ભર શિયાળામાં લદ્દાખની સફર

19 Jun, 2015
12:00 AM

mamta ashok

PC:

ભારતમાં ઓક્ટોબર મહિનાની શરૂઆત થાય ત્યારથી જ અહીં ઠંડીની શરૂઆત થાય. ડિસેમ્બર મહિનો આવતા સુધીમાં તો શિયાળો અહીં બરાબર જામે. અહીંનો શિયાળો એવો હોય છે કે, બે એક મહિના બાદ તો અહીંના લોકો સૂર્યની ઝંખના કરતા થઈ જાય. શિયાળો શરૂ થતાં જ હિમાલયની પર્વતમાળા નવા બરફથી આચ્છાદિત થઈ જાય. ધીરે ધીરે આ બરફ ઘરોના છાપરા પર પણ છવાઈ જાય અને ત્યાંના લીલા ખેતરો પણ સફેદ બરફથી ઢંકાઈ જાય. દુનિયાના સૌથી ઊંચા મોટરેબલ રોડ્સ અને ઘાટ લદ્દાખમાં છે. કાશ્મીરને મનાલીથી જોડતો ઘાટ પણ બરફવર્ષાના કારણે બે-ત્રણ મહિના સુધી બંધ થઈ જતો હોય છે અને લદ્દાખ આખા દેશથી અટૂલું પડી જતું હોય છે. આવા કપરા સંજોગોમાં જીવન ચોક્કસ જ મુશ્કેલ બનતું હોય છે. પણ આ વીર લદ્દાખીઓ તેમના રોજિંદા જીવનના દરેક કાર્યો કઠીન થઈ જતાં હોવા છતાં ખૂબ જ ખમીર અને ખંતથી લડી લે છે. બધા લોકો ગરમ બુખારીની આજુબાજુ બેસીને પરિવારજનોની હૂંફમાં સાથે સમય વીતાવે છે અને સાથે જ ઊનના કપડા બનાવવા, નવા ગોન્ચા (ગાઉન) બનાવવા, જેવા કામો કરતા રહે છે.

દુનિયામાં અજોડ એવા અહીંના પેનગોંગ અને સોમોરિરીના તળાવ પણ થીજી જાય છે. સમગ્ર પ્રદેશમાં બરફ પડવાને કારણે અહીં પીવાનું પાણી પણ ઘણી મુશ્કેલીથી મળે છે. પાણી જેવું જમીન પર પડે કે તરત થીજી જાય છે. એવા સમયે ગરમ પાણીથી નહાવાનું તો દિવાસ્વપ્ન જેવું લાગે. અહીંનો શિયાળો કપરો જ નહીં પરંતુ ખાસ્સો લાંબો પણ હોય છે. જોકે અહીં ભલે બર્ફિલા રસ્તાઓ હોય કે ઠરી ગયેલી નદીઓ હોય પણ અહીંના લોકો ખૂબ જ ‘હૂંફાળા' હોય છે! જેઓ તમને જ્યાં પણ જાઓ ત્યાં સ્મિત વેરતા ‘જુલે’ કહીને તમારું અભિવાદન કરે.

લદ્દાખમાં ઘણા તહેવારો શિયાળામાં જ મનાવાય છે. લામાઓ દ્વારા થતો છામ ડાન્સ આમાંનો એક છે. દેશ-વિદેશથી ઘણા પર્યટકો આ સમયે અહીં આવે છે એનું કારણ આ પ્રદેશની નૈસર્ગિક સુંદરતા છે. અહીં ફરવા માટેની અગત્યની ટિપ્સ પાછળ વાંચવી. આ પ્રદેશ ચીન અને પાકિસ્તાન બોર્ડરથી ખૂબ જ નજીક છે માટે અહીં તમને સતત આર્મીની હાજરી વર્તાશે. અહીં ઘણા હોટ સ્પોટ્સ જોવા માટે પણ આર્મીના પરમીશન લેટરની જરૂર પડે છે, જે તમારે લેહની DC ઓફિસથી મેળવવાનો હોય છે.

ક્યાં રહેશો :
શિયાળામાં લદ્દાખમાં ઘણી હોટલ્સ અને ગેસ્ટહાઉસ બંધ થઈ જતા હોય છે. આ કારણે અમે પહેલા બે દિવસ શાંતિ ગેસ્ટ હાઉસમાં રહ્યા. આમ તો એ ગેસ્ટહાઉસ બધી રીતે સરસ હતું પણ અહીંનું સેન્ટ્રલ હિટીંગ રાત્રે બંધ કરી દેવામાં આવે છે, આ તો ઠીક અહીં ગરમ પાણી પણ નહીં મળે! માટે તમે જ્યાં પણ બુકિંગ કરાવો, ત્યાં આ બે જરૂરિયાતો વિશે ખાસ કન્ફોર્મ કરી લેવું. ચદર ટ્રેક કરીને અમે હોટલ ગ્રાન્ટ ડ્રેગનમાં રહ્યા હતા. હોટેલ સોકાર પણ સારી. આ બંને અપસ્કેલ હોટલ્સ પણ વિન્ટરમાં ખાલી રહેતી હોવાથી તમને ઘણા ડિસ્કાઉન્ટ રેટ્સ પર મળી જાય.

રેસ્ટોરન્ટ્સ :
વિન્ટરમાં હોટેલ્સની જેમ મોટાભાગની રેસ્ટોરન્ટ પણ બંધ થઈ જતી હોય છે. લદ્દાખમાં આપણે ધ્યાન રાખવું પડશે કે આપણે 10,000 ફૂટ ઊપર એક રણ વચ્ચે હોઈએ છીએ. શિયાળામાં આ વિસ્તારમાં ખાસ કોઈ શાકભાજી ઊગે નહીં, માટે ખાવામાં અહીં બહુ વરણાગી કરવી નહીં. વળી, જો તમે ઉત્સાહી ટ્રાવેલર્સ હો તો ત્યાંનો સ્થાનિક આહાર ખાસ આરોગવો. અહીં ઘણી તિબેટિયન રેસ્ટોરન્ટ્સ વિન્ટરમાં ખુલ્લી હોય. ત્યાંનો ખોરાક પણ ત્યાંના લોકો જેવો સાદો, સરળ અને હેલ્ધી હોય છે. ‘થુકપા’ નામનો લદ્દાખીઓનો સ્ટેપલ ફૂડ જેવો શૂપ ખાસ ટ્રાય કરવો. ઘઉંના લોટ અને નૂડલ્સથી બનાવેલા આ શૂપ જોડે વેજ અથવા મટન ‘મોમોઝ’ ખાવાની મજા જ કંઈ ઓર હોય છે. સ્કુ અને થમ્બીર જે અહીંની લોકલ બ્રેડ છે, જેને અહીંના પ્રખ્યાત એપ્રીકોટ જામ સાથે ખાવાની ઘણી મઝા આવે. અને લદ્દાખ જાઓ તો ‘ગુરગુર ચાય’ પીવાનું રખે ચૂકતા. કે જે યાકના દૂધ અને લોકલ મસાલાઓથી બનતી હોય છે. આ ઉપરાંત ‘કાશ્મીરી કાવા’ પણ ખાસ ટ્રાય કરવો. નોર્થ ઈન્ડિયન સ્નેક્સ કે થાળી ખાવી હોય તો લેહ માર્કેટમાં નેહા સ્વીટ્સમાં જવું. હા, જો કે નેહાના નામને કારણે નહીં, પણ એના પ્રખ્યાત સમોસા, છોલે ભટૂરે અને ગુલાબ જાંબુને કારણે તમને ત્યાં જવાની સલાહ આપીએ છીએ! ‘બોન એપેટીટ’ નામની એક તિબેટીયન રેસ્ટોરાં પણ અહીં હાજર છે. તમારે ઓથેન્ટિક તિબેટિયન વાનગીઓ આરોગવી હોય તો ત્યાં ખાસ જવું.

કઈ જગ્યાઓ જોશો :
શિયાળામાં મનાલી અને શ્રીનગરના ઘાટ બંધ હોવા છતાં, અંદરના રોડ્સ ખુલ્લા હોવાથી ટેક્સી કરીને તમે બધે ફરી શકો છો. જો કે નુબ્રા વેલી, પેનગોંગ અને સોમોરિરીના તળાવ જાઓ એ પહેલા અહીંના રસ્તા ખુલ્લા છે કે નહીં તેમજ ત્યાંનું વાતાવતણ કેવું રહેશે એ વિશેની જાણકારી ત્યાંના સ્થાનિક લોકો પાસે લઈને જ નીકળવું.

  • પહેલો દિવસ - આગલા લેખોમાં કહ્યું એમ એક દિવસ સદંતર આરામ કરીને નીકળશો તો તમે લદ્દાખની મજા માણી શકશો, નહીં તો 'હાઈ ઍલ્ટિટ્યૂડ સિકનેસ’માં માથું પકડીને ઊંચા ઘાટો પર ઊલ્ટીઓ કરતા નરમ ઘેંસ થઈ રહેશો. એટલે સૌથી પહેલા ત્યાંના વાતાવરણ સાથે સાયુજ્ય સાધો, ત્યાં થોડો આરામ કરો અને સાંજના સમયે નજીકમાં લટાર મારો.
  • બીજો દિવસ - લેહ સિટીમાં ફરો. શાંતિ સ્તૂપ, હોલ ઓફ ફેઈમ, લેહ પેલેસ, શેમો કેસલ અને નંમગ્યલ ગોમ્પા જુઓ. સાંજે અને રાત્રે પાછા શાંતિ સ્તૂપ જોવા અને બર્ફિલા પર્વતો અને તારલાઓ વચ્ચે સોનેરી લેહ અને ઝળહળતું આકાશ જોવું.
  • ત્રીજો દિવસ - ટેક્સી કરીને શામ વેલીની ટૂર કરો - અલ્ચી, બાસ્ગો, મેગ્નેટિક હિલ્સ, નિમ્મું ઉપર રહીને ઈન્ડસ અને ઝંસ્કારનો સંગમ નિહાળો. જો તમે ચદર ટ્રેક નહીં કરવાના હો તો ચિલિંગ ગામડે પણ ચક્કર મારવું અને ઠરેલી ઝંસ્કારના દર્શન તો કરવા જ અને બની શકે તો અડધો કલાક આ સૌથી અદ્દભુત ટ્રેક પર ચાલી પણ આવવું. રાત લેહમાં ગાળવી.
  • ચોથો દિવસ - લેહ- ખરદુંગ લા- ડિસ્કીટ - હુંડર. નુબ્રા વેલી તરફ પ્રયાણ કરો. રાત હુંડર કે ડિસ્કીટમાં ગાળવી. રસ્તામાં સૌથી ઊંચા મોટરલેબલ ખરડુંગળા પાસ (18,380 ફૂટ) પર આર્મી સ્ટોપ પર મફત ચા કે શૂપ પીવું. ત્યાં 15 મિનિટથી વધુ ઊભા રહેવું નહીં.
  • પાંચમો દિવસ - હુંડર- ડિસ્કીટ- સમર- પનામિક- ખરડુંગળા- લેહ. સુમુરમાં એક સુંદર મોનેસ્ટ્રી છે, જ્યારે પનામિકમાં ગરમ પાણીના કૂંડ છે. રાત પાછી લેહમાં.
  • છઠ્ઠો દિવસ - લેહથી પેનગોંગ તળાવ- અદ્દભુત થીજી ગયેલા પેનગોંગ પર તમે દોડી પણ શકો. અરે તમારી ટેક્સી પણ ચલાવો! શિયાળામાં અહીં રહેવાની વ્યવસ્થા ન હોવાથી, 34 કિ.મી. દૂર આવેલા ટેંગ્સ્ટેમાં રહો. અમે એક ઈન્ડિયન આર્મીના એક રિટાયર્ડ એલ્ટિટ્યૂડ કોમ્બેટ ટ્રેનેરના ઘરે રાત રોકાયા હતા.
  • સાતમો દિવસ - હેમિસ, થિકસે અને શેય મોનેસ્ટ્રીઝ જોતા પાછા લેહ પહોંચો.
  • આઠમો દિવસ - ફ્લાઈટ ટુ દિલ્હી.

તો આવો લદ્દાખના થોડા ફોટોગ્રાફ્સ જોઈએ.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.