આ આફ્રિકા નહીં પણ ગુજરાત છે!
બે ઘડી આંખો બંધ કરી દો અને ક્ષણવાર માટે દક્ષિણ આફ્રિકાના જંગલોની કલ્પના કરો. શું દેખાયું? જ્યાં સુધી નજર દોડે ત્યાં સુધી પથરાયેલા મેદાનો અને એના પર લહેરાતું અલમસ્ત સોનેરી ઘાસ, અહીંતહીં દોડતા હરણો, પક્ષીઓની ચહલ પહલ, દરિયેથી ફૂંકાતો મંદ પવન અને બાકી નીરવ શાંતિ. કોઈ ગાડીના હોર્નનો અવાજ નહીં, રોજિંદી જિંદગીનો કોઈ કોલાહલ નહીં, બસ તમે અને કુદરત બે જ! તમે કહેશો કે એ બધુ તો ઠીક છે પણ, આના માટે તો ઠેઠ આફ્રિકા જવું પડેને? પણ જો હું એમ કહું કે, આ સ્થળ ગુજરાતમાં જ છે તો? અને કામમાંથી તમને મળેલી બે દિવસની છુટ્ટીમાં પણ તમે જઈ શકો તો? તમને વિચાર કરતાં કરી મૂક્યા ને? પણ આ ખરેખર સાચી વાત છે. આપણા ગુજરાતના જ એક સ્થળે આફ્રિકા જેવી મજા માણી શકાય છે. તો ચાલો આજે જાણીએ એ સુંદર સ્થળ વિશે.
આપણે વાત કરી રહ્યા છીએ વેળાવદરની. ભાવનગરથી ફક્ત પાંસઠ કિમીના અંતરે આવેલા, વેળાવદરમાં એક સુંદર નેશનલ પાર્ક આવેલું છે, જે 'બ્લેકબક નેશનલ પાર્ક'ના નામથી ઓળખાય છે. આ અભ્યારણ્ય ચોત્રીસ સ્કવેર કિમીના ક્ષેત્રફળમાં ફેલાયેલું છે. અહીંનું મુખ્ય આકર્ષણ છે બ્લેકબક એટલે કે કાળિયાર. આ સિવાય નીલગાય, શિયાળ, વરુ, જંગલી બિલાડી, અને હાએના જેવા અનેક પ્રાણીઓ અહીં જોવા મળે છે.
અહીંનું બીજું આકર્ષણ છે અહીં જોવા મળતા પક્ષીઓ. પેલિકન, ફ્લેમિંગો, સફેદ અને પેઈન્ટેડ સ્ટોર્ક, ત્રણ જાતના ક્રેન અને ભાગ્યે જ જોવા મળતું સ્ટોલિઝકા બુશચેટનો પણ અહીં વાસ છે. આ ઉપરાંત દુનિયામાં જવલ્લે જ જોવા મળતા પચાસ પક્ષીઓની યાદીમાં જેનું નામ છે એ લેસર ફ્લોરિકનનું અહીં બ્રીડિંગ ગ્રાઉન્ડ છે. જો તમારું નસીબ સારું હોય તો ક્યારેક તમને આ જાતિનું નર પક્ષી માદાને આકર્ષવા ઘાસ પરથી આકાશ તરફ કૂદકા મારતું જોવા મળી જાય ખરું!
આ ઉપરાંત શિયાળાની ઋતુ આવતાની સાથે હજારો હેરીઅર (ગુજરાતીમાં પટ્ટી પટાઈ) નામના પક્ષી અહીં મધ્ય યુરોપથી આવે. આ હેરીઅરની પ્રજાતિઓમાંના મોન્ટાગુ હેરીઅર આજુબાજુમાં આવેલા કપાસની ખેતી કરતાં ખેડૂતભાઈઓ માટે અત્યંત મદદરૂપ નીવડે છે. કપાસના ઊભા પાકને નુકસાન પહોંચાડનાર તીડના ટોળાંને મોટાન્ગુ હેરીઅર નષ્ટ કરે છે. તેથી પેસ્ટ કંટ્રોલનું કામ કરતાં આ હેરીઅરના આગમનની રાહ ફોટોગ્રાફર્સ અને ખેડૂત બંને જોય છે.
વર્ષ 1976માં વેળાવદરને અભ્યારણ્યનો હોદ્દો મળ્યો હતો. ત્યારથી સરકાર દ્વારા અહીં કાળિયારનું સંરક્ષણ ચાલું થયું છે. દક્ષિણ એશિયાનું આ પ્રાણી, પહેલા આખા ભારતમાં રહેતું હતું. પણ હવે એની મુખ્ય વસતી આ અભ્યારણ્ય સુધી સીમિત રહી ગઈ છે. ગુજરાતની બહાર હવે જવલ્લેજ તે જોવા મળે છે. વર્ષ 1966માં તેમની વસતી ફક્ત બસો જેટલી હતી, જે હવે વધીને 3400થી વધુ થઈ છે. વર્ષો પહેલા ભાવનગરના મહારાજાની આ જાગીર હતી. ત્યારે રાજા પોતાના ચીત્તા જોડે કાળિયારનો શિકાર કરતાં. હવે અહીં શિકાર પર પ્રતિબંધ છે અને તેથી સર્જાયેલી સાનુકૂળ પરિસ્થિતિના લીધે કાળિયારની વસતીમાં ઘણી વૃદ્ધિ થઈ છે. ભાવનગર અને અમદાવાદથી આ સ્થળ ખાસ્સું નજીક છે. અહીં રહેવા માટે પાર્કની અંદર કાળિયાર ભવન લોજ છે. પણ એમાં અગાઉથી બુકિંગ કરવું આવશ્યક છે. આ ઉપરાંત પણ એક બ્લેકબક લોજ છે, જેમાં દરેક સુવિધા ઉપલબ્ધ છે. ભાવનગરમાં રહીને પણ તમે અહીં આવી શકો છો!
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર