ઠંડા આઈસલેન્ડની અવનવી દુનિયા

01 Jan, 2016
12:00 AM

mamta ashok

PC:

શિયાળામાં આઈસલેન્ડને માણવાના અનેરા આનંદના અનુભવ વિશે જેટલું લખીએ એટલું ઓછું પડે એવું છે. આપણે ત્યાં ઉત્તર ભારત તરફ જઈએ અને જેમ ઠંડીનો એહસાસ વધતો જાય તેમ પૂર્વ આઈસલેન્ડ છોડીને ઉત્તર તરફ જાઓ એટલે ચોમેર બરફના ડુંગરા દેખાવા માંડે. લગભગ બપોરના બે વાગ્યા હશે પણ તોયે પરોઢિયે સાડા છ થયાં હોય એવું જ અજવાળું હતું. બરફવર્ષા જોર પકડવા માંડી હતી અને સુસવાટાભેર પવન સાથે બરફ પડતો હતો. રોડની એક બાજુ ઊંચી હતી અને ત્યાંથી બરફ પડીને બીજી બાજુ પ્રસરી જતો હતો. પણ અમે જેમ આગળ વધતા હતા એમ દૂરનું ઓછું દેખાવા માંડ્યુ હતું. રસ્તાની બંને બાજુના પીળા થાંભલાથી રસ્તાની મર્યાદા ખબર પડતી હતી. બાકી બધુ જ હિમાછાદિત!

આગળ વધતા ગયા એમ ધીમે ધીમે વાહનોની અવરજવર પણ ઓછી થવા માંડી અને અડધો કલાકની સફર પછી માંડ એકાદ ગાડી દેખાઈ. કોઈ કોઈ જગ્યાએ રસ્તા પર ગાડી પાર્ક કરીને બંદૂક લઈ શિકાર કરવા ગયેલા લોકો પહાડ પર દૂરથી નજર પડે. થોડી વારે અમને એક મોટી ટ્રક દેખાઈ. એની પાસે પહોંચ્યાં ત્યારે જાણ્યું કે આ સ્નો ક્લીયરિંગ ટ્રક છે. એમ કરતાં અમે મિવોટ પોહોચ્યાં. 2300 વર્ષ પેહલા પૃથ્વીના પેટાળમાં થયેલા વિસ્ફોટના લીધે લેક મિવોટની ઉત્પત્તિ થઈ હતી. ઉનાળામાં આ સ્થળ માઈગ્રેટરી પક્ષીઓના કલરવથી ગુંજી ઊઠે છે. શિયાળામાં અહીં એક માત્ર કાળો કાગડો, જેને ત્યાં રેવન કહવાય છે એ ત્યાં નજરે ચઢે. અમારા પ્રવાસ દરમિયાન એક જ હોટેલ ચાલુ હતી. તેની સામે એક નાની રેસ્ટોરાં હતી, જેમાં ઓર્ડર કરવાનું હતું નહીં, જે હોય એ ખાઈ લેવાનું હતું.

રાત્રે જમીને અરોરા બોરેયાલિસના રિપોર્ટ જોયા પણ આકાશમાં કોઈ એક્ટીવિટી હતી નહીં. એટલે અમે અમારા ફોટોગ્રાફ્સને કોમ્પ્યુટરમાં કોપી કરવા બેસી ગયા. સવારે ઊઠીને જોયું તો કાર બરફમાં દટાઈ ગયેલી હતી. અમારે તો દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ થઈ અને હોટલમાંથી પાવડો લઈને સ્નો ખસેડયો. કારનો દરવાજો ફ્રિઝ થઈ ગયેલો હતો તેથી ખૂલ્યો નહીં એટલે અમારે એંટીક્રિઝ સ્પ્રેનો ઉપયોગ કરવો પડ્યો, જેની મદદથી દરવાજો ખૂલ્યો.

સૌથી પહેલા અમે નમસ્કાર્દ નામના જીઓલોજિકલ એરિયામાં ગયા. ત્યાં ઘૂંટણથી ઉપર સુધી બરફ હતો. પણ ક્ષિતિજમાં ખૂબ જ સુંદર આછો કેસરી રંગ હતો, જેને કારણે અમને અતિ સુંદર તસવીરો કંડારવા મળી. આજુબાજુ બધે બરફ અને વચ્ચે વચ્ચે ગરમ ધુમાડા! એટલે અમને તો ભાવતું હતું ને વૈધે કીધું જેવું થયું. ગરમી મળી જવાને કારણે અમે થોડી તસવીર ખેંચીએ અને ફરી ધુમાડા પાસે જઈને હાથ શેકીને બેસી જઈએ.

ત્યાંથી થોડા આગળ નીકળીને અમે ડિમ્મુબોરગીરના લાવાયુક્ત વિસ્તાર તરફ ગયા. ક્યાંથી જમીન ફાટે અને ક્યાંથી સરોવર શરૂ થાય એની જ ખબર નહોતી પડતી. ઘણી જગ્યાએ બરફ આચ્છાદિત ક્રિસમસ ટ્રી હતા. સર્વત્ર સફેદ અને લીલા ઝાડ ઘણા સુંદર લાગતા હતા.

સાંજ થતાં એટલે કે બપોરે બે વાગ્યાંને સુમારે અમે મિવોટમાં આવેલા ગરમ પાણીના હોજ પર ગયા. એને બ્લૂ લગૂન ઓફ ધ નોર્થ પણ કેહવાય છે. બહારનું તાપમાન -10 ડિગ્રી અને પાણીનું તાપમાન 40 ડિગ્રી હતું. ત્યાંનું વાતાવરણ એટલુ અદભુત હતું કે બે કલાક સુધી કોઈ પાણીમાંથી બહાર નીકળવાનું નામ નહોતું લેતું. પણ હા, શરીર બરાબર પાણીમાં શેકાઈ જાઈ પછી થોડી સેકંડ માટે આજુબાજુના બરફના ઢગલા પર બેસી આવતા. વળી પાછા ગરમ પાણીમાં દોડો ત્યારે હજારો સોય શરીરે ભોંકાતી હોય એવો એહસાસ થાય.

તો આવો અહીનાં થોડા ફોટોગ્રાફસ જોઈએ

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.