પાણી પર વસેલું આ નગર જોવા જેવું છે
કેમ છો મિત્રો? ઓળખાણ પડી કે? ઘણા સમય પછી આપણે મળી રહ્યા છીએ એટલે કદાચ ઓળખાણ ન પણ પડે. ઘણા દિવસો પછી મળ્યાં છીએ તો ક્યાંક અમારાથી રિસાઈ તો નથી ગયાને? જોકે એક વાત નક્કી છે કે ભલે અમે ઘણા દિવસો પછી આવ્યા હોઈએ પરંતુ અવનવા પ્રવાસો કરીને તમારા માટે અમે જાતજાતની વાતો અને ભાતભાતના ફોટોગ્રાફ્સ લઈ આવ્યા છીએ, જેને આગળના પ્રકરણોમાં રજૂ કરીશું ત્યારે તમારી સઘળી ફરિયાદો દૂર થઈ જશે.
ખૈર, તમને યાદ હોય તો આપણો કંબોડિયાનો પ્રવાસ અધૂરો રહી ગયેલો, જે પૂરો કર્યા વિના બીજા કોઈ પ્રવાસની વાત તો કેમ થાય? એટલે આ પ્રકરણમાં આપણે કંબોડિયાના અધૂરા પ્રવાસથી જ આપણી વાતનો તંત સાધીએ અને કંબોડિયાના અન્ય કેટલાક સ્થળો વિશેની રસપ્રદ માહિતી મેળવીએ.
કંબોડિયા જઈને ઍંગ્કોરવાટ સુધી તમે પહોંચ્યા હો તો ત્યાંથી સોળ કિલોમીટર દૂર આવેલું કોમપોંગ ફલુક નામનું ગામ જોવા અચૂક જવું. આ ગામની વિશિષ્ટતા એ કે, આ ગામ, સ્થળ એટલે કે જમીન પર નહીં પરંતુ જળ પર વસ્યુ છે. ત્યાં પહોંચવા માટે ઍંગ્કોરવાટથી ટેક્સી કરીને ટોનલે સેપ નામના સરોવર સુધી પહોંચવું પડે અને પછી ત્યાંથી હોડી કરીને કોમપોંગ ફલુક પહોંચવું પડે.
તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ પાણી પર વસેલા આ ગામમાં ત્રણેક હજાર લોકોની વસતી છે, જ્યાં ખ્મેર જાતિના માછીમારો સરોવરની વચ્ચે ત્રીસેક ફૂટની ઉંચાઈના ઘરો બાંધીને વસવાટ કરે છે અને વિપુલ માત્રામાં માછીમારી કરે છે. આ નગર એટલું બધુ અદભુત છે કે, અહીં પાણીની ઉપર લોકોના ઘર ઉપરાંત દુકાનો, હોસ્પિટલ અને શાળાઓ પણ આવેલી છે.
કોમપોંગ ફલુક નગરના ઘરોની સંરચના પણ અત્યંત અદભુત હોય. ચારેક ગાળાના એ ઘરોમાં દરવાજા ક્યાંય જોવા નહીં મળે. વળી, પાણી પર વસવાટ હોવાને કારણે ત્યાંના લોકો પોતાના ઘરોમાં ઝાઝુ રાચરચીલું કે ઘર સામગ્રી પણ વધુ નથી રાખતા. આ તો ઠીક આ ઘરોમાં વીજળી અથવા જીવન જરૂરીયાતની કેટલીક પ્રાથમિક બાબતોનો પણ અભાવ જોવા મળે. પરંતુ અહીં વસતા લોકો એમના જીવનના તમામ અભાવોને અતિક્રમી ગયા છે, જેના પગલે જ એમના ચહેરા પર સતત સ્મિત દેખાય છે. ત્યાં જઈને જ્યાં જોશો ત્યાં તમને જીવન દેખાશે, જ્યાં પુખ્ય વયના લોકો પોતાના કામમાંથી આનંદ મેળવતા દેખાશે તો નાના ટાબરિયાં વગર કપડે પાણીમાં ધુબાકા મારતા, ધમાલ કરતા કે હોળીઓ હંકારીને સ્કૂલે જતાં દેખાશે. લોકજીવનની સાથે આ નગરનો સૂર્યાસ્ત પણ માણવા જેવો છે.
સીમ રીપથી કંબોડિયાની રાજધાની નોમ પેંહ ત્રણસો કિલોમીટરના અંતરે આવેલી છે. સીમ રીપથી નોમ પેંહ પહોંચવું હોય તો તમને ખરા અર્થમાં પસીનો નીકળી જાય. કારણ કે, અહીંના રસ્તા અત્યંત ખરાબ છે, જેના પર નજીવું અંતર કાપતા પણ કલાકો નીકળી જાય. નેમ પેંહ પહોંચવા માટે સીમ રીપથી ફ્લાઈટ અને મોટર બોટ પણ મળે છે. જોકે એર કંબોડિયાનો બહુ ભરોસો નથી હોતો. ત્યાંની ફ્લાઈટ્સની ધરપત માત્ર એટલી જ કે એ તમને વાહન માર્ગ કરતા થોડી જલદી નેમ પેંહ પહોંચાડશે.
નેમ પેંહના વિરોધાભાષી ચિત્ર વિશે અમે પહેલા પણ લખી ગયા છીએ કે, અહીં એક તરફ ગરીબી, અપૂરતા શિક્ષણ અને ચોરી-લૂંટફાટનું સામ્રાજ્ય છે તો બીજી તરફ અહીં સોના-ચાંદી અને ઝવેરાતોથી છલકાતા રાજમહેલો છે. વળી, અહીંનો રક્ત રંજિત ઈતિહાસ પણ આપણને આશ્ચર્ય પમાડે એવો છે. જોકે એ વિશેની બધી વાતો આપણે આગલા પ્રકરણમાં કરી જ છે એટલે અહીં ફરી પુનરાવર્તનનો કોઈ અવકાશ નથી. તો ચાલો હવે માણીએ કંબોડિયાના બીજા કેટલાક ફોટોગ્રાફ્સ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર