આપણે પણ અઘોરી છીએ!
તમે ક્યારેય હાથીઓના કબ્રસ્તાન વિશે સાભળ્યું છે? હાથી જ્યારે એના છેલ્લા પગ પર હોય ત્યારે હાથી એક ખાસ અલાયદી રાખેલી એકાંત જગ્યાએ જાય કે જ્યાં એના છેલ્લો સમય પૂરા સન્માનથી અને ગૌરવથી વિતાવી શકે. બસ, કાશીનું મરણ હિંદુઓ માટે આવું જ સ્થાન ધરાવે છે. શહેરની વચ્ચે જ આવેલા મણિકર્ણિકા અને રાજા હરીશચંદ્ર ઘાટ પર દરરોજ હજારો અંતિમ સંસ્કાર અને અસ્થિઓ ગંગામૈયામાં વિસર્જિત કરવામાં આવે. તેમના આત્માને મોક્ષ મળે કે નહીં એ તો કોઈ જાણતું નથી પણ દર વર્ષે બીજા ૩૦૦૦ શબો અને બીજાં ૬૦૦૦ મરેલાં પ્રાણીઓને અગ્નિદાહ વગર જ ગંગામૈયામાં એમ જ વહાવી દેવામાં આવે છે. તમે આ બધાંથી એકદમ અલિપ્ત અને બેધ્યાન થઈને આ ઘાટોને લગોલગ જ પવિત્ર થવા ડૂબકી લગાવતા હો. આ ઉપરાંત આપણી સૌથી ગૌરવવંતી નદીમાં દરરોજ કરોડો લિટર ઔદ્યોગિક અને સુવરેજ પણ બેરોકટોક ઠલવાય છે, જ્યાં સુધી આ બંધ નહિ થાય ત્યાં સુધી રામ તેરી ગંગા મેલી હો ગઈ ગીત જ ગાવું પડશે. હમણાં જ ગ્રીન ટ્રિબ્યુનલે આની નોંધ લીધી છે અને ઉત્તર પ્રદેશ શાસનની બરાબર ઝાટકણી કાઢી છે, જોઈએ હવે શું થાય છે?
વારાણસીના ઘાટો એક ફોટોગ્રાફરની જબરદસ્ત ડિલાઇટ છે જ્યાં પણ જાઓ, તમને એટલા બધા ફોટોજેનિક ચહેરા અને એટલી જ એમની વાતો અને વાર્તાઓ. જ્યાં નજર પડે ત્યાં સાધુઓ, તપસ્વીઓ અને શ્રદ્ઘાળુઓ. મારું એક ખાસ કુતૂહલ અઘોરી સાધુઓના ફોટોગ્રાફ્સ અને વાતોમાં હતું અને એને માટે દરરોજ રાતના મોડેથી મણિકર્ણિકા અને રાજા હરીશચંદ્ર ઘાટનાં સ્મશાનમાં ચંડાળો સાથે ખાસ્સો સમય ગાળતો. ત્યાં અગ્નિદાહના ફોટોગ્રાફ્સ લેવાનું યોગ્ય ન લાગ્યું એટલે ન લીધા. અઘોરીઓ વિશે ઘણું મેં વાંચેલું અને યુ ટ્યૂબ પર તેમના ઘણાં વીડિયો પણ જોયેલાં એટલે એક જાતની ઘૃણા અને ડર હતો, તેમ છતાં પારાવાર કુતૂહલ હતું. એક કિનારામાં આશ્રય લઈને શહેરમાં પડાવ હતો, ત્યાં પણ રાતનાં ચક્કર લગાવ્યાં પણ એકેય અઘોરી ન મળ્યો. આખરે છેલ્લા દિવસે ઘાટ પર એક અઘોરી મળ્યો એની જોડે વાતો કરી અને ચા પણ પીધી, એની વાત પાછળ ફોટોગાફ્સ જોડે વાંચજો.
વારાણસી જાઓ ત્યારે તુલસીઘાટ પર ખાસ જજો. તુલસીદાસજીએ "શ્રી રામચરિતમાનસ" ૧૬મી સદીમાં અહીં બેસીને લખેલું. અહીં એક મંદિર અને તુલસી અખાડામાં દેશી કુસ્તી અને દેશી વ્યાયામ શીખવવામાં આવે છે, તે ખાસ જોજો.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર