…અને તોયે ઝંસ્કાર વહે છે

12 Jun, 2015
12:00 AM

mamta ashok

PC:

ગયા સપ્તાહે આપણે ચદર ટ્રેકની કેટલીક રોમાંચક વાતો કરી. આજે ફરી ચદર ટ્રેક વિશે થોડી વાતો કરીએ. ચદર ટ્રેક એટલે હિમાલયની દંગ કરી નાંખે એવી કઠોરતા અને સુંદરતાનો વિરોધાભાસ. ઉંચા બરફ આચ્છાદિત પહાડોની વચ્ચેથી ઝંસ્કાર નદી એનો રસ્તો કોતરીને આગળ વધે. નદી કોઈ વાર સ્લિપિંગ બ્યૂટીની જેમ થીજીને શાંત સૂતી હોય તો ક્યારેક અંગડાઈઓ લેતી એક સિન્ડ્રેલાની જેમ ઉછળકૂદ કરતી હોય. તો કોઈક વાર કોઈ ખડકાળ વિસ્તારમાં રૌદ્ર રૂપ ધારણ કરીને જાણે ધસમસતી ને ડરામણી વિષકન્યા! એવામાં 70 કિ.મી.ના હાફ ટ્રેકમાં અથવા 105 કિ.મી. લાંબા ફુલ ટ્રેકમાં તમે દરરોજ 15 થી 17 કિ.મી. અગિયારથી બાર હજાર ફીટની ઉંચાઈએ ચાલો તો બકા તકલીફ તો રહેવાની જ! પણ એ તકલીફને ગણકારે એ બીજા. આપણે નહીં. આપણે તો હિમાલયની પ્રકૃતિનું અદમ્ય સૌંદર્ય માણવાનું અને વિવિધ તકલીફોને પાર કરતા હિમાલયને હ્રદયમાં આત્મસાત કરતા આગળ વધવાનું.

ચદર ટ્રેક માટે કેટલીક ટીપ્સ :-

એક્લિમેટાઈઝ-

યાદ રાખો કે આપણે મેદાની પ્રદેશના માનવી છીએ એટલે આપણે પહાડોના વાતાવરણ સાથે ઝડપથી તાલમેલ નહીં મિલાવી શકીએ. એમાંય જ્યારે તમે ત્યાં ટ્રેકિંગ માટે જતાં હો એટલે કે થોડા શારીરિક શ્રમ માટે જતાં હો ત્યારે એક વાત અત્યંત જરૂરી છે કે, તમે ત્યાંના ઓછી અને પાતળી હવાવાળા વાતાવરણ સાથે સાયુજ્ય સાધો. આ માટે કરવું શું? તો તમારે કરવાનું માત્ર એટલું જ કે, ચદર ટ્રેકના ઓછામાં ઓછા બે દિવસ પહેલા તમારે લેહ આવી જવું, પહેલા દિવસે આવીને બસ આરામ કરો. દરિયાઈ સપાટી પરથી અચાનક જ ફ્લાઈટ દ્વારા 10,500 ફીટની ઊંચાઈ પર પહોંચતા જ ત્યાંની પાતળી હવામાં શરીરને ખૂબ જ શ્રમ પડતો હોય છે. 24 કલાકના આરામ પછી બીજે દિવસે લેહ શહેરમાં અને આજુબાજુના સુંદર બુદ્ધિસ્ટ આશ્રમોમાં ફરી આવો. પણ આ રખડપટ્ટી દરમિયાન ચાલવાનું ધીમે રાખો. કારણ કે અહીં થોડું ચાલીને પણ ખાસ્સો થાક લાગશે. મનમાં સવાલ પણ ઉદ્દભવે કે આવી પરિસ્થિતીમાં ચદરમાં કેમ ચલાશે, પણ આપણું શરીર પણ ગજબ હોય છે. તમે જોજો તો ખરા, તમારી જાણ બહાર તમારું શરીર બે ત્રણ દિવસમાં જ ત્યાંની પરિસ્થિતિ મુજબ અદ્દભુત રીતે ટેવાઈ જશે!

હાઈ ઍલ્ટિટ્યૂડ સિકનેસ

પાતળી હવાના ઓછા ઓક્સિજનને કારણે, તમને માથાનો દુઃખાવો થાય, ચક્કર આવે, ખૂબ જ થાક લાગે, ખાવાનું મન ન થાય, કે ઝાડા-ઊલ્ટીઓ પણ થઈ શકે. આને હાઈ ઍલ્ટિટ્યૂડ સિકનેસ કહેવાય. માટે ટ્રેક પર નીકળો તેના બે દિવસ પહેલાથી ડૉક્ટરની સલાહ લઈને ડાયામોક્સ દવા લેવા માંડવી. અહીં પણ આ દવા ચાલું રાખવી. ઘણીવાર બહુ સિરિયસ કેસમાં પાછા નીચલી સપાટીએ જવા સિવાય બીજો કોઈ છૂટકો નથી હોતો પણ મોટા ભાગે પહેલા દિવસે આરામ કરવાથી આ મુશ્કેલી દૂર થઈ જાય.

