થીજેલી નદી પર રોમાંચક ટ્રેકિંગનો આનંદ
જમ્મુ-કાશ્મીરના લદ્દાખ વિસ્તારમાં આવેલી ઝંસ્કાર નદી શિયાળાના બેથી ત્રણ મહિના બરફથી એવી રીતે થીજી જાય કે શિયાળામાં ત્યાં પહોંચતા માણસને જાણ સુદ્ધાં ન હોય કે એ બાપડો જ્યાં ફરે છે એ જમીનનો ટુકડો નહીં પરંતુ નદી છે. શિયાળામાં ઝંસ્કાર ખીણના બધા રસ્તાઓ પણ બંધ થઈ જવાના કારણે આ આખો પ્રદેશ દેશથી એકદમ વિખૂટો પડી જાય. આવા સમયે ઝંસ્કાર ખીણમાં પથરાયેલા ગામના લોકો આ થીજેલી નદી પર 70 થી 100 કિ.મી. ચાલીને લેહ પહોંચીને જીવન નિર્વાહ માટેનો સામાન લાવવા બે થી ત્રણ વાર અવર-જવર કરે. સમગ્રતઃ હિમથી ઢંકાયેલી ઝંસ્કાર નદી સફેદ ધરતીના વિશાળ બિછાના પર પાથરેલી ચદર જેવી જ દેખાય. આ કારણે જ એ રસ્તાનું નામ પણ ‘ચદર’ પડ્યું. સદીઓથી ઝંસ્કારીઓનો આ રસ્તો આજે ચદર ટ્રેકના નામે પણ પ્રચલિત છે, જે હિમાલય અને કદાચ સમગ્ર વિશ્વના ટ્રેકિંગ આલમનો સૌથી ગ્લેમરસ ટ્રેક છે.
આમ તો ચદર ટ્રેક ટ્રેકિંગની દૃષ્ટિએ અઘરી નહીં કહી શકાય પણ તો ય એમાં કઠણાઈઓ તો ખરી જ. આ ચદર ટ્રેકના બે પ્રકાર છે - પહેલી જે વધારે પોપ્યુલર છે તે હાફ ચદર ટ્રેક અને બીજી ફુલ ચદર ટ્રેક.
આ બંને ટ્રેક લેહથી 70 કિ.મી. દૂર 10,400 ફૂટની ઉંચાઈએ આવેલા ચિલીંગ ગામથી શરૂ થાય. હાફ ટ્રેક નેરકપુલ્લુ કેમ્પ અથવા લિંગશેડ ગામ સુધી પથરાયેલી છે, જેને સમાપ્ત કરીને કરીને પાછા આવતા 6-8 દિવસ થાય. જ્યારે ફૂલ ચદર ટ્રેકમાં છેક પદમ(12,900 ફૂટ) સુધી વિસ્તરેલી છે. આ ટ્રેકિંગ પૂરું કરતા 15થી 17 દિવસ થાય.
આ ટ્રેક પર ટ્રેકિંગ કરતી વખતે થોડી ઘણી મુસ્કેલી જરૂર પડે પરંતુ હિમાલયના શિયાળાની બરછટ ભવ્યતા માણવી હોય તો આનાથી ઉત્તમ કશું નથી. અહીં દિવસના તડકામાં પારો -10 સેલ્સિયસ અને રાતના ગાત્રો થિજાવી દેતું -25 થી -30 સેલ્સિયસ રહેતું હોય છે! વળી ઝંસ્કાર નદી કોઈ જગ્યાએ થીજીને સોલિડ બરફ હોય, તો કોઈ જગ્યાએ ખળખળ વહેતી હોય. નદી ઘણી જગ્યાએ એક મસમોટી કોતરમાંથી ધસમસતી હોય. તો ક્યારેક તમારે માત્ર બે ફૂટની પહોળાઈ ધરાવતા બરફ પર ચાલવું પડે! અહીં તમારો પગ જરા સરખો લપસ્યો તો ગયા ઠંડી નદીમાં. અહીં કોઈ વાર ઊંચી ભેખડો પરથી ચાલીને જવું પડે, તો કોઈ વાર વહેતી નદીમાંથી પણ પસાર થવું પડે.
ચદર ટ્રેક માટેની તૈયારીઓ
ચદર ટ્રેક કરવા માટે ઘણી ટ્રેકિંગ કંપનીઓના વિકલ્પ ઉપ્લબ્ધ છે. આ માટે તમારે પ્રતિષ્ઠીત કંપનીઓનો વેબ દ્વારા 6 મહિના કે વર્ષ પહેલા સંપર્ક કરવો. આ ટ્રેકિંગ કંપનીઓ પાસે અનુભવી ગાઈડ્સ, રસોઈયા અને ખાસ્સી સંખ્યામાં પોર્ટર્સ હોય છે. ચદર ટ્રેકનો વ્યક્તિગત ખર્ચ આશરે 21,000 થાય. વળી, શિયાળામાં જમીન માર્ગ બંધ હોવાથી ફ્લાઈટ જ લેવી પડે એનો ખર્ચ વધારાનો. લેહમાં હોટેલ પણ ટ્રેક કંપનીઓ બુક કરી આપે. પણ જો તમને સારી હોટેલ જોઈતી હોય તો એ તમારે અલગથી બુક કરવી જોઈએ.
કપડા : આ કકડતી ઠંડીમાં કપડાનું લેયરીંગ કરવું ખૂબ જરૂરી. દિવસે તમે બેગ લઈને ટ્રેક કરતા હો તો તમે 2 થી 3 લેયર કપડા પહેર્યા હોય તો ચાલે પણ સાંજ પડતાં પાંચ લેયરની જરૂર પડે. ચદર ટ્રેક માટે તમારે નીચે મુજબની તૈયારી કરવી જરૂરી છે.
+ વુલન ફુલ સ્લીવના ટોપ એન્ડ બોટમ ઈનર થર્મલ્સ (કોટનના નહીં)
+ ફુલ સ્લીવ ટી-શર્ટસ
+ ટ્રેક પેન્ટસ
+ થિક વુલન સ્વેટર અને ફ્લિશ જેકેટ
+ ડાઉન્સ જેકેટ
+ હેન્ડ ગ્લવ્સ. અંદર માટે વુલનના પાતળા અને એની ઉપર સ્નો અને વોટર પ્રફુ ગ્લવ્સ
+ વુલન સોક્સ (2 પહેરવા)
+ સારા ટ્રેકિંગ શૂઝ અને બીજા ગમ બૂટ લેહમાંથી જ ખરીદો.
+ યુવી પ્રોટેકશન વાળા સન ગ્લાસીસ
+ મન્કી કેપ/ મફલર
હવે એક વાત ધ્યાનથી સાંભળો કે આ કડકડતી ઠંડીમાં ટેન્ટમાં રહેતા હોય ત્યારે ટ્રેક પર સ્નાન કરવું શક્ય જ નથી! માટે વેટ ટિસ્યૂ, ટેલકમ પાવડર, ડિયો સ્પ્રેથી જ ચાલવાનું! બીજું ટૂથપેસ્ટ, સનસ્ક્રીન અને ક્રિમ જેવી વસ્તુઓ તો થિજીને લાકડું થઈ જશે! ધર્મપત્ની કે ગર્લફ્રેન્ડ જોડે નહીં હોય તો વાંધો નહીં આવવો જોઈએ! પણ હા સ્લીપિંગ બેગમાં જરાયે કાચુ નહીં કાપતા નહીં તો મારા જેવા હાલ થશે.(વાંચો આગલા ફોટોગ્રાફ્સ જોડે) સ્લીપિંગ બેગનું રેટીંગ -25 સેલ્સિયસ છે કે નહીં એ ખાસ તપાસવું. આ ઉપરાંત એક ટ્રેકિંગ સ્ટીક તેમજ હેડ લેમ્પ અને એક ટોર્ચ પણ સાથે રાખવી.
ફિટનેશ - આ ઉંચાઈ પર હવા ખાસ્સી પાતળી હોવાને કારણે સારી ફિટનેશ હોવી ખૂબ જ જરૂરી છે. આથી ટ્રેકના 6 મહિના પહેલાથી જ રનિંગ વેઈટ ટ્રેનિંગ ચાલુ કરી દેવી. આ ટ્રેક પર જતા હોય તો એકાદ ડૉક્ટર દોસ્તને પણ જો જોડે ફોસલાવી પટાવીને લઈ જાઓ તો સારું. કારણ કે, એક વાર તમારો ચદર પર ટ્રેક ચાલુ હોય એટલે બહારની દુનિયા જોડે સંપર્ક એકદમ નહીંવત બરાબર થઈ જાય. નહીં કોઈ ફોન કે નહીં ઈલેક્ટ્રીસિટી. એટલે જ કોઈ મેડિકલ ઈમરજન્સી ઉદ્દભવી તો એક ડૉક્ટરનું જોડે હોવું ખૂબ જ જરૂરી છે. અમે સુરતના દસ દોસ્તો ગયેલા, જેમાં 4 ફ્રેન્ડ્સ ડૉક્ટર હતા! એટલે દરરોજ સાંજ પડે એટલે બધા પોર્ટર કંઈ ને કંઈ વ્યાધિ લઈને લાઈનમાં ઊભા રહી જતાં!
ઝંસ્કારીઓના સદ્દનસીબે અને ટ્રેકર્સના બદનસીબે નદીની ઉપર હવે એક પદમ સુધી જતો નવો રોડ બની રહ્યો છે. એ થોડા વર્ષોમાં બની જશે અને જે ચદરનો અભેદ શિયાળાનો કિલ્લો હતો એ ખૂલી જશે અને ચદર ટ્રેકનો રોમાંચ ઘટી જશે. એટલે જ અમે સલાહ આપીએ છીએ કે, જલદી કરો અને જઈ આવો એક વાર ચદર ટ્રેક પર.
તો ચાલો થોડા ચદર ટ્રેકના ફોટોગ્રાફ્સ જોઈએ અને કેટલીક અંતરંગ વાતો કરીએ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર