યેલોસ્ટોન નેશનલ પાર્કનો માયાવી વિસ્તાર
ગયે અઠવાડિયે આપણે યેલોસ્ટોન નેશનલ પાર્કની થોડી મુખ્ય વાતો કરી. આ વખતે એના સૌથી પોપ્યુલર એવા ઓલ્ડ ફેઇથફુલ ગાઈઝર (કવર ફોટોગ્રાફ જુઓ) અને અપર બેઝિન વિસ્તારની વાતો કરીએ. મેપમાં જુઓ તો યેલોસ્ટોન પાર્કની રચના ગણિતના ફિગર '8' આકારમાં બનાવવામાં આવી છે. એમાં બતાવ્યું છે એમ, તમે પાંચ અલગ દિશાઓ અને ગેટથી આ પાર્કમાં પ્રવેશી શકો. અમે દક્ષિણ દિશામાંથી ગ્રાન્ડ ટિટોન પાર્કથી આવતા હતા એટલે સાઉથ ગેટથી દાખલ થયા. એક વોર્નિંગ… તમે પાર્કમાં અગર જૂનથી સપ્ટેમ્બર મહિનામાં જાઓ તો ખાસ્સાં મોટા ટોળામાં ફરવા તૈયાર રહેજો! કારણ કે, અહીં ચાળીસ લાખ પર્યટકો દર વર્ષે આવતા હોય છે, જેમાંના 85% ટકા લોકોનું કીડિયારું આ ચાર મહિનામાં જ ઉભરાતું હોય છે. અમે ઓક્ટોબરનાં પહેલા અઠવાડિયામાં ત્યાં ગયેલા. ત્યારેય અમને ત્યાં લોકો તો જોવા મળેલા, જોકે મેળા જેવો માહોલ તો નહોતો જ.
યેલોસ્ટોનમાં રહેવા માટે કેમ્પીંગ અને ઘણી હોટેલો છે, પણ જો સૌથી સૌથી સુંદર જગ્યાએ રહેવું હોય તો એ છે ઓલ્ડ ફેઇથફુલ ગાઈઝર અને એને અડીને જ આવેલું ઓલ્ડ ફેઇથફુલ ઇન. વર્ષ 1903માં લોગવુડ અને પથ્થરોથી બનાવવામાં આવેલી આ હોટેલ, અમેરિકાના 50 સૌથી સુંદર ઐતિહાસિક મકાનોમાંનું એક છે. તમે હોટેલ ગાઈડ જોડે એક ગાઈડેડ ટુર જરૂર લેજો, જે તમને હોટેલની વિશેષતાઓ વિશે જણાવશે, જેમકે વર્ષ 1959મા એક મોટા ધરતીકંપે હોટેલનું ઘણું નુકસાન કર્યું. વળી પાછી 1988માં નોર્થ ફોર્ક ફાયરે પણ એને કરવાની ધમકી આપી હતી પણ હિંમતવાન ફાયર ફાઈટરો, ત્યાંના લોકો અને આગલે વર્ષે જ ઇન્સ્ટોલ થયેલી સ્પ્રીન્ક્લર સિસ્ટમે એને ભસ્મીભૂત થતાં બચાવી લીધી.
અપર ગાઈઝર બેઝિનનો ફક્ત બે સ્ક્વેર માઈલનો વ્યાપ પણ આખી દુનિયામાં સૌથી વધુ ગાઈઝર પણ અહીં જ છે, જેની સંખ્યા લગભગ 150 જેટલી છે. ઓલ્ડ ફેઇથફુલ ગાઈઝર જેવા ઘણાં ગાઈઝરો ખૂબ જ ભવ્ય અને જોવાલાયક. વળી, પાછા તે ક્યારે વરાળ અને ગરમ પાણીથી ભભૂકવાના હોય તે માટે ઘણા પ્રિડિક્ટેબલ! વિઝિટર સેન્ટર અને ઓલ્ડ ફેઇથફુલ ઈનમાં રીતસરના એમનાં ઈરપશનનાં ટાઈમટેબલ લખેલા હોય, ભાગ્યે જ પાંચ દસ મિનિટ આમતેમ થાય! કાશ સૌના શ્રીમતીજીઓ પણ ભભૂકવા બાબતે એટલા જ પ્રિડિક્ટેબલ હોત!
ઓલ્ડ ફેઇથફુલ ગાઈઝર દર સીતેર કે એંસી મિનિટે બેથી પાંચ મિનિટ એક્ટિવ થાય અને સવાસો ફૂટ ઉપર સુધી ચારથી આઠ હજાર ગેલન ગરમ પાણી અને વરાળનો ફુવારો છોડે. બધા લોકોને આ ગાઈઝરથી સલામત અંતરે બેસીને માણવા માટે બેન્ચની વ્યવસ્થા પણ ખરી.
એક બીજો સ્ટનિંગ ગાઈઝર બોર્ડવોલ્કથી અને ઓલ્ડ ફેઇથફુલ ઇનથી થોડે જ છેટો, જેનું નામ કેસલ ગાઈઝર. કેસલ ગાઈઝરનો કોન બાર ફૂટ ઉંચો અને આખા વિસ્તારમાં એ સૌથી ઊંચો. એ પણ હંમેશાં ક્રોધિત મુદ્રામાં જ દેખાય, પણ ખૂબ જ ફોટોજેનિક.
ગાઈઝરો સિવાય અહીં તમને ખૂબ જ સુંદર એવા થર્મલ ફીચર્સ જોવા મળે. મોર્નિંગ ગ્લોરી પુલ કદાચ સૌથી સુંદર. ખાસા ગરમ પાણીમાં પણ જીવિત રહી શકે એવા રંગીન બેક્ટેરિયાના સમુહોને કારણે ખૂબ જ વિસ્મયકારક એવા થર્મલ પુલો તમને ઠેરઠેર જોવા મળે. બધા ફીચર્સ અને ગાઈઝરોના નકશા તમને મફત પ્રિન્ટ રૂપે અને બોર્ડ વોલ્ક પર પણ જડ્યા હોય.
આખો અપર ગાઈઝર બેઝિન વિસ્તાર સારી રીતે જોવો અને ફોટોગ્રાફ કરવો હોય તો બે દિવસ જોઈએ. હા ખૂબ વહેલા ઊઠીને રાતના મોડે સુધી ચાલવા અને ફોટોગ્રાફી કરવા તૈયાર રહેજો. કારણ કે આખી પૃથ્વી પર આટલા નાના બે માઈલના વ્યાસમાં સુંદરતાથી ભરેલું નૈસર્ગિક સૌંદર્ય તમને ક્યાંય જોવા નહીં મળે.
તો આવો આ અપર ગાઈઝર બેઝિનનાં થોડાં ફોટોગ્રાફ્સ જોઈએ અને આવતે અઠવાડિયે મળીએ ત્યાં સુધી ટેલી હો!
વર્ષ 1903મા લોગવુડ અને પથ્થરોથી બનેલી ઓલ્ડ ફેઇથફુલ ઇન હોટેલ
'ઓલ્ડ ફેઇથફુલ ઇન'ની અંદર 500 મેટ્રિક ટન અને 85 ફૂટ ઉંચી ફાયર પ્લેસ
ઓલ્ડ ફેઇથફુલ ગાઈઝરને તમે દિવસ દરમિયાન કોઈ પણ સમયે જોઈ શકો, પણ સૂર્યોદય પહેલાં ફોટોગ્રાફી કરવાની એક અનેરી જ મજા છે.
ઓલ્ડ ફેઇથફુલ ગાઈઝર ગોલ્ડન આવર્સમાં
અપર ગાઈઝર બેઝિન જ્યાં ધરતી અને આકાશ વચ્ચે વરાળ -વાદળોનું કાયમ દ્વંદ્વ ચાલું જ રહે છે.
મોર્નિંગ ગ્લોરી પુલ
હાર્ટ સ્પ્રીંગ અને પાછળ કેસલ ગાઈઝર
કેસલ ગાઈઝર
કલરફુલ પુલ
અને આ છે સુરતી લારી પરના એક ગરમ તવા પર બગડેલી હાફ ફ્રાય
અપર ગાઈઝર બેઝિન પર અમેરિકન બાઇસન
યેલોસ્ટોનનો જાદુઈ પટ
ઓલ્ડ ફેઇથફુલ ગાઈઝર રાતના સમયે
પેટાળની ખદબદને કારણે કોનિફર વૃક્ષો જડમૂળથી ઉખડીને આમ પડેલા જોવા મળે. પણ કુદરત પણ અજીબ છે, જ્યાં એક વૃક્ષ પડે ત્યાં જ પાછળ બીજું ઉગવા માંડે!
યેલોસ્ટોનના અપર ગાઈઝર બેઝિનથી ટેલી હો!
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર