જોધપુર - ધ બ્લ્યુ સિટી

26 Feb, 2016
12:05 AM

mamta ashok

PC:

રાજસ્થાન આખું જ રંગીલું અને માટે જ બધાં શહેરોનાં નામ પણ રંગથી જોડાયેલાં. જયપુર પિંક સિટી તરીકે ઓળખાય છે, જેસલમેર ગોલ્ડન સિટી તરીકે અને અલગારું જોધપુર ઓળખાય છે ધ બ્લ્યુ સિટી’ તરીકે! રાજસ્થાનનો રંગીન ઇતિહાસ આ રાજ્યના લોકો, તહેવારો અને ખોરાકમાં તમને આજે પણ ભરપૂર વૈવિધ્ય જોવા મળે. અમારા વોટર અને વેસ્ટ-વોટરના કામ અર્થે અમે ઘણી વાર જોધપુર અને એની આજુબાજુનાં શહેરોમાં જઈએ અને કામમાંથી ફુરસદ મળે ત્યારે કેમેરા બેગ લઈને વહેલી સવારે અને સાંજે આ જાજરમાન શહેરને ખૂંદીયે. સુરતથી 680 અને અમદાવાદથી 450 કિલોમીટર છેટે આવેલું આ શહેર નજીક છે એમ તો નહીં કહી શકાય. છતાં ટ્રેન અથવા કોઈ પણ ટ્રાવેલ્સની સ્લીપર બસમાં ઓવર નાઇટ સફર કરીને ત્યાં આરામથી પહોંચાય.

અહીંની હોટેલોની તમારા બજેટને માફક આવે તેવી ભરપૂર ચોઇસ અને કોઈ સારી સાઇટ પરથી ઓનલાઈન બુક કરો તો કોઈ પણ સિઝનમાં તમને ૩૦%+ ડિસ્કાઉન્ટ તો મળે જ મળે. તમારે જોધપુર શાંતિથી માણવું હોય તો ત્યાં ત્રણ દિવસ રહેવું અને જો તમે ફોટોગ્રાફર હો તો તમને ચાર-પાંચ દિવસ પણ ઓછા પડે. જોકે આ શહેર એટલું બધુ મજાનું છે કે, આ શહેરને તમારી ડિજિટલ મેમરી પર કંડારવા તમે એક વાર નહીં પણ ઘણી વાર પ્રવાસ કરશો.

આ અઠવાડિયે જોધપુરની હાઈલાઇટ અને આપણા દેશના સૌથી મોટા અને ફોટોજેનિક કિલ્લા એટલે મહેરાનગઢ કિલ્લા વિશે વાતો કરીએ. ભૂરા ઘરોથી ભરાયેલા આ જૂના શહેરથી ઘેરાયેલો અને શહેરમાં બધી જગ્યાએથી દેખાતો, 400 ફીટ ઊંચા ડુંગર ઉપર બનાવેલો આ ગઢ રાજસ્થાનના રજવાડી રુઆબની શાન છે. સને 1460માં રાવ જોધાએ આ શહેર અને કિલ્લો પ્રસ્થાપિત કરેલ અને પછી પેઢી દર પેઢી અસંખ્ય તગારા અને ખડકો ખડકીને આ સુંદર કિલ્લો ઓર મજબૂત અને સુંદર બનાવ્યો.

બગડેલા મીટરવાળી બધી રિક્ષાઓ કે ટેક્સી કર્યા વગર જૂના શહેર અને ઘંટાઘર પાસેથી પગપાળા રખડતા જ કિલ્લા ઉપર જવું. હાથીઓને રોકતા તોતિંગ દરવાજા જયપોળથી અંદર પ્રવેશો એટલે એક ગાઇડ સાથે રાખવો. એ તમને જણાવે કે રાજા માનસિંહ એ 1808માં જયપુરનો હુમલો જ્યારે પાછો ખેલ્યો હતો ત્યારે આ અભેદ દરવાજો બનાવડાવ્યો હતો. ગેટની બહાર ડાબી બાજુએ એક સુંદર છત્રી છે, જે કિરીટ સિંઘ સોઢા કરીને સૈનિક એ યુદ્ધમાં જે સ્થળ પર શહીદ થયા હતા તેમની યાદમાં બનાવવામાં આવી છે. ગઢની અભેદ દીવાલો પરના તોપમારાનાં નિશાનો પર હાથ ફેરવતા કિલ્લાના બીજા ગેટ પર પહોંચો ત્યારે ‘પધારો મ્હારે દેશ’ના સૂર રેલાવતા લોક સંગીતકારો તમારું સ્વાગત કરે. એમના થોડાં ફોટોગ્રાફ્સ લો અને એમની ઝોળીમાં હાથ જોડીને થોડા રૂપિયા મૂકો એટલે બિચારા ખુશ! લોહપોળમાં દાખલ થાઓ અને 1843માં રાણી માતા સતી થયેલા તેમના હાથોની છાપ જુઓ. એ છાપ સ્પર્શતી વખતે પાછળ તોપમારાની નિશાનીઓ પર હાથ ફેરવેલો એના કરતાં અનેક ઘણું વધારે દર્દ અનુભવશો.

આગળ વધતા મ્યુઝિયમ આવે. ઇતિહાસમાં રાજસ્થાની કળા, એમની કારીગરી, કપડાં અને હથિયારોનો સંગ્રહ જોવા માટે અડધો કલાક ઓછો પડે. એકબાજુ મારવાડ જોધપુર શૈલીના ખૂબ જ સુંદર ચિત્રો હોય તો બીજી બાજુ શસ્ત્રોમાં રાવ જોધા, અકબર અને તૈમુરની તલવારો! ઇતિહાસ આપણો ખાસ્સો રોમાંચક છે અને આ મ્યુઝિયમમાં ફરતા તમારી આંખો સામે એ બધું તાદૃશ્ય થતું દેખાય! કિલ્લાની અંદર રાજાઓએ જે સુંદર મહેલો બનાવ્યા છે એ પણ બધા જોવાલાયક, પણ શીશ મહેલ અને મોટી મહેલ સૌથી યાદગાર.

કિલ્લાની પાછલા ભાગમાં ચામુંડા માતાનું મંદિર. અહીં 2008માં નવરાત્રી વખતે મોટા ટોળાની નાસભાગમાં 250 માણસો ચગદાઈને મરણ પામેલા. તમે કિલ્લામાં કોઈ ઠેકાણે એકલા ફરતા કરતાં હોય ત્યારે આ ઘટના યાદ કરો તો અચૂક આજુબાજુ તમને કોઈ નીરખી રહ્યું હોય એવો ભાસ થાય અને રુંવાટાં ઊભાં થઈ જાય.

તો આવો મહેરાનગઢના થોડા ફોટોગ્રાફ્સ જોઈએ!

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.