ખૂબ પ્રવાહી પીઓ

નમિબિયાના પ્રવાસની માહિતી આપતી વખતે અમે બે-ત્રણ વખત માદક દ્રાવણ સાથે સાંજ માણવાની સલાહ આપેલી. પણ યારો, આ હિમાલય છે અને અહીં તમે ઘણી ઉંચાઈ પર હશો. એટલે સોરી, અહીં માદક પીણા પીવા નહીં. તેમજ કેફિન યુક્ત પીણા (ચ્હા કે કોફી) પણ પહેલા બે દિવસ નહીં લો તો વધુ સારું. એક તો આમપણ આપણા ભેજા પર પહેલાથી જ ઘણા સોજા છે, માટે એને વધારો નહીં! દિવસ દરમિયાન પાંચ લીટર કે તેનાથી પણ વધારે પાણી કે અન્ય પ્રવાહી લો. આ ઊંચાઈ પર ડિહાઈડ્રેસન ખૂબ જ કોમન બીમારી છે પણ ટ્રેકિંગ દરમિયાન એ ગંભીર બની શકે. પેશાબનો રંગ જોતા રહેવું, જો વધારે પીળાશ દેખાય તો સમજવું કે તમે પાણી ઓછું પીઓ છો. એટલે પાણીની માત્રા તરત જ વધારી દેવી. ઈલેક્ટ્રલ અને ગેટોરેડ દરરોજ પાણી જોડે લેવા.

નાસ્તો

ટ્રેક પર લાઈટ અને ખૂબ જ સ્વાદિસ્ટ બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરની સુવિધા હોય છે. આ ઊંચાઈ પર અને એના હરતા ફરતા રસોડામાં સ્થાનિક મહારાજ નવાઈ પમાડે એવા વ્યંજનો બનાવતા હોય છે. પણ તમે ટ્રેક કરતા હો ત્યારે બેગમાં ડ્રાયફ્રૂટ્સ, ચોકલેટ, એનર્જી બાર્સ જોડે રાખો. ઓહ યસ, થેપલા અને ખાખરા તો જોઈએ જ!

તાલમેલ 

ટ્રેક પર એક સહજ લયથી ચાલતા રહેવું. પહેલા બે દિવસ જરા વધારે થાક લાગશે, પણ આપણું શરીર એક આશ્ચર્યકારક મશીન છે અને આવી વિષમ પિરસ્થિતિઓમાં પણ તે અત્યંત જલદીથી ગજબનું તાલમેલ મેળવી લે છે! બસ ટેક ઈટ ઈઝી!

કચરો જરા પણ નહીં

આ સૂચના શરમજનક રીતે આપણે માત્ર ભારતીયોને જ આપવી પડે. આટલી નૈસર્ગિક સૌંદર્યતાને જો કોઈ અભડાવતું હોય તો એ માત્ર આપણા ઈન્ડિયન્સની જ્યાં ને ત્યાં કચરો નાખવાની કુટેવ જ છે. આથી ટ્રેકિંગ દરમિયાન એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આપણાથી ભૂલમાં પણ ત્યાં કચરો નાંખવાની ભૂલ ન થાય. આપણો પ્રવાસ કે આપણી મજા ત્યાંના સ્થાનિકો કે પ્રકૃતિ માટે હાનિકારક નીવડવી જોઈએ નહીં. પ્રકૃતિને ખલેલ પહોંચાડવાનો આપણને કોઈએ અધિકાર આપ્યો નથી. શું કહ્યું? ધ્યાન રાખશોને આ બાબતનું?

હા, ચદર ટ્રેક પર તમે જ્યારે ચાલતા હો ત્યારે તમારી આસપાસનું ભવ્ય સૌંદર્ય તો માણતા જ હો છો. પણ આ સમયે ખરેખર તો તમે તમારી ખૂદની સાથે રહી એકાંત માણો છો. તમે તમારા મફલર વિટાળેલા મુખમાં જ અથડાતા ભીના શ્વાસોચ્છ્વાસને સાંભળતા વિચારતા હો છો તમારી હમણાં સુધી વીતેલી જિંદગી વિશે અને હવે ટ્રેકની જેમ જ આગળ વધતા જીવનમાં આગળ શું થશે એના વિશે, તમારી આસપાસના લોકો વિશે ચીજ-વસ્તુઓ અને તમારી અતૃપ્ત ઈચ્છાઓ વિશે. મગજ કંઈ બંધ થાય વળી? અચાનક જ તમે અટકી જાઓ. આસપાસના પહાડોની સ્થિતપ્રજ્ઞતા માણો. આગળ સૂર્યના કિરણોથી ઝળહળીત ખીણ અને શાંત નદીને જોઈને તમે એકલા જ સ્મિત કરતા ઊભા રહીને વિચારો કે તમે પોતે જ તમારી જાતેની કેટલી સરસ કંપની છો! મન થાય તો બેધડક ટાગોરનું ‘એકલા ચાલો રે…’ ગાઈ લેજો. જોજો તમારામાં જાણે કોઈ ઊર્જાનો સંચાર થશે.

તો ચાલો હવે બીજા ફોટોગ્રાફ્સ જોઈએ.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.