પધારો મ્હારે દેશ રે...!
વાચક મિત્રો પૂર્વ બે સપ્તાહમાં આપણે જોધપુર શહેરના બ્લ્યુ ઘરો, મેહરાનગઢ કિલ્લો અને જશવંત થડા વિશેની વાતો કરી. રાજસ્થાનના રાજા રજવાડા, તેમના યુદ્ધ, તેમના મહેલો, તેમની જાહોજલાલીની ગાથા અને ભવ્યતા દરેક શહેરમાં સમાયેલી છે. તેથી આ વાતો સંપૂર્ણપણે વર્ણવાનો પ્રયાસ માત્ર કરી શકાય. આજે આપણે વાતો કરીએ એવા જ એક ભવ્ય મહેલ ઉમેદ ભવનની, જોધપુરના શોપિંગ અને તેના સ્વાદિષ્ટ વ્યંજનોની તથા જોધપુરની નજીક આવેલા મંદોર ગાર્ડન, ઓસિયામાતાનું મંદિર અને જોધપુરની નજીકનાં રણની.
સલમાન ખાનની બહેન અર્પિતાના લગ્ન ખૂબ રંગેચંગે જે ભવ્ય મહેલમાં થયા હતા એ મહેલ એટલે ઉમેદ ભવન પેલેસ. આ પેલેસનો 70% ટકા ભાગ ટાટા ગ્રુપ હેઠળ એક પંચ તારક હોટેલ તરીકે વપરાય છે, 20% હિસ્સો રાજવી કુટુંબના રહેઠાણ માટે અલાયદો રખાયો છે અને બાકીનો ભાગ મારા તમારા જેવા ટુરિસ્ટ સવારે 9 થી 5માં મુલાકાત લઈ શકે એવો મ્યુઝિયમ અને વિન્ટેજ કારનો વિભાગ છે. આ હોટેલનું ટેરિફ પણ બહુ ઊંચું છે. તેથી અહીં રહેવું હોય તો વિજય માલ્યા જેવી બેંક લોન લઈને પરત નહીં કરવી હોય તો જ રહેવું!
હા, પણ તમારે ડિનર લેવું હોય તો આગળથી બુકિંગ કરાવીને, કવર ચાર્જ ભરીને ત્યાં જઈ શકો છો. અમે જ્યારે ડિનર માટે પૂછ્યું ત્યારે લગભગ વ્યક્તિ દીઠ 2000 રૂપિયા કિંમત હતી. ત્યાં ડિનર લેવું કે નહીં એમ વિચાર કરતાં અમે રિક્ષામાં ત્યાં પહોચ્યાં અને રિક્ષા જોઈને ત્યાંના ગાર્ડ્સે બહુ સારો પ્રતિભાવ તો નહીં આપ્યો, પરંતુ થોડું અચકાઈને એમણે અમને અંદર જવા દીધા ખરા. જોકે આગળથી રિઝર્વેશન કરાવ્યું ન હોવાથી અમને એન્ટ્રી નહીં મળી એટલે અમે વિલે મોઢે પાછાં વળ્યા.
જોકે જમવા કરતા સંધ્યાકાળે ઝગમગતા આ મહેલને કેમેરામાં કંડારવાની તક હાથમાંથી સરી ગઈ એનું દુખ વધારે થયું. રિક્ષાવાળા ભાઈને પણ અમારા પડેલા મોઢાં જોઈને દયા આવી હશે તે, એમણે મહેલની પાછળ આવેલા કાચા રસ્તા પર રિક્ષા વાળી અને આ સપ્તાહનો કવર શૉટ જે છે તે અમે ત્યાં લીધો.
રાજસ્થાનની વાતો હોય અને ત્યાંની સ્વાદિષ્ટ વાનગીઓનો ઉલ્લેખ ન હોય તો કેમ ચાલે? જોધપુરના મીરચી વડા અને કાજુ સમોસા ખૂબ વખણાય છે. ઘંટાઘર પાસે આવેલ 'શાહી સમોસા ઘર'માં આ આઈટમ મળશે. આ દુકાનમાં બેસવાની કોઈ વ્યવસ્થા નથી, પણ એ એટલી લોકપ્રિય જગ્યા છે કે કોઈ પણ સમયે તમને આ દુકાનની બહાર પોતાના નંબરની રાહ જોતાં લોકોના ટોળાં દેખાય. બીજું આવું સ્થળ છે 'જનતા સ્વીટ હોમ'. અહીંની મલાઈ લસ્સી અને મટકા રસમલાઈ ખૂબ પ્રખ્યાત છે. રાજસ્થાનની વાનગીઓની વાતો થતી હોય ત્યારે દાળ બાટી કેમ વીસરાય? 'ભવાની દાલ બાટી રેસ્ટોરન્ટ'ની એકદમ મસ્ત દાલબાટી ચાખ્યા વગર તો જોધપુરની ટ્રીપ જ અધૂરી રહી જાય.
અને આવા રંગીલા સ્થળેથી શોપિંગ તો કરવું જ પડે ને? અહીં રંગબેરંગી જોધપુરી મોજડી, સ્કાર્ફ, શાલ, ટાઈ એન્ડ ડાઈ, બંધેજ અને લેહેરિયાની અવનવી સાડી તેમજ ડ્રેસ મટિરિયલ અત્યંત આકર્ષક રંગોમાં જોવા મળે. બજારમાં ચાલતા વિદેશીઓ ભેગા આપણને પણ શું લઉં અને શું નહીં લઉં એમ ચોક્કસ થાય, એવું આકર્ષક અહીંનું કલેક્શન. તો આ થઈ જોધપુર શહેરની વાતો. પણ જોધપુરની આજુબાજુ પણ ઘણા જોવા લાયક સ્થળો છે.
જોધપુરથી ડેસર્ટ સફારી માણવા જવું હોય તો સૌથી નજીક આવેલી ડેસર્ટ કેમ્પ સાઈટ છે ઓસિયાન ડ્યુન રિસોર્ટ અને કેમ્પ. જોધપુરથી 65કી.મી.ના અંતરે ઓસિયામાતાનું મંદિર આવેલું છે. નવમી સદીમાં બંધાયેલું આ મંદિર જૈનોનું તીર્થ સ્થાન ગણાય છે. ઊંટ પર બિરાજમાન થઈને ટુરિસ્ટ્સ અહીં રણમાં સફારીનો આનંદ લે છે.
જોધપુરથી 150 કી.મી.ના અંતરે ઉત્તરમાં ખીચન નામનું સ્થળ છે. તમે જો પક્ષી પ્રેમી હો તો આ સ્થળની જરૂર મુલાકાત લેજો. 20,0000થી વધુ ડેમોઝલ ક્રેન્સ દર વર્ષે ઓગસ્ટ માસમાં અહીં આવે છે અને માર્ચ સુધી રાજસ્થાનની મેહમાનગતિ માણે છે.
જોધપુરથી 9 કી.મી. દૂર છે મંદોર ગાર્ડન નામનું પર્યટન સ્થળ. સ્થાનિક લોકો પણ અહીંની સુંદરતા અને લીલોતરીના કારણે આકર્ષાય છે. તો આ ગાર્ડનની છત્રીઓ, મંદિરો અને જૂનો કિલ્લો પણ માણવા જેવો છે.
તો કેસરિયા બાલમ પધારો મ્હારે દેશ અને જુઓ આ અલગારી નગરીના થોડાં બીજા ફોટોગ્રાફ્સ...
ઉમેદ ભવનઃ જોધપુરથી થોડું છેટું પણ શહેરની યશ કલગી
મંદોર ગાર્ડન
ઓસિયાના સેન્ડ ડ્યૂન્સ
રણ વચાળે જીવન
જોધપુરની ફરતે કિલ્લાની કોટ
જૂનાં શહેરની ગલીઓ
ઘંટા ઘર પાસે મોજડીઓ અને લેધરવેર વેચતો અને સતત કવિતા રટતો વેપારી
જોધપુરી મોજડીઓનું સુંદર અને સસ્તું શોપિંગ સેન્ટર
ઘર સજાવટ માટે કંઈ ખરીદી કરશો?
જોધપુરી કચોરી અને આમલીની ચટણી… સ્લર્રપ… બોલો મોઢાંમાં પાણી આવ્યુંને?
જોધપુરથી સાંને ઘણી ખમ્મા! પધારો મારે દેશ!
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર