નેકદિલ, નિષ્કપટ અને ઉદાર લોકોનો પ્રદેશ એટલે લદ્દાખ
પાછલા ત્રણ અઠવાડિયામાં આપણે ચદર ટ્રેક અને લદ્દાખની વાતો કરી. આ લેખમાં લદ્દાખની બીજી થોડી વાતો કરીએ. આજના સમયમાં એડવેન્ચર ટુરીઝમમાં લદ્દાખ ભારતમાં મોખરે છે. યુરોપના દેશોમાંથી ઘણા ટુરીસ્ટ લદ્દાખના ઉનાળામાં અહીં આવે છે. વર્ષ 1948-1974 સુધી લદ્દાખ સમગ્ર દુનિયાથી વિખૂટું હતું. આ સમયગાળા દરમિયાન બહારના લોકોને લદ્દાખમાં પ્રવેશ નહોતો. પરંતુ 1974થી લદ્દાખમાં સરકારે ટુરીઝમ શરૂ કર્યું હતું. આ પ્રદેશને ટુરીઝમ માટે ખુલ્લો મૂકવા પાછળ સરકારનો આશય એ હતો કે લદ્દાખી યુવકો ભણતર કે નોકરી માટે લદ્દાખ છોડીને બીજે ક્યાંક વસવાટ ન કરે અને એમને એમના જ પ્રદેશમાં ટુરીઝમ મારફતે કમાણી કરવાની ઉજળી તકો મળી રહે.
ભારતનો સૌથી વધુ ઉંચાઈ ધરાવતો માનવ વસતીવાળો પ્રદેશ એટલે લદ્દાખ. ‘લાસ્ટ શંગ્રરી-લા’, ‘લિટલ તિબેટ’ ‘મૂનલેન્ડ’ કે ‘ધ લેન્ડ ઓફ ધ માયસ્ટીક લામાસ’ એવા અનેક નામોથી ઓળખાતો પ્રદેશ આ પ્રદેશ મસમોટા શાંત ભૂરા તળાવો, હાડ થીજાવનારાં પવન, ઉજ્જડ અને વિવિધ રંગે રંગાયેલી પર્વતમાળા અને દિલના સાફ તેમજ ભોળા માનવીઓનો પ્રદેશ છે.
અહીં મુખ્યત્વે બૌદ્ધ ધર્મનું પાલન થાય છે. અહીંના લોકો લદ્દાખી, પુરીગ, તિબેટીયન, હિન્દી અને અંગ્રેજી જેવી ભાષા બોલે છે. અહીંના દરેક ગામડામાં તમને બૌદ્ધ મઠ અને ગોમ્પા જોવા મળશે. બુદ્ધ પૂર્ણિમા, ડોસમોચે, ગલ્ડન નામચોટ અને લોસર નામના તહેવારો અહીં ઉજવાય છે. ડોસમોચે નામનો ઉત્સવ અહીં બે દિવસ સુધી ઉજવાય છે, જેમાં બૌદ્ધ ભિક્ષુકો દ્વારા નૃત્ય નાટિકાઓ ભજવાય છે. આ નૃત્ય નાટિકાઓનો હેતુ ભૂત-પિશાચ અને દુષ્ટ નજરને ભગાડવાનો છે. અહીં તિબેટીયન શરણાર્થીઓ પણ ઘણી મોટી સંખ્યામાં જોવા મળે છે.
જેમણે ગુગલમાં કે અખબારોમાં છપાતા લેખોમાં જ લદ્દાખ કે ત્યાંની સંસ્કૃતિ વિશે વાંચ્યુ હશે કે સંશોધન કર્યું હશે એ લોકો જો લદ્દાખી સંસ્કૃતિ કે લદ્દાખી લોકોને જાણવાનો દાવો કરતા હોય તોઓ કદાચ ખોટા ઠરી શકે છે. કારણ કે, લદ્દાખી સંસ્કૃતિ ફક્ત તેમના પરંપરાગત પોશાક, બૌદ્ધ ધર્મ કે નૃત્યશૈલી પૂરતી જ મર્યાદિત નથી. અહીંની સંસ્કૃતિ અને લોકોની એક આગવી ગરિમા, તેમના જીવન સિદ્ધાંતો, દિલદારી, નિર્દોષતા અને પવિત્રતા પણ છે, જેને અહીં આવીને એમની સાથે રહીને જ સ્પર્શી-પામી શકાય છે. આમ તો આ પ્રદેશ સમગ્ર દેશથી ઘણો દૂર હોવાથી લદ્દાખીઓના આ બધા ગુણો હજુય અકબંધ છે પણ તે છતાં અહીં પ્રવાસીઓને આકર્ષવા માટે યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કે તસવીરોમાં જે લદ્દાખ પ્રદર્શિત થાય છે એ લદ્દાખની મૂળ સંસ્કૃતિ નથી. એ તો એક આકર્ષણ માત્ર છે! લદ્દાખને માણવું હોય તો વર્ચ્યુઅલ ટુર નહીં પરંતુ અહીં રૂબરૂ આવીને રહેવું પડે!
લદ્દાખ દુનિયાનું એક માત્ર સ્થળ છે, જ્યાં તિબેટીયન બૌદ્ધ ધર્મનું અક્ષરશઃ પાલન થાય છે. અહીંના હેમિસ મ્યુઝિયમમાં અનેક દુર્લભ હસ્તકલાની વસ્તુઓ પ્રદર્શિત કરાઈ છે. અહીંથી લદ્દાખી લોકસંગીતની ડીવીડી અચૂક લેજો. ઘરે પાછા જઈએ ત્યારે આ મધૂર સૂરો તમને લદ્દાખની યાદ અપાવશે. અહીંનો શેય નામનો મહેલ ઊંચી અને કપરી ટેકરીઓ વચ્ચે છે. એનું બાંધકામ પણ અજબપણે થયું છે. મહેલના બાંધકામમાં લાકડાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. મહેલ ઉપરાંત અહીંના મકાનોની સંરચના એ રીતે તૈયાર કરવામાં આવે છે કે લાકડાને કારણે ઠંડીના દિવસોમાં ઘરની અંદરનું તાપમાન થોડેઘણે અંશે હૂંફાળુ રહે. આપત્તિકાળમાં પણ આ મકાનો વધુ ટકાઉ સાબિત થયાં છે. આ મકાનોના છાપરા વિશિષ્ટ ગૂંથણીથી તૈયાર કરયા છે. મોટા લાકડા પર નાની નાની લાકડીઓને નજીકથી બાંધીને અહીં એક સુંદર ભાત તૈયાર કરવામાં આવી છે.
લદ્દાખ આખામાં જ્યાં જુઓ ત્યાં બસ પ્રેયર ફ્લેગ્સ અને મૂર્તિઓ જ જોવા મળે. ધર્મનો અહીંની સંસ્કૃતિ પર અત્યંત પ્રભાવ છે. બંને એકબીજામાં એવા ભળી ગયા છે કે, ધર્મ અને સંસ્કૃતિને અલગ તારવવા મુશ્કેલ થઈ પડે. અહીં વસતા નાના નાના બૌદ્ધ ભિક્ષુકો સાથે વાતો કરવાની ખૂબ મજા આવે છે. તેમની આંખોમાં હંમેશાં દુનિયા વિશેનું કૌતુક અને નિર્દોષતાના દર્શન થાય છે. આઠ વર્ષની ઉંમરથી આ બાળકો ભગવા કપડા ધારણ કરીને તિબેટન લિપીમાં ધર્મનું શિક્ષણ મેળવે છે.
લેહ શહેરમાં ફરવાની મઝા પણ કંઈ ઓર છે. દરેક દુકાનમાં શાલ, ટોપી, ગરમ કપડા વગેરે વેચાય છે. એક એમ્પોરીયમના માલિકની નાનકડી દિકરીએ અત્યંત છટાથી અમને પ્યોર પશમીના અને સેમી પશમીના વચ્ચેનો તફાવત સમજાવેલો. એની છટા જોઈને અમે દંગ રહી ગયેલા! એક દુકાનમાં ફક્ત ઓર્ગેનિક વસ્તુઓ વેચાતી હતી. હવે તમે જ્યાં જાઓ તો ત્યાં લોકોના મોઢે ‘3 ઈડિયટ્સ’ ફિલ્મની વાતો સાંભળવા મળે છે. આટલા કપરા પ્રદેશમાં રહીને પણ સસ્મિત તમને ‘ઑલ ઈસ વેલ’ એમ કહે એ બીજું કોઈ નહીં પણ લદ્દાખી પ્રજા જ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર