કચ્છના જાણતલ જત
ગયા સપ્તાહે આપણે કચ્છનાં મેઘવાળ લોકોની થોડી વાતો કરી. આ વખતે કચ્છનાં ‘જત’ લોકોની વાતો કરીએ. કચ્છના રણમાં તમે સફર કરતા હો અને ઉજ્જડ વેરાન રણમાં તમને જો છૂટા છવાયા ઝૂંપડા દેખાય તો એ ‘જત’ લોકોના ઘર હોવાની સંભાવના વધુ છે. સદીઓ પહેલાં તેઓ આજના પાકિસ્તાનનાં સિંધ પ્રદેશમાંથી આવેલા. આજે પણ એમના વંશનાં લોકો સિંધમાં બ્લુચી જત તરીકે ઓળખાય. આ બંને સમૂહો પાંચસો વર્ષ પહેલાં ઈરાનનાં હલાફ વિસ્તારથી નીકળીને એમનાં ઢોર માટે નવાં ઘાસચારા માટે નવા પ્રદેશો શોધતા સિંધ અને પછી કચ્છ પહોચ્યાં. જત લોકો સુન્ની મુસ્લિમ ધર્મ પાળે. આ લોકોમાં પણા પાછા ત્રણ સમૂહો જોવા મળેઃ એક ધનેતા જત, કે જેઓ બન્ની વિસ્તારમાં ઢોર ઢાંખર સાચવે, બીઅ ગિરાસીયા જત, જેઓ કાંઠા વિસ્તારમાં ખેતી કરે અને ત્રીજા ફકિરાણી જત, જેઓ પણ કચ્છનાં કાંઠા પ્રદેશમાં જોવા મળે. આ ત્રણેયમાં ફકિરાણીઓ બાકીની કમ્યુનિટી કરતાં પોતાને ઉપલા વર્ણનાં ગણે! કદાચ તેઓ કુરાનનો ઘણો અભ્યાસ કરે એના કારણે પણ એવું હોઈ શકે. વળી, આ જત લોકો, રાજસ્થાન- હરિયાણાનાં ‘જાટ’ લોકો કરતા અલગ હંકે!
આ માલધારી સમૂહ કચ્છને એક અલગ જ રંગ આપે છે. ઢોર-ઢાંખર અને દૂધનો વ્યવસાય કરતાં જત લોકો ગરીબથી સાધારણ સ્થિતિનાં ખરા પણ એમનાં ચહેરા પર સિંધ પ્રદેશનું એક અજબ તેજ અને સ્વમાન તરી આવે.
જત લોકોના પુરુષો તમને ખાવડા મેઈન રોડ પર ઢગલો જોવા મળે. બીજા કચ્છીઓથી તેઓ તેમની છ ફૂટની ઊંચાઈ, પડછંદ બાંધા, અને અણીયાળા ફીચર્સથી અલગજ તરી આવે. તેઓ બધાએ મ્યુટેડ કલરનાં પઠાણી ડ્રેસ પણ કોન્ટ્રાસિંગ રંગના ફૂલો વાળા ખેસ પહેર્યા હોય. એમની બેસવાની રીત પણ ઘણી ટિપિકલ. એક જ દીવાલ ઉપર પંદર વીસ જત જાણે પદ્માસન કરતા કંટાળી ગયા હોય તેમ ઘૂંટણ ઉપર કરીને ખેસ પીઠ પરથી સેરવીને આખું શરીર ટૂંટિયું વાળીને બાંધ્યું હોય.
ખાવડા પર અમે ફોટોગ્રાફ્સ પાડવા કારમાંથી ઉતર્યા. અમારા ખભે મોટા કેમેરા અને સાથે અમેરિકન ગોરા સાહેબ સ્ટીવ. બસ બધી સૂરમાં આંજેલી તેજ જત આંખો ચૂપકીદીથી અમે દોસ્ત છે કે દુશ્મન તે નક્કી કરતાં અમને નીરખી રહી. એક કોટ પહેરેલ જત ભાઈની બીજા લોકોએ એમના સરપંચ તરીકે ઓળખાણ કરાવી. હાથ મેળવ્યા તો મીઠાથી ફાટેલી ખરબચડી હથેળી અને સૂકાયેલી માટીથી લીપાયેલ વણધોયેલી આંગળીઓએ તમે સૂકા ભઠ્ઠ રણ પ્રદેશમાં છો, એની ફર્સ્ટ હેન્ડ ઇન્ફર્મેશન આપી. માટીનો શેક હેન્ડ પણ જાણે લિટમસ ટેસ્ટ! સામેની વ્યક્તિની ઉષ્મા કે સૂગ માપી લે અને કરડાકીથી ઝીણી થયેલી આંખો રીલેક્સ થઈ હસવા માંડી. એમણે પૂછ્યું કે ક્યાંથી આવ્યા? અને પછી તો પૂરા દુધની મસાલા વગરની ચ્હા અમને પીવડાવી. અમારી ઈચ્છાને માન આપીને બધા એ હોંશેહોંશે પોઝ આપ્યા અને ફોટોગ્રાફ્સ પડાવ્યા.
અહીંથી અમને અમારા કલ્ચર તજજ્ઞ મનિષાબેન રાજપૂત ખાવડા ગામમાં એક ખૂબ જ હોશિયાર માટી કલાકાર સારાબેન ઈબ્રાહિમને ત્યાં લઈ ગયા. એમના દીકરાઓ પણ આ આ કલામાં નિપુણ અમને માટીમાંથી કઈ રીતે તેઓ સુંદર ભૂંગા, થાળીઓ અને ડેકોરેશનની ચીજો બનાવે એનો ડેમો આપ્યો. ઈન્ટરનેટના માધ્યમથી પોતાની કળાને દેશ વિદેશમાં પહોંચાડનારા આ ગામડાના કલાકારોને જોઈને અમને આનંદ અને આશ્ચર્ય બંને થયાં.
ચાકડા પર માટીનાં સુંદર ઘડા બનાવનાર આ કચ્છીઓને દેશ અને વિદેશમાં પોતાની કળા એમની નાનકડી ઓફિસમાંથી વેબ દ્વારા આખા દેશ અને વિદેશમાં વેચતા જોઈ આશ્ચર્ય અને આનંદ પણ થયો. કચ્છની વિષમ પરિસ્થિતી સામે આ સબળ પ્રજાની લડાઈ માણતાં અમે બીજા ગામ જવા નીકળ્યા.
એ ગામની વાતો કરીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી અચીજા! (કચ્છીમાં આવજો!)
આ બન્ની ગ્રાસલેન્ડ કહેવાય! ત્યાંના જત લોકો અહીં ઢોર-ઢાંખર અને દૂધ-ઘીનો વ્યાપાર કરે.
[caption id="attachment_76666" align="alignnone" width="1920"] khabarchhe.com[/caption]રણમાં ઝઝૂમતાં જત અને એમનાં પ્રાણીઓ
[caption id="attachment_76665" align="alignnone" width="1920"] khabarchhe.com[/caption]જત પુરુષોની બેસવાની અનોખી શૈલી
સામાન્ય કચ્છી પ્રજા કરતા કંઈક નોખી કદકાઠી ધરાવતા જત
[caption id="attachment_76663" align="alignnone" width="1920"] khabarchhe.com[/caption]જત સમુદાયનાં સરપંચ
[caption id="attachment_76662" align="alignnone" width="1920"] khabarchhe.com[/caption]જત લોકો આમ દેખાય કરડાકી ભર્યા, પણ જરા વાતચીત થાય એટલે ખડખડાટ હસે
રણની સામે ટક્કર લેતી જતની સુરમા આંજેલી તેજીલી આંખો
[caption id="attachment_76660" align="alignnone" width="1920"] khabarchhe.com[/caption]મુખ પર કરડાકી પણ મિજાજ પ્રિન્ટેડ ખેસ જેવો જ મૃદુ!
રણમાં રેતીનું તોફાન, પણ સ્ટીવ ગુલ્ડ ફોટોગ્રાફર એમ ફોટો તક થોડી જવા દે! હા અમે પણ નહીં! :)
[caption id="attachment_76670" align="alignnone" width="1920"] khabarchhe.com[/caption]સારા બેન ઈબ્રાહિમ એમની માટી કળામાં ઓતપ્રોત
[caption id="attachment_76669" align="alignnone" width="1920"] khabarchhe.com[/caption]ચાકડા પર માટીનાં સુંદર ઘડા બનાવનાર આ કચ્છીઓ દેશ અને વિદેશમાં ઈન્ટરનેટના માધ્યમથી પોતાની કળા પહોંચાડે છે.
[caption id="attachment_76668" align="alignnone" width="1920"] khabarchhe.com[/caption]સારા બેન ઈબ્રાહિમના માટીકામનાં સુંદર નમૂના
[caption id="attachment_76667" align="alignnone" width="1920"] khabarchhe.com[/caption]પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર