોટોગ્રાફર જેક ગ્રેહમનો લેખ મારા હાથે ચઢ્યો. લેખ હતો આઈસલેન્ડ નામના દેશનો. લેખમાં એ સુંદર દેશની અતિસુંદર તસવીરો જોઈ અને અમે એના પર મોહી પડ્યા. ત્યાર સુધી અમે આઈસલેન્ડ, ગ્રીનલેન્ડ, આયર્લેન્ડ જેવી જગ્યાઓના ફક્ત નામ જ વાંચ્યા હતા. લેખ વાંચીને અમે તરત જ જેક ગ્રેહમનો સંપર્ક કર્યો. બેએક વાર તેની સાથે વાતો કરી અને અમે નક્કી કર્યું કે ચાલો આઈસલેન્ડ! અમે તરત જ વિઝાની તજવીજ ચાલુ કરી અને ટિકિટ પણ બૂક કરી. બીજી તરફ અમે આઈસલેન્ડ વિશેની માહિતી ભેગી કરવા માંડી. કુલ ૩ લાખની વસતી ધરાવતા આ દેશની રાજધાની રેકયાવિકમાં જ 2 લાખ લોકો રહે અને બાકીના આખા દેશમાં એક લાખ લોકો રહે. ગુજરાત રાજ્યથી અડધો વિસ્તાર ધરાવતો આ દેશ લગભગ 10, 3000 ચોરસ કિલોમીટરમાં પથરાયેલો છે. અહીં જ્યાં નજર પડે ત્યાં તમને કુદરતની કરામત જ જોવા મળે. બીજું કંઈ જ નહીં. વિચાર તો કરો કેટલો અદ્દભુત હશે આ દેશ!
પાંચ અબજ વર્ષ પહેલા પૃથ્વી પર જીવનની શરૂઆત થઈ એ પેહલા પૃથ્વી કેવી લાગતી હશે એનું આપણે અનુમાન કરી લઈએ. આઈસલેન્ડમાં એ અનુમાનો હૂબહૂ જોઈ શકીએ! ત્યાં પર્વતમાળા છે, પણ તેના પર એક પણ વૃક્ષ નથી. શેવાળ કે લીલ સિવાય ભાગ્યે જ તમને કોઈ બીજી વનસ્પતિ નજરે ચઢે. થોડા સુપ્ત અને થોડા જીવંત જ્વાળામુખીઓ, ધગધગતા લાવાથી દાઝેલી અને કાળી થયેલી જમીન અને આ જમીન પર તમને જવલ્લે જ કંઈક ઉગેલું દેખાય. જ્યાં જુઓ ત્યાં બર્ફિલા ગ્લેસિયર દેખાય, જે હવે ગ્લોબલ વોર્મિંગના શિકાર બની રહ્યા છે. પ્રચંડ પાણીના ધોધ, નાના ઝરણા અને બરફ આચ્છાદિત પર્વતો. વન્ય પ્રાણીઓનો અહીં અભાવ અને સાપ તો અહીં છે જ નહીં!
હા, પણ અહીં તમને સરસ મજાનાં ઘોડા રસ્તા પર દેખાયા કરશે. ઉનાળાની શરૂઆતમાં માઈગ્રેટોરી પક્ષી પણ જોવા મળે. એરપોર્ટ પર ઊતરો અને બાહર આવો એટલે તમે ઊંડા શ્વાસ લઈને સ્વચ્છ હવાને ફેફસાંમાં ભરવા માંડો. પણ જીઓ થર્મલ એરિયામાંથી આવતી સલ્ફરની વરાળની અવગણના કરજો. આમ જુઓ તો આઈસલેન્ડમાં ઉનાળા જેવું કંઈ ખાસ છે નહીં. જૂન અને જુલાઈ બે મહિના અહીં ઉનાળો કહેવાય. પણ, તોય આપણે તો જેકેટ અને થર્મલ પહેરવા જ પડે! આપણું જીવન હું, મારું, અમારુંમાં નીકળી જતું હોય છે. પણ રેકયાવિક છોડો પછી તમને આદિકાળથી અવિરત ગતિએ ચાલી આવતી પ્રકૃતિનો એહસાસ થવા માંડે. માનવ વિહોણી ધરતી, સુસવાટા ભેર ચાલતો પવન, પાણીના ધોધોથી ગુંજતું વાતાવરણ અને પૃથ્વીના પેટાળમાંથી ભભૂકતી આગ. આ બધામાં માનવ સર્જિત કોલાહલનો અભાવ. ફક્ત નિરવ શાંતિ. ચારે બાજુ નજર પડે ત્યાં ખાલી પવિત્ર, વિશુદ્ધ પૃથ્વી! આ મનમોહક દેશના પ્રેમમાં નહીં પડો તો બીજું શું કરો?
હવે વાત કરીયે ત્યાંના ગોલ્ડન સર્કલની. આ ત્રણસો કિમીની ટુરમાં મોટા ભાગે ટુરિસ્ટ ફરી લે છે. દક્ષિણ આઈસલેન્ડના હોટ સ્પોટ્સ ભેગા કરીને આ ટુરિસ્ટ રુટ બન્યો છે. એમાં ત્રણ મેઈન સ્ટોપ છે: થિંગવેલીર નેશનલ પાર્ક, ગુલફોસ નામનો ધોધ, અને હૌકાદાલુર નામનો જીઓથર્મલ પ્રદેશ. તો ચાલો ફરીએ આઈસલેન્ડ નામના જાદુઈ દેશમાં.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